એક રાજા હતો. એની ચાર પત્નીઓ હતી. એ રાજા તેની ચારેય પત્નીઓને પ્રેમ તો કરતો હતો પણ ચોથી પત્નીને સૌથી વધારે પ્રેમ કરતો હતો. હંમેશા એની માટે કંઈક ઉપહાર લાવતો, એની ખુશીનું પૂરું ધ્યાન રાખતો અને મોંઘી ભેંટ આપ્યા કરતો. રાજ્યની સૌથી ઉત્તમ ચિજવસ્તુઓ એ ચોથી પત્નીને આપી દેતો.
એ જ રાજાની ત્રીજા નંબરની પત્ની ખૂબ જ સુંદર હતી, એટલા માટે તે તેનો ઉપયોગ કરીને પડોશનાં રાજ્યોમાં દેખાડો કરતો. તે ત્રીજી પત્નીને ફક્ત એટલા માટે પ્રેમ કરતો હતો કે રાજા તેની મદદથી પડોશનાં રાજ્યોના રાજાઓને બળતરા કરાવા માંગતો હતો.
એ જ રાજાની જે બીજા નંબરની પત્ની હતી તે ખૂબ જ સારી હતી, શાંત સ્વભાવ વાળી હતી અને ગુણોમાં સંપૂર્ણ હતી. જ્યારે પણ રાજાને પોતાનાં રાજ્યમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો કે કોઈ મોટી મુસીબત આવી જતી અને તેને નિર્ણય કરવામાં મુશ્કેલી પડતી ત્યારે તે રાજા આ બીજા નંબરની પત્ની પાસે જતો અને તે એટલી બુદ્ધિમાન હતી કે ખૂબ જ આસાનીથી રાજાની મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ બતાવી રાજાને ખુશ કરી દેતી.
હવે રાજાની જે પહેલા નંબરની પત્ની હતી તે ખૂબ વફાદાર, ખૂબ ઈમાનદાર હતી. તે હંમેશા રાજાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી. રાજાની સંપત્તિની રક્ષા કરતી. તેને હંમેશા રાજાનાં સ્વાસ્થ્યની ચિંતા રહેતી. પરંતુ રાજા આ પત્નીનાં મામલામાં ખૂબ જ નાદાન હતો. રાજા આ પહેલી પત્નીને ભાગ્ય ક્યારેક જ ધ્યાનમાં લેતો. પ્રેમ તો બોવ દુરની વાત પણ પુરા દિવસમાં ભાગ્યે જ ક્યારેક એકાદ વાર આ પત્નીનું ધ્યાન આવતું.
એક દિવસ રાજા બીમાર પડી ગયો. એટલો બીમાર કે તેને અહેસાસ થઈ ગયો હતો કે તે હવે હંમેશા માટે આ દુનિયામાંથી જતો રહેવાનો છે. રાજાને ખબર પડી ગઈ હતી કે ગમે ત્યારે તેનું મૃત્યુ થઈ શકે છે. એનાં મનમાં એ વિચાર આવ્યો કે અત્યારે જીવિત અવસ્થામાં તો તેની પાસે ચાર પત્ની છે પરંતુ મર્યા પછી તો બિલકુલ એકલો થઈ જઇશ.
તેણે તેનાં ચોથા નંબરની પત્નીને બોલાવી અને પૂછ્યું કે "મેં તને સૌથી વધારે પ્રેમ આપ્યો અને હવે હું મરવાનો છું, તો શું તું મારી સાથે આવી શકે છે અને મૃત્યુ પછી પણ મારી સાથે રહી શકે છે?" ચોથી પત્ની એક શબ્દ પણ બોલ્યા વગર રાજાથી દૂર ચાલી ગઈ. રાજાને તેનું આ રૂપ જોઈને ખૂબ દુઃખ થયું.
તેણે વિચાર્યું સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી એટલે રાજાએ જલ્દીથી તેની ત્રીજા નંબરની પત્નીને બોલાવી અને એ જ સવાલ પૂછ્યો કે "શું તું મારી સાથે મરી શકે છે અને મૃત્યુ પછી તું મારી સાથે રહી શકે છે?" ત્રીજી પત્નીએ પણ સીધી ના પાડી દીધી અને કહ્યું "જિંદગી ખૂબ સુંદર છે અને તમારાં મર્યા પછી હું બીજા કોઈ સાથે લગ્ન કરી લઈશ." જ્યારે આ શબ્દ ત્રીજી પત્ની પાસેથી સાંભળ્યા તો રાજાનું દિલ એક્દમથી તૂટી ગયું.
હવે વગર રાહ જોયે રાજાએ તેની બીજા નંબરની પત્નીને બોલાવી અને એ જ સવાલ પૂછ્યો. રાજાએ વિચાર્યું અત્યાર સુધી દરેક સમસ્યાનું સમાધાન આ બીજા નંબરની પત્નીએ કર્યું છે તો આનો પણ ઉપાય એની પાસે જરૂર હશે. પરંતુ રાજાને આ વખતે પણ નિરાશા જ હાથ લાગી. આ પત્નીએ કહી દીધું કે "માફ કરજો, કેમ કે આ વખતે હું તમારી કોઈ મદદ નથી કરી શકતી."
રાજા બિલકુલ તૂટી ગયો, પછી બહારથી એક અવાજ આવ્યો કે "હું તમારી સાથે આવીશ. ભલે તમે ગમે ત્યાં જાઓ હું તમારો સાથ આપીશ." રાજાએ આંખોમાં આંસુ સાથે નજર ઉઠાવીને જોયું તો પહેલી પત્ની હતી. આ પહેલી પત્ની ખૂબ બીમાર અને દુઃખી લાગી રહી હતી. રાજાએ કહ્યું "કદાચ મારે તારી સારસંભાળ સારી રીતે કરવી જોઈતી હતી, મેં તારું ધ્યાન ન રાખ્યું."
જિંદગીનું સત્ય આ જ છે. આપણાં બધાની પણ ચાર પત્નીઓ છે. ચોથી પત્ની છે આપણું શરીર, પુરી જિંદગી આપણે સજાવીને અને લાડકોડથી રાખીએ છીએ પરંતુ મૃત્યુ આવવા સમયે તે આપણને છોડી દેય છે. જેમ કે, આ વાર્તામાં રાજાની ચોથા નંબરની પત્ની કે જેને રાજાએ જેને સૌથી વધારે પ્રેમ આપ્યો, સૌથી પહેલા એ જ છોડીને જતી રહી. આપણું શરીર મૃત્યુ આવવા પર સૌથી પહેલા આપણો સાથ છોડે છે.
ત્રીજી પત્ની છે આપણી સંપત્તિ અને આપણું પદ. જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે આ બધું કોઈ બીજા પાસે જતું રહેશે. જેમ કે, આ વાર્તામાં રાજાની ત્રીજા નંબરની પત્ની રાજાનાં મર્યા બાદ બીજા પાસે જતી રહે છે. તેવી જ રીતે આપણા મર્યા પછી આપણી સંપત્તિ અને પદ પણ બીજા પાસે જતાં રહે છે.
બીજી પત્ની છે આપણું પરિવાર, આપણાં દોસ્ત, આપણાં સગાસંબંધીઓ. ભલે તેઓ આપણને ગમે તેટલો પ્રેમ કરતા હોય પણ મૃત્યુ આવવા પર તેઓ ફક્ત શ્મશાન સુધી સાથ આપશે. જેમ કે, આ વાર્તામાં રાજાની બીજા નંબરની પત્ની આખી જીંદગી રાજાનો સાથ આપે છે અને તેને દરેક સમસ્યાથી બહાર નિકાળે છે પણ મૃત્યુનાં સમયે રાજાનો સાથ છોડી દેય છે. તેવી જ રીતે આપણો પરિવાર અને સગા આખી જીંદગી આપણી સાથે રહે છે અને દરેક તકલીફ માંથી બહાર નિકાળે છે પણ અંત સમયે કોઈ સાથે આવતું નથી.
અને અંતમાં આપણી પહેલી પત્ની છે આપણી આત્મા. શરીર, સંપત્તિ, સુખ સુવિધામાં આપણે હંમેશા આપણી આત્માને ભૂલી જઈએ છીએ. પરંતુ જીવવનું કડવું સત્ય એ જ છે કે ફક્ત અને ફક્ત આપણી આત્મા જ આપણી સાથે રહેશે. જેમ કે, આ વાર્તામાં રાજાની ફક્ત પહેલી પત્ની જ તેનો મૃત્યુ બાદ પણ સાથ આપે છે. તેવી જ રીતે આપણા મૃત્યુ પછી પણ ફક્ત આપણી આત્મા જ આપણો સાથ આપશે.
આપણે ક્યારેય પણ આત્માનાં કલ્યાણની ચિંતા કરી જ નહીં. જ્યારે બીજી વસ્તુઓ સાથે આપણે સૌથી વધારે આપણી આત્માની ફિકર કરવી જોઈએ. હજી પણ સમય છે, પોતાની અંતરાત્મા માટે સમય નિકાળો અને આત્માનાં કલ્યાણનો પ્રયાસ કરો. કેમ કે ફક્ત આ જ આત્મા છે જે હંમેશા આપણી સાથે રહેશે.
મિત્રો, આ વાર્તા કેવી લાગી, કોમેન્ટમાં તમારાં વિમર્શ જરૂરથી આપજો.
|| જય શ્રી રામ ||
|| જય શ્રી કૃષ્ણ ||