પ્રકરણ-૩ વૈદેહી અને રેવાંશનો સંબંધ
વૈદેહીનો એમ. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. એની હવે લગ્નની ઉમર થઇ ગઈ હતી. પિતા રજતકુમાર એ તેમના પરિવારના સગાવહાલઓ, ઓળખીતા મિત્રો ને તેમજ તેમની જ્ઞાતિમાં બધાને કહી રાખ્યું હતું કે, કોઈ સારો વૈદેહીને લાયક છોકરો હોય તો બતાવજો. વૈદેહીની અને એના પરિવારની કોઈ બહુ ઉચ્ચ આકાંક્ષાઓ નહોતી. તેઓ માત્ર એટલું જ ઇચ્છતા હતા કે, સારો પરિવાર હોય અને છોકરો વ્યવસ્થિત હોય. બહુ ધનવાન પરિવારની એમની કોઈ આકાંક્ષા પણ નહોતી.
પરંતુ રેવાંશની પત્ની વિશેની આકાંક્ષાઓ ખુબ જ ઉંચી હતી. એ એવી પત્ની ઈચ્છતો હતો કે, જે ખુબ સારું કમાતી હોય, સ્માર્ટ હોય અને એની આંખના ઇશારાથી જ એના મનની વાત સમજી જાય. ટૂંકમાં જેને સર્વગુણસંપન્ન કહી શકાય એવી પત્ની એ ઈચ્છતો હતો. પોતે ડોક્ટર હતો એટલે એની મનની ઈચ્છા તો એવી જ હતી કે, એને જીવનસાથી તરીકે પણ ડોક્ટર છોકરી જ મળે. એ એવું માનતો કે, જો પતિ અને પત્ની બંને કમાતા હોય તો જીવન જીવવું થોડું વધુ સરળ બને. એનો ઉછેર જ એવો થયો હતો કે, એને પૈસામાં જ બધું સુખ દેખાતું.
****
રજતકુમાર દુકાનેથી ઘરે આવ્યા. એમણે એમના રોજના નિત્યક્રમ પ્રમાણે સ્નાન કર્યું. એમનો આ કાયમનો નિત્યક્રમ હતો. એ હંમેશા દુકાનેથી આવીને રોજ સ્નાન કરતા અને પછી રોજ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરતા. એમના આ કાર્યક્રમમાં ક્યારેય કોઈ ફેરફાર ન થતો. આજે પણ એમણે ગીતાના પાઠ કર્યા પછી જમવા માટે ડાઈનીંગ પર આવ્યા. ઘરમાં બધાં સાંજનું ભોજન સાથે જ લેતા એવો એમના ઘરમાં વર્ષોથી વણલખ્યો નિયમ હતો. આજે પણ બધાં જમવા બેઠા હતા. માનસીબહેન બધાને જમવાનું પીરસી રહ્યા હતા. વૈદેહી અને સુરુચિ બંને એકબીજા જોડે મસ્તી કરી રહી હતી.
“માનસી! આજે અતુલભાઈ મને મળવા દુકાને આવ્યા હતા.” રજતકુમાર બોલ્યા.
“હા, પણ એ તો તમને હંમેશા દુકાનમાં જ મળવા આવે છે. ઘરે તો આમ પણ આવતા જ નથી. આમ પણ ઘરે આવે એ વીણાભાભીને પહેલેથી ગમતું જ નથી. ખબર નહીં શું કારણ છે? એ હું આજ સુધી સમજી શકી નથી. પણ છોડો એમની વાત! અતુલભાઈ કેમ આવ્યા હતા? એ કહો.”
“વૈદેહી માટે એમના ધ્યાનમાં એક સારો છોકરો છે, એ માટે એમની વાત કરવા આવ્યા હતા. છોકરો ડોકટર છે અને પરિવાર પણ ખુબ જ સારો છે. રેવાંશ નામ છે છોકરાનું. અને પૈસેટકે પણ સુખી પરિવાર છે. જો તને, વૈદેહી અને સુરુચિને આમાં આગળ વધવા જેવું લાગતું હોય તો પછી અતુલભાઈ જોડે વાત કરીએ અને પછી વાત આગળ વધારીએ.”
પોતાના પિતાની વાત સાંભળીને વૈદેહીના ગાલ પર શરમના શેરડા પડ્યા. અને એને શરમાતી જોઇને સુરુચીએ પણ એને છેડવાનો મોકો ના ગુમાવ્યો.
એ બોલી, “વાહ, મમ્મી હવે તો વૈદેહી જતી રહેશે એટલે આખો રૂમ મારી એકલીનો, એનો કબાટ પણ મારો અને એની બધી વસ્તુ પણ મારી.”
હા, ભલે બહુ સારું, હું મારી બધી વસ્તુને તાળું મારીને જ જઈશ ને તને એની ચાવી જ નહીં આપું. સમજી.” વૈદેહીએ ચિડાઈને નાની બહેનને જવાબ આપ્યો.
માનસીબહેનએ રજતકુમાર ને કહ્યું, “મને લાગે છે આપણે વૈદેહી અને રેવાંશ ની મુલાકાત ગોઠવવી જોઈએ.”
“હા, મને પણ એમ જ લાગે છે. હું કાલે જ અતુલભાઈને કહીને રેવાંશના પરિવાર જોડે વાત કરું.”
રજતકુમાર એ અતુલ ભાઈને વાત કરી અને એમણે બંને પરિવારની મુલાકાત ગોઠવી આપી. અને આ બધી જ વાત થી એમના પત્ની વીણાબહેન બિલકુલ અજાણ હતા.
એક અઠવાડિયા પછી-
“વૈદેહી, ચાલ જલ્દી તૈયાર થઇ જા. હમણાં થોડીવારમાં રેવાંશ નો પરિવાર આવતો જ હશે. એ અડધે તો પહોંચી જ ગયા છે. એના પપ્પા નો તારા પપ્પા પર ફોન આવ્યો હતો. હમણાં થોડીવારમાં જ તારા અતુલ કાકા પણ આવે છે.
વૈદેહી હજી શું કપડાં પહેરે એની અસમંજસમાં હતી. થોડીઘણી મથામણને અંતે એણે સફેદ રંગની ગુલાબી ફૂલોની પ્રિન્ટ વાળી કુર્તી અને ગુલાબી સલવારની પસંદગી કરી. વૈદેહી હજુ તૈયાર જ થઇ હતી ત્યાં જ અતુલકાકા પધાર્યા. રજતકુમાર અને માનસી બહેને એમને આવકાર આપ્યો.
અતુલકાકાને જોઇને વૈદેહી એમને ભેટી પડી અને એની આંખો ની કોર સહેજ ભીની થઈ અને બોલી, “કાકા, તમે કેટલા વખતે આજે અમારા ઘરે આવ્યા છો. કાશ! વીણા કાકી પણ આવ્યા હોત તો મને બહુ આનંદ થાત.”
“છોડ ને હવે એની વાત. વીણાને તો કઈ કહેવું જ નકામું છે. એ ક્યારેય નહી સમજે. હું ઘરે ખોટું બોલીને આવ્યો છું. એને તો ખબર પણ નથી કે, આજે તને છોકરો જોવા આવવાનો છે.”
“પણ કાકા, એ કેમ અહીં નથી આવતા? શું કારણ છે? તમે કે મમ્મી-પપ્પા કોઈ આ બાબત વાત જ કરવા માંગતા નથી?”
વૈદેહી હવે વધુ પ્રશ્નો કરી રહી છે એવું લાગતા અતુલભાઈ એ વાત બદલવાનો પ્રયત્ન કર્યો. “આજે તો તું બહુ સુંદર લાગે છે મારી દીકરી. રેવાંશ તો તને જોઇને જ દિલ દઈ બેસશે.”
આ સાંભળીને વૈદેહી શરમાઈ ગઈ.
ત્યાં જ એમના ઘરની ડોરબેલ રણકી.
કેવી રહેશે વૈદેહી અને રેવાંશ ની પહેલી મુલાકાત? એની વાત આવતા અંકે....