Kano plays in my cad books and stories free download online pdf in Gujarati

કાનો રમે છે મારી કેડમાં

"નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં" આ ગીત તમે ઘણીવાર સાંભળ્યું હશે. નવરાત્રીમાં પણ આ ગીત ઘણું પ્રખ્યાત છે પણ ક્યારેય એ વિચાર્યું કે આ ગીતનો મતલબ શું થાય છે. કાનો કોની કેડમાં રમે છે. અને આગળ આ ગીતમાં આવે છે કે "કે તો ગોરી રે, તને હાલારનાં હાથીડા મંગાવી દવ" ત્યારે સ્ત્રીપાત્ર વળતો જવાબ આપે છે કે "હાથીડાનો વહોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં". ત્યારે કોઈકે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે... આ શું વાત થઈ, નટવર નાનો કેડમાં બેઠો છે અને કેડમાં બેઠો બેઠો પાછો એમ ક્યે છે કે "કે તો ગોરી હાલારનાં હાથીડા મંગાવી દવ, કે તો ગોરી ઘોઘાનાં ઘોડલા મંગાવી દવ, કે તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દવ" આ કોઈ દિવસ બની શકે નઈ. આ ગીત ખોટું જ હોય, આ ગીત કોઈ દિવસ સાચું હોય જ નઈ.

ત્યારે સૌરાષ્ટ્રનાં એક કવિએ જવાબ આપ્યો હતો કે "જો આ ગીત ખોટું હોય તો ઇ કોઈ દી' સોરઠ ધરતીમાં જીવતું નો હોય.. ઇ મરી ગ્યું હોય. અને ધરતીમાં આ ગીત જીવે છે એનું કારણ એક એક ગીતની પાછળ સમર્પણ પડ્યું છે. અમારાં સોરઠનાં ગામડાનું એકેય ગીત એવું નથી જેની અંદર કોઈ સમર્પણ નો પડ્યું હોય".

આ ગીતની પાછળ સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના છે. વર્ષો પહેલા એક મરકીનો રોગ નીકળેલો. એ મરકીનાં રોગમાં માણસો મંડ્યા મરવા. ગામડે-ગામડાં મંડ્યા ખાલી થાવા. એક મડદાને બાળીને જ્યાં માણસો ઘરે આવે ત્યાં બીજું મડદું તૈયાર હોય. પછી તો માણસને બાળવા માટે બળતણ નહોતા મળતા. મોટા ખાડા કરી ઘણાં મડદાઓને એકસાથે વગર વિધિએ દાટી દેવામાં આવતા. આવા મરકીનાં રોગમાં મહુવાની પાસે એક નાનકડું ગામડું હતું પણ ગામડું ઉજ્જડ થઈ ગયું હતું. કોઈ બચ્યું નઈ. પણ ઈશ્વરને કરવું છે ઈ ગામડાંનાં ટીંબામાં એક દસ બાર વરસની દીકરી બચી ગઈ. દીકરીને એમ થયું... ગામ ગયું, મારૂ કુુટુંબ ગયું. મારા બાપ, મારી માં, મારા કાકા બધાંય ગયા. હવે ક્યાં જઈ મારે મારૂ જીવન ગુજારવું. દસ બાર વરસની દીકરી નાનકડાં એવા ગામડામાં પોતાના આંગણાની ધૂળ માથે ચડાવી અને છેલ્લા નમન કર્યા. દીકરીએ વિચાર કર્યો કે હવે મારો મામો મને મોટી કરી દેશે. આપણે ત્યાં કહેવત છે કે "સો બ્રાહ્મણ કરતા એક ભાણેજ" ઈ નાતે મારુ મોસાળ મને મોટી કરશે.

એમ વિચાર કરતી કરતી દસ બાર વરસની દીકરી ચાલતી જાય છે. અને જ્યાં એ દીકરી બરાબર પોતાનાં મામાનાં ગામનાં ચોકમાં આવી. મામાનાં ઘર તરફ જ્યાં શેરીમાં વળી અને બરોબર સાંકડી શેરી આવી ત્યાં રસ્તામાં એક ખડકી આવી એ ખડકીમાં જ્યાં અંદર ગઈ ત્યાં જિંદગીના કોઈ છેલ્લા શ્વાસ લેતું હોય એવું સાંભળ્યું. દીકરીને થયું કોઈક મરણપથારીએ પડ્યું છે, કોઈકનો જીવ નથી જાતો. રામ રામ.. જાણે કોણ હશે. ઈ દસ બાર વરસની દીકરીએ બરાબર કાન માંડ્યા અને પગથિયાં ચડી ઓસરીમાંથી જ્યાં ઓરડામાં ગઈ ત્યાં અંધારામાં ખુણામાં ખાટલો ઢાળ્યો હતો. ખાટલામાં એક માં સૂતી હતી અને પડખામાં બે-અઢી વરસનો એનો દીકરો રોતો હતો. દીકરો માં ને ધાવવા માટે વલખાં મારતો હતો. માં નો જીવ જાતો'તો ને આવતો'તો... જાતો'તો ને આવતો'તો.

દસ બાર વરસની દીકરી થીજી ગઈ અને બોલી "માં, તારો જીવ નથી જાતો?".

અને એ દિવસે મરણપથારીએ પડેલી જનેતા એટલું બોલતી હતી કે "હાં બેટા, મારો જીવ નથી જાતો".

દીકરી બોલી "ઓહ માં, જીવ નથી જાતો એનું કારણ?".

કલ્પના કરો મિત્રો, ગામડાં-ગામમાં એ મરણપથારીએ પડેલી જનેતાનાં પડખામાં બે-અઢી વરસનો દીકરો જે પોતાની માંને ધાવવા માટે વલખાં મારતો હોય, માંનો જીવ તાળવે ચડી ગયો હોય અને આવતો હોય અને જાતો હોય. મોતની ઘડીઓ ગણાતી હોય એવે વખતે દસ બાર વરસની દીકરી પૂછે છે કે માં જીવ નાં જવાનું કારણ શું, જીવ ન જવાનું કારણ તો કે?. આ કેવું કરૂણ દ્રશ્ય સર્જાયું હશે.

માં એ કીધું "બેટા, મારૂં આખું કુટુંબ ખલાસ થઈ ગયું દીકરી. હવે છેવટ મારો વારો છે. મારો જીવ નથી જાતો એનું એક જ કારણ છે, મારા મરી ગયા પછી મારા બે-અઢી વરસનાં દીકરાને ઉછેરીને મોટો કોણ કરશે?".

સૌરાષ્ટ્રની દસ બાર વરસની દીકરી આજે મરણપથારીએ પડેલી જનેતાને ક્યે છે "માં, આટલો જ વાંધો છે ને તારે"

જનેતાએ કીધું "હાં બેટા, આટલો જ વાંધો છે".

અને દસ બાર વરસની દીકરી બોલી "માં, તારા જીવને સદગતિ કરી દે, તારો જીવ છે એ દરમ્યાન તારા દીકરાને વચનથી મને પરણાવી દે. હું ધણી(પતિ) તરીકે ઉછેરીને મોટો કરીશ"

અને મરણપથારીએ પડેલી જનેતાનાં એક શબ્દ ઉપર દસ-બાર વરસની દીકરી બે-અઢી વરસનાં દીકરા સાથે પરણી હતી. એનું સમર્પણ તો સમજો કેવુક હશે. આ જગતનાં ચોકમાં એને જશ લેવાની કોઈ ઈચ્છા નથી. આ જગતમાં મને કોઈ યાદ કરે, મારૂ કોઈ સન્માન કરે એવી કોઈ અપેક્ષા નથી. પણ એની ફરજ હતી સમર્પણ કરવાની.

બે-અઢી વરસનાં દીકરા સાથે દસ-બાર વરસની દીકરી પરણી. જનેતાનો જીવ નીકળી ગયો. પછી તો બે-અઢી વરસનાં ધણીને કાંખમાં બેસાડીને બીજે ગામ મજૂરી કરવા નીકળે છે. પેટ ભરવા માટે મજૂરી કરવી છે. "મરવું પણ માંગવું નઈ" આ નીતિથી મજૂરી કરવી છે.

બે-અઢી વરસનાં ધણીને કાંખમાં બેસાડી કોઈક વાર પાણીની હેલ ભરી ગામનાં પાદરમાંથી આવતી હશે, ક્યારેય બે-અઢી વરસનાં ધણીને આંગળી પકડી અથવા તો કાંખમાં બેસાડી છાણનો સુંડલો નાંખવા જાતી હશે અને બજારમાં બેઠા-બેઠા કેટલાય છેલબટાઉ યુવાનો એને પ્રલોભન દેતા હશે. એનું રૂપ જોઈ, એની નમણાઈ જોઈને કઈક યુવાનો એને લાલચ દેતા હશે કે "કે તો ગોરી તને ઘોઘાનાં ઘોડલા મંગાવી દવ".

તે દી' આ દીકરી બોલી હતી કે "ઘોડલાનો વહોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં". નટવર નાનો તો મારી કેડમાં બેઠો છે. ઇ ઘોડલાનો વહોરનાર છે. હાથીડાનો વહોરનાર તો મારી કેડમાં બેઠો છે. અને મારો નટવર નાનો મારી કેડમાં બેઠો છે એટલે જ તમે મારા સામે આવી દ્રષ્ટિ કરી શકો ને?. નહિતર તાકાત છે તમારી તમે મારી સામે કુદ્રષ્ટિ કરી શકો. લાચાર છું કે અત્યારે મારો નટવર કેડમાં બેઠો છે.

ઇ ઘોઘાનાં ઘોડલાનો વહોરનાર છે... ઇ હાલારનાં હાથીડાનો વહોરનાર છે.. ચિત્તળની ચૂંદડીનો લઈ આવનાર છે. જેને સમર્પણમાં મારૂ જીવન આપી દીધું છે ઈ નટવર નાનો તો મારી કેડમાં બેઠો છે. શક્તિનું સમર્પણ આ છે. એટલે તો કીધું છે કે

નારીને નીંદો નહિ,
નારી ઇ તો નરની ખાણ,
નારીથી નર નીપજે,
ધ્રુવ અને પ્રહલાદ.

શક્તિનું સમર્પણ કેટલું. તમે દસ-બાર વરસની દીકરીનો દાખલો લ્યો અને આપણે આ લીધો. એક દસ-બાર વરસની દીકરી બે-અઢી વરસનાં બાળકને પરણીને મને અને તમને એમ કહી જાય છે કે "આ અમારા લોકગીતો છે, જેમાં અમે વર્ષોથી અમારા પ્રાણનાં સમર્પણ કર્યા છે અને જીવનનાં સમર્પણ કરી જગતનાં ચોકમાં અમે આ ગીતોને જીવતા રાખ્યા છે. એટલા આપણાં ગરબાઓમાં આવા લોકગીતો, આવા ભજનો, આવા છન્દ, આવા લગ્નગીતો આજની ઘડી સુધી આજનાં યુગમાં પણ લોકો સાંભળે છે. એટલે કીધું છે...

સોરઠ અમારી જગ જૂની,
અને જૂનો ગઢ ગિરનાર,
જેના આવા હાવજડા સેંજળ પીવે,
એના નમણા નરને નાર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED