premnu vartud - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૧૦

પ્રકરણ-૧૦ રેવાંશનું નવું રૂપ

વૈદેહી અને રેવાંશ હવે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બંનેમાંથી કોઈને એવું યાદ ન આવ્યું કે, આપણે ઘરે ફોન કરીને જણાવી દઈએ કે, આપણે પહોંચી ગયા છીએ. બંને હોટલ પર આવ્યા. રેવાંશ એ રીસેપ્શન પરથી પોતાના રૂમની ચાવી લીધી. ચાવી લઇ રૂમ ખોલી બંને રૂમમાં દાખલ થયા. બંનેએ સમાન ગોઠવ્યો ત્યાં સુધીમાં બપોર થઇ ગઈ હતી. જમવાનો સમય થઇ ગયો હતો. રેવાંશ એ વૈદેહીને કહ્યું, “ચાલ, તું તૈયાર થઇ જા. આપણે બહાર જઈને જામી આવીએ. અહી હોટલમાં જમવાની મજા નહિ આવે. આપણે બહાર જ ક્યાંક જમીએ.”
“સારું, હું તૈયાર થઇ જાવ છું. ત્યાં સુધીમાં તમે ઘરે વાત કરી લો.” વૈદેહીએ કહ્યું.
“હા, સારું.” એટલું કહી રેવાંશ એ એની મમ્મીને ફોન જોડ્યો.
હજુ તો રેવાંશ કઈ બોલે એ પહેલા જ એની મમ્મીએ બોલવાનું શરુ કર્યું, “તમારે અમને ફોન નહિ કરવાનો? પહોંચી ગયાનો? અમને કઈ કહેવાનું નહિ? તમને બંનેને એટલી ખબર નાં પડે કે અમને કેટલી ચિંતા થતી હોય?”
રેવાંશ એ એની મમ્મીને શાંત પાડી અને કહ્યું, “ મમ્મી, એવું નથી. અમને એમ કે, રૂમ પર જઈને શાંતિથી તારી જોડે વાત કરીશું, લે, વૈદેહી જોડે પણ વાત કર લે. એને આપું છું.” એમ કહી એણે વૈદેહીને ફોન આપ્યો.
“હેલો, મમ્મીજી.” વૈદેહી બોલી.
વૈદેહીનો અવાજ સાંભળીને એના સાસુ વધુ ભડકી ઉઠ્યા અને તરત બોલ્યા, “તને તો અમે કોઈ યાદ જ નથી આવતા. બહાર જાવ એટલે ઘરને તો સાવ ભૂલી જ જવાનું નહિ?”
“ના, મમ્મીજી એવું નથી. અમને લાગ્યું કે, રૂમ પર આવીને ફ્રેશ થઈને ફોન કરીશું.” વૈદેહીએ જવાબ આપ્યો. “એવું હોય તો તમારે અમને ફોન કરી લેવાયને?” વૈદેહીએ કહ્યું.
“ના, હું ફોન નહિ કરું. અમે મોટા છીએ, વડીલ છીએ એટલે તમારે જ તમારી જવાબદારી સમજીને અમને ફોન કરવાનો હોય.” સામે છેડેથી સાસુએ જવાબ આપ્યો.
હવે વૈદેહીએ વધુ કઈ બોલવાનું યોગ્ય ન માન્યું એટલે એણે “સોરી મમ્મીજી. હવેથી અમે ધ્યાન રાખીશું. હવે તમને તરત ફોન કરીશું.” એટલું કહીને ફોન મૂકી દીધો.
ફોન પતિ ગયા પછી રેવાંશ એકલો એકલો બબડી રહ્યો હતો, “માંડ ઘરથી શાંતિ મેળવવા દુર ગયા હોઈએ ત્યાં પણ શાંતિ નહિ લેવા દે.” વૈદેહી એ એ સાંભળ્યું પણ કઈ બોલી નહિ. અત્યારે એને કઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું.
બંને હવે નજીકની રેસ્ટોરન્ટમાં જમવા ગયા. રેવાંશ એ વૈદેહીને પૂછ્યું, “તું શું લઈશ?”
વૈદેહીને ક્યારેય ઘરમાં પણ પોતાની મરજી ન પૂછતાં રેવાંશ એ આજે વૈદેહીને એની ઈચ્છા પૂછી. વૈદેહીને આ સાંભળીને ખુશી થઇ. આજે એણે રેવાંશનું એક નવું જ રૂપ જોયું.
“મને તો કઈ પણ ચાલશે. મને બધું ભાવે છે.” વૈદેહીએ પ્રત્યુતર આપ્યો.
“તો પછી પંજાબી થાળી મંગાવીએ? મને એ બહુ જ પસંદ છે.” રેવાંશ એ કહ્યું.
“હા, એ તો મને પણ બહુ જ પસંદ છે.” લગ્નના એક વર્ષ પછી બંનેને ખબર પડી કે, બંનેને પંજાબી થાળી બહુ જ પસંદ છે. એ પછી બંને પેટભરીને જમ્યા. જમીને પાછા રૂમ પર આવ્યા. રૂમ પર આવી રેવાંશ થોડીવાર પથારીમાં આરામ કરવા આડો પડ્યો અને વૈદેહી થોડીવાર વાંચવા બેઠી. કારણ કે, આવતી કાલથી એને પેપર આપવાનું હતું.
એમ કરતા સમય વીતી રહ્યો હતો. સાંજ પડી ગઈ હતી. રેવાંશ થોડીવારમાં જાગ્યો. એણે વૈદેહીને વાંચતી જોઈ. રેવાંશ ઉઠીને થોડા રોમેન્ટિક મૂડમાં હતો. એણે વાંચતી વૈદેહીના હાથમાંથી ચોપડી ખેંચી અને બોલ્યો, “બસ, વૈદેહી હવે બહુ વાંચ્યું. થોડીવાર મારી જોડે બેસ.”
વૈદેહીએ ચોપડી મૂકી અને બોલી, “લ્યો, બસ, મૂકી દીધી. આમ પણ હું બહુ જ કંટાળી છું વાંચી વાંચીને.
રેવાંશ એ વૈદેહીનો હાથ પકડ્યો અને બોલ્યો, “ડાર્લિંગ, કોણ કહે છે આપણે હનીમુન નથી માણ્યું. અત્યારે આપણે બંને આપણા બાકી રહી ગયેલા હનીમુનની મજા માણીએ. આ હોટલનો રૂમ કેટલો રોમેન્ટિક છે નહિ?” એમ કહી એણે વૈદેહીના હોઠ પર તસતસતું ચુંબન કર્યું. વૈદેહીએ પણ એનો પ્રતિકાર ન કર્યો અને પછી બંને એકમેકમાં સમાઈ ગયા. જાણે લગ્ન પછીનું બાકી રહી ગયેલુ હનીમુન એમણે આજે પૂરું કર્યું.
હંમેશા શાંત જ રહેતો રેવાંશ અંદરથી આટલો બધો રોમેન્ટિક છે એની તો વૈદેહીને ખબર જ નહોતી. ધીમે ધીમે રેવાંશના અંદરના આવરણો ખુલતા જતા હતા. વૈદેહીએ હવે રેવાંશનું એક નવું જ રૂપ જોયું હતું અને આ રૂપ વૈદેહીને ખુબ ગમવા લાગ્યું હતું. આ ત્રણ દિવસ બંનેએ ખુબ સારી રીતે વિતાવ્યા. વૈદેહીની પરિક્ષા પણ પૂરી થઇ. એના પેપર પણ સારા ગયા હતા.
પરિક્ષા પતાવીને બંને ઘરે આવ્યા. અને પહેલાની જેમ જ બંનેનો નિત્યક્રમ ચાલવા લાગ્યો. ઘરે આવીને રેવાંશ પાછો પહેલાની જેમ જ શાંત થઇ ગયો હતો. હવે માત્ર વૈદેહીના પરિણામની જ રાહ જોવાતી હતી.
વૈદેહીની પરિક્ષા પૂરી થયા પછી એની સાસુ એ એને કહ્યું, “તારે થોડા દિવસ પિયર રોકવા જવું હોય તો જઈ આવ. આમ પણ તે બહુ વાંચ્યું છે. બહુ મહેનત કરી છે. થોડા દિવસ ફ્રેશ થઇ આવ. તારા માતા પિતાને પણ સારું લાગશે અને હમણાં તો તારે કોલેજમાં પણ વેકેશન છે.”
સાસુમાનો હુકમ થયો એટલે વૈદેહી અઠવાડિયું પિયર રોકવા ગઈ. વૈદેહી થોડા દિવસ ત્યાં રોકાઈ. એ જ સમય દરમિયાન એની ફોરેસ્ટ ઓફિસરની પરિક્ષાનું પરિણામ આવ્યું.
શું આવશે વૈદેહીનું પરિણામ? શું એ પાસ થશે? જો એ પાસ નહિ થાય તો કેવા હશે રેવાંશના પ્રત્યાઘાતો? શું એ વૈદેહીની નિષ્ફળતાને જીરવી શકશે? એની વાત આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED