DONALD TRUMP SAATHENA MAARA AATMIY SAMBANDHO books and stories free download online pdf in Gujarati

બિડેનની બાઉન્ડ્રી ને ટ્રમ્પનું એલબીડબ્લ્યુ..!

બિડેનની બાઉન્ડ્રી ને ટ્રમ્પનું એલબીડબ્લ્યુ..!

જ્યારથી અમેરિકાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી, લોકોને કોરોના કરતાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ ને જો-બિડેન’ ની ચૂંટણીનો ચેપ કે ચસ્કો વધારે લાગેલો. આખું વિશ્વ એની પાછળ હડકાયા કૂતરાની માફક પડી ગયેલું..! બાપાના છેલ્લા શ્વાસ ચાલે એના કરતાં ટ્રમ્પનું વધારે પૂછે કે, ‘ ડોનાલ્ડ ટ્રમ્પ જશે કે ટકશે..? ’ ટ્રમ્પની ચિંતા કરવા કરતાં, ગામના ઉકરડા કાઢતો હોય તો જરા સારો પણ લાગે. ને બાપાને સાચવતો હોય તો વધારે સારો લાગે. અમેરિકાની માફક સાલી આપણને પણ વિશ્વની જમાદારી કરવાની ટેવ પડી ગઈ એટલે થાય શું..? જુઓ ને હું પણ ‘રંગાઈ જા ને રંગમાં’ ની માફક એમાં જ ઘસડાયો..! એનું શું કારણ છે તે એક ટુચકાથી સમજાવું..!

એકવાર ચમનીયાને કહ્યું કે, ‘યાર..મારે ઊંચામાં ઉંચી ચાહ પીવી છે. તમે માનશો નહિ, એ મને પારનેરાનો ડુંગર ચઢાવીને ટોચ ઉપરની લારી ઉપર ચાહ પીવા લઇ ગયો. મને કહે, બસ..! આનાથી ઉંચી ચાહ હવે આ ઇલાકામાં નહિ મળે..! એના કપાળમાં કાંદા ફોડું, મારા ટાંટિયા તોડી નાંખ્યા યાર..! મને થયું કે, ટ્રમ્પ વિષે લખીને મારે પણ આજે હાસ્યનો ધોરીમાર્ગ પકડવો છે. અમેરિકા વિશ્વનું જમાદાર હોવાથી, ઊંચામાં ઉંચી વાત કરીને તમને હસાવવા છે. વાતોના વડાં કરવાં છે એવું કહીએ તો ઠીક નહિ લાગે યાર..? એટલે વાતોના માલપુડા તરવા બેઠો. થોડાં ટેસ્ટી-વિવેકવાન ને શોભનીય પણ લાગે બીજું શું..? દમણગંગા ટાઈમ્સને પણ ઢેકાર આવે કે, દિવાળીના સપરમાં દિવસે અમે કોઈકને હસાવ્યા..! કાળી ચૌદશે કારણ વગરનો કકળાટ કાઢવો એના કરતા, કોઈને હસાવીને એનું દુખ કાઢવું એ પણ પુણ્યનું કામ છે. બાકી અમેરિકાનો ટ્રમ્પ હારે કે, અમેરિકામાં પેટ્રોલ પંપ કાઢે એમાં આપણે શું..? સત્તાના અગનખેલ ચાલતા હોય ત્યાં, અંગ કસરતના પ્રયોગ કરવા નહિ જવાય. પણ અમેરિકાની ચૂંટણીમાંથી એક વાત શીખવાની મળી કે, જેમ બહુ ગાજેલો વરસાદ વરસતો નથી, ને ભસતા કુતરા કાંદો કાઢતા નથી, એવું જ લગભગ થયું..! યાર...! સામી દિવાળીએ જગનો જમાદાર ચૂંટણીમાં હારી જાય એટલે, આંચકો તો લાગે. મને તો હમણાં જે ભૂકંપ આવી ગયો એનું ભૌગલીક કારણ જે હોય તે, પણ ટ્રમ્પસાહેબ પરવારી ગયા એનો જ આંચકો લાગે છે..! આ તો એક વાત થાય છે..! જો કે, એમાં આપણે તો કરી પણ શું શકીએ..? કાળા સાડલા કે, સફેદ ઝભ્ભા ચઢાવીએ પાદરે ખરખરો કરવા થોડું બેસાય..? જે કંઈ કરવાનું હોય એ તો એના મતદારે કરવાનું હતું. વિઝા આપતા હોય તો, વાંસો થાબડવા પણ જઈએ. પણ જેમણે મોદીસાહેબને વિઝા આપતા નખરા કરેલા, એ આપણને વિઝા તો શું મેકડોનાલ્ડના પીઝા પણ નહિ ચાખવા દે..! ચમનીયો કહે એમ, સુખ અને દુખની માફક, હાર અને જીત પણ સાથે જ વણાયેલા હોય. ક્યાં તો હાર મળે, ક્યાં તો જીત મળે..! જીતી જવાય તો જલશા કરવાના, ને હારી ગયા તો ઉકરડે ચઢીને ‘ડેન્સ’ કરવાનો કે, ‘મેરા ચૈન-બેન સબ ઉજડા, જાલિમ નજર હટા દે..!’ (આખું શું કામ લખાવો છો યાર..?) વાર્તા પૂરી...! બાકી અમેરિકામાં પ્રમુખ તરીકે જો-બિડેન આવે કે ‘એની-ડેમ’ આવે આપણે શું..? ભગવાન શ્રી રામનો તો આપણે ત્યાં દાખલો છે, “ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. “ એવું જ ડોનાલ્ડભાઈનું થયું. મહાશય ‘એલબીડબ્લ્યુ’ થયા, ને જો-બિડેને વિનર બાઉન્ડ્રી ઠોકી દીધી..! ‘અમેરિકાના વોટર્સ એવાં આડા ફાટ્યાં કે, નજર તો ઠીક, અમેરિકાનો આખો નજારો બદલી નાંખ્યો. સત્તા બહુત બુરી ચીજ હૈ મામૂ..!

સાચી વાત કહું તો મને ડોનાલ્ડ ટ્રમ્પ ગમે બહુ. આવા રૂપ-રૂપના અંબાર જેવા પ્રમુખને ફેંકી દેવા એ અમેરિકાની લાયકાત તો નહિ જ કહેવાય..! શું ઝગારા મારે એવો એનો ચહેરો..! સાલું સમજાતું નથી કે, આવો દેખાવડો ને રૂપ-રૂપના અંબાર જેવો ચહેરો ચૂંટણીમાં હારી કેમનો ગયો..? આવો રૂપાળો ચહેરો રાજકારણમાં શોધેલો નહિ જડે દાદૂ..! પ્રજાએ એના રૂપની કદર સહેજ પણ નહિ કરી..? શું એનો ચહેરો યાર..? એના જેવો ચહેરો બનાવવા અડધો ડઝન મિસ્ત્રીને વેકેશનમાં ઘરે બોલાવીને ધંધે લગાડ્યા હોય તો પણ, એવો ચહેરો નહિ થાય. મારા અને એના ચહેરામાં ફેર એટલો કે, મારો ચહેરો અમાસ જેવો, ને એનો ચહેરો શરદ પૂર્ણિમાના ચાંદ જેવો. એમના ખોળામાં બેસીને દૂધ-પૌઆ કે ઘારી ખાવાની ઘેલછા થાય યાર..! એ જ્યાં પણ જાય, ત્યાના જેવો ચહેરો વગર ફેસિયલે બનાવી દેવાની એમનામાં આવડત હતી. ત્યારે આપણે તો જેવાં હોઈએ તેવાં નરસિંહ મહેતાની માફક પ્રગટ થઇ જઈએ. બહુ બહુ તો ‘હટકે’ દેખાવા બાલ-દાઢી છોલાવીએ.! બાકી ઝાઝું કોઈ રીનોવેશન નહિ કરીએ..! જો કે એનું એક કારણ એ પણ ખરું કે, ખુદના મહોલ્લાના કુતરા જ જોઇને ભસતા હોય, તો શું કામ રીનોવેશનનો ખર્ચ પણ વ્હોરીએ.?

ભલે અમે એકબીજાને મળ્યા નથી. પણ મારા અને ડોનાલ્ડભાઈ વચ્ચે સંબંધ સારો હતો. એ મારાથી બે વર્ષ મોટા હતાં, એટલે મારા કરતા એમનામાં મોટાઈ વધારે હોય એ સ્વાભાવિક છે. અમે બંને સ્વમાની ને સિધ્ધાંતવાદી..! એ જ્યાં સુધી મારા ઘરે નહિ આવે ત્યાં સુધી હું એના ઘરે ગયો નથી. ને હાર્યા ત્યાં સુધી એ પણ મારા ઘરે આવ્યા નથી. અમારા સંબંધોનું બ્રોડકાસ્ટિંગ સાંભળીને એકાદની કેડમાં તો ચોક્કસ ખંજવાળ પણ નીકળશે કે, સંબંધ હોય તો, અહીં શું મચ્છર મારવા પડી રહ્યો..? સંબંધ હોય તો મોટાભાઈનો વાંસો થાબડવ જવું હતું ને..? અમુક હૈયાકુટુઓ આવું કહેવાના જ છે. એને કોણ સમજાવે કે, “ટ્રમ્પ તેવો બમ્પ..!” જીલ્લસી કોરોના કરતા પણ વધારે ચેપી હોય એ હું જાણું..! જેને પેટ્રોલ-પંપવાળા પણ ઓળખતા ના હોય, તેને ટ્રમ્પ સાથેના મારા સંબંધ જાણીને ચચરેજ. કેડ તો ઠીક આખા શરીરે ખરજવું ઉભરવા માંડે. શું મળ્યા હોય તો જ સંબંધ બંધાય એવું..? એ તો અંધ-શ્રદ્ધા છે. મને કહો ને કે, આપણામાંથી કેટલાં લોકો ભગવાનને મળ્યા છે? છતાં લોકોના સંબંધ ભગવાન સાથે આદિકાળથી અતુટ જ છે ને..? લોકડાઉનમાં એના નામના કંઈ ઓછાં ભજનીયા કર્યા..? એવું જ મારું ને ડોનાલ્ડભાઈનું..! આ તો બધા સત્તાના સગપણ છે દાદૂ..! જો-બીડેને એવું હેવી રોલર ફેરવી દીધું કે, ટ્રમ્પ માટે વ્હાઈટ હાઉસ, હવે ‘બ્લેક-હાઉસ’ બની ગયું. સત્તા બહુત બુરી ચીજ હૈ મામૂ..!

-------------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED