કૃષ્ણ અને કર્ણ સંવાદ

કર્ણ... મારા મતે મહાભારતમાં ભીષ્મ પછીનું સૌથી શૂરવીર અને આદરણીય પાત્ર. મહાભારતમાં બે-ત્રણ લોકો જ એવા હતા જેને ખબર હતી કે શ્રીકૃષ્ણ નારાયણનો અવતાર છે એમાં એક કર્ણ હતા. મહાભારતનાં યુદ્ધ પહેલા સ્વયં અર્જુનને પણ નહોતી ખબર કે કૃષ્ણ એ નારાયણનો અવતાર છે. ત્યારે જ તો યુદ્ધ પહેલા કૃષ્ણને પોતાનાં વિરાટ સ્વરૂપનાં દર્શન અર્જુનને કરાવવાં પડ્યા હતા કે હું પોતે જ નારાયણ છું. પણ વાત અહીંયા એ છે કે કેમ સ્વયં શ્રીકૃષ્ણને પોતે દાનવીર કર્ણ સાથે સંવાદ કરવાની જરૂર પડી હતી એવા કયા સંજોગો ઉભા થયા હતા. જ્યારે કર્ણ ના તો હસ્તિનાપુર રાજકુમાર હતા અને ના તો હસ્તિનાપુરની કોઈ મહત્વની વ્યક્તિ હતા. 

તો શ્રીકૃષ્ણ અને કર્ણ સંવાદ ખૂબ મહત્વનો કહી શકાય કેમ કે આ સંવાદ ભવિષ્યમાં આવનારા કુરુક્ષેત્રનાં યુદ્ધનાં પરિણામ પર ખૂબ મોટી અસર પાડવાનો હતો. શ્રીકૃષ્ણ જ્યારે પાંડવો તરફથી શાંતિદૂત બનીને હસ્તિનાપુર જાય છે અને તેમના સંધિ-પ્રસ્તાવને નકારી દેવામાં આવે છે. ત્યારે આ સંવાદ થકી શ્રીકૃષ્ણ ભવિષ્યમાં થનારા યુદ્ધને રોકવાનો અંતિમ પ્રયાસ કરે છે. આ સંવાદમાં શ્રીકૃષ્ણનો આશય એ હતો કે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય જ નહીં અને ભવિષ્યમાં ખૂબ મૉટે પાયે થનારા નરસંહારને રોકવાનો હતો. આ સંવાદથી શ્રીકૃષ્ણ કદાચ ભવિષ્યમાં આવનારું ભયંકર યુદ્ધ પણ રોકી શક્યા હોત. તો શ્રીકૃષ્ણ અને કર્ણ સંવાદ ક્યારે અને ક્યાં થયો અને તેનું શું પરિણામ આવ્યું તે જોઈએ. 

અગાઉ જેમ કહ્યું તેમ શ્રીકૃષ્ણ પાંડવો તરફથી શાંતિદૂત બનીને સંધિ-પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર પધારે છે અને દુર્યોધન આ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે અને શ્રીકૃષ્ણને બંદી બનાવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. બીજા દિવસે મહાત્મા વિદુર જ્યારે શ્રીકૃષ્ણ, સાર્તકી અને કૃતવર્માને વળાવવા જાય છે ત્યારે જ કર્ણ આવી પહોંચે છે. 

કર્ણને જોતા જ શ્રીકૃષ્ણ પૂછે છે "કર્ણ, અહીંયાથી ક્યાંક જઇ રહ્યા હતા કે અહીંયા જ આવી રહ્યા હતા". 

ત્યારે કર્ણ જવાબ આપે છે "હું મારા મિત્રની અસભ્યતા પર તમારી માફી માંગવા આવ્યો છું, વાસુદેવ". 

શ્રીકૃષ્ણ :- પોતાની અસભ્યતા પર મનુષ્યએ પોતાની જ માફી માંગવી જોઈએ. મારુ તો અપમાન થયું જ નથી. અપમાન તો થયું સ્વયં દુર્યોધનનું. અપમાન થયું હસ્તિનાપુર રાજસભાનું. તો એમને ક્ષમા કરવાવાળો ભલો હું કોણ ? 

કર્ણ :- તો પણ વાસુદેવ.. હું બે હાથ જોડી તમારી ક્ષમા માંગુ છું. 

શ્રીકૃષ્ણ :- વાસ્તવમાં જો તમે ક્ષમા માંગવા આવ્યા હોય તો થોડાં દૂર અમારી સાથે રથમાં ચાલો અંગરાજ. 

કર્ણ :- જો તમે મને સારથી બનવાનો વિશેષ અધિકાર આપો તો અવશ્ય આવીશ. 

શ્રીકૃષ્ણ (હસીને) :- તો તમે મને એક વચન આપો કે તમે મારાં રથને હાંકીને તમારાં મિત્ર દુર્યોધનનાં શિબિરમાં લઇ જવાનો પ્રયત્ન નહિ કરો. 

કર્ણ (હસીને) :- તમારી મરજી વગર કોઈ તમને ભલા કેવી રીતે લઈ જઈ શકે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ સાર્તકી અને કૃતવર્માને થોડી દૂર અંગરાજ કર્ણનાં રથમાં આવવા કહે છે.

વિચાર કરો મિત્રો, એ દ્રશ્ય કેવું સર્જાયું હશે. અંગરાજ કર્ણ રથ હાંકતા હોય અને પરમાત્મા કૃષ્ણ એ રથમાં બેઠા હોય. લોકોનાં જીવનરથ ચલાવનારા શ્રીકૃષ્ણનો રથ આજ અંગરાજ કર્ણ ચલાવી રહ્યા હતા. હસ્તિનાપુરની શેરીઓમાંથી જ્યારે એ રથ નીકળ્યો અને ત્યારે એમ કે'વાય કે માણસો જોવા માટે અટારીએ ચડી ગ્યાં'તા. જોવાવાળા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. અદભુત દ્રશ્ય સર્જાયું હશે. 

ધીરે ધીરે એ રથ અંતરિયાળ પહોંચે છે, એકાંત જ્યાં આવે છે અને રસ્તાને કાંઠે એક ઘેઘુર વડલો છે ત્યાં આવતા કૃષ્ણ રથ થોભાવી દે છે. અને સાર્તકી અને કૃતવર્માને ત્યાં જ પ્રતિક્ષા કરવા કૃષ્ણ કહે છે. ત્યારબાદ કર્ણને થોડે દુર ઘેઘુર વડલા નીચે લઈ જાય છે. અને અહીંયાંથી જ શ્રીકૃષ્ણ અને કર્ણનો સંવાદ શરૂ થાય છે. 

શ્રીકૃષ્ણ :- તમને આશ્ચર્ય તો અવશ્ય થઈ રહ્યું હશે કે આ દેવકીપુત્ર તમને ક્યાં લઈ આવ્યો ?. 

કર્ણ :- તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો મને આશ્ચર્ય અવશ્ય થાત. તમે તો કોઈની આશ્ચર્યની સીમામાં સમાઈ જ નથી શકતા વાસુદેવ. 

શ્રીકૃષ્ણ :- હે રાધેય, તમે એક ઉત્તમ વ્યક્તિ છો. સચરિત્ર. તમે જેને ધર્મ માન્યો ક્યારેય તે ધર્મનું ઉલ્લંઘન નથી કર્યું. તો પછી તમે દુર્યોધન જેવાં અધર્મીનાં શિબિરમાં શું કરો છો ?. તમે તો ધર્મની એક એક વાતોનું જ્ઞાન રાખો છો. તમે તો એવું વિચારી નથી શકતા કે દુર્યોધનનો માર્ગ એ ધર્મનો માર્ગ છે, સત્યનો માર્ગ છે અંગરાજ. 

કર્ણ :- પરંતુ, મારા અને દુર્યોધનનાં સંબંધનો આધાર ના તો ધર્મ છે અને ના તો અધર્મ છે કેશવ. આ સંબંધનો આધાર સ્નેહ છે, તે મારો મિત્ર છે. તે મારો કૃષ્ણ તો નથી પણ હું એનો સુદામા અવશ્ય છું. ક્ષત્રિયોનાં સમાજે મને કેવળ એટલાં માટે સ્વીકાર ન કર્યો કે હું એક સૂતપુત્ર છું. પરંતુ દુર્યોધન એકમાત્ર એવો ક્ષત્રિય છે જેણે ક્યારેય પણ મારી અને એની વચ્ચે આ વિશેષણની દુરી નથી રાખી. આજથી વર્ષો પહેલા જ્યારે હસ્તિનાપુર ક્ષત્રિય સમાજ સામે દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવાં ગુરુશ્રેષ્ઠ મારૂ અપમાન કરી રહ્યા હતાં ત્યારે કેવળ દુર્યોધન મારી સહાયતા માટે આગળ આવ્યો હતો. એણે મને અંગનો રાજા બનાવીને મને એ અધિકાર આપ્યો કે હું એ અભિમાની કુંતીપુત્ર અર્જુનને લલકારી શકું. અને આ જ કારણ છે દેવકીનંદન, કે જ્યારે પણ મને દુર્યોધનનો દોષ દેખાય છે ત્યારે હું મારી આંખો બંધ કરી લઉં છું. આ સંસારમાં ફક્ત બે જ એવાં પ્રાણી છે જેને હું પ્રેમ કરું છું. દુર્યોધન અને એ દેવી જેણે મને જન્મ તો નથી આપ્યો પણ મારી માટે તે એ માતાથી પણ વધારે મહત્વપૂર્ણ છે જેણે મને જન્મ તો આપ્યો પરંતુ જન્મ આપતા ત્યાગી પણ દીધો. હું દુઃખી થાવ છું તો આ બન્નેને જ દુઃખી જોઈને અને સુખી પણ થાવ છું તો આ બન્નેને સુખી જોઈને. મારી પાસે ના કોઈ પોતાનું સુખ છે અને ના જ કોઈ દુઃખ. મને સ્વયં મારા જીવનથી કોઈ લગાવ નથી. પરંતુ જ્યાર સુધી હું જીવિત છું ત્યાર સુધી મારા જીવનમાં આ બન્નેનાં અતિરિક્ત કોઈનાં માટે કોઈ સ્થાન નથી બની શકતું. 

શ્રીકૃષ્ણ :- સાચું છે અંગરાજ, કે કોઈનાં કરેલા ઉપકારનો ઋણ ચૂકવવો સહજ નથી. સૌથી ભારી ઋણ આ જ હોય છે. તો પણ જો વાત સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, પ્રકાશ અને અંધકાર પર આવે તો શું અસત્ય, અધર્મ અને અંધકારનો પક્ષ લઈને પણ આ ઋણ ઉતારવો ઉચિત છે?. તો શું આવો ઋણ ઉતારવા કરતા ઋણી જ રહી જવું ઉચિત નથી અંગરાજ?.

કર્ણ :- આ તો મારે ઋણ લેતા સમયે જ કહી દેવું જોઈએ ને વાસુદેવ... પણ એકવાર ઋણી થઈ ગયો તો ઋણ ચુકવવામાં આનાકાની ન કરવી જોઈએ, પરિણામ જે પણ હોય. 

શ્રીકૃષ્ણ :- હાં, આ પણ એક દ્રષ્ટિકોણ હોઈ શકે છે પરંતુ તમે એ કેમ નથી વિચારતા અંગરાજ... કે દુર્યોધન એ રંગભૂમિની ક્રિડામાં લજ્જિત થઈ ચૂક્યો હતો અને તે પોતાનાં માટે અર્જુન સામે પોતાનો એક પ્રતિદ્રન્દ્રી ખરીદવા માંગતો હતો. ક્યાંક એવું તો નથી કે એણે અંગ દેશ આપીને તમને ખરીદી લીધાં હોય?. 

કર્ણ :- હે વાસુદેવ, જો તેણે મને ખરીદ્યો પણ હોય ત્યારે પણ પોતાને તો મેં સ્વયં જ વેચ્યો હતો ને. 

શ્રીકૃષ્ણ સમજી જાય છે કે અંગરાજ કર્ણ નહિ માને. અંગરાજ કર્ણ નહિ ફૂટે અને દુર્યોધનને ક્યારેય નઈ છોડે. યુદ્ધ રોકવાની આ અંતિમ કોશિશ પણ નિષ્ફળ જતાં જોઈ અને યુદ્ધ થવામાં કોઈ સંદેહ ન રહી જતાં જોઈ શ્રીકૃષ્ણ હવે કર્ણની ઓળખાણ છતી કરી દેય છે કે જેથી કરી તેઓ અર્જુનની પ્રાણની રક્ષા કરી શકે. ભગવાન કૃષ્ણ આટલા ચતુર હતા. 

શ્રીકૃષ્ણ :- ક્યારેય તમે પોતાનાં જન્મ અને ઓળખાણ વિશે વિચારો છો કર્ણ?. 

કર્ણ (હસીને) :- જો વિચારું, તો પણ મળશે શું?. 

શ્રીકૃષ્ણ :- અર્થાત, તમે નથી જાણતા કે તમે કોણ છો?. 

કર્ણ :- જાણતો તો નથી પણ અનુમાન લગાવી શકું છું. મારી માતા અવશ્ય કોઈ આદરણીય પરિવારની પુત્રી હશે. કદાચ કોઈ રાજકુમારી. જેમનું ભવન ગંગાતટ પર હશે. ત્યારે જ તો મારાં જન્મ લેતા જ મને સહજતાથી ગંગામાં વહાવી દીધો. અને હું એ પણ અનુમાન લગાવી શકું છું કે મારી માતાને પોતાનાં પુત્રથી કઈ વધારે પોતાનો યશ પ્રિય હતો. એમણે પોતાનો પુત્ર ત્યાગી દીધો અને પોતાની પ્રતિષ્ઠાને સાંભળીને રાખી લીધી. 

શ્રીકૃષ્ણ :- પોતાની માતાને ગોતવા માટે ક્યારેય તમારૂં હૃદય પણ વ્યાકુળ ન થયું?. 

કર્ણ :- જે માતાએ મને ત્યાગી દીધો હોય, એને ગોતીને હું કરીશ પણ શું? તેને મેળવીને પણ હું શું કરીશ, વાસુદેવ? અને સંભવતઃ મારા જન્મ પછી કોઈ આદરણીય કુળમાં કોઈ મહારાજા સાથે તેમનાં વિવાહ પણ થઈ ગયા હોય અને તેઓ હવે એવા પુત્રોની માતા હોય જેને ત્યાગવાની આવશ્યકતા જ ન પડી હોય. પરંતુ હે કૃષ્ણ.. મને એ વાતનું દુઃખ નથી કે મેં મારી માંની મમતાનો સ્વાદ નથી ચાખ્યો. મારી માતાનું નામ રાધા છે વાસુદેવ અને હું તેમનાં નામથી જ ઓળખાવ છું... રાધેય. પરંતુ તમે આજે અચાનક મારા અતિતની સમાધિ તરફ કેમ નીકળી ગયા? હું તો તે તરફ ક્યારેય જતો જ નથી. વર્તમાનની વાત કરો વાસુદેવ.. વર્તમાનની. 

શ્રીકૃષ્ણ :- તમે સાચું જ અનુમાન લગાવ્યું અંગરાજ. તમારી માતા ખૂબ જ આદરણીય પરિવારની પુત્રી છે એટલા માટે જ જ્યારે તમારો જન્મ થયો ત્યારે સમાજની પરિનિંદાથી ડરી ગઈ. આજે તે ઘણાં પુત્રોની માતા છે પરંતુ તેમનાં હૃદયમાં એક ખાલીપણું છે રાધેય. તેમનું હૃદય એક શૂન્ય છે... શૂન્ય. તેઓ દિવસ-રાત પોતાનાં તે પુત્ર વિશે વિચાર્યા કરે છે જે કવચ અને કુંડળ પહેરીને જન્મ્યો હતો. 

કર્ણ :- શું તમે એ કહેવા માંગો છો કે હું સૂતપુત્ર નથી?. શું તમે એ કહેવા માંગો છો કે હું એક ક્ષત્રિય છું. શું મારુ એ અનુમાન પણ સાચું છે કે તમે મારી માતાને જાણો છો? હે વાસુદેવ, શું મારી માતા જીવિત છે? શું હું તેમનાં દર્શન કરી શકું છું?. (બે હાથ જોડીને) મને મારો પરિચય કરાવો વાસુદેવ... મને મારો પરિચય કરાવો. 

શ્રીકૃષ્ણ :- હે દાનવીર, હે મહારથી... શું તમે સત્યને સહન કરી શકશો?. 

કર્ણ :- સત્યનો ઘાવ અપમાનનાં ઘાવ જેટલો ઊંડો તો ન હોય વાસુદેવ... 

શ્રીકૃષ્ણ (ઊંડો શ્વાસ લઈને) :- તમારી માતા, તમારા સિવાય પાંચ અન્ય મહારથીઓની પણ માતા છે અને એ પાંચ મહારથી એવાં છે જેણે આજ સુધી પરાજયનો સ્વાદ નથી ચાખ્યો. 

કર્ણ (સંતુલન ગુમાવતા) :- પાંચ મહારથી... પાંચ. તમે ક્યાંક પાંડવોની તો વાત નથી કરી રહ્યા ને?. 

શ્રીકૃષ્ણ :- એમનાં સિવાય એવા કયા પાંચ યોદ્ધાઓ છે જેણે પરાજયનો સ્વાદ નથી ચાખ્યો. હાં કુંતીપુત્ર હાં... હું પાંડવોની જ વાત કરી રહ્યો છું. મારી ફોઈ કુંતા તમારી માતા છે અને તમે પાંડવોના જ્યેષ્ઠ ભાઈ છો. 

કર્ણ :- અને મારા પિતા... મારા પિતા કોણ છે, વાસુદેવ? 

કૃષ્ણ :- તમારા આ જ ઇષ્ટદેવ તમારા પિતા છે કર્ણ. 

કર્ણ :- હું સૂર્યપુત્ર છું? 

કૃષ્ણ :- સૂર્યદેવ જ તમારા પિતા છે અને તમે સૂર્યપુત્ર છો. 

કર્ણ :- મારી દુર્ભાગ્યની સીમાને શું તમે માપી શકો છો, વાસુદેવ? હું સૂર્યપુત્ર કર્ણ.. રાધેયનાં નામે ઓળખાવ છું. હું કુંતીપુત્ર કર્ણ.. રાધેયનાં નામે ઓળખાવ છું. હું કુલિન યુધિષ્ઠિર, બળવાન ભીમ, શૂરવીર અર્જુન, સુંદર નકુલ અને બુદ્ધિમાન સહદેવનો જ્યેષ્ઠ ભાઈ કર્ણ.. રાધેયનાં નામે ઓળખાવ છું. આખુંય સંસાર મને સૂતપુત્ર કહેતું રહ્યું અને હું સાંભળતો રહ્યો. થોડુંક સમજો વાસુદેવ.. થોડુંક સમજો. થોડીક મારી પીડા સમજવાનો પ્રયત્ન કરો અને તેનો ઉપચાર કરો. 

હે દેવકીનંદન, તમે તો આ બધું પહેલેથી જાણતા હશોને... તો તમે મને પહેલા જાણ કેમ ના કરી અને આજે તમે મને કેમ જાણ કરો છો. હું તો પાંડવો માટે ઘૃણાની પૂંજી લઈ જીવી રહ્યો હતો અને ધની સમજી રહ્યો હતો પોતાની જાતને. તમે આ બધી વાતો બતાવીને મારુ માનસિક સંતુલન કેમ બગાડી નાખ્યું. મારી પાસેથી ઘૃણા છીનવીને મને હથિયાર વિનાનો કેમ બનાવી દીધો. તમે આવું કેમ કર્યું કેશવ ?. હવે હું મારા બાણોની દિશા અર્જુન તરફ કેમ કરી શકીશ. હે મધુસુદન, તમે તો મને યુદ્ધની પહેલા જ મને હરાવી દીધો. તમે આવું શું કામ કર્યું, તમે આવું શું કામ કર્યું?. 

શ્રીકૃષ્ણ :- હે મારા પ્રિય ભાઈ, કુંતીપુત્ર કર્ણ... મેં આવું એટલા માટે કર્યું કે હું એ નથી ચાહતો કે જ્યેષ્ઠ પાંડુપુત્ર તેમના અનુજોની વિરુદ્ધ યુદ્ધ કરે. તમે ફોઈ કુંતીનાં વિવાહ પહેલા જન્મ લઈ ચુક્યા હતા. એટલે નિયમાનુસાર તમે ફોઈ કુંતીનાં પતિ પાંડુના જ્યેષ્ઠ પુત્ર છો. તમે જ્યેષ્ઠ પાંડવ છો કર્ણ... જયેષ્ઠ પાંડવ. ઇન્દ્રપ્રસ્થ રાજનું મુકુટ તમારા માથા પર હશે. તમારા અનુજ તમારાં ચરણ સ્પર્શ કરશે. સર્વશ્રેષ્ઠ ગદાધર ભીમ તમારા માથા પર છત્રની છાયા રાખશે. અર્જુન તમારો સારથી હશે અને સ્વયં હું નકુલ અને સહદેવ સાથે તમારા રથની પાછળ ચાલીશ. સ્વયં હું કર્ણ. 

હે પ્રિય પાંડુપુત્ર, ધર્મપાલનમાં તમે યુધિષ્ઠિર જેવા છો. બળમાં તમે ભીમ જેવા છો, ધનુર્ધારીમાં તમે અર્જુન જેવા છો. સૌંદર્યમાં તમે નકુલ જેવા છો અને યોદ્ધાની શાલીનતામાં તમે સહદેવ જેવા છો. મને તો આશ્ચર્ય થાય છે કે કોઈએ હજી સુધી આ બધું જોયું કેમ નહિ. હજી સુધી તમને કોઈએ ઓળખ્યા કેમ નહિ. મારી સાથે ચાલો અંગરાજ.. મારી સાથે ચાલો. હું સમસ્ત સંસારને તમારા ચરણોમાં નાખી દઈશ... સમસ્ત સંસારને. અને આનાંથી ઉપર એ કે તમને પાંચ ભાઈ મળશે અને તમને તમારી માતા મળી જશે. 

કર્ણ :- તમે જે કહો છો એ બધું ઠીક છે પરંતુ હું દુર્યોધનનો ઋણી છું. તમે આ ઋણની વિશે તો કશું કહ્યું જ નથી. હું તમારી માટે પણ પોતાની જાતને છેતરી શકતો નથી. હું જાણું છું પાંડવો તો તમારી સુરક્ષાની છત્રછાયા નીચે છે. હું તો શું... યુદ્ધમાં તો તેઓને કોઈ નથી હરાવી શકતું. અને હું તે પણ જાણું છું કેશવ,  કે યુદ્ધમાં કૌરવ સેનાની પરાજય નિશ્ચિત છે. છતાં પણ... છતાં પણ હું દુર્યોધનનાં ઘ્વજ તળે જ યુદ્ધ કરીશ. દુર્યોધન માટે મારો આત્મવિશ્વાસ પરાજય સ્વિકરવા પણ તૈયાર છે. હે મધુસુદન, હવે એ જાણી લીધા પછી કે અર્જુન મારો અનુજ છે. હું તેની તરફ પ્રાણ લેવાવાળા બાણ તો નથી ચલાવી શકતો. છતાં પણ હું યુદ્ધ કરીશ, અર્જુન સાથે યુદ્ધ કરીશ. 

તમે તો એ સારી રીતે જાણતા હતા ને કે હું દુર્યોધનની મિત્રતા ક્યારેય નહિ ત્યાગીશ. તેમ છતાં તમે મારા જન્મનું રહસ્ય બતાવીને તમે અર્જુનનાં પ્રાણની રક્ષા કરી લીધી. હે કેશવ, જો તમેં આવું ના કર્યું હોત સારું થાત. તો હવે તમે મને એક વચન આપો કે "મારા વીરગતિ પ્રાપ્ત થવા સુધી તમે મારા અનુજોને આ રહસ્ય નહિ બતાવો". જો યુધિષ્ઠિરને ખબર પડી કે હું તેનો જયેષ્ઠ ભાઈ છું તો તે તેનાં માથા પર મુકુટ મૂકવું ક્યારેય સ્વીકાર નહિ કરે અને રાજા બનવા યોગ્ય તો મારો અનુજ યુધિષ્ઠિર જ છે. અને તેણે મને જો આ મુકુટ આપી દીધું તો હું અંગ દેશનો ઋણ ઉતારવા માટે મિત્ર દુર્યોધનનાં માથા પર આ મુકુટ મૂકી દઈશ. અને આ એ મુકુટ સાથે ઘણો મોટો અન્યાય હશે... મોટો અન્યાય. હે મધુસુદન, હવે આપણી ભેંટ રણભૂમિમાં જ થશે. ત્યાં સુધી મને આજ્ઞા આપો.... પ્રભુ 

મિત્ર, કેવો હોવો જોઈએ તેની ચોક્કસ અને એક જ વ્યાખ્યા ન હોઈ શકે. તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. મારા મતે મિત્ર કાંચ અને પડછાયા જેવો હોવો જોઈએ કારણ કે કાંચ ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો..

અને જો હજી ટૂંકમાં કહેવું હોય કે મિત્ર કેવો હોવો જોઈએ તો હું કહીશ... મિત્ર અંગરાજ કર્ણ જેવો જ હોવો જોઈએ. 

રેટ કરો અને રિવ્યુ આપો

Priyanka

Priyanka 2 માસ પહેલા

Hiral Makwana

Hiral Makwana 2 માસ પહેલા

Such a wonderful description of conversation. Lot to learn about Karna and Friendship! Thank you for sharing it

Sardar Sandesh S S NEWS

Sardar Sandesh S S NEWS 3 માસ પહેલા

Abhishek Dafda

Abhishek Dafda 3 માસ પહેલા

Manisha Chotaliya

Manisha Chotaliya 4 માસ પહેલા