મને મારી માં જોવે Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને મારી માં જોવે

આજે એક ગરીબ માં અને તેના દીકરાની વાત કરવી છે. તમે ઘણીવાર એક માંને પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય એવી ઘણી વાર્તાઓ વાંચી હશે... જોઈ હશે. પણ એક બાળકનાં જીવનમાં એની માંનુ શું સ્થાન હોય છે એની આ વાત છે. એક માં માટે તો દીકરો અમૂલ્ય હોય જ છે જેમાં શંકાને તો દૂર-દૂર સુધી કોઈ સ્થાન જ નથી. પણ એક બાળક માટે પોતાની માંની શું કિંમત હોય છે. તેની વાત કરવી છે.

વાત થોડા વર્ષો પહેલાની છે. સૌરાષ્ટ્રનું એક અંતરિયાળ ગામ હતું. ગામની આગળ એક મોટું ધામ હતું. ત્યાં લોકો પગપાળા દર્શન કરવા આવતા અને ત્યાં સાથે-સાથે એક મેળો પણ ભરાતો. માણસોના ટોળે-ટોળાં નવા લૂગડાં પહેરીને અને પોતાનાં બાળકોને લઈ-લઈને મેળામાં જતાં હતાં. આ મેળામાં જવાનાં રસ્તામાં આવતું છેલ્લું ગામ છે.

આ ગામમાં રોડનાં કાંઠે એક ઝૂંપડું અને આ ઝૂંપડામાં રહેતો એક છોકરો એની માંને પૂછે છે "માં આ બધા ક્યાં જાય છે?"

માંએ જવાબ આપ્યો "બેટા, આગળ ઓલું ધામ છે ને ત્યાં મેળામાં જાય છે."

બાળકે પૂછ્યું "માં, આપડે નો જવાય?"

માંએ કીધું "બેટા જવાય ને, જવામાં શું વાંધો."

માંથી બોલતા તો બોલાઈ ગયું પણ માં પાસે ફૂટી કોડી નહોતી. માં દીકરાને સમજાવે છે "બેટા, ત્યાં માણસો બોવ હોય, ગડદી બોવ હોય, ત્યાં નો જાઇ તો હાલે."

દીકરો બોલ્યો "પણ માં મને લઈ જાને. મારે મેળો જોવો છે."

માંએ ઝૂંપડાની બહાર મુકેલા ગોળામાંથી કળશો ભર્યો... છોકરાનું મોઢું ધોયું. ધુપેલ તેલની તો સમજણ નહોતી પણ ખાવાનું તેલ થોડુંક બરણીમાં પડ્યું હતું એમાં હાથ બોળી છોકરાનાં માથામાં તેલ થાબડી છોકરાને આંગળીએ લીધો.

માંના લૂગડાંમાં જ્યાં-ત્યાં થિંગડા છે અને પોતાના દીકરાને જ્યાં આંગળીએ લઈને જાતી હતી એમાં કોઈ શ્રીમંત માણસનો છોકરો પણ પોતાની માંની આંગળીએ હાલ્યો જાય. તે શ્રીમંત માણસનો છોકરો હીન ભાવનાથી મોઢું બગાડતો બગાડતો આ ગરીબ બાળક અને તેની માં સામે જોતો-જોતો હાલ્યો જાય છે.

જાણે મનોમન કહેતો હોય "આ તારી માં છે?"

અને ગરીબ બાળક એને એ જ અદામાં આંખમાં આંખ નાખી જવાબ આપતો હોય કે "હાં, આ મારી માં છે"

"તારી માંના હાડલામાં કેટલા ડાઘ છે એ તો જો".

અને ત્યારે આ ગરીબ માંનો દીકરો મનોમન એટલું બોલ્યો હતો "ગાંડા, મારી માંના હાડલામાં ડાઘ છે પણ મારી માંના દિલમાં ડાઘ નથી. મારી માંનું દિલ ચોખ્ખું છે. મારી માંનું હૃદય ચોખ્ખું છે."

આ વિધવા ગરીબ માં પોતાના દીકરાને મેળામાં લઈને ગઈ અને આગળ જાતા-જાતા જેમ રમકડાંની દુકાન આવે એમ એમ બાળક રમકડાં જોઈ અને પોતાની માં પાસે જીદ કરે અને રમકડાં સામે આંગળી ચીંધીને કેય "માં, મને ઓલું રમકડું લઈ દે ને, માં મને પેલું રમકડું લઈ દે ને."

માં કેય "બેટા, ઇ રમકડું બરાબર નથી. આગળ જાઇને ત્યાંથી તને બીજું રમકડું લઈ દવ. આયાં નથી હારું".

પાંચથી છ રમકડાંની દુકાને આ જ ઘટના બની. પાછળ એક શ્રીમંત માણસ આ માં-દીકરાનું દ્રશ્ય જોતો જોતો હાલ્યો આવે છે અને એનો નિસાસો નીકળી ગયો "અરે રે... આ બેનનું બાળક છે એ રમકડાં માટે જીદ કરે છે પણ એની પાસે પૈસા નઈ હોય".

તે દિવસે એ અજાણ્યો શ્રીમંત પુરુષ બોલ્યો "બેન, ઉભા રયો. તમારૂં બાળક ક્યારનું રમકડાં માટે જીદ કરે છે. તને મારી સગી બેન અને આને મારો સગો ભાણેજ ગણું છું. અને જો મારો ભાણેજ રમકડાં માટે આટલી જીદ કરતો હોય તો તારા ભાઈ હોવાનાં નાતે કવ છું કે એક કામ કરો. આને દુકાને લઈ લ્યો અને મારાં ભાણેજને જેટલા રમકડાં જોતા હોય એટલા અપાવી દો. પૈસા હું આપી દઈશ."

ત્યારે નીચા નેણ ઢાળી આ દેશની માં એવું બોલી હતી "ખમ્મા મારા વીર, ખમ્મા મારા બાપ. આ તો હું અને તું વાતો કરીએ છીએ એ તો આપણે બે જ સાંભળીયે ને. પણ માની લે... મારો દીકરો રમકડાં લેય. હું અને તું દુકાને ઉભા રહીએ અને જે મને ઓળખતો હોય એ માણસ મને અને તને જોવે અને હું રમકડાં લઈને હાલતી થાવ ને તું રૂપિયા દઈને હાલતો થાય અને પાછળથી વાતો થાય. એનાં કરતા મારો દીકરો ભલે રમકડાં વગરનો રહેતો."

શું આ દેશની આર્યનારીની તાકાત છે. આ દેશમાં કોઈક માં પાસે ભલે ધન નઈ હોય.. સંપત્તિ નઈ હોઇ પણ સંસ્કાર તો ગાંડા ભરાઈ ને એટલા હોય છે.

મેળામાં આગળ જતાં એ મેળામાં બે બળદની લડાઈ થઈ અને આ લડાઈએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મેળામાં દોડધામ મચી ગઇ. અને માંના હાથમાંથી બાળક મુકાઈ ગયું. એકબાજુ બાળક જતું રહ્યું. એકબાજુ માં જતી રહી. બે ભુલા પડ્યા. પોતાના દીકરાને માં ગોતે છે. દીકરો રોવે છે.

પેલા શ્રીમંત માણસને ધ્યાન હતું એને ખબર હતી એ છોકરા બાજુ દોડ્યો. છોકરો રડે છે એને તેડી લીધો અને બોલ્યો "હમણાં હું તને તારી માં પાસે લઈ જાવ હો બેટા... હમણાં તારી માં પાસે લઈ જાવ." અને બાળકને છાનો રાખવા રમકડાંની દુકાન પાસે લઈ જઈ એટલું કીધું "તું ક્યારનો રમકડાં માટે રોતો હતો ને. હવે કે તને કયું રમકડું લઈ આપું."

તે દિવસ સાહેબ ઘોડિયામાં હીંચકીને હજી સરખો મોટો નહોતો થયો એ છોકરાએ એટલું કીધું "મામા, મને રમકડાં નથી જોતા. હવે તો મને મારી માં જોવે છે. મને મારી માં પાસે લઈ જાવ... મને મારી માં પાસે લઈ જાવ."

આવો હોય છે એક દીકરા અથવા દીકરીનો પોતાની માં પ્રત્યેનો પ્રેમ. પોતાની માં પ્રત્યે આપણને પણ બાળપણમાં ક્યારેક આવો પ્રેમ રહ્યો હશે. હું એમ નથી કહેતો કે હવે પ્રેમ નથી રહ્યો. હજી પણ આપણે આપણી માંને પ્રેમ કરીએ છીએ. પણ શું બાળપણમાં હતો અને આપણે આ વાતમાં જોયો એટલો જ પ્રેમ હજી સુધી યથાવત છે આપણાં માં-બાપ પ્રત્યે?. એવું તો શું થયું કે આપણે આટલાં દૂર થઈ ગયા?. આપણે શું ગુમાવી રહ્યા છીએ એ આપણને જ ખબર નથી.

ઘણા લોકો કહેશે કે હવે મોટા થઈ ગયા હવે કઈ રીતે માંનો પાલવ પકડીને ચાલી શકાય.પણ આ જ માંએ આપણે બાળપણમાં જ્યારે થોડા મોટા થયા હોઈશું ત્યારે આપણી જ ભલાઈ ખાતર તેનાથી અળગા કર્યા હતા કે આપણે દુનિયાને પોતાની રીતે જોતા શીખીએ. ત્યારે તો માંના પ્રેમમાં તો કોઈ ફરક નથી પડતો. અને આપણે જેમ-જેમ મોટા થતા ગયા એમ એમ આપણે વધુ ને વધુ અળગા થતા ગયા. માંની જગ્યા નવા નવા લોકો લેતા ગયા. ક્યારે આપણી માં હાંસિયામાં ધકેલાઈ ગયા તેની ખબર જ નાં રહી..

ઘણા લોકો કહેશે કે કામ-ધંધામાંથી ફુરસત નથી મળતી. તો આપણે નાના હતા ત્યારે આપણી માં શું નવરા હતા. એમને માથે પણ તો ઘરનો ભાર હતો. એમને પણ ઘરનાં તમામ સભ્યોનું ધ્યાન રાખવાનું હતું. સામાજિક જવાબદારીઓ હતી પણ આપણી માંના પ્રેમમાં ક્યારેય ઓટ નથી આવી. બસ, એક આપણી પાસે જ હજારો બહાના છે.

મેં ક્યાંક વાંચ્યું હતું કે "સમય કાઢીને પોતાનાં માં-બાપ સાથે બેસો. આનાથી બે વસ્તુ થશે. એક તો તમે ક્યારેય મોટા નઈ થાવ અને બીજું તમારાં માં-બાપ કોઈ દિવસ ઘરડાં નઈ થાય". માં-બાપ સાથે બેસો. આ એક વ્યક્તિ નથી પરંતુ એક સંસ્થા છે ભલે પછી માં-બાપ અભણ કેમ નાં હોય. હજી પણ ઘણુંબધું શીખવા મળશે. પણ આજ કાલ તો માં-બાપે ફોન કરી પોતાનાં સંતાનો પાસે સમય માંગવો પડે છે.

અને જો કોઈને પોતાના માં-બાપ સાથે અબોલા હોય તો આજે જ તેમના પગ પકડી માફી માંગી લેજો પછી ભૂલ ગમે એની હોય. એવી બે હાથ જોડી તમને પ્રાથના કરું છું. આમ તો, આ વિષે તો ઘણું બધું લખાય એમ છે પણ અત્યારે બસ આટલું જ.... જય શ્રી કૃષ્ણ