પ્રેમનું વર્તુળ - ૬ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૬

પ્રકરણ – ૬ લગ્ન વિશેનો આખરી નિર્ણય

વૈદેહીનો પરિવાર હવે રેવાંશના ઘરે આવી પહોંચ્યા હતા. રેવાંશનો બંગલો ખુબ જ સરસ હતો. અને બંગલામાં સરસ મજાનું ગાર્ડન પણ હતું. જેમાં દાડમ, જામફળ અને બદામનું ઝાડ પણ હતું. ઘરના આંગણામાં પ્રવેશદ્વાર પાસે જ તુલસીનો ક્યારો હતો. અને સરસ મજાના ગુલાબના ફૂલો પણ હતા અને એ ગુલાબની સુગંધ ચારેબાજુ પ્રસરી રહી હતી.
બધાં ઘરમાં દાખલ થયા. અંદર પણ એટલું જ સુંદર ઘર હતું. ખુબ સ્વચ્છ ઘર હતું. કારણ કે, રેવાંશનો પરિવાર તો પહેલેથી જ સ્વચ્છતાનો આગ્રહી હતો જ. બધાએ ઘરમાં અંદર આવી યોગ્ય જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર બધી ઔપચારિક વાતો ચાલી. રેવાંશના કાકા અને કાકી પણ એમના ઘરે પધાર્યા હતા. રેવાંશના કાકાનો સ્વભાવ ખુબ જ હસમુખો હતો અને કાકી પણ ખુબ રમતિયાળ હતા. બધાં અલકમલકની વાતો કરી રહ્યા હતા. રેવાંશ ની મમ્મી એ વૈદેહીના પરિવારની ખુબ સારી રીતે આગતા સ્વાગતા કરી. વૈદેહીના મમ્મી એ ગરમાગરમ બટાટાવડા નો નાસ્તો બનાવી રાખ્યો હતો. બધાને નાસ્તો ખુબ જ પસંદ પડ્યો. આમ પણ રેવાંશની મમ્મીની રસોઈ ખુબ જ સરસ બનતી. રસોઈની એ મહારાણી હતા એમ કહું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે એમને આદુ અને મસાલાથી ભરપુર ચા પણ ખુબ સરસ કડક બનાવી હતી.
ચા નાસ્તો કર્યા પછી રેવાંશ અને વૈદેહી ઉપર રેવાંશના રૂમમાં વાતો કરવા ગયા. બંનેએ થોડીવાર વાતો કરી. રેવાંશ એ પૂછ્યું, “તમે નોકરી કરવા ઈચ્છો છો?”
વૈદેહીએ પ્રત્યુતર આપ્યો, “હા, ઈચ્છા તો છે. મળે તો જરૂર કરવી છે પણ કરવી જ એવું પણ નથી. એવી કોઈ બાબતથી બંધાયેલી નથી. હું તો એવું માનું છું કે, જે પ્રમાણે પરિસ્થિતિ હોય એ પ્રમાણે અનુકુળ થઈને રહેવું બસ.”
“અને આગળ તમારી પી. એચ. ડી. કરવાની ઈચ્છા છે તો શું તમે એ કરવા માંગો છો?” રેવાંશ એ પૂછ્યું.
“હા, મને મોકો મળે તો જરૂર કરવા ઈચ્છું છું પણ હવે એ બધું ઘણું અઘરું થઇ ગયું છે. એમાં પણ હવે એન્ટ્રન્સ એક્ષામ આપવી પડે છે.” વૈદેહીએ કહ્યું.
“એની તમે ચિંતા ના કરો. જો આપણો આ સંબંધ બંધાય તો તમને પી. એચ. ડી. કરાવવાની જવાબદારી મારી.” રેવાંશ બોલ્યો. પણ રેવાંશ વૈદેહીને એમ કહી ન શક્યો કે, મારે નોકરી કરતી છોકરી જોઈએ છે. હંમેશાથી પોતાની ઈચ્છા દબાવીને જીવતો આવેલો રેવાંશ જે એની ભાવિ જીવનસંગીની થવાની હતી એના મોઢે પણ આ વાત બોલી ન શક્યો. પ્રેમનું આ કેવું વર્તુળ હતું એ કોઈ એ સમયે જાણતું નહોતું.
રેવાંશની આ વાત સાંભળીને વૈદેહી ખુશ થઇ ગઈ. એ મનોમન વિચારવા લાગી, “વાહ, કેટલો સારો છોકરો છે. નહિ તો આજે આવા છોકરાઓ મળે છે જ ક્યાં જે પત્ની માટે કઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય.” એમ વિચારીને એ આવો છોકરો મેળવવા બદલ પોતાની જાતને ધન્ય માનવા લાગી.
પણ ત્યારે વૈદેહીને ક્યાં ખબર હતી કે, રેવાંશને પોતાને તો નોકરી કરતી છોકરી જોઈએ છે અને નોકરિયાત કન્યા મેળવવાનો પોતાનો સ્વાર્થ સાધવા માટે જ એ વૈદેહીને ભણાવવા તૈયાર થઇ ગયો હતો. અને એમાં એની માતા અને બહેને પણ સાથસહકાર આપ્યો હતો. હા, રેવાંશના પિતા કદાચ આ વાત જાણતા નહોતા.
થોડીવાર વાતો કર્યા પછી વૈદેહી અને રેવાંશ બંને નીચે હોલમાં આવ્યા. લગ્ન માટે હવે બંને એ હા પાડી દીધી હતી. હવે બંનેની સગાઈની તારીખ નક્કી કરવાની હતી. વૈદેહી અને રેવાંશ બંનેનો પરિવાર ખુબ જ ખુશ હતો.
હવે વૈદેહીના પરિવારે રેવાંશ ના ઘરેથી વિદાય લીધી. થોડા સમય પછી પુરોહિતે બંનેની સગાઈની તારીખ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના રોજ કરવાનું સૂચવ્યું. બધાને આ તારીખ ખુબ પસંદ પડી ગઈ.
૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ વૈદેહી અને રેવાંશ ની સગાઈ કરવામાં આવી. સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો બંનેનો ખુબ જ સારી રીતે પસાર થઇ ગયો. એ દરમિયાન વૈદેહી માત્ર એક જ વાર રેવાંશના ઘરે પી. એચ. ડી. ની એન્ટ્રન્સ એક્ષામ આપવા ગઈ. હા, રેવાંશ ઘણી વખત વૈદેહીના ઘરે જરૂર આવતો હતો પણ વૈદેહી માત્ર એક જ વાર લગ્ન પહેલા એ ઘરમાં ગઈ.
હા, સગાઇ પછી કંકુ પગલાં કરવા એ જરૂર આવી હતી પરંતુ એ સિવાય એ એક જ વાર પરિક્ષા આપવા આવી. રેવાંશ એ એને ઘરે આવવા માટે કહ્યું હતું પરંતુ રેવાંશની માતા એ હજુ એને ઘરે આવવા કહ્યું નહોતું એટલે વૈદેહીને થોડો સંકોચ થતો હતો. અને સ્વભાવે શાંત એવી વૈદેહી પોતાની સાસુ જોડે ખુલ્લા દિલે ક્યારેય વાત કરી જ શકી નહિ. અને એની સાસુ તરફથી પણ એવી કોઈ પહેલ કરવામાં આવી નહિ. સાસુને લાગ્યું કે. “હું સાસુ છું તો વહુએ મને સામેથી ફોન કરવો જોઈએને?” અને વૈદેહી ને થોડી બીક પણ લાગી રહી હતી એટલે એ ડરના માર્યા સાસુ જોડે વાત કરી રહી નહોતી એટલે બંનેને એકબીજા જોડે લાગણીનો સંબંધ બંધાયો જ નહિ.
સમય વીતતો ગયો અને અંતે એ દિવસ આવી ગયો જેની બધાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રેવાંશ અને વૈદેહીના લગ્ન.
કેવા રહેશે વૈદેહી અને રેવાંશના લગ્ન? શું વૈદેહી નો સાસુ જોડે સંબંધ સ્થપાશે? એની વાત આવતા અંકે...