Rich from the heart books and stories free download online pdf in Gujarati

દિલથી અમીર

એક નાનકડાં એવા ઘરમાં એક છોકરો દિવાળીનું હોમવર્ક કરી રહ્યો હતો. એ છોકરાની માં દિવાળી હોવાથી તેની પાસે જ ઘરની સાફ સફાઈ કરી રહી હતી.

હોમવર્ક કરતા કરતા તે બોલ્યો "માં, આજે મારે મીઠાઈ ખાવી છે, ઘણા દિવસો થઈ ગયા મેં મીઠાઈ જોઈ પણ નથી."

પોતાના બાળકની આ ફરમાઈશ સાંભળી, માં ઘરકામ કરતા કરતા અટકી ગઈ અને થોડી ભોંઠી પડી ગઈ. તેણે પોતાનું ફાટેલું પર્સ કાઢ્યું અને અંદર જોયું તો ફક્ત એક દસ રૂપિયાની જૂની નોટ હતી. આ જોતો જ મનોમન તેનો નિશાસો નીકળી ગયો અને બોલી "બેટા, હમણાં એક-બે દિવસમાં માલિક મને પૈસા આપશે, ત્યારે હું નવા વર્ષને દિવસે તને મીઠાઈ લઈ આપીશ. ત્યારે તું મન ભરીને ખાઈ લેજે."

બાળક બોલ્યો "ઠીક છે માં, આજે હું પણ તમારી સાથે કામ પર આવીશ."

માં બોલી "ઠીક છે બેટા, આજે તું પણ મારી સાથે આવજે"

આ બાજુ માલિકનાં ઘર પર તેની પત્ની થોડાં જુના કપડાં અલમારીમાંથી બહાર કાઢીને બેઠી છે અને તેનાં પતિને તે જુના કપડાં બતાવીને બોલી "રાજેશ, સાંભળો છો... નવું વર્ષ આવે છે અને આ તમારા જુના કપડાં કાઢ્યા છે મીનું કામવાળીને આપવા માટે"

તેનો પતિ આ જુના કપડાં જોઈને બોલ્યો "અરે, આ તો બધા બ્રાન્ડેડ કપડાં છે, આ કપડાં તું પેલી કામવાળીને આપવા માંગે છે, એની માટે હું લઈ આવીશ, આ કપડાં તું અંદર મૂકી દે."

ત્યાંજ ડોરબેલ વાગે છે, રાજેશ દરવાજો ખોલે છે અને સામે મીનું કામવાળી અને તેનો દીકરો બન્ને ઉભા હતા. આજે મીનુની સાથે આ છોકરાને જોઈને રાજેશે પૂછ્યું "અરે, આ કોણ છે?"

મીનું બોલી "સાહેબ, આ મારો દીકરો છે. આજે એણે મારી સાથે આવવાની જીદ કરી તો હું તેને મારી સાથે લઈ આવી"

રાજેશે મોં બગાડી મનમાં વિચારવા લાગ્યો "જેવા જ તહેવાર આવે છે, આ લોકો મોં ઉઠાવીને આવી જાય છે માંગવા માટે... હંહહહહ" અને રાજેશે કહ્યું "ઠીક છે, અંદર આવી જાવ"

મીનું અને તેનો દીકરો અંદર આવે છે. તેનો દીકરો ઘરનાં એક ખૂણામાં ચૂપચાપ બેસી જાય છે અને આજે પોતાની માંના માલિકનાં ઘરે પહેલી વાર આવ્યો હોવાથી ઘરમાં આસપાસ બધું જોયા કરે છે. થોડીવાર પછી તેની માં ઝાડું મારવા આવે છે ત્યારબાદ પોતું મારે છે. આ બધું જોઈને તેનો દીકરો મનમાં વિચાર કરવા લાગ્યો "મારી માં અહીંયા આટલું બધું કામ કરે છે અને હું મીઠાઈ માટે જિદ્દ કરી રહ્યો હતો. નઈ નઈ... મારે હવે મીઠાઈ નથી ખાવી"

આ બાજુ રાજેશ કામવાળીને દિવાળીની બોણી આપવા માટે કપડાંની ખરીદી કરવા દુકાનમાં જાય છે.

અને કાઉન્ટર પર ઉભેલા માણસને કહ્યું "ભાઈ, એક સાડી બતાવો ને"

દુકાનદાર સાડીનું બોક્સ ખોલતા બોલ્યો "આ લો સાહેબ, પુરા બે હજાર રૂપિયાની બ્રાન્ડેડ સાડી છે"

રાજેશ બોલ્યો "નઈ નઈ... આટલી મોંઘી નથી જોતી. કામવાળીને આપવાની છે. સસ્તામાં સસ્તી હોય એવી સાડી બતાવો"

દુકાનદાર બીજી એક સાડી આગળ ધરતા બોલ્યો "તો આ લો સાહેબ, એંસી રૂપિયાની સાડી છે. સૌથી સસ્તી.... "

રાજેશ સાડી જોઈને બોલ્યો "હાંઆઆ..... આ ચાલશે, અને એક કામ કરો, સસ્તો શર્ટ પણ બતાવો"

દુકાનદાર એક શર્ટ બતાવતા બોલ્યો "આમ તો આ શર્ટ બસ્સોનો છે પણ થોડોક ફાટેલો હોવાથી હું તમને પચાસ રૂપિયામાં આપી દઈશ"

રાજેશ બોલ્યો "હાં, ચાલશે ચાલશે. કામવાળાઓને તો આવા જ કપડાં હોય, તમે આ શર્ટ પણ પેક કરી દો"

ઘરે આવીને રાજેશ પૈસા કામવાળીનાં હાથમાં આપતા બોલ્યો "મીનું, આ લે તારો આ મહિનાનો પગાર" અને હજી હમણાં જ લઈને આવેલા કપડાંની થેલી આપતા બોલ્યો "આ કપડાં છે તમારાં બન્ને માટે. તમે બન્ને આ કપડાં નવા વર્ષનાં દિવસે પહેરજો"

મીનું કામવાળી ખુશ થતા હાથ જોડીને બોલી "આભાર સાહેબ... ખૂબ ખૂબ આભાર"

ઘરે જતા રસ્તામાં મીનુનો દીકરો બોલ્યો "માં, માલિક કેટલા સારા છે.... હેં ને"

મીનું બોલી "હાં બેટા, પણ આપણે હંમેશા લઈને જ ખુશ ના થવું જોઈએ... ક્યારેક આપીને પણ ખુશ થવું જોઈએ. આપણે એક કામ કરીએ, આપણે પણ માલિક માટે કંઈક લઈએ"

પછી તેઓ બન્ને તે જ કપડાંની દુકાનમાં જાય છે જ્યાં તેનો માલિક ખરીદી કરવા ગયો હતો. તે જ દુકાનદારને મીનુએ કહ્યું "ભાઈ, એક શર્ટ બતાવો ને"

દુકાનદાર એક શર્ટ બતાવતા બોલ્યો "આ જુઓ બેન, સસ્તો અને ટકાઉ"

મીનુંએ કહ્યું "ભાઈ, અમારી માટે નથી લેવાનો. અમારા માલિક માટે લેવાનો છે. કોઈક સારો એવો મોંઘો શર્ટ બતાવો"

દુકાનદાર બીજો એક શર્ટ બતાવતા બોલ્યો "આ જુઓ, બારસો રૂપિયાનો બ્રાન્ડેડ શર્ટ"

મીનું શર્ટને હાથ લગાવતા બોલી "અરે વાહ, આ તો કેટલો સુંદર છે. હાં ભાઈ આ શર્ટ તમે પેક કરી દો"

મીનું અને દીકરો પાછા પોતાનાં માલિકનાં ત્યાં જઈને ડોરબેલ વગાડે છે. દરવાજો રાજેશ ખોલે છે અને ગુસ્સા સાથે બોલ્યો "અરે, તમે બન્ને પાછા આવી ગયા. હવે બીજું શું જોઈએ છે તમને લોકોને?"

મીનું થોડું ખચકાતા બોલી "નઈ સાહેબ, અમે તો તમારી માટે ઉપહાર લાવ્યા હતા" રાજેશ ભોંઠો પડીને થેલી હાથમાં લેતો બોલ્યો "ઉ ઉ ઉ ઉપહાર...."

મીનું બોલી "હેપ્પી ન્યુ યર, સાહેબ"

રાજેશ પણ શરમથી બોલ્યો "હેપ્પી ન્યુ યર"

રાજેશ સોફા ઉપર અવાચક બની બેસીને મીનુએ આપેલું ગિફ્ટ ખોલીને જોવા લાગ્યો. ગિફ્ટનું બોક્ષ ખોલીને જોયું તો અંદર મોંઘો બ્રાન્ડેડ શર્ટ હતો અને એકલો એકલો બબડયો "આટલો મોંઘો શર્ટ..."

પાસે જ ઉભેલી તેની પત્ની બોલી "એક વાત તો માનવી પડશે કે આપણે પૈસાવાળા થઈને પણ એ લોકોને કેટલું મામૂલી ગિફ્ટ આપ્યું, અને તેઓ ગરીબ થઈને પણ આપણને કેટલું મોંઘુ ગિફ્ટ આપી ગયા. માણસ પૈસાથી નહિ પણ દિલથી અમીર હોય છે. આ વાત મેં ક્યાંક સાંભળી તો હતી પરંતુ આજે જોઈ પણ લીધી"

કોઈકે સાચું જ કહ્યું છે - "માણસ દિલથી અમીર હોવો જોઈએ, પૈસાથી નહિ...... "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED