પ્રેમનું વર્તુળ - ૨૩ - છેલ્લો ભાગ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૨૩ - છેલ્લો ભાગ

પ્રકરણ-૨૩ અનંત પ્રેમનું વર્તુળ

રેવાંશ અને વૈદેહી બંને એ સમાધાન કરવાનું નક્કી તો કર્યું. અને એમણે રજતકુમારની શરતો મંજુર પણ રાખી. જે પ્રમાણે વાત થઇ હતી એ પ્રમાણે રેવાંશએ વૈદેહીના ખાતામાં પૈસા જમા કરાવ્યા. એ સિવાયની બીજી કોઈ શરતો મંજુર ન રાખી. સમય વીતી રહ્યો હતો અને એ સમય દરમિયાન વૈદેહી અને રેવાંશ બંને ફોન પર વાત કરતા. અને અરિત્રી જોડે પણ રેવાંશ વાત કરતો. અને વૈદેહી ઇચ્છતી હતી કે, બંને બાપ દીકરી વચ્ચે એક સંબંધનો સેતુ મજબુત થાય. સમય વીતી રહ્યો હતો.
એમ કરતા વૈદેહી અને રેવાંશની મેરેજ એનીવર્સરી આવી. એટલે રેવાંશના માતાપિતાએ વૈદેહી અને એમના પરિવારને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું, “હવે આપણે આગળ શું કરવું એ પણ વિચારી લઈએ કારણ કે, આમ પણ ઘણો બધો સમય થઇ ગયો છે. એટલે એક નવી શરૂઆત કઈ રીતે કરવી એ પણ નક્કી કરી લઈએ.
****
વૈદેહી અને એનો પરિવાર રેવાંશના ઘરે આવી પહોંચ્યા. લગભગ બે વર્ષ પછી વૈદેહીએ એ ઘરમાં પગ મુક્યો હશે. ઘર પહેલા કરતા વધુ સજાવેલું હતું. ઘરમાં ટી.વી., ડાઇનીંગ ટેબલ, નવા સોફા બધું જ ફર્નીચર નવું હતું. પરંતુ વૈદેહીને કોણ જાણે નજાણે શું થયું કે, એને એ ઘરમાં દાખલ થતા જ નેગેટીવ વાઈબ્રેશન આવ્યા. એને ફરી એ ઘરમાં પાછા આવવાનું મન ન થયું. અને રેવાંશનું વર્તન પણ એને વિચિત્ર લાગ્યું. આ જે કઈ પણ ઘટનાઓ બની રહી હતી એમાં જાણે રેવાંશને કોઈ જ પ્રકારનો રસ ન હોય એવું વૈદેહીને લાગ્યું. એનું વર્તન આજે પણ એવું જ હતું જેવું બે વર્ષ પહેલા હતું. છતાં વૈદેહીએ પ્રયત્ન કર્યો કે, રેવાંશ કઈ બોલે. એ પોતાના રૂમમાં આવી. એણે જોયું કે, એનો રૂમ હજુ એવો ને એવો જ હતો જેવો એ છોડીને ગઈ હતી. એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. માત્ર એ એક જ જગ્યા એવી હતી જે એમ ને એમ જ હતી. એ બંનનો ફોટો પણ જેમ હતો એમ જ હતો. એટલે વૈદેહીને થોડું સારું લાગ્યું. બંને વચ્ચેની વાતચીત દરમિયાન રેવાંશ એ વૈદેહીને માત્ર એટલું જ કહ્યું કે, “મારી પતિ અને પિતા તરીકે જે કઈ ફરજો નિભાવવાની થશે એ બધી જ હું કરીશ. બીજું તો હું શું કરી શકીશ? માત્ર એટલું જ કરી શકીશ.”
વૈદેહી રેવાંશની આવી વાત સાંભળી સમજી ગઈ કે, રેવાંશની કોઈ ઈચ્છા એને પાછી બોલાવવાની છે જ નહિ. અને એ માત્ર એના માતાપિતા માટે જ સમાધાન કરવા ઈચ્છે છે. વૈદેહી એ હવે મનમાં જ નિર્ણય લઈ લીધો હતો. એ મનમાં તો જાણતી જ હતી કે, રેવાંશને મારા માટે લાગણી તો છે જ પણ એ બતાવવા નથી માંગતો અને પોતાની દીકરીને પણ એ એના ઘરના વાતાવરણમાં ઉછેરવા નથી માંગતો.
એ પછી બધાં સાથે જમ્યા અને વૈદેહીનો પરિવાર પોતાના ઘરે પરત ફર્યો.
***

વૈદેહી નો પરિવાર હવે પાછો પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને વૈદેહીએ પોતાના મનની વાત જણાવી કે, “મમ્મી, પપ્પા હું એ ઘરમાં માનસિક શાંતિથી રહી નહિ શકું. અને જે ઘરમાં હું માનસિક શાંતિથી રહી ન શકું એ ઘરમાં મારી દીકરીનો ઉછેર પણ વ્યવસ્થિત ન કરી શકું.”
“તો તારે શું કરવું છે? છુટા પડી જવું છે?”
“ના, હું એ ઘરમાં રેવાંશ જોડે રહી નહિ શકું. પણ હું એને પ્રેમ કરું છું એ પણ એટલું જ સત્ય છે. અને એ પણ મને પ્રેમ કરે છે એ પણ હું ખુબ સારી રીતે જાણું છું. આ બધી ઘટનાઓ કેમ બની એ મને ખુદને પણ સમજાતું નથી. પણ જે થયું એ સારા માટે એમ માનીને એને ઈશ્વરની ઈચ્છા સમજીને હું સ્વીકારી લઉં છું.
અમારા બંનેના પ્રેમનું આ એવું વર્તુળ છે કે જેનો કોઈ અંત નથી. વર્તુળનું આરંભબિંદુ અને અંતિમબિંદુ કયું છે એ કોઈ નથી જાણતું. અમારા બંનેનો આ સંબંધ પણ પ્રેમનું એવું વર્તુળ છે કે જે ગોળ ગોળ ફર્યા જ કરે છે. અને મનમાં એક આશા સાથે જીવી રહ્યા છીએ કે, ક્યારેક તો એનો અંત આવશે. પણ શું વર્તુળ નો ક્યારેય કોઈ અંત હોઈ શકે? શું પ્રેમનો પણ કોઈ અંત હોઈ શકે? એ તો અનંત છે. વૈદેહી અને રેવાંશના પ્રેમની જેમ...

(સંપૂર્ણ)