આહવાન - 41 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 41

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૧

વિધિ બોલી, " મને એ નથી સમજાતું કે તમારી મારાં પપ્પા અને મામા લોકો સાથે શું દુશ્મની છે ??"

ભાગ્યેશભાઈ : " અમારી તો કોઈ સાથે કોઈ દુશ્મની જ નથી. તારાં પપ્પાનું તે સાંભળ્યું એ મુજબ એમને માંડ માંડ મળેલી મ્યુનિસિપલ કમિશનરની ખુરશી ફરીથી એ મિકિનનાં હાથમાં જાય નહીં એ માટે એ કદાચ એને આ દુનિયામાંથી જ દૂર ધકેલી દેવા માગે છે. પણ સત્તામાં અંધ બનેલા એમને એ ખબર નથી કે આપણી પાસે આ બધાં પુરાવા છે જો મિકિનને કંઈ થયું તો એણે પોતાની ખુરશી તો ગુમાવવી જ પડશે..., સસ્પેન્ડ થવાની સાથે જ જેલનાં સળિયા ગણવા પડશે. મારાં ત્રણેય દીકરા પ્રમાણિકતા ,સત્ય અને નિષ્ઠાથી પોતાનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે એ જ રીતે મેં એમનામાં સંસ્કારોનું ઘડતર કર્યું છે..."

વિધિ : " હમમમ...પણ એ લોકો એમ છોડશે નહીં...એમનો પ્લાન જેમતેમ નહિં હોય...સામાન્ય જીવનમાં પણ એ ત્રણેય એવાં જ છે‌. એટલે જ તો એમને ત્રણેયને સારું ભળે છે."

વિશાખા : " તું એકવાર ફોન કરે તો એ સમજે નહીં ?? તને કંઈ કારણ તો કદાચ જણાવે તો...બાકી તો અમે પોલીસને હવે સોંપી જ દઈએ છીએ આખો કેસ હમણાં થોડીવારમાં અમારાં ઓળખીતા અમદાવાદનાં પોલિસ કમિશનર છે એમને સોંપી દઈએ છીએ...પણ આ તો જો એમ સીધી રીતે થતું હોય તો આ બધું ન કરીએ... એમાં પછી અમારાં હાથમાં કંઈ નહીં હોય...બંને ગવર્નમેન્ટ ઓફિસર હોવાથી આખો કેસ ગવર્નમેન્ટનાં હાથમાં જતો રહેશે...અમે ઈચ્છવા છતાં તારાં પપ્પા કે મામા કોઈને નહીં બચાવી શકીએ...!!"

વિધિ : " મને તો કંઈ ખબર નથી એ બધી. પણ હવે મને એમ થાય છે કે પપ્પાને માર કોઈ પડી જ નથી... નહીંતર તો એમણે હજું ફોન ન કર્યો હોત !! લગભગ પોણો કલાક થવા આવ્યો છે. "

અંજલિ : " તો હવે શું કરીશ તું ?? અમે તને ત્યાં સુધી ઘરે નહીં મોકલી શકીએ... "

વિધિ : " લાવો હું જ એમને ફોન કરીશ..." કહીને એણે ભાગ્યેશભાઈનાં નંબર પરથી મિસ્ટર અરોરાને ફોન લગાડ્યો....!!

**************

વિધિએ ફોન લગાડ્યો ત્યાં જ કોઈએ ફોન ઉપાડ્યો. ફોન સ્પીકર પર જ રાખવામાં આવ્યો‌.

વિધિ : " મારાં પપ્પા ક્યાં છે, મિસ્ટર અરોરા ?? મારે એમનું અરજન્ટ કામ છે. "

કોઈ ધીમેથી બોલતું વિધિને સંભળાયું , " સાહેબ તમારી દીકરીનો ફોન લાગે છે પણ અત્યારે ?? " થોડી જ વારમાં મિસ્ટર અરોરાએ ફોન ઉપાડ્યો.

વિધિ : " પપ્પા પ્લીઝ મને બચાવી લો...મને કિડનેપ કરી દેવામાં આવી છે...એ લોકો મને બેરહેમીથી મારી રહ્યાં છે. "

સ્પીકર પર રાખેલા ફોનમાં મિસ્ટર અરોરાનો અવાજ આવ્યો, " બેટા શું થયું તને ?? કોને તને કિડનેપ કરી છે‌ ?? અને તું ક્યાં હતી ?? તું તો ઘરે જ હતી ને ?? "

વિધિ : " પપ્પા તમે વિડીયો જોયાં પછી પણ આવું પૂછો છો ?? તમને મારી કોઈ પરવા જ નથી. તમે ક્યાં છો પહેલાં એ કહો..."

મિસ્ટર અરોરાએ બેજીજક કહ્યું, " મેં કોઈ વિડીયો નથી જોયો ફોન મારી પાસે નહોતો. બેટા ફાર્મહાઉસ છું બીજે ક્યાં હોઉં ?? તું મને કહે તું ક્યાં છે હું હમણાં જ તને લઈ જઈશ. "

વિધિ : " પપ્પા તમે ખોટું બોલી રહ્યાં છો તમે બીજે ક્યાંક છો...અને આ જ રીતે ફાર્મ હાઉસનું કહીને રોજ ક્યાં જાવ છો ?? "

મિસ્ટર અરોરા સહેજ અટક્યાં : " એવું કંઈ નથી બેટા. તું આજે કેમ આવી વાતો કરે છે. તને તારાં પપ્પા પર વિશ્વાસ નથી ?? તને આવું કોને કહ્યું ?? મને લાગે છે આ તારી મમ્મીનું જ કામ છે... હું હમણાં જ એને તો જોઉં છું. ઘરે રહીને દીકરીને પણ સાચવી ન શકી.વએ પછી જોઈશ હું પણ તું એમ કહે મારે ક્યાં આવવાનું છે મારે..."

વિધિ થોડી ગભરાઈ ને બોલી, " મમ્મીને કંઈ પણ કરતાં નહીં. પપ્પા હું ક્યાં છું એ તો મને નથી ખબર. પણ કોઈ અજાણ્યા અને બહું ખતરનાક લોકો છે એમણે કહ્યું કે તારાં પપ્પાને બોલાવીશ પછી વિચારીશું... નહીંતર કદાચ મારો જીવ...." ને ફોન કટ કરી દીધો.

ભાગ્યેશભાઈ : " શું તને લાગે છે તારાં પપ્પા ગભરાશે ?? "

વિધિ : " હા ચોક્કસ...અને જો એવું નહીં થાય તો પછી હું પણ એમની દીકરી છું...એમને પણ હું નહીં છોડું..."

વિધિ : " આન્ટી થોડીવાર રાહ જોવો પપ્પા કંઈ કરશે જ...પછી તમે બધું પોલીસને સોપજો. પપ્પા ખોટાં છે તો હું એમનાં વિરોધમાં જઈને તમને ચોક્કસ મદદ કરીશ પણ મારાં પપ્પાને હું કંઈ થશે નહીં જોઈ શકું."

શશાંકભાઈ : " ચિંતા ન કર...સવાર સુધી રાહ જોઈએ પછી કંઈ હાથમાં નહીં રહે આ સમય તારો છે."

ને પછી બધાં આગળ શું કરવું વિચારણા કરતાં ત્યાં બેસી ગયા.

**************

સ્મિત ત્યાં રિસર્ચ સેન્ટર પર પહોંચ્યો ત્યાં લોકો હજું પણ એમ જ બેસીને મજા કરી રહ્યાં છે. મિસ્ટર મહેતા ગેટની બહાર સાઈડમાં જ ઉભાં છે જેથી કોઈને એ અહીં છે એની જાણ ન થાય.

સ્મિત સીધો ત્યાં પહોંચ્યો. એણે થોડી વાતચીત કરી અને એ અંદર ગયો. બધાંને એમની જગ્યાએ મોકલ્યાં. એણે એ અને પ્રશાંત જે રૂમમાં રહે છે ત્યાં રૂમમાં જોયું. પ્રશાંતનો કોઈ સામાન જ નથી. બીજું એવું કંઈ એને દેખાયું નહીં. એણે ફરીથી પણ એને ફોન લગાડ્યો પણ ફોન બંધ આવી રહ્યો છે.

મિસ્ટર મહેતા બોલ્યાં, " શું થયું સ્મિત ?? કંઈ પ્રોબ્લેમ છે ?? સોરી મેં તમને ગુસ્સામાં કહ્યું પણ શું વાત છે એ મને જણાવ તો કંઈ સોલ્યુશન આવે. "

સ્મિત : " ખબર નહીં પ્રશાંતનો સામાન જ નથી. અચાનક શું થયું એને ?? મને કંઈ કહ્યું નથી. "

ત્યાં જ એને એક બેડની નીચે ઉડી રહેલો એક કાગળ દેખાયો. સ્મિત ફટાફટ ત્યાં ગયો. એણે એ વાંચ્યો ત્યાં જ એની આંખો પહોળી થઈ ગઈ. એણે એ કાગળ મિસ્ટર મહેતાને આપ્યો. મિસ્ટર મહેતાને એ કાગળ જોયો ને એ બોલ્યાં, " આ શું ?? એનો મતલબ પ્રશાંતે નિઓન ફાર્મામાંથી રિઝાઈન આપ્યું જ નથી. એ અહીં તારી સાથે કામ કરી રહ્યો છે ફક્ત તારાં આઈડિયા લેવા..."

સ્મિતનું મગજ ચકરાવે ચઢી ગયું. એને જાણે પસ્તાવો થયો કે એણે પ્રશાંતની વાતો પર વિશ્વાસ કરી દીધો. બહું સીધો સરળ લાગતો છોકરો એક મોટી રમત રમી ગયો.

મિસ્ટર મહેતા પણ ચિંતામાં આવી ગયાં. એ બોલ્યાં, " સ્મિત હવે કંઈ કરી શકાશે કે પછી.. ?? "

એટલામાં જ વિશાખાનો ફોન આવતાં એણે ફોન ઉપાડ્યો.

વિશાખા : " શું થયું ?? ત્યાં બધું બરાબર છે ?? પ્રશાંતની કંઈ માહિતી મળી ?? "

સ્મિતે બધી વાત કરી પણ વિશાખાને કોઈ નવાઈ ન લાગી એ બોલી, " સ્મિત પ્રશાંત મિસ્ટર અરોરાનો સગો સાળો છે...!! "

સ્મિત : " શું ?? તું સાચું કહે છે ?? એણે તો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કંઈ અલગ જ કહ્યું હતું મતલબ એ ખોટું બોલ્યો હતો એ હવે સમજાય છે મને... "

વિશાખા : " હા વિધિએ જ તારાં ગયાં પછી કહ્યું. અને બધી વાત કરી."

સ્મિત : " હવે સમજાયું...ચાલ કંઈ કરું પછી વાત કરું..."

મિસ્ટર મહેતાને એણે વાત કરી બધી. પછી એણે કહ્યું, " મને આ બધાં પરથી સમજાય છે ત્યાં સુધી અહીં જે બીજાં સ્ટેજમાં વેક્સિન પહોંચી છે એ નિયોન ફાર્મામાં પણ પહોંચી જ ગઈ હશે.‌.પણ એક ભગવાનની મહેરબાની કે ત્રીજાં સ્ટેજ માટે મારો પ્લાન છે એ નસીબજોગે એની રૂપરેખાની મેં પ્રશાંતને કોઈ જાણ કરી નથી.

એણે આ પ્રમાણે બધું કર્યું પણ હવે એ છેલ્લે પહોંચી શકશે નહીં કારણ કે કોઈ વ્યક્તિ નકલ કરે એમાં અક્કલ ન હોય. એણે છેલ્લાં સ્ટેજમાં પહોંચવા માટે બહું મહેનત કરવી પડે. જો એમાં એ કોઈ રીતે એક સ્ટેપ આગળ વધી જાય તો બહું મુશ્કેલી આવી શકે છે. કારણ કે આ કંપની કરતા તમે સમજી શકો છો કે નિયોન ફાર્મા બહું અંશે મોટી અને ઈન્ડિયામાં ટોપ ટેનમાં આવનાર કંપની છે એટલે એનું જે બધું જ બેઝિક છે એ આપણાં કરતાં બેસ્ટ જ છે.

સ્મિત : " મારે કોઈ દ્વારા જાણવું પડશે કે નિયોન ફાર્મામાં શું ચાલી રહ્યું છે તો આગળ શું કરવું એ માટે નક્કી કરાશે‌... પરંતુ ચિંતા ન કરો હું કંઈ પણ કરીશ તમારું આ બધું કરેલું કોઈ પણ રીતે એળે નહીં જવા દઉં..."

મિસ્ટર મહેતા : " સારું તારાં પર છોડીને જાઉં છું... વિશ્વાસ રાખું છું કે તું મારો ભરોસો નહીં તોડે...તારે બીજાં માણસોની જરૂર હોય તો કહેજે " કહીને મિસ્ટર મહેતા ત્યાંથી નીકળી ગયાં.

શું કરશે હવે સ્મિત ?? શું થશે હવે મિકિન અને કાજલનું ?? મિસ્ટર અરોરા હવે શું કરશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....