premnu vartud - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૪

પ્રકરણ-૪ વૈદેહી અને રેવાંશની પહેલી મુલાકાત

ઘરની ડોરબેલ રણકતા જ વૈદેહીના પિતાએ ઘરનો દરવાજો ખોલ્યો. તેમણે રેવાંશના આખા પરિવારને આવકાર આપ્યો. તેઓ ઘરમાં દાખલ થયા. રેવાંશ, એના માતાપિતા અને એની બહેન બધાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર ઔપચારિક વાતો કરી. અતુલભાઈ એ બધાની ઓળખાણ કરાવી. ઓળખાણ પત્યાં પછી વૈદેહી ટ્રે માં પાણીના ગ્લાસ લઈને આવી. એણે બધાને પાણી આપ્યું. પાણીના ગ્લાસ આપતાં આપતાં એ રેવાંશ પાસે પહોંચી. વૈદેહી અને રેવાંશ બંનેની નજર મળી. બંને એ એક ક્ષણ એકબીજા સામે જોયું અને પછી તરત જ એકબીજા પ્રત્યેથી નજર હટાવી લીધી. વૈદેહી ગ્લાસ પાછા લઈને રસોડામાં જતી રહી. એ શરમાઈ રહી હતી. એને રેવાંશ એક નજરે જ પસંદ પડી ગયો હતો. સુરુચિ એ પણ વૈદેહીની સામે જોઇને એને છેડવાનો મોકો ન ગુમાવ્યો.
એ બોલી, “હાશ, હવે તો તું ગઈ જ આ ઘરમાંથી. મારે હવે શાંતિ. હવે તો હું એકલી જ જલસા કરીશ આ ઘરમાં.”
“હા, ભલે બહુ સારું હો. હજુ મેં હા નથી પાડી હો લગ્નની. એટલે બહુ વહેમમાં ના રહીશ તું.” વૈદેહી બોલી.
“તે ભલેને હા ન પાડી હોય પણ તારું મોઢું તો તારી હા ની ચાડી ખાય જ છે. તું હા જ પાડવાની છો.” સુરુચિ બોલી.
“પણ પહેલા હજુ અમને બંનેને વાત તો કરવા દે. મને યોગ્ય લાગશે તો જ હું હા પાડીશ. અને હું હા પાડીશ પછી પણ એ પણ મને હા પડશે જ એ વાતની પણ શું ખાતરી છે?” વૈદેહી એ કહ્યું.
“ હા, એ તો છે પણ તું એની જોડે વાત કરી લે પછી તને યોગ્ય લાગે તો જ હા કહેજે.” સુરુચિ હવે મોટા માણસ ની જેમ મોટી બહેનને સલાહ આપવા લાગી.
આ સમય દરમિયાન વૈદેહી અને રેવાંશના માતાપિતા પોતાના પરિવાર વિશેની વાતો કરી રહ્યા હતા. ત્યાર પછી વૈદેહીના પિતાએ વૈદેહીને ચા નાસ્તો બનાવવા કહ્યું. વૈદેહી એ બટેટા પૌઆ અને ચા બનાવી. એ અંદરથી થોડી ગભરાઈ પણ રહી હતી કારણ કે, એના માટે છોકરો જોવાનો પહેલો જ પ્રસંગ હતો. એ ગભરાઈ રહી હતી કે, મારાથી ચા તો બરાબર બનશેને?
વૈદેહીએ બટેટા પૌઆની પ્લેટ ટેબલ પર મૂકી અને પછી એ ચા ના કપ ટ્રે માં લઈને આવી રહી હતી. એ થોડી ગભરાઈ રહી હતી. એ ચા નો કપ ટેબલ પર મુકવા જઈ રહી હતી ત્યાં જ એના હાથમાંથી ચા નો કપ સહેજ હલી ગયો અને સહેજ ચા ટેબલ પર ઢોળાઈ ગઈ. એણે ફટાફટ ટેબલ પર પોતું માર્યું ને સાફ કર્યું. એ થોડી ગભરાઈ ગઈ. એને ગભરાતી જોઇને રેવાંશના મમ્મી તરત બોલ્યા, “કાંઈ વાંધો નહિ બેટા, ચિંતા ના કર. એવું તો થાય. ગભરાઇશ નહિ.”
બધાં એ ચા નાસ્તો કરી લીધા પછી રેવાંશ અને વૈદેહી ને વાત કરવા માટે અલગ રૂમમાં મોકલવામાં આવ્યા. વૈદેહી રેવાંશ ને પોતાના રૂમમાં લઈ ગઈ. ત્યાં બંનેને વાતો કરવા માટે પહેલેથી જ ખુરશી ગોઠવી રાખેલી હતી. વૈદેહીએ રેવાંશ ને બેસવા માટે કહ્યું. બંને ખુરશીમાં બેઠા. રેવાંશ એ વાતની શરૂઆત કરતા કહ્યું,
“કેમ છો?”
વૈદેહી એ જવાબ આપ્યો, “હું મજામાં છું.”
રેવાંશ હવે કઈ પણ આડીઅવળી વાત ન કરતા મૂળ વાત પર આવ્યો. એણે કહ્યું, મને લાગે છે કે, આ સંબંધ બંધાય એ પહેલા મારે તમને મારા વિષે જણાવી દેવું જોઈએ, હું ડોકટર બન્યો એ પાછળ મારા માતાપિતાએ ખુબ મહેનત કરી છે. એમનું મારા પર ઋણ છે કે, આજે હું જે કઈ છું એ એમના થકી જ છું. બાકી મારી મમ્મી નોકરી કરે છે એટલે ઘરનું કામ ખુબ રહેતું હોય છે. આખા અઠવાડિયાનું બાકી રહેલું કામ મારી મમ્મી શનિરવિ માં પૂરું કરે. એટલે રજા ના દિવસે અમારે આરામ ને બદલે કામ વધુ હોય છે.
“હા, એ તો બરાબર છે. ઘર હોય ત્યાં કામ તો રહેવાનું જ ને. એનો કઈ મને વાંધો નથી.” વૈદેહીએ કહ્યું.
પછી વૈદેહીએ રેવાંશને એના શોખ વિષે પૂછ્યું, “તમને કોઈ શોખ ખરા?”
“આમ જોઈએ તો મને એવો કોઈ ખાસ શોખ નથી પણ મને કાર ડ્રાઈવ કરવાનો અને બાઈક રાઈડીંગનો શોખ છે.”
“અને ફિલ્મો જોવાનો શોખ છે? મને તો ખુબ છે.” વૈદેહીએ કહ્યું.
“ના, એવો ખાસ શોખ નથી પણ સાઉથની ફિલ્મો જોવી વધુ ગમે મને.” રેવાંશ એ જવાબ આપ્યો.
પછી એણે પૂછ્યું, “તમને આગળ શું કરવાની ઈચ્છા છે? નોકરી કરવાની ઈચ્છા છે?”
વૈદેહીએ કહ્યું, “હા, આગળ મારી પી. એચ. ડી. કરવાની ઈચ્છા છે. અને નોકરી મળે તો નોકરી કરવાની પણ ઈચ્છા છે એ સિવાય મેં ફોરેસ્ટ ઓફિસરની જીપીએસસી ની પ્રિલિમિનરી પરિક્ષા પાસ કરી છે અને મુખ્ય પરિક્ષા હવે આવવાની છે લગભગ તો એમાં પણ પાસ થઇ જઈશ.”
“અરે વાહ, આ તો બહુ જ સારું કહેવાય. હું તમારા માટે ખુશ છું. મને તો જંગલમાં ફરવું બહુ જ ગમે છે.” રેવાંશએ કહ્યું.
એ પછી રેવાંશ એ વૈદેહીને થોડા એને ભણવાને લગતા સવાલો પૂછ્યા અને વૈદેહીએ એના જવાબ આપ્યા.
છેલ્લે રેવાંશ એ વૈદેહીને કહ્યું, “અમારા ઘરમાં દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લે છે. કોઈ કોઈની જિંદગીમાં બહુ દખલ કરતા નથી. બાકી પછી તમે વિચારી લેજો. મને જે કહેવા યોગ્ય લાગ્યું એ બધું જ મેં તમને મારા વિષે જણાવ્યું છે. અને બીજી પણ એક વાત જણાવી દઉં કે, મારા લગ્નની વાત પહેલા પણ એક છોકરી જોડે ચાલી હતી. અને થોડી લાંબી ચાલી હતી પણ પછી એ વાત આગળ વધી નહોતી. મને લાગે છે કે, મારે તમને આ વાત પણ જણાવવી જોઈએ માટે હું આ વાત જણાવી રહ્યો છું.”
એટલું કહી રેવાંશ ત્યાંથી ઉભો થયો અને વૈદેહી પણ એની પાછળ પાછળ બધાં બેઠા હતા ત્યાં હોલમાં આવી. બંને પોતપોતાની જગ્યાએ ફરી બેઠા. થોડી ઔપચારિક વાતો કરી પછી રેવાંશના પરિવાર એ ત્યાંથી વિદાય લીધી. અને રેવાંશના મમ્મીએ રજતકુમારને કહ્યું, “સારું, ચાલો આવજો. અને અમે પછી રેવાંશ જોડે વાત કરીને પછી તમને જવાબ આપીશું. આ સંબંધ તો થાય કે ના થાય એ તો ઈશ્વરની મરજીની જ વાત છે પણ છતાં તમને અમારા ઘરે આવવાનું નિમંત્રણ આપું છું.” એટલું કહી એમણે વૈદેહીના હાથમાં ૧૦૧ રૂપિયા મુક્યા.
રજતકુમાર એ અને વૈદેહી બંને એ એ પૈસા લેવાની નાં પાડી અને કહ્યું, “અમે કોઈનું કશું લેતા જ નથી. હા, જો આ સંબંધ ગોઠવાય તો ત્યારે જરૂર તમે એને આપજો પણ અત્યારે આ નહી પ્લીઝ.”
“સારું, કશો વાંધો નહિ.” રેવાંશ ની મમ્મી એ પર્સમાં પૈસા પાછા મુકતાં કહ્યું.
“હા, ચોક્કસ, અમે પણ વૈદેહી જોડે વાત કરીને પછી જણાવીશું. વિદાય લેતાં લેતાં રેવાંશની બહેને વૈદેહીનો ફોન નં. માંગ્યો. અને વૈદેહીએ તે આપ્યો.
શું વૈદેહી અને રેવાંશ લગ્ન માટે તરત હા પાડશે કે પછી વધુ સમય લેશે? એની વાત આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED