હોઠ મલકે તો રોજનું સાલમુબારક !
ખોટી ખાખણી તો રાખવી જ નહિ કે, અપના હાથ જગન્નનાથ..! જેના બંને હાથ નથી હોતા, એના પણ નસીબ હોય દાદૂ..! ફાવેલો તે ડાહ્યો..! ફાવેલાને રોજની દિવાળી, ને નહિ ફાવેલાને ફેરફુદરડી..! તેણે સુરસુરિયા સળગાવીને જ દિવાળી કાઢવાની. તકલીફ તો કનૈયાને પણ પડેલી, નસીબમાં નહિ છતાં, એને પણ રાધા ગમેલી..! એટલે પોતાની પીઠ પોતેજ થાબડીને શ્વસવાનું ને જોરથી બોલવાનું ‘હેપ્પી દિવાલી દોસ્ત..!’ ફળની એક દુકાને બોર્ડ લગાવેલું કે, “તમે કરમ કરતા જાવ, ફળની ચિંતા નહિ કરો. ફળ તો હું આપીશ..!” નવું વર્ષ બેસે કે ઉભું થાય, ટેન્શન નહિ લેવાનું. શુભેચ્છાના આવેલાં સંદેશા વાંચતા જાવ, ને મગજ થી ભાર ઉતારતા જાવ. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ. શ્રીશ્રી ભગાએ પોતાની મંદીને ભગાડવા એક થીયરી અપનાવી, ને રાતોરાત પાટિયું બદલી ‘ભવિષ્યવેતા’ બની ગયો, કે નવા વર્ષમાં ગાડું કેવું ગબડવાનું છે? પાપડ શેકાવવાના છે કે, ફૂગ મારવાના છે? શરીર તમને સાથ આપવાનું છે, કે તમે શરીરને સાથ આપવાના છો..? એ જાણવા માટે આજે જ મળો, પ્રો. ભવિષ્યવેતા ભગો..! “ એના કપાળમાં કાંદા ફોડું..! શ્રીશ્રી ભગો ભૂતકાળમાં પણ ભવિષ્યવિદ નહિ હતો, વર્તમાનમાં પણ નથી, ને ભવિષ્યમાં પણ થવાનો નથી. એને એ પણ નોલેજ નહિ કે, મંગળ કે શનિ માણસના ખોળે બેસે કે, માથે ચઢીને ભાંગડા કરે..! પણ એક જ સૂઝ, કે દુનિયા ઝૂકતી હૈ...! એક તો એનો ચહેરો ખરબચડો. હાથ ફેરવીએ તો હાથમાં છાલા પડે..! પણ વાવટા એવાં ફરકાવ્યા કે, જાણે ત્રિકાળ મહા-જ્ઞાની...! આવો આપણે એણે લખેલું આગામી સંવત ૨૦૭૭ નું ખડખડાટ રાશી ભવિષ્ય જોઈએ..! બોલો અંબે માતકી જય..! જય બોલવી પડે યાર..!
મેષ : સંવત ૨૦૭૭ નો આંકડો પણ, ૨૦૨૦ ની માફક જોડકાંવાળો છે. કોરોનાનો ડર નથી, પણ માણસથી ચેતીને ચાલવું. નવમે કેતુ હોવાથી કાનભંભેરણીના યોગ છે. કાન ઉપર ‘માસ્ક’ બાંધવો સારો. મંગળનો ગ્રહ વક્ર હોવાથી, જે વારે જનમ થયો હોય એ વારે, આઈસ્ક્રીમ સાથે ભાત ખાવો હિતાવહ છે. જનમ તારીખે આખા કાંદાના ભજીયા બનાવી, તમારી રાશી વાળી ૧૧ વ્યક્તિને નાસ્તો કરાવવો. ને માત્ર લાલ રંગના સાબુથી સ્નાન કરવું, ચહેરા ઉપર લાલી આવશે..!
વૃષભ: સવારે ઉઠીને પાંચ ભેંસના દર્શન કર્યા વગર કરવા ચા-પાણી કરવું નહિ. રખડતી ૭ ગાયનું તિલક કરી પૂજન કરવું. નબળા ગ્રહોનો પડછાયો પડતો હોવાથી, દર શનિવારે પોતાના પડછાયાના દર્શન કરવા હિતકારક નથી. આ વર્ષ તમારા માટે કઠણ છે. બને તો શીર્ષાસનની સ્થિતિમાં ભોજન લેવું. સવારે દક્ષીણ દિશામાં દશ ડગલા ચાલ્યા પછી જ બાકીની દિશામાં વિહાર કરવો. બળદિયાથી દશ ફૂટ દુર રહેવું. ચેતેલો નર સદા સુખી રહે છે.
મિથુન: આ વરસે તમારી રાશિમાં ત્રણ ગ્રહો મહા ગઠબંધન સાથે ભેગા થાય છે. એટલે કમર-ઘૂંટણ ને માથાની બીમારી રહેવાની શક્યતા છે. આ રાશિવાળી બહેનોને લગનના યોગ છે. પણ જેના ડાબે ગાલે કાળો તલ હોય એવા ઉમેદવારને બને ત્યાં સુધી ‘રીજેક્ટ’ કરવો હિતાવહ છે. ધણીને ધાકમાં રાખવા માટે દર ગુરુવારે ‘પતિદેવ શરણં મમ’ ની ૧૧ માળા કરવી, ને દર રવિવારે ૪૧ મીનીટનું મૌન પાડવું. છીંક આવે તો દક્ષીણ દિશામાં મોઢું રાખીને ખાવી.
કર્ક : આ વર્ષ ફળદાયી હોવાથી, ફળો વધારે ખાવા. પપૈયું ખાવાથી પેટ ભલે વધે, પણ લક્ષ્મીમાં ધરખમ વધારો થશે. ડીઝલવાળા વાહનમાં જ મુસાફરી કરવી. દર મંગળવારે પાંચ હનુમાન ચાલીસાના પાઠ કરવા. સરકારી કર્મચારીઓ માટે આ વર્ષ લાભદાયી છે. એટલે ચાલુ નોકરીએ ઊંઘવું નહિ. યાદ રાખવું કે ‘જો સોવત હૈ વો ખોવત હૈ..! જો ખોવત હૈ, વો ફિર નહિ આવત હૈ..!’
સિંહ: વરિષ્ઠ નાગરીકો માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. નબળા ગ્રહોને મ્હાત કરવા માટે એકાંતરે સૂરણના મુઠીયા ખાવાની સલાહ છે. જેથી કબજીયાતનો પડાવ અટકાવી શકાશે. અઠવાડિયામાં એકવાર સાસર પક્ષે પોસ્ટકાર્ડ લખવાની બાધા રાખવાથી વયવૃદ્ધિ વધવાના યોગ છે, જેમના નાક ઉપર કાળો તલ હોય, એમણે પાડોશના છોકરાઓને દર રવિવારે ચોકલેટ ખવડાવવી. કારણ કે કાળા તલમાં નબળા ગ્રહોનો વાસ હોય છે. જીવનમાં મીઠાશની વૃદ્ધિ થશે. ને ગ્રહો સીધી લીટીમાં રહેશે.
કન્યા : આ રાશિઓની સાસુ માટે આ વર્ષ અતિ ઉત્તમ છે. બારમે રહેલો રાહુ સાસુઓને ગરમ રાખશે. માટે શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ ઓછો કરવો. વાહનની પાછલી સીટ ઉપર બેસનારને જોખમના યોગ હોવાથી, પાછલી સીટ ઉપર બેસવું હિતાવહ નથી. બને ત્યાં સુધી ચૌદશના દિવસે ‘હેરડાય’ કરવી ટાળવી. કચુંબરમાં કોબી ને મૂળા ખાવાથી, ઓડકારો સુગંધી આવશે. અને પાચનક્રિયા સુધરશે. નવરા બેસીને માખી-હત્યા કરવા કરતાં, એકાદનું ‘બેબી સીટીંગ’ કરવું. ગ્રહો કાબુમાં રહેશે,
તુલા: આકરી ગ્રહ દશા હોય, આખું વર્ષ સફેદ વસ્ત્રો ધારણ કરવા, હાથમાં સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જમણા કાંડે ઉંધી પહેરવી. જે દિવસે છીંક આવે તે દિવસે નકરડો ઉપવાસ કરવો. રમેશ ચાંપાનેરીની હાસ્યની કોલમ વાંચવાથી મગજ શાંત થશે, ને વિચારો ચગડોળે ચઢશે. બને તો દર મંગળવારે પાંચ કલાકારોને મગની દાળનો શીરો ખવડાવવો. રોજ રાહુલ-દર્શન કરવું.
વૃશ્ચિક : આ વર્ષમાં આઠમે ગુરુ ને બારમે ચંદ્ર હોય, કબજિયાત રહેવાના યોગ છે. રોજ સવારે સાયગલના બે ગીત સાંભળવાથી રાહત થશે. ચંદ્રની મહાદશા હોય, પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહિ. યુવાનો માટે આ વર્ષની નવરાત્રી ભારી છે, એટલે ત્રણ તાળીના ગરબા ગાવા નહિ. ઉંદરને રોજ સિંગદાણાનો અડધો લાડુ ધરાવવો. ને અડધો પોતાની સાસુને ખવડાવવાથી સંજોગો કાબુમાં રહેશે.
ધન: આ રાશિવાળા ઉપર ઇન્કમ ટેક્ષવાળાની નજર આખું વર્ષ રહેવાની છે. રાહત માટે ઉડતા વિમાન સામે જોવું નહિ. ગુટખાનું વ્યસન હોય તો ત્યાગ કરવો. ને ગુટખાનું તોરણ પહેરીને સસરાને પગે લાગવાથી પનોતીમાં રાહત થશે. પાન ખાતા હોય તો પિચકારી મારવી નહિ. ક્યા તો ગલી જવી ક્યાં તો સાસરીની દિશામાં મારવી. આંખ ખુલ્લી રાખીને ઊંઘવાનો પ્રયત્ન કરવો.
મકર: આ વરસે કોઈપણ નેતાની અડફટે ચઢવું નહિ. બને તો કમળનો ફોટો મંદિરમાં રાખવો. વર્ષ દરમ્યાન ‘ગાયનેક’ પ્રોબ્લેમ એટલે કે, ગાય શીંગડા મારે એવાં બનાવો બનશે, ચેતવું. ચૂનો લાગી જવાની પૂરી સંભાવના હોય, ચૂનો ચોપડ્યા વગરનું પાન ખાવું, દાઢીને ડાય કરવાથી ગ્રહો નારાજ થશે.
કુંભ : આ વર્ષમાં તમે ફણીધરની માફક મુશ્કેલીમાંથી બહાર નીકળી રહ્યા છો. શનિની સાડાસાતી પૂરી થઇ રહી છે. ગોળના ખાલી માટલામાં તુલસી રોપી પૂર્વ દિશામાં ઘડો મુકવો. ચિત-પ્રસન્નતા વધશે. મંગળસૂત્રની માફક ધણીને પણ સાચવવો. પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી ફળદાયી સ્વપ્નાઓ આવવાના યોગ છે.
મીન : ખાડા કે કુંડાળામાં પગ નહિ પડે તેની તકેદારી રાખવી. ગુજરાત મિત્રનું નિયમિત વાંચન કરવાથી મુશ્કેલીઓ હળવી થશે. ભાત અને ખીચડીના ભેદની તમને આ વરસે ખબર પડશે. ઘરના દક્ષીણ ખુણામાં તૂટેલી બંગડી રાખવાથી, આત્મબળ વધશે. તમારું ભવિષ્ય વાંચતા જો તમને શરદી કે ઉધરસ ઉપડે તો ડરવાની જરૂર નથી. કોરોના દેવની બાધા રાખવી.
સૌનું શુભ થાઓ એવી ભાદ્રભાવના સાથે શ્રીશ્રી ભગાના સાલમુબારક....!
----------------------------------------------------------------------------------------------------------------------