ચાલ્યો જા ઓ પથિક SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ્યો જા ઓ પથિક

એક પ્રેરણાત્મક કાવ્ય. કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવી હોય તો એ રસ્તે મુશ્કેલી તો આવવાની જ. પરંતુ દરેક મુશ્કેલી પૈકી જેને અવગણી શકાય તે અવગણી, બાકીની માંથી કોઈ રસ્તો કાઢી નિરંતર પ્રગતિ કરવામા આવે તો સફળતા જરૂર મળે જ છેઅને તેનો સ્વાદ સાચે જ મીઠો લાગે છે.
અહીં ઘોર વન કે રણ એ પ્રતીક છે આસાન નથી તેવા માર્ગનાં.
થાક ખાવોએટલે અમુક પ્રગતિ કર્યા પછી સેલ્ફ ઈવેલ્યુએશન , પોતાની પ્રગતિ નો ક્યાસ કાઢવો. એમ ને એમ આંખોમીંચી દોડયે જઈએ તો તો અકસ્માત જ થાય અને ભુલા પડીએ. કોઈ પણ સિદ્ધિ પૂરું સમજીને પ્રયાસ કર્યા વિના મળવી મુશ્કેલ છે અને કદાચ મળે તો એનું આપણને મૂલ્ય રહેતું નથી. એટલે નકકી કરેલ માર્ગ પર પ્રગતિ કરતાં પહેલાં તે મુકામ પર આપણે શા માટે જવું છે તે સમજી વિચારી લેવું પડે. દા. ત. કોઈ વિદ્યાર્થી સાયન્સની કારકિર્દી નક્કી કરે છે. તો એ શા માટે સાયન્સ લે છે એનો તેના મન માં સ્પષ્ટ ખ્યાલહોવો જોઈએ. ત્યાર પછી સાયન્સની કારકિર્દીમાં પણ તેને આખરે ક્યાં પહોંચવું છે અને તે માટે તેની આર્થિક અને માનસિક શક્તિ છે કે નહીં તે વિચારી લેવું પડે. પછી એક વાર એ માર્ગે શરૂઆત કરી પછી મુશ્કેલીઓ માંથી રસ્તો કાઢતા આગળ ગયા જ કરવું પડે.
કોઈ મકાન બાંધવા નક્કી કરે છે. અમુક તબક્કે લોન કરતાં ખર્ચ વધી જાય છે કે કાયદાઓની આંટી ઘૂંટીઓ તેને સમજાતી નથી. ક્યારેક છેક કાંઠે આવી તે અટકી જતો લાગે. તેવે વખતે હતાશ થયા વગર તેણે અલગ અલગ જગ્યાએથી સાધનો મેળવી પ્રયત્નો કર્યે જ રાખવા જોઈએ.
આખરે સાયન્સની કારકિર્દી બાદ તેને ઊંચું વળતર મળશે કે મકાનની બહાર તેના નામની તાકતી જોશે ત્યારે તેને એટલી સંતોષ ઠશેજે વર્ણવી શકાય નહીં.
ચાલ્યો જા, ઓ પથિક
*****
તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.
માર્ગ છો કઠિન છે, મક્કમ ડગ ભર્યે જા.

મંઝિલ જરૂર તને સમયે સાંપડશે,
ધીરજ ધરી ચાલ, આવી મુકામે મળશે.
હામ ધર, મળશે હરિયાળો માર્ગ તને,
ફુલોનો બાગ ફેલે સુગંધી એ કને.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

કંટક રાહે, તાપ આભે, જોજે તું ડરીશ ના
ચૂમવા વિજયશ્રી જગાડ ઊરની ઉત્તેજના
કદમ ભલે થાકે તું હૈયે હારીશ ના
લક્ષ્ય પ્રતિ ચાલજે તું ભૂલીને વેદના.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

આંખો રાખ મંઝિલ ભણી, કદમ ભર પીડા અવગણી.
ભર શ્વાસ, ઉડાડ નિશ્વાસ, તું તો છે સિદ્ધિનો ધણી.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

દૂર દીસે પણ દૂર નથી એ મુકામ યારો
જ્યાં પહોંચવા દ્રઢ છે નિર્ધાર તારો.
તું ચાલ્યો જા ઓ પથિક, આ ઘોર વને,
આલિંગતી આવી મળશે મંઝિલ તને.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

માન્યું કે માર્ગમાં છે ઘોર અંધારું
વાદળે ઢંકાયું ચાંદનીનું અજવાળું.
વાતો વાયુ ચોમેર ભયંકર, ને વળી તિમિર તને ભીંસે
તેથી શું? આંખોનું તેજ તને ઉજાસ સીંચે.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

થંભે તું ભલે ઘડી થાક ખાવા
ઉઠ તું ફરી, માંડ આગળ તું જાવા.
પાથરી છે સેજ પુષ્પોની આગળ.
મોકલે તને પડકારનો કાગળ.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

એક વેળા પહોંચ તું મુકામે
જોજે, મંઝિલ તને બાહુમાં થામે.
આલિંગશે એ તને, જો અટકીશ ના તું,
પરિશ્રમે જરૂર મળે ભાવતું ભાતું.

તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

મળશે જરૂર મંઝિલ તને, તું ચાલ્યો જ જા.
તું ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

- સુનીલ અંજારીયા