આહવાન - 5 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 5

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૫

સ્મિતે મિકિનનાં ઘરે જઈને વાતચીત દરમિયાન ચિંતામાં કહ્યું : " તો એ લોકો તને જગ્યા પરથી હટાવવા માગે છે મિકિન ?? "

મિકિન : " એ તો છે પણ આ બધું થયું એ પહેલાં આ બાબતે મિટીંગ વખતે મેં સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ ભોગે મારા નિયમો અને પ્રામાણિકતા નહીં છોડું...જે જેમ થશે એમ જ રહેશે..."

સ્મિત : " આ બધું થયું એ પહેલાં ?? "

મિકિન : " આ જ્યારે બે લોકડાઉન થયાં ત્યાં સુધી બધું કન્ટ્રોલમાં હતું . એ લોકો બધું ખોલીને જનતાને પોતાનાં હાલ પર છોડવાની મંત્રણામાં હતાં. ભલે કેસો વધી જ રહ્યાં હતાં પણ હવે આટલું ફેલાઈ ચુક્યું હોય એને કન્ટ્રોલમાં આવતાં વાર તો લાગે જ ને ?? અને આટલી બધી ગ્રાન્ટ ભેગી થઈ છે...લોકો સુધી પહોંચાડવાનો એમનો ઈરાદો બદલાઈ ગયો હતો... આવાં સમયે આપણી જનતાને રઝળતી કેવી રીતે મૂકી શકીએ ?? સમય ગમે તેટલો બદલાય પણ માનવતા થોડી નેવે મૂકી દેવાય ?? "

સ્મિત : " બધી જ જગ્યાએ આવું જ બની રહ્યું છે હવે તો..."

મિકિન : " લોકો કોઈ પણ સરકારને મત આપીને લાવે છે એમને કેટલો ભરોસો હોય એનાં પર....એ વ્યક્તિઓ કંઈ સરકારને એમ જ સિંહાસન પર બેસાડવા થોડી લાવે છે ?? એમને જનતા માટે કામ કરવાનું હોય છે...વોટ માંગવા લોકોને રૂપિયા ખવડાવે છે.... અને સતા પર આવી ગયાં પછી એ જ લોકોને ભૂલી જવાની ??

શરૂઆત હતી ત્યારે તો લોકો માટે કેટલુંય જમવાનું ને બધી જ વાતો કરી હતી...અરે કેટલું કામ તો સરકાર કરતાં ધર્મ સંસ્થાઓ, ટ્રસ્ટો અને માનવતાવાદી સેવાઓ દ્વારા થયું છે એ લોકોએ રોજનું કમાઈને રોજ ખાતાં લોકોને દોઢ દોઢ મહિના સુધી જમવાનું પૂરું પાડ્યું છે.

મારી તો ખુરશી એવી છે કે હું કોઈ જનતાનાં મતથી જીતીને આવ્યો નથી... હું તો મારી મહેનતે અને મારાં કામથી અહીં સુધી પહોંચ્યો છું.... છતાં મને એમ થાય કોઈ પણ સંજોગોમાં લોકોને આમ ન છોડી શકીએ...મારે મારી ફરજ તો નિભાવવી જ જોઈએ.

અરે પ્રધાનમંત્રી તો કેટકેટલી ગ્રાન્ટ લાવી રહ્યાં છે ફંડમાં રોજ કેટલું ડોનેશન આવી રહ્યું છે. પણ ઘણાં રૂપિયા તો લોકો સુધી પહોંચતી જ નથી વચ્ચે ખવાઈ જાય છે... કેટલાં રેશનકીટમાં પણ અમૂક જગ્યાએ થોડાં પૈસા લઈને તો કેટલીક જગ્યાએ તો આગળથી વસ્તુઓ આવ્યો જ નથી કહીને રીતસરની કાળાબજારી થાય છે... આવું જ ચાલશે તો દેશ ક્યાં પહોંચશે ?? આ કોરોનામાંથી દેશ કેવી રીતે મુક્ત બની શકશે ?? "

સ્મિત : " મને વેક્સિન પરીક્ષણ માટે હ્યુમન પ્રુવર આપવાની ના કહી દીધી. અમારાં પેલાં ડૉ. ચટ્ટોપાધ્યાય કહે છે કે આપણી પાસે આ બધાં માટે કોઈ ગ્રાન્ટ નથી અત્યારે...."

મિકિન : " તારે કેટલાં લોકોની જરુર છે ?? અત્યારે વેક્સિન માટે તો સરકાર કેટલી ગ્રાન્ટ ફાળવી રહી છે. અને કંપનીવાળાં કેમ ના પાડે છે એ સમજાતું નથી. "

સ્મિત : " ઓછામાં ઓછાં પંદર...પણ એ પણ હમણાં થોડાં દિવસમાં કોઈ આવાં મેડિસન પ્રુવર તરીકે ગયેલા ન હોય, એમને કોઈ એવો મોટો રોગ ન હોવો જોઈએ. વળી દરેક વય ગૃપવાળા વ્યક્તિઓ જોઈએ... થોડાં થોડાં..."

મિકિન : " કરું ચાલ કંઈક...તારી નિયોન ફાર્મા અને રિસર્ચનાં તો પૈસા સારાં આપતાં હશે ને એ લોકો ?? "

સ્મિત : " હા પણ એક વાત કહું હું નિયોન ફાર્મામાં કાલે રિઝાઈન આપું છું...મારે એ લોકોની અન્ડરમાં કામ નથી કરવું..."

મિકિન : " પણ તું હાલ છોડીશ તો તને બીજે ક્યાં જોબ મળશે તરત ?? પૈસાનો ભલે કોઈ એવો પ્રોબ્લેમ નથી પણ તારું મિશન અટકી નહીં જાય ?? "

સ્મિત : " એ તો મને ખબર છે હું વિચારું છું હું મારી રીતે કરીશ...હવે મને મારું પ્રાઈવેટ સેન્ટર ખોલવું છે...જે લોકો મને આટલી સફળતા મળ્યાં બાદ પણ ગ્રાન્ટ તો શું માણસો પણ પ્રોવાઈડ કરી શકતાં નથી એમનાં અન્ડરમાં મારે શું કામ કરવાનું ?? એ તો મને કહે છે આગળનું જે રિસર્ચ વર્ક રૂટિન શિડ્યુલનું છે એ જ પૂર્ણ કરો..."

મિકિન : " પણ એવું કરવાનું કારણ ?? "

સ્મિત : " એમને એ ક્રેડિટ એમનાં ડિપાર્ટમેન્ટને અપાવવી છે. અમારાં હેડ સાથે એમને બિલકુલ બનતું નથી. વળી હું કંઈ મારાં કામ બાબતે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરતો નથી. એમનાં ડિપાર્ટમેન્ટમાં આવું કરી શકે એવું કોઈ ખાસ નથી...એ લોકો કંઈ પણ ચલાવી લે મટિરીયલ....પણ આવી વસ્તુઓમાં કંઈ ચલાવી થોડું લેવાય ?? આથી જ એ લોકોને એમણે મારી સાથે મૂક્યાં છે... કાલે થોડીવાર મારી ગેરહાજરીમાં એમનાં બે સિનિયર સાયન્ટીસ્ટ લોકો કદાચ આ આઈડિયાઝ ચોરવા આવ્યાં હશે પણ કંઈ સમજાયું નહીં હોય કે એથી બધું જ રૂમનું સેટિંગ બદલીને જતાં રહ્યાં જેથી મારું બધું જ ફેઈલ જાય...પણ કદાચ ભગવાન ખુદ મને મદદ કરવાં ઈચ્છતાં હશે આથી એમનું ઉંધુ કરેલું કામ મારાં માટે આશીર્વાદરૂપ બની ગયું...!!"

મિકિન : " હમમમ...બધે જ કાગડા કાળાં છે...પણ તું અત્યારે આટલાં ઓછાં આવાં સમયમાં તારું રિસર્ચ સેન્ટર કેવી રીતે ખોલી શકીશ ?? એનાં માટે પરમિશનને બધું સેટ અપ કરવામાં સમય નીકળી જશે...વળી આ બધામાં હજું નવું હોવાથી એની ક્રેડિટ બનતાં પણ વાર તો લાગે ને ?? આ બધું દોસ્ત આ સમયમાં મને થોડું અઘરું લાગે છે...વળી કોઈ પણ જાણીતી કંપનીનાં લેબલ વિના ગવર્નમેન્ટ પણ જલ્દીથી એને પરવાનગી નહીં આપે..."

સ્મિત : " તો શું કરું યાર મને કંઈ જ સમજાતું નથી... આટલાં દિવસોથી ઘરથી દૂર રહું છું...પરિવારજનોને મળ્યો નથી એમની પરવા નથી કરી...એ લોકો પણ હું કંઈ સારું કરીશ તો લોકોને સારું થશે એ વિચારીને આવાં સંકટનાં સમયે પણ વિશાખા ફોનમાં એમ જ કહે છે કે, " સ્મિત તું ચિંતા ન કર...ઘરનો મોરચો હું એકલી સંભાળી લઈશ. દેશની , લોકોની જવાબદારી તું નિભાવ... કંઈ પણ રીતે આપણે બધાંએ ફરી એકવાર પહેલાં જેવું જીવન જીવવું છે...."

મને ખબર છે એની મનઃસ્થિતિ...એ પોતાની વેદનાં ક્યારેય મારી સમક્ષ રજૂ નહીં કરે...એને પણ થતું જ હશે ને કે લોકોની જેમ એનો પતિ, છોકરાઓને એમનાં પિતા એમની સાથે જ રહે આવાં સમયમાં.... ત્યારે જો આટલું બધું બલિદાન આપ્યાં બાદ હું કંઈ જ કરી શકીશ નહીં તો શું કામનું ??

મિકિન : " એ વાત તો સાચી છે...આપણી પત્નીઓ આપણી અર્ધાંગિની નહીં પણ પૂર્ણ પણે સાથ આપનાર આપણાં જીવનની સાચી વીરાંગનાઓ છે...મને એક વિચાર આવ્યો છે જો શક્ય બને તો તને કહું...."

સ્મિત સહેજ હળવો થતાં બોલ્યો, " શું ?? જલ્દીથી બોલ દોસ્ત...."

મિકિન : " એક ફાર્મા રિસર્ચ કંપની છે ત્યાં મારી ઓળખાણ છે...પણ એ કંપની મિડિયમ કક્ષાની છે... બહું મોટી નથી... પરંતુ એ લગભગ પંદરેક વર્ષથી તો છે જ... ત્યાં હું વાત કરી જોઉં જો એ લોકો આ માટે હા કહે તો....સેટ અપ માટેની ચિંતા તો નહીં જ રહે...કોઈ જાતની. "

સ્મિત : " કંપનીનું નામ શું છે ?? "

મિકિન : " એ હવે મને બહું યાદ નથી પણ હું એમનો નંબર છે તો વાત કરી જોઉં..."

સ્મિત : " હા દોસ્ત મારે કોઈ પણ સંજોગોમાં હવે પાછાં નથી હટવું...

મિકિને જોયું તો રાતનાં અગિયાર વાગી ગયાં છે આથી સવારે ફોન કરવાનું વિચાર્યું...પછી સ્મિતે કહ્યું, " તારું ધ્યાન રાખજે... હું અત્યારે નીકળું છું..."

મિકિન : " પણ આટલાં મોડાં ?? પોલીસ પકડશે તો હેરાન થઈ જઈશ..."

સ્મિત : " નહીં સવારે તો વધારે તફલીક પડશે જો કોઈ મને અહીંથી નીકળતાં જોઈ જશે તો..."

મિકિન : " ઠીક છે પણ ધ્યાન રાખીને જજે... પહોંચીને પહેલાં ફોન કરજે..."

સ્મિત : " હમમમ... તું મને થોડીક વસ્તુઓ આપ તારાં ઘરેથી લેબને લગતી જેથી રસ્તામાં બતાવી શકાય... રસ્તામાં હેરાન ન થવાય."

મિકિનનાં ત્યાં એ વસ્તુઓ અવેઈલેબલ હતી કારણ કે એની પત્ની કાજલ પહેલાં આવાં રિસર્ચ સેન્ટરમાં ઘરેથી ઘણું કામ કરતી હતી. આથી ફટાફટ એણે બધું તૈયાર કરી આપતાં ફટાફટ એ જ પાછલાં રસ્તેથી લેબ પર જવાં નીકળી ગયો...!!

**************

સ્મિત ફટાફટ કોઈ અડચણ વિના લેબ પર પહોંચી ગયો‌. ત્યાં બધાં જ માસ્ક સાથે આખી પીપીઈ કીટ પહેરીને જ ફરતાં હોય માત્ર રાત્રે સુવાના સમયે જ નીકાળે. મોટેભાગે બધાં પોતાનાં વર્ક પ્લેસ પર જગ્યા કરીને જ સૂઈ જાય છે. સ્મિત ધીમેથી પાછો ફર્યો. આ સમયે લગભગ પોણા બાર થયાં હોવાથી ફક્ત મેઈન ગેટ પાસે ચોકીદાર જાગી રહ્યો છે. એણે ગેટ ખોલતાં જ સ્મિત ફટાફટ અંદર પહોંચી ગયો. એણે જોયું કે એક રૂમની લાઈટ ચાલું છે અને એમાં કોઈ ધીમો ધીમો ખળભળાટ થવાનો અવાજ આવી રહ્યો છે...!!

સ્મિત સાહજિક રીતે જ એ રૂમ તરફ પહોંચ્યો કે કોઈને કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય બાકી તો બધાં લગભગ અગિયારેક વાગે તો સૂઈ જ જાય છે. સ્મિત ધીમેથી એ રૂમ પાસે પહોંચ્યો. આડો કરેલો દરવાજો એણે ખટખટાવ્યો... ત્યાં અંદરથી એ મેહુલ જે એને જમવા બોલાવવા આવ્યો હતો એ આવીને સહેજ દરવાજો ખોલીને જોઈને બોલ્યો, " સર બધાં સૂઈ ગયાં છે..."

પણ સ્મિતની ચાલાક નજરે જોયું કે પીપીઈ શુટમાં સજ્જ બે ત્રણ જણાં ફટાફટ કંઈક સમેટવાની કોશિષ કરી રહ્યાં છે‌...એ જોઈને સ્મિતે ફટાફટ કરતો એ દરવાજો ખોલી નાખ્યો‌. એ સાથે જ અંદર રહેલાં વ્યક્તિઓ એકદમ ગભરાઈને ઉભાં રહીને એક બાઘાની જેમ જોઈ જ રહ્યાં...!!

કોણ હશે એ લોકો ?? શા માટે સ્મિતને જોઈને એ લોકો ચોંકી ગયાં ?? શું એને પોતાનાં મિશનમાં આગળ વધવા માટે મિકિન મદદ કરી શકશે ?? શું થશે હવે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......