પ્રેમનું વર્તુળ - ૨૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૨૨


પ્રકરણ – ૨૨ દીકરીનો બાપ
રેવાંશ, વૈદેહી અને એની પુત્રી ત્રણેય જણા એક શાંત જગ્યાએ આવ્યા. વૈદેહી વિચારી રહી કે, રેવાંશ હવે શું વાત કરશે? અને આ બાજુ રેવાંશ પણ મનમાં વાતની શરૂઆત કેવી રીતે કરવી એના માટેના શબ્દો ગોઠવી રહ્યો હતો. રેવાંશ એ એક શાંત જગ્યા કે, જ્યાં માણસોની બહુ અવરજવર નહોતી એવી જગ્યા એ કાર ઉભી રાખી.
ગાડી ઉભી રાખીને રેવાંશે કહ્યું, “હવે? આગળ શું?”
"આગળ શું એ તો તમારે કહેવાનું છે.” વૈદેહી એ કહ્યું.
રેવાંશ બોલ્યો, “હવે મારી પરિસ્થતિ તો એવી છે કે, હું તો બંને બાજુ તૈયાર છું. સમાધાન થાય તો પણ મને વાંધો નથી અને ન થાય તો પણ મને વાંધો નથી. હું તો બંને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. મને તો હવે એવું થઇ ગયું છે કે, સમાધાન થાય તો પણ ઠીક અને ન થાય તો પણ મને કઈ વાંધો નથી. મેં તો મારી જાતેનેે બંને બાજુ તૈયાર કરી છે. અને બીજી એક વાત પણ છે કે, જે અમુક વસ્તુ પહેલા મને નહોતી સમજાતી એ હવે સમજાઈ ગઈ છે. હવે તો તારે નક્કી કરવાનું છે કે, તારે શું કરવું છે?”
વૈદેહીએ રેવાંશની આવી વાત સાંભળીને પૂછ્યું, “તમારી પોતાની શું ઈચ્છા છે? તમારે આ સંબંધમાં આગળ વધવું છે કે નહિ? હું તમારી ઈચ્છા જાણવા માંગું છું.”
વૈદેહીનો આવો સવાલ સાંભળી રેવાંશ ગુસ્સે થઇ ગયો, “તું આ કેવા સવાલ પૂછે છે? મારી ઈચ્છા ન હોય તો હું આવું એવો છું? એ તો તને ખબર જ છે. શું તું મને ઓળખતી નથી? અને તું તો જાણે જ છે કે, મારો સ્વભાવ કેવો છે? હું જેવો છું એવો તારી મને સ્વીકારવાની તૈયારી છે?” રેવાંશ એ પૂછ્યું.
“હા, મારી તૈયારી તો છે. મને પણ લાગે છે કે, આ સંબંધને એક મોકો તો જરૂર આપવો જોઈએ. જેથી તમને અને મને બંનેમાંથી કોઈને એવો અફસોસ ન રહે કે, આપણને મળેલી એક તક આપણે ગુમાવી દીધી.” વૈદેહી એ કહી તો દીધું પરંતુ એનો રેવાંશ પ્રત્યેનો જે વિશ્વાસ હતો એ થોડો ડગમગી તો ગયો જ હતો એટલે એણે અત્યારે હા તો પાડી પણ મનમાં વિચારી રહી કે, હવે ફરી એ જ પરિસ્થિતમાં તો હું એ ઘરમાં નહિ જ રહી શકું. અને હવે તો એને પોતાની દીકરીના ભવિષ્ય વિષે પણ વિચારવાનું હતું. એ અરીત્રીની સામે જોઈ રહી અને મનમાં વિચાર કરવા લાગી. “શું મારી દીકરીનું ભવિષ્ય એ ઘરમાં સારું બનશે? શું એનો ઉછેર યોગ્ય રીતે થશે?” આવા અનેક વિચારો એના મનને ઘેરી વળ્યા હતા. પણ પછી એ મનને માનવી રહી હતી કે, જે થાય તે સારા માટે એમ વિચારી શાંત થઇ ગઈ.
આ બાજુ રજતકુમાર એ રેવાંશના માતા પિતા જોડે જે શરતો મૂકી તે આ પ્રમાણે હતી. એમણે કહ્યું, “તમે વૈદેહીને લઇ જાવ એ પહેલા મારી અમુક શરતો છે તે એ કે, એક તો તમે રેવાંશ અને વૈદેહીનું એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો. અને વૈદેહીએ તમારા ઘરમાં ત્રણ વર્ષ જે નોકરી કરી એ પૈસા એના ખાતામાં જમા કરાવો. અને એનું એ ટી એમ કાર્ડ એને આપી દો. અને એક લોકર બેંકમાં ખોલાવો. અને એમાં એને તમે અને અમે લોકોએ જે કઈ સોનું આપ્યું છે એ બધું જ એમાં મુકો. એટલું પહેલાં કરો પછી અમે આગળ વિચારીએ. અને આ શરતો મુકવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, ભવિષ્યમાં મારી દીકરીને તકલીફ ન પડે. આવી પરિસ્થિતિમાં એ ફરી ન મુકાય એ જોવાની અમારી ફરજ છે.
“ઠીક છે. અમને કઈ વાંધો નથી.” રેવાંશની માતા એ કહ્યું. “તમે જેમ કહો તેમ. તમે કહો છો એમ અમે બધું કરવા તૈયાર છીએ. અમે લોકર પણ ખોલાવી આપીએ. એ બંને ને જુદા રહેવું હોય તો પણ અમને વાંધો નથી અને તમારે રેવાંશ ને ઘરજમાઈ રાખવો હોય તો પણ તમને છૂટ છે. અમને કઈ વાંધો નથી.” રેવાંશ ની મમ્મી એ કહી તો દીધું પણ અંદરથી એ ખુબ સમસમી ગઈ કારણ કે. એમને તો દીકરા અને વહુને પોતાના કન્ટ્રોલમાં રાખવા હતા. દીકરીનો બાપ આવી શરતો પણ મૂકી શકે એ એમની કલ્પના બહાર હતું. એમને તો લાગતું હતું કે, એ તો દીકરીનો બાપ છે ક્યાં સુધી દીકરીને પોતાના ઘરમાં રાખશે? અંતે તો મોકલશે જ ને? અને એમાય હવે તો એની દીકરીને પણ દીકરી આવી છે. પણ એમની બધી જ ગણતરીઓ ઉંધી પડી રહી હતી. ઉલટું એ તો રેવાંશ ને પણ એમ જ કહીને અહી સુધી લાવ્યા હતા કે, તું દીકરીનો બાપ છે એટલે હવે તો તારે જ નમવું પડશે બેટા. રેવાંશને પોતાની મા ની આ વાત પસંદ તો ન આવતી પણ એ હંમેશાની જેમ મૌન જ રહેતો અને જેમ મા કહે એમ કર્યા કરતો. એને પોતાને શું જોઈએ છે એ તો ક્યારેય કોઈએ જાણવાની દરકાર કરી જ નહોતી.
રેવાંશ અને વૈદેહી ઘરે પરત આવ્યા હતા. આવીને બંને એ જણાવ્યું કે, અમે બંને આ સંબંધને એક મોકો આપવા માંગીએ છીએ. “સારું બેટા, અમે બધાં બહુ ખુશ છીએ. તમે સમાધાન કરવાનું વિચાર્યું એ જાણીને અમને આનંદ થયો. રજતકુમાર એ અમુક શરતો મૂકી છે એ શરતો જો તને યોગ્ય લાગતી હોય તો પછી આપણે વૈદેહીને તેડી જઈએ. બાકી આપણે હવે ઘરે જઈને વાત કરીએ. અને હજુ પણ જો તમે બંને થોડો સમય આપવા માંગતા હો તો અમને વાંધો નથી.
આમ બંને પરિવારો સમાધાનની આશા લઈને વિખુટા પડ્યા. શું રેવાંશ રજતકુમારની શરતો માન્ય રાખશે? શું વૈદેહીનો રેવાંશ પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બનશે કે વધુ તૂટશે? એની વાત આવતા અંકે....