ઢીંગલી Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઢીંગલી

એક વ્યક્તિ દુકાનમાં ખરીદી કરી રહ્યો હતો. ત્યારે તેણે દુકાનનાં કેશિયરને એક છ વર્ષનાં બાળક સાથે વાત કરતા જોયો.

કેશિયર બોલ્યો "માફ કરજે બેટા, પણ તારી પાસે આ ઢીંગલી ખરીદવા માટે પૂરતાં પૈસા નથી. એમાં થોડાક રૂપિયા ઓછા છે."

તે નાનો એવો છોકરો તે વ્યક્તિ તરફ ફરીને પૂછે છે "અંકલ, તમને પણ એવું લાગે છે કે મારી પાસે પૂરતાં પૈસા નથી?."

તે વ્યક્તિએ તેનાં પૈસા ગણ્યા અને કીધું "હાં બેટા, આ સાચું છે કે તારી પાસે ઢીંગલી ખરીદવા માટે પૂરતાં પૈસા નથી."

તે નાનો છોકરો હજી પણ ઢીંગલીને પોતાની છાતી સરસી ચાંપીને ઉભો છે. તે વ્યક્તિથી રહેવાયું નહિ અને તેણે બાળકને પૂછ્યું "બેટા, ઢીંગલી તો છોકરીઓ રમે અને તું તો છોકરો છે. તો તું આ ઢીંગલી કોનાં માટે લઈ જવા માંગે છે?"

બાળકે જવાબ આપ્યો "આ ઢીંગલી મારી બહેનને બોવ ગમે છે અને આ ઢીંગલી હું મારી બહેનને તેનાં જન્મ દિવસે ગિફ્ટમાં આપવા માંગુ છું. આ ઢીંગલી પહેલા મારે મારી મમ્મીને આપવી પડશે.. પછી તે જઈને મારી બહેનને આપી દેશે". આ કહેતા કહેતા બાળક થોડોક ઉદાસ થઈ ગયો.

તે વ્યક્તિએ પૂછ્યું "કેમ બેટા, તારી બહેન તારી સાથે નથી રહેતી? કે પછી મામાને ત્યાં ગઈ છે."

છોકરાએ જવાબ વાળ્યો "નાં અંકલ, મારી બહેન તો ભગવાનનાં ઘરે ગઈ છે અને પપ્પા એવું કહેતા હતા કે મારી મમ્મી પણ ટૂંક સમયમાં ભગવાનને મળવા જવાની છે. તો મને થયું આ ઢીંગલી હું મમ્મીને ખરીદીને આપી દવ તો તે મારી બહેનને આપી દેશે."

સામેવાળો વ્યક્તિ અવાચક બની ગયો. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય. જાણે હદયનો એક ધબકારો ચુકાઈ ગયો હોય.

બાળકે આ બધી વાત એક શ્વાસે બોલી નાખી પછી તે વ્યક્તિ તરફ જોયું અને બોલ્યો "હું મારાં પપ્પાને ભલામણ કરીને આવ્યો છું કે મમ્મીને કહેજો કે અત્યારે બહેનને મળવા ન જાય. હું દુકાનથી પાછો આવું ત્યાર સુધી મારી રાહ જોય."

પછી તે બાળકે એક સુંદર એવો પોતાનો ફોટો દેખાડ્યો જેમાં તે ખિલખિલાટ હસી રહ્યો હતો. તેણે તે વ્યક્તિને કહ્યું "હું ચાહું છું કે મારી મમ્મી આ ફોટો પણ પોતાની સાથે લઈ જાય. જેથી કરીને મારી બહેન મને ભૂલી ન જાય. હું મારી મમ્મીને બહુ પ્રેમ કરું છું અને મને નથી લાગતું કે તે મને છોડવા માટે રાજી થશે, પણ પપ્પા કહે છે કે તેણે મારી બહેનનું ધ્યાન રાખવા જવું જ પડશે. ત્યારબાદ તેણે એ ઢીંગલી સામે ગમગીન આખોથી જોયું. તેની આંખોમાં એક અજીબ ખામોશી હતી.

તે વ્યક્તિનો હાથ ઝડપથી ખિસ્સા તરફ ગયો અને તે બોલ્યો "ચાલ, ફરી પાછા તારા પૈસાની ગણતરી કરીએ કે તારી પાસે ઢીંગલી લેવા માટે પૂરતાં પૈસા છે કે નહીં".

બાળકે કહ્યું "ઠીક છે, મને તો લાગે છે કે મારી પાસે પૂરતાં પૈસા છે."

ત્યારબાદ તે વ્યક્તિએ બાળકથી નજર બચાવીને થોડાંક રૂપિયા એમાં ઉમેરી દીધા અને પછી તે બન્નેએ ગણવાનું શરૂ કર્યું. હવે ઢીંગલી ખરીદવા માટે રૂપિયા કાફી હતા અને એટલું જ નઈ પણ થોડાંક રૂપિયા વધ્યા પણ હતા.

નાનો બાળક બોલ્યો "ભગવાનનો ખુબ ખુબ આભાર. મને આટલાં બધાં રૂપિયા આપવા માટે." તેને તે વ્યક્તિ તરફ જોઈને કહ્યું કે "મેં કાલે રાત્રે સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને આ ઢીંગલી ખરીદવા માટે પૈસા આપજો, કે જેથી કરીને મારી મમ્મી આ ઢીંગલી મારી બહેનને આપી શકે, અને ભગવાને મારી વાત સાંભળી લીધી. આનાં સિવાય મારે મારી મમ્મી માટે એક સફેદ ગુલાબ ખરીદવા માટે પણ પૈસા જોતા હતા પણ ભગવાન પાસે આટલાં બધાં પૈસા માંગવાની મારી હિંમત નાં થઈ, પણ ભગવાને તો મને એટલાં બધાં પૈસા આપી દીધા કે હવે હું ઢીંગલીની સાથે-સાથે એક સફેદ ગુલાબ પણ ખરીદી શકું છું".

પછી તેઓ ત્યાંથી નીકળી ગયા. તે વ્યક્તિ પોતાનાં દિમાગમાંથી તે નાના છોકરાને નીકાળી નહોતો શકતો. ફરી ફરીને આ પ્રસંગ તેના મગજમાં ઘૂમી રહ્યો હતો. એટલામાં જ એને બે દિવસ પહેલા સ્થાનીય સમાચારપત્રમાં વાંચેલી એક ઘટના યાદ આવી. જેમાં એક શરાબી ટ્રક ડ્રાઇવરે નશાની હાલતમાં અને ફોન પર વાત કરતા એક માં અને તેની દીકરીને ટક્કર મારી હતી. માં એની નાનકડી દીકરીને નિશાળેથી લઈને પાછી ઘરે આવી રહી હતી. જેમાં ચાર વરસની દીકરીનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હતું અને એની માં કોમામાં જતી રહી હતી.

હવે આ ગરીબ પરિવારને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હતો કે તે મહિલાને જીવનરક્ષક મશીન પર રાખવી કે નહીં, કારણ કે હવે તે કોમામાંથી બહાર આવીને સ્વસ્થ થઈ શકે એ અવસ્થામાં નહોતી. શું તે પરિવાર આ બાળકનું જ હતું? તે વ્યક્તિનું રોમ-રોમ કંપી ઉઠ્યું.

તે બાળક સાથે મુલાકાત થયાનાં બે દિવસ બાદ તે વ્યક્તિએ સમાચારમાં વાંચ્યું કે, તે મહિલાને બચાવી શકાય નહીં. તે વ્યક્તિ પોતાની જાતને રોકી શક્યો નહિ. તે સમાચારપત્રમાં આપેલ સરનામે પહોંચી ગયો, જ્યાં તે મહિલાનાં શબને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. તે મહિલા શ્વેત-ધવલ કપડામાં હતી - પોતાના હાથમાં એક સફેદ ગુલાબ અને તેનાં બાળકનો ફોટો લઈને... અને તેની છાતી પર મુકવામાં આવી હતી - તે જ ઢીંગલી. તે વ્યક્તિની આંખોના ખૂણા ભીના થઈ ગયા, અને ભીની આંખે જ તે પાછો ફર્યો.

તે નાનકડાં બાળકમાં પોતાની માં અને બહેન માટે જે પ્રેમ હતો તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. અને આવામાં... એક શરાબી ચાલકે પોતાની ઘોર લાપરવાહીથી, ક્ષણ-ભરમાં તે છોકરાં પાસેથી તેનું બધું જ છીનવી લીધું.

આ વાતથી બે હાથ જોડી હું ફક્ત એટલું કહેવા માગું છું ક્યારેય પણ નશામાં કે ફોન પર વાત કરતાં ગાડી ન ચલાવો. તમારી એક ભૂલ ન જાણે કેટલાંય આવાં ભૂલકાઓનો સંસાર ઉજાડી શકે છે. કેટલાય પરિવારોને છિન્ન ભિન્ન કરી શકે છે...
અને છેલ્લે...

આ જગત ની માણસાઇ તો જૂઓ..

અકસ્માત ના થાય તે માટે
કોઇ વાહન ધીમે નહીં ચલાવે..
પણ
અકસ્માત થયા પછી
સૌ એ જોવા માટે વાહન ધીમે ચલાવશે..