પતિ પત્ની અને પ્રેત - 7 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - 7

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

રેતાએ રોડ પર ચમકતી વસ્તુ જોઇ. તેને લાગ્યું કે એ કાચના ટુકડા છે. સૂર્યના કિરણો તેના પર પડી રહ્યા હતા. એ કાચ કોઇ અકસ્માતમાં પડ્યા હોય શકે. તેણે કારને રોડની બાજુ પર લેવા કહ્યું. રોડ બહુ સાંકડો હતો. બંને તરફથી વાહનોની અવરજવર થતી હતી. ડ્રાઇવરે થોડે દૂર જઇ એક જગ્યાએ મુશ્કેલીથી કારને અડધી રોડ પર અને અડધી રોડની બાજુની કાચી જગ્યામાં પાર્ક કરી. તેણે બંનેને રોડ તરફ જ ઉતરવા તાકીદ કરી. બીજી બાજુ ઊંડી ખાઇ હતી. રેતા અને રિલોક કારમાંથી ઉતરીને કાચ પડ્યા હતા ત્યાં પહોંચ્યા. એક ટ્રક આવી એટલે તેની નજીક જતાં અટકી ગયા.

રેતા બોલી:"રિલોક, આ કોઇ અકસ્માતમાં વાહનને થયેલ ટક્કર પછી પડેલા કાચ દેખાય છે. ક્યાંક વિરેનની કારને તો આવો અકસ્માત થયો નહીં હોય ને?"

"ભાભી, બની શકે છે. આપણે આશા રાખીએ કે આ અકસ્માત વિરેનની કારનો ના હોય..."

બંનેએ નજીક જઇ કાચ પર નજર નાખી. વાહનોની સતત અવરજવરને લીધે મોટાભાગના કાચના ટુકડાનો ભૂક્કો થઇ ગયો હતો. તેમણે આજુબાજુ નજર નાખી.

રેતાની નજર એક ખૂણામાં પડેલી કેટલીક વસ્તુઓ પર પડી. એ વસ્તુઓ એમની કારની જણાતી ન હતી. એ કોઇ મોટા વાહનના આગળના ભાગના નંબરપ્લેટ સાથેના તૂટેલા ગાર્ડની હતી. અકસ્માતને કારણે નંબરપ્લેટ વળી ગઇ હતી અને ગાર્ડના ત્રણ ટુકડા થઇ ગયા હતા. વળી ગયેલી નંબરપ્લેટને થોડી સીધી કરી જોઇ. નંબર અજાણ્યો હતો. રેતાને રાહત થઇ. રેતાએ રિલોકને એ બધી જ વસ્તુઓ લઇ લેવા કહ્યું. રેતાએ કહ્યું કે આ વસ્તુઓ મદદરૂપ થઇ શકે છે. રિલોકે એ વસ્તુઓ લઇને કારમાં મૂકી દીધી. રેતા ત્યાં ઊભી રહીને ચારે બાજુ જોવા લાગી. બધી જ બાજુ ઘાટી હતી. નીચે સુધી જોઇ ના શકાય એટલું ઊંડાણ હતું. તેણે એક પથ્થર નાખ્યો. એક જ ક્ષણમાં તે નીચે જતાં અલોપ થઇ ગયો. નીચેના વિશાળ વૃક્ષો નાના છોડ જેવા દેખાતા હતા. ભયાનક રસ્તો હતો. કોઇ નીચે ગબડે તો તેને શોધવા ઉતરી શકાય એમ ન હતું. એક અમંગળ કલ્પનાથી રેતા ધ્રૂજી ઊઠી. તે કંઇક વિચારીને કારમાં આવીને બેસી ગઇ અને રિલોકને પૂછીને ડ્રાઇવરને નજીકની આરટીઓ ઓફિસ પર લઇ જવા કહ્યું.

તારાગઢની આરટીઓ ઓફિસ ઘણી દૂર હતી. આખા રસ્તે રેતા કંઇ જ બોલી નહીં. તે વિરેન હેમખેમ હોય એવી પ્રાર્થના કરતી રહી.

આરટીઓ ઓફિસ પર પહોંચી રેતાએ રોડ પરથી મળેલી નંબરપ્લેટ કયા વાહનની છે એની તપાસ કરવા રિલોકને કહ્યું. રિલોકે અંદર જઇ કંપનીની ઓળખ આપી મદદ કરવા કહ્યું. એક કર્મચારીએ વેબસાઇટ ખોલી. એમાં રિલોકે આપેલો નંબર નાખી શોધ કરીને કહ્યું કે આ કોઇ ટેમ્પોનો નંબર છે. તે શીવલાલ નામની વ્યક્તિના નામ પર નોંધાયેલો છે. રિલોકે એનું સરનામું લીધું અને રેતા પાસે આવ્યો. રિલોકને ખ્યાલ આવી ગયો કે રેતાની ગણતરી એવી છે કે આ વાહન સાથે વિરેનની કારનો અકસ્માત થયો હોય શકે. પણ સ્થળ ઉપર કારના અકસ્માતના કોઇ પુરાવા દેખાયા ન હતા. આ નંબરપ્લેટ બહુ મદદરૂપ બની શકે એવી લાગતી ન હતી. રિલોકે રેતાને માહિતી આપી. રેતાએ તરત જ એ ટેમ્પોના માલિકના ઘરે કાર લઇ જવા કહ્યું. સદનસીબે એ સ્થાનિક ટેમ્પો હતો. તેનું ઘર નજીકમાં જ હતું. એ ઘરે જ મળી ગયો.

રેતાએ જ પૂછપરછ શરૂ કરી:"ભાઇ, તમારા ટેમ્પોને અકસ્માત થયો હતો?"

"ના, કેમ શું થયું છે?" શીવલાલ અચાનક કોઇએ અકસ્માત વિશે પૂછ્યું એટલે ગભરાયો હતો.

"જો ભાઇ, જૂઠું ના બોલીશ. કોઇના જીવનો સવાલ છે. તારા ટેમ્પો સાથે કોઇ કારનો અકસ્માત થયો હતો?" રેતાએ સીધું જ પૂછી લીધું.

"હા..." કહી પેલો નીચું જોઇ ગયો.

રેતાના દિલમાં ફાળ પડી. "કયા રંગની કાર હતી? એનું શું થયું?"

"લાલ રંગની હતી અને અકસ્માત પછી ઊંડી ખાઇમાં પડી ગઇ. એક મોટો ધડાકો થયો એમાં કાર સળગી ગઇ...." શીવલાલ કબૂલાત કરતો હોય એમ બોલ્યો.

રેતા માથું પકડીને બેસી ગઇ. તે રડવા લાગી. વિરેનને ગુમાવી દીધો હોવાનો રંજ તેના દિલને આંચકો આપી રહ્યો હતો. તે બેભાન થવાની તૈયારીમાં હતી. એ જોઇ શીવલાલ બોલ્યો:"બહેન, બહેન..કારમાં હતા એ ભાઇ જીવે છે..."

રેતાએ એને વિરેનનો ફોટો બતાવ્યો. તેણે માથું ધૂણાવી કહ્યું:"બહેન, આ જ ભાઇ હતા..."

શીવલાલની વાત સાંભળી રેતાના જીવમાં જીવ આવ્યો. તેની આંખોમાંના આંસુ રોકાઇ ગયા. રિલોકની આંખમાં પણ ખુશીના બે આંસુ આવી ગયા.

રેતા આંસુ લૂછતા બોલી:"ભાઇ, મારા પતિ ક્યાં છે?"

શીવલાલ છોભીલો પડી બોલ્યો:"એમને નજીકના એક દવાખાનામાં દાખલ કરી હું છટકી આવ્યો હતો...મને માફ કરો"

રિલોકને ગુસ્સો આવી ગયો:"શીવલાલ, આમ માફીથી તું બચી શકશે નહીં. તારા સામે પોલીસમાં કેસ કરીશું. તેં ગુનો કર્યો છે. અકસ્માત વિશે પોલીસમાં જાણ કરવાની તારી ફરજ હતી..."

શીવલાલ રેતાના પગમાં પડી ગયો:"બહેન, મને માફ કરો. હું ગરીબ માણસ છું. વાંકગુના વગર મારો પરિવાર રખડી પડશે...."

રેતાએ રિલોકને ઇશારો કરી ચૂપ રહેવા કહ્યું પછી બોલી:"શીવલાલ, અમે અત્યારે પોલીસને કંઇ જ નહીં કહીએ. તું પહેલાં અમારી સાથે ચાલ અને બતાવ કે તેં કયા દવાખાનામાં મારા પતિને દાખલ કર્યા હતા. રસ્તામાં અમને અકસ્માતની આખી વાત કહેજે..."

શીવલાલ ઝટપટ તૈયાર થઇ રેતાની કારમાં બેસી ગયો.

કાર શરૂ થઇ એટલે શીવલાલે બોલવાનું શરૂ કર્યું:"બહેન, હું ખાલી ટેમ્પો લઇને તારાગઢ તરફ આવી રહ્યો હતો ત્યારે તમે જે જગ્યા જોઇ ત્યાં એ લાલ કાર સામેથી આવતી હતી. મને બરાબર ખ્યાલ છે કે હું સાચવીને એ જોખમી રસ્તા પર ચલાવતો હતો. એ કાર અચાનક મારા ટેમ્પોની સામે આવી ગઇ. કદાચ એ રસ્તા પર એમણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. એક ધડાકા સાથે કાર અથડાઇ. બંને વાહનોની ઝડપ ઓછી હતી. પણ મારો ટેમ્પો મોટો હતો. એમની કાર અથડાઇને ઘસડાતી ઘણે દૂર સુધી પહોંચી ગઇ. મને કોઇ ઇજા થઇ ન હતી. એક ક્ષણ મને થયું કે હું બચી ગયો છું તો ભાગી જઉં. પછી ન જાણે કેમ એ કારનું અને અંદર બેઠેલા લોકોનું શું થયું હશે એવી ચિંતા થઇ આવી. હું ઉતરીને બહાર આવ્યો. મેં જોયું કે કાર તો ખાઇમાં પડી ગઇ હતી. એનો પત્તો મળે એમ ન હતો. આ વાતની કોઇને ખબર પડવાની ન હતી. હું એમ વિચારીને ઘરે જવા નીકળવાનું વિચારતો હતો ત્યાં દૂર રોડ પર કોઇ વ્યક્તિ પડી હોય એવું દેખાયું. હું દોડીને ત્યાં ગયો. જોયું તો ભાઇ પડ્યા હતા. તેમના માથામાંથી લોહી વહેતું હતું. મેં નાડી તપાસી જોઇ. એ જીવતા હતા. મેં ક્લીનરને બૂમ પાડી ભાઇને નજીકના દવાખાને લઇ જવાનું નક્કી કર્યું. હું અવારનવાર આ માર્ગ પરથી આવતો-જતો હતો. મેં રોડ પર એક દવાખાનાનું બોર્ડ ઘણી વખત જોયું હતું. ટેમ્પો મહામુશ્કેલીએ વાળીને હું એ દવાખાના પાસે પહોંચ્યો. સદનસીબે એ ખુલ્લું હતું. હું દોડીને દવાખાનામાં ગયો. ડોકટર દેખાતા ન હતા. એક નર્સ હતી. તેને વાત કરી. તે દયાળુ લાગી. તેણે ભાઇને તરત જ લઇ આવવા કહ્યું. અમે ભાઇને દવાખાનામાં સૂવડાવી દીધા. નર્સે કહ્યું કે ડૉક્ટર સાહેબ તો બહારગામ ગયા છે પણ તમે ચિંતા ના કરો. હું એમને સારવાર આપીશ. તેણે તરત જ સારવાર શરૂ કરી દીધી. માથા પર પાટો બાંધી દીધો. લોહી વહેતું બંધ થઇ ગયું. સારવાર આપ્યા પછી નર્સ કહે કે એમને ઇન્જેક્શન આપ્યા છે એટલે ભાનમાં આવતા સવાર પડી જશે. તમારે જવું હોય તો નીકળી જાવ. મને થયું કે મેં ભાઇનો જીવ બચાવીને ફરજ બજાવી દીધી છે. મારી ઓળખ આપીને પોલીસના લફડામાં પડવું નથી. હું અને મારો ક્લીનર ત્યાંથી નીકળી ગયા."

શીવલાલ શ્વાસ લેવા રોકાયો ત્યાં સુધીમાં અકસ્માતનું સ્થળ આવી ગયું હતું.

શીવલાલે રસ્તો બતાવી રોડની અંદર કારને લેવડાવી. દવાખાનું એકદમ અંતરિયાળ વિસ્તારમાં હતું. આવી જંગલ જેવી જગ્યામાં કોણ રહેતું હશે? એવો પ્રશ્ન રેતાને થયો. શીવલાલે દવાખાના પાસે કાર રોકાવી. બધાં ઝડપથી બહાર નીકળ્યા. દવાખાનાના દરવાજે પહોંચ્યા તો તાળું લટકતું હતું. દવાખાનાની સ્થિતિ જોતાં એમ લાગતું હતું કે લાંબા સમયથી તેને ખોલવામાં આવ્યું નથી.

રેતાએ પ્રશ્નાર્થભરી નજર શીવલાલ તરફ ફેંકી. શીવલાલ ફફડી ગયો. અને ગભરાતા બોલ્યો:'બહેન, આ એ જ દવાખાનું છે. અમે અહીં જ ભાઇને લઇને આવ્યા હતા...."

રિલોક ગુસ્સે થયો:"રેતા, મને શીવલાલની કહાની કાલ્પનીક લાગે છે. તે પોલીસ કાર્યવાહીથી બચવા આપણાને ખોટા રસ્તે લઇ આવ્યો છે. હવે એ અહીં કોઇ નથી એમ કહીને છૂટી જશે..."

શીવલાલ કહે:"મારા પર વિશ્વાસ કરો સાહેબ. સાચું ના લાગતું હોય તો મારા ક્લીનરને બોલાવી પૂછો..."

રિલોક કહે:"હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જો, કોઇ ડોસો ઘાસ લઇને આ તરફથી જતો લાગે છે...એને પૂછીએ..."

રેતાએ એ વૃધ્ધને બૂમ પાડી. રેતાની બૂમ સાંભળી વૃધ્ધ ઊભા રહી ગયા. બધાં એમની પાસે દોડીને પહોંચ્યા. રેતાએ હાંફતા સ્વરે પૂછ્યું:"કાકા..આ દવાખાનું બંધ છે? ક્યારે ખૂલે છે?"

વૃધ્ધ નવાઇથી ત્રણેયને જોઇ રહ્યા પછી બોલ્યા:'આ દવાખાનું તો ઘણા મહિનાઓથી બંધ છે. એના દાક્તરને મરી ગયાને ઘણો સમય થયો.."

રેતા ભાંગી પડી. તે રડવા લાગી.

રિલોકે શીવલાલની ફેંટ પકડી લીધી અને મારવા લાગ્યો.

અચાનક રેતા રડતાં અટકી ગઇ અને રિલોકને ઇશારાથી શાંતિ રાખવા કહ્યું.

વધુ આઠમા પ્રકરણમાં...

***

નવેમ્બર -૨૦૨૦ સુધીમાં ૫.૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.