આહવાન - 6 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 6

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૬

સ્મિત પાટિલને અચાનક આવેલો જોઈને સામે રહેલાં લોકો એકબીજાંની સામે જોઈ રહ્યાં. સ્મિત એકદમ સ્પષ્ટ કહેનાર વ્યક્તિ છે. એણે જોયું કે સામે એની રૂમમાંથી અમૂક વસ્તુઓ અહીં લાવવામાં આવી છે...સાથે જ એ બધાં એ નાનાં ઉંદર, કબૂતર, દેડકો વગેરે ત્યાં મૃતઃપ્રાય અવસ્થામાં તરફડી રહ્યાં છે...આમ તો આ બધું જ દરેકને પૂરું પાડવામાં આવેલું છે...પણ સ્મિતે નિશાનીરૂપ દરેકને એક લાલ કલરની નાની પટ્ટી લગાડી હોય છે એ એને સામે દેખાતાં ખબર પડી કે આ એજ એણે પૃવ કરેલાં એનિમલ્સ એન્ડ બર્ડસ છે...સ્મિતનો ગુસ્સો આસમાને જતો રહ્યો‌. છતાં એને પોતાની પર જોરદાર કાબુ મેળવ્યો.

પહેલાં થોડીવાર એ કંઈ પણ બોલ્યો નહીં....પછી ફરી બોલ્યો, " તમને એવું નથી લાગતું કે આપણે સૌ માનવતા નેવે મૂકી રહ્યાં છે... વેક્સિન તમે શોધો કે હું શોધું શું ફેર પડે છે ?? આપણે તો એક રસી શોધીને માનવજાતને આ મહામારીમાંથી બચાવીને પહેલાંની જેમ લોકોને સ્વતંત્ર રીતે હસતાં રમતાં, પોતાનું જીવન જીવતાં કરવાનાં છે. અને તમને પણ બધાંને ખબર છે કે આપણે ગમે તેટલું મગજ કસીએ છેલ્લે જે પણ થશે એ કંપનીનાં નામે જ થશે‌.. એનાં મેઈન મેનેજમેન્ટનાં નામે... આપણું તો એમાં નામ સુદ્ધાં નહીં આવે...!! તો પછી શું કામ આ બધું ?? આ લડાઈમાં તો કેટલાંય લોકો હોમાઈ જશે.‌‌..કેટલાય લોકોનાં જીવ ટપોટપ જઈ રહ્યાં છે. કેટલાંય નિર્દોષનો જીવ તો જતો રહેશે પણ શું એમને છેલ્લાં સમયે કંધો આપનાર કે દાહ આપનાર પણ કોઈ નથી...આવું શું આપણે વધું ને વધું થતું જ રહે એમ ઈચ્છીએ છીએ ??

"

સૌનાં મોંઢા નીચાં નમી ગયાં. કારણ કે એ પણ બધાં જોબ કરનાર જ છે‌. બધાં જ આ બધું આટલાં સમયમાં બહું ડો સારી રીતે અનુભવી રહ્યાં છે.

સ્મિત ફરીથી બોલ્યો, " શું તમે લોકો કોઈનો આઈડિયા ચોરીને સંશોધનો કરી શકશો ?? એનાં માટે તમને બેઝિક આઈડિયા ખબર હોવી જોઈએ...તમને ડૉ. ચટ્ટોપાધ્યાયે આ આઈડિયા આપ્યો ને ?? "

એમાંનો એક નીચું જોઈને બોલ્યો, " હા..."

સ્મિત : " તમને કોઈને એમ વિચાર ન આવ્યો કે એ આ બધું શા માટે કરી રહ્યો છે..?? "

સંજય વર્મા : " શેનાં માટે ?? "

સ્મિત : " કેમ ?? મને તો જાણ છે તમને કોઈને જાણ નથી...?? ડૉ. ચટ્ટોપાધ્યાય અને અમારાં ડિપાર્ટમેન્ટનાં હેડ મિસ્ટર બંસીધર બંનેમાંથી હવે કોઈ એક ડાયરેક્ટિગ મેનેજરની પોસ્ટ પર આવવાનાં છે...હવે એ બેમાંથી કોણ આવશે એ સીઈઓ દ્ધારા નક્કી થશે...અને કદાચ મિસ્ટર બંસીધરનાં સંબંધો પહેલેથી બધાં સાથે સારાં રહ્યાં છે વળી ન્યુયોર્ક બિઝનેસ માટે જવાની ડૉ. ચટ્ટોપાધ્યાયની પહેલેથી ઈચ્છા હતી પણ અંતિમ નિર્ણય તરીકે ફેંસલો મિસ્ટર બંસીધરને મોકલવાનો લેવાયો...આથી એ થોડાં પહેલેથી જ હેરાન થયેલા છે. હવે આ મહામારીમાં બંસીધર સર ત્યાં સપડાતાં એ હાલ પરત આવી શકે એમ નથી આથી એણે એનાં ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામ કરાવીને એ ક્રેડિટ એનાં ખાતે લઇ જવી છે...જેથી એની પોસ્ટ સલામત અને સુરક્ષિત બની જાય...!!

કદાચ આવું થશે તો પણ તમને કે મને શું ફાયદો થશે ?? આપણને કોઈ મેડલ મળવાનો છે ?? તો શું કામ આ બધું આવી રીતે કરવાનું ?? આપણે બધાં સરખાં પરિવાર વાળાં મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીએ છીએ..તમે મારો આઈડિયા ચોરી દીધો....આ બધું અહીં લઈ આવ્યાં પણ તમને બેઝિક કન્સેપ્ટ સમજાયો ખરો ??

ના જ સમજાય...કારણ કે ભગવાને દરેકને એક અલગ વિચારવાની શક્તિ અને આગવી પ્રતિભા આપી છે. આપણે બધાં જ આ ફિલ્ડમાં કામ કરીએ છીએ... દરેકમાં પોતાની હોશિયારી છે... મેં આ કામ કરી દીધું અને તમે આ કામ હજું નથી કરી શક્યા મતલબ હું હોશિયાર અને તમે ડફર છો એવું નથી....બની શકે કે તમે થોડું મોડું શોધો પણ સફળ પરીક્ષણ શોધો....!!

નકલમાં અક્કલ ન હોય !! તમે મારાં મુજબ કરશો તો તમારું દિમાગ આગળ કામ જ નહીં કરે...એ ત્યાં જ અટકી જશે...!! હું કરું તો પણ એમ જ થાય. આપણું કામ જ એ છે કે જે કોઈએ શોધ્યું નથી એવું શોધવાનું છે બાકી એકવાર શોધાયાં પછી એનાં અપડેટેડ વર્ઝન આવ્યાં જ કરશે એની કોઈ સીમા નહીં હોય પણ વૈજ્ઞાનિક એ જ છે જે કંઈ નવું કરે છે...!!

તમે બધાં કેમ પોતાની જાતને નાની સમજો છો ?? તમે કંઈ કમ છો ?? સંજય વર્મા તમને મળેલાં પારિતોષિકની સંખ્યા ઓછી છે ?? કે પછી ચન્દ્રકાન્તભાઈ તમારી પ્રતિભાને કોઈ પહોંચે એમ છે ?? કે પછી પ્રશાંત બહું ઓછાં સમયમાં તને કેટલાં એવોર્ડ મલી ચૂક્યાં છે...!! તો પછી શું કામ કોઈએ પોતાની જાતને ઓછી આંકવી જોઈએ.

સોરી , મેં આજે બધાંને બહું કહી દીધું પણ હવે તમારે શું કરવું છે ?? હું હવે કંઈ જ નહીં કહું...તમારો નિર્ણય હું સ્વીકારીશ...તમે કહેશો તો હું મારું આ કરેલું આખું આ રિસર્ચ તમારાં નામે કરી દઈશ‌‌...પણ પ્લીઝ મને કોઈ પણ મારી પીઠ પાછળ આવી રીતે કરે એ મને જરાં પણ પસંદ નથી..."

થોડીવાર તો ત્યાં સન્નાટો છવાઈ ગયો. રૂમમાં એક નહીં પણ છ જણાં છે પણ કોઇનો ચા કે ચુ સરખો પણ અવાજ ન આવ્યો. કોઈ કશું બોલ્યું નહીં. બધાં નીચું જોઈને ઉભાં રહ્યાં.

સ્મિત : " હું તમારાં જવાબની રાહ જોઈ રહ્યો છું.... હું જવાબ સાંભળ્યા વિના જઈશ નહીં અહીંથી...એક વાગવા આવ્યો છે બધાને ઉંઘ આવતી હશે..."

ત્યાં જ સંજય બોલ્યો, " સ્મિતભાઈ તમારી વાત સાચી છે...અમે એક નોકરી ગુમાવવાની બીકે આ બધું કરી રહ્યાં હતાં...પણ એમાં અમે વિચારી જ ન શક્યાં કે અમારે આવું કંઈ કરવું જોઈએ કે નહીં...જાણે કોઈ કામ સોંપ્યું હોય એમ અમે એક કઠપુતળીની માફક કામે લાગી ગયાં..."

ચન્દ્રકાન્તભાઈ : " સાચી વાત છે સંજયની. આટલાં દિવસથી આ કોરોનાનું ચિંતાજનક વાતાવરણ વળી પરિવારથી આવા સમયમાં દૂર રહેવાનું...અને એમાં પણ ત્રણવાર કરેલું વેક્સિનનું નિષ્ફળ પરીક્ષણ... બધાં માનસિક રીતે થાકેલાં હતાં ત્યાં જ ડૉ. ચટ્ટોપાધ્યાય એ આ વાત કરી અમને થયું તૈયાર માલ મલે તો કંઈ કામ પૂરું થાય તો વહેલાં ઘરે પહોંચીએ....ને બસ અમે આ શરમજનક કૃત્ય કરી દીધું. "

પ્રશાંત : " અંકલ એકવાત કહું ?? બધાંનાં વતી હું માફી માગું છું... બધાંથી નાનો છું પણ કદાચ મોટી વાત કરી રહ્યો છું...મને આ વિચાર બરાબર નહોતો જ લાગ્યો પણ હું હજું આ કંપનીમાં અને કદાચ આ રિસર્ચમાં પણ નવો છું...એટલે સિનિયર લોકોને મેં કંઈ કહ્યું નહીં....પણ અંકલ હવે એક કામ કરીએ તો જે તમે શોધી જ દીધું છે એનાં માટે ખોટી મહેનત કરવા કરતાં હવેનું કામ બધાં સાથે મળીને કરીએ અને બને એટલું જલ્દીથી આપણાં સફળ વેક્સિન બનાવવાનાં મિશન એકમત બનીને સક્સેસ બનાવીએ. "

સ્મિત : " હમમમ..મને કંઈ વાંધો નથી. પણ હું તમને સવારે જણાવું. અત્યારે બધાં શાંતિથી સૂઈ જઈએ...ગુડ નાઈટ...ટેક કેર..." કહીને સ્મિત ત્યાંથી નીકળી ગયો.

સ્મિત પોતાનાં રિસર્ચ રૂમમાં આવ્યો અને કપડાં ચેન્જ કરીને પોતાની સાઈડમાં રહેલી પથારી પાથરીને એ તો જાણે મન હળવું કરીને સૂઈ ગયો. આ બાજું હવે શું થશે એ મૂંઝવણમાં બધાંની ઉંઘ હરામ થઈ ગઈ... બધાં સવાર પડતાં જ સ્મિતનાં

જવાબની રાહ જોવા લાગ્યાં.

*************

લગભગ પરોઢિયે ચારેક વાગ્યે મિકિનની બંધ આંખોએ કંઈ બબડવા લાગ્યો. " નહીં... નહીં... મેં કંઈ જ કર્યું નથી... હું પહેલાં પણ સાચો હતો અને હજું પણ છું...એક સતા માટે મને મારવાં સુધી પહોંચી ગયાં... નહીં...પણ ગમે તે થાય હું મારી પ્રામાણિકતા ક્યારેય નહીં છોડું ....!! ને પછી... "

એ હજું પણ જાણે પોતાની જાતને બચાવવાની કોશિષમાં લાગેલો છે ત્યાં જ એની પત્ની કાજલ એકાએક ઉંઘમાંથી ઉઠી ત્યાં જ એણે મિકિનને બંધ આંખોએ પોતાની જાતે વાતો કરતાં જોયો...સાથે જ એ પોતાની જાતને બચાવવાની કોશિશ કરતો હોય એમ કરી રહ્યો છે.

કાજલ તો મિકિનને આમ જોઈને ગભરાઈ જ ગઈ. એ ફટાફટ આવીને " મિકિન...મિકિન..." બૂમો પાડવા લાગી. પણ મિકિન તો એનામાં જ ખોવાયેલો છે....

કાજલે મિકિનની પાસે આવીને એને રીતસરનો ઢંઢોળી નાખ્યો. ને બોલી, " આ શું છે મિકિન ?? તું આમને આમ પાગલ બની જઈશ...આ હકીકતની દુનિયામાં પાછો આવ..."

એ સાથે મિકિને પોતાની આંખો ખોલી તો એને સમજાયું કે આ તો એને આવેલું એક ભયાનક સ્વપ્ન છે..

કાજલ : " શું થયું કેમ આટલો ગભરાયેલો છે તું ?? "

મિકિન : " મને બહું ખરાબ સ્વપ્ન આવ્યું અત્યારે....જાણે બહું લાંબુ સપનું એક હકીકતની જેમ ચાલી રહ્યું હતું...હાલ જાણે તે મને ઉઠાડ્યોને એ અધૂરું રહી ગયું..."

કાજલ : " તું આવું ન બોલ...પરોઢિયાનુ સ્વપ્ન સાચું પડે એવું બધાં કહે છે..."

મિકિન : " તું સાંભળીશ તો વધારે ટેન્શનમાં આવી જઈશ..."

આ સાંભળીને જ કાજલના પગ ધ્રૂજવા લાગ્યા...!!

શું હશે મિકિનનુ સ્વપ્ન ?? શું એ સાચું પડશે કે કોઈ અનહોનીનાં એંધાણ હશે ?? સ્મિત શું નિર્ણય કરશે હવે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....