શ્રીકૃષ્ણનાં મતે માંસાહાર પુણ્ય છે કે પાપ.. Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીકૃષ્ણનાં મતે માંસાહાર પુણ્ય છે કે પાપ..

આમ તો ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય તે દરેક વ્યક્તિનો પોતાનો અંગત નિર્ણય હોય છે. પરંતુ હિન્દૂ ધર્મમાં અમુક લોકો માંસાહારને નિષેધ માને છે ત્યાં અમુક હિંદુઓ માંસાહારને માન્યતા દેતા જોવા મળે છે. આજે પણ આપણને ઘણીબધી જગ્યાએ જોવા મળે છે કે માંસાહારી વ્યક્તિઓ શાકાહારી વ્યક્તિઓને ઘાસફૂસ ખાવાવાળા કહીને તેઓનો મજાક ઉડાવે છે. તો બીજી બાજુ શાકાહારી વ્યક્તિ માંસાહાર કરવા વાળાઓને જાનવરો પર અત્યાચાર કરવાવાળા પાપી માને છે.

પણ મિત્રો, કોઈપણ વાતને આંખ બંધ કરીને માની લેવી એ બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ નથી. એટલા માટે જ ચાલો જાણીએ હિન્દૂ ધર્મગ્રંથોમાં માંસાહાર અને શાકાહાર ભોજન માટે શું કહેવામાં આવ્યું છે.

હિન્દૂ ધર્મમાં માંસ ખાવાની મનાઈ છે કે નહિ તે બાબતે ઘણાબધા લોકોના મનમાં ભ્રમ છે અને તેનું કારણ ઘણાબધા લોકોનાં મનમાં વેદોનાં વિષયમાં જોવામાં આવતી શંકા છે. જેના લીધે લોકો સમજે છે કે પશુબલિ અને માંસાહાર વગેરેનાં ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. પરંતુ મિત્રો આ અર્ધસત્યથી વધારે કાંઈ જ નથી.

વેદો અને પુરાણો હિન્દૂ ધર્મનાં મુખ્ય ગ્રંથો છે. વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવતગીતા છે. વેદોમાં પશુહત્યાને પાપ ગણવામાં આવ્યું છે અને માંસ ખાવાના સંબંધમાં સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. એટલું જ નહીં વેદો અમુક પશુઓનાં માંસનાં સંબંધમાં સત્ય વાત પણ કહે છે.

યજુર્વેદમાં કહેવાયું છે કે "મનુષ્યએ પરમાત્માની બધી જ રચનાને પોતાની આત્માની તુલ્ય માનવી જોઈએ". અર્થાત તે જેવી રીતે પોતાનું જ હિત જોવે છે તેવી જ રીતે તે બીજા પશુ પક્ષીઓનું પણ હિત કરે.

બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાયું છે કે "હે મનુષ્ય, તમે ચોખા, ઘઉં અને દાળને ખોરાકના રૂપમાં ગ્રહણ કરો. તે જ તમારા માટે સૌથી ઉત્તમ ભોજન છે. તમે ક્યારેય પણ કોઈ નર અથવા માદા સાથે હિંસા ના કરો".

તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાયું છે કે "ગાય જગતની માતા છે અને તેની રક્ષામાં જ સમાજની ઉન્નતિ છે, મનુષ્યએ તેમની સમાન દરેક પશુપક્ષીની રક્ષા કરવી જોઈએ".

ગીતામાં માંસ ખાવા અને નઈ ખાવાનાં ઉલ્લેખમાં અન્નને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગીતાનાં અનુસાર અન્નથી જ મન અને વિચાર બને છે. જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વીચારો પણ સાત્વિક હોય છે. માંસ અને મદિરા જેવી વસ્તુઓને તામસિક ગણવામાં આવ્યું છે. આવું ભોજન કરવાવાળા લોકો હંમેશા કુકર્મ, રોગી, દુઃખી અને આળસુ હોય છે. ગીતાનાં અનુસાર સાત્વિક ભોજન આયુષ્ય વધારનાર, મનને શુદ્ધ કરનાર, બળ, બુદ્ધિ અને સ્વાસ્થ્યને તૃપ્તિ પ્રદાન કરનાર હોય છે. જ્યારે આ જ શાકાહારી આહાર વધારે પડતો ખાટો, વધારે પડતા તેલ-મસાલાવાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજષી આહાર બની જાય છે અને રાજષી આહાર દુઃખ, શોક અને રોગ ઉત્તપન્ન કરે છે.

આવી જ રીતે ગરુડપુરાણમાં બતાવવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે. ગરુડપુરાણની કથા અનુસાર બાળપણમાં એક દિવસ શ્રીકૃષ્ણ યમુના નદીનાં કિનારે એક વૃક્ષની નીચે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા. ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાછળ સંતાઈ જાય છે. તે ખૂબ જ ગભરાયેલું હતું.

ત્યારે શ્રીકૃષ્ણએ તેનાં માથા પર હાથ ફેરવતા હરણને પૂછ્યું "શું વાત છે, તું આટલું બધુ ડરેલુ કેમ છે?".

ત્યારે જ ત્યાં એક શિકારી આવી ચડે છે અને શ્રીકૃષ્ણને કહે છે "આ મારો શિકાર છે, આને કૃપા કરી મને આપી દો".

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા "દરેક જીવિત પ્રાણી પર સૌથી પહેલા તેનો પોતાનો અધિકાર હોય છે, ના કે બીજા કોઈનો".

આ સાંભળી શિકારીને ક્રોધ આવી જાય છે તેણે ગુસ્સા સાથે કહ્યું "આ મારો શિકાર છે અને તેને હું પકાવીને ખાઈશ તમે મને જ્ઞાન નહિ આપો".

તેનાં વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કહે છે "કોઈપણ જીવને મારીને ખાવો તે પાપ છે, શું તું પાપનો ભાગીદાર બનવા માંગે છે? માંસાહાર પુણ્ય છે કે પાપ શું તું તે નથી જાણતો?".

ત્યારે શિકારી કહે છે "હું તમારી જેવો જ્ઞાની નથી, હું શું જાણું માંસાહાર પુણ્ય છે કે પાપ? હું તો બસ એટલું જાણું છું કે જો હું શિકાર નહિ કરું તો મને ખાવાનું નહિ મળે. હું આ હરણને તેના જીવનનાં બંધનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાઉ છું. તો પછી તમે મને શા માટે આ પુણ્ય કમાવાનું ના કહો છો? જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી જીવહત્યા તો શાસ્ત્રોમાં પણ ઉચિત ગણવામાં આવી છે. રાજા પણ શિકાર કરે છે, તો શું આ પાપ મારી જેવા નિર્ધન લોકો માટે જ છે?"

આવા તમામ તર્ક આપવાની સાથે શિકારીએ ફરીથી શ્રીકૃષ્ણને પૂછ્યું કે "હવે તમે જ કહો કે માંસાહાર પુણ્ય છે જે પાપ?"

શિકારીનાં મુુખેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાને કારણે તામસિક થઈ ગઈ છે. તેણે વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે. ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હું તને એક કથા સંભળાવીશ કે જેને સાંભળ્યા પછી તું જ બતાવજે કે માંસાહાર પુણ્ય છે કે પાપ. તે શિકારી વિચારવા લાગ્યો કે હું આ કથા તો સાંભળીશ જ. મારુ મનોરંજન પણ થશે અને અંતમાં મને આ હરણ પણ મળી જશે.

શ્રીકૃષ્ણએ પોતાની કથાની શરૂઆત કરી "એકવાર મગધમાં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું. રાજાને ચિંતા થવા લાગી કે જો હું આ ચિંતાનું નિવારણ નહિ કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે અને ત્યારપછી રાજ્યમાં સંકટ વધારે ભીષણ બનશે. આ સમસ્યાથી બહાર આવવા માટે મગધનાં રાજાએ તરત જ રાજસભા બોલાવી અને બધાને પૂછ્યું રાજ્યમાં ઉભી થયેલી આ ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ શું છે? આ સાંભળી બધા જ મંત્રી વિચારવા લાગ્યા. ઘઉં, ચોખા અને બીજા ફળફળાદી ઉગાડવામાં તો સમય અને પરિશ્રમ કરવો પડે. એટલે એવામાં તો કોઈપણ વસ્તુ સસ્તી નઈ થાય. એટલે શિકારનો શોખ રાખવાવાળા મંત્રીએ ઉભા થઇને મહારાજને કહ્યું કે "મારાં વિચારમાં તો સૌથી સસ્તો ખોરાક માંસ છે. એનાં માટે ધન પણ ખર્ચ કરવું નઈ પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે. આ સાંભળીને બધા જ મંત્રીઓએ આ વાતને સમર્થન આપી દીધું.

પરંતુ મગધનાં પ્રધાનમંત્રી હજુ પણ ચૂપ હતા. આ જોઈ રાજાએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે "તમે ચૂપ કેમ છો, તમે તમારા વિચારો રજૂ કેમ નથી કરતા, તમારું મંતવ્ય શું છે તે જણાવો?".

પ્રધાનમંત્રીએ કહ્યું "હું નથી માનતો માંસ એ સૌથી સસ્તો ખોરાક છે છતાં પણ આ વિષય પર મારા વિચારો આવતીકાલે સવારે રજૂ કરીશ.

પ્રધાનમંત્રી એ જ રાત્રે માંસાહારનો પ્રસ્તાવ મુકનાર મંત્રીને ઘરે ગયા. જેણે આ પ્રસ્તાવ રાખ્યો હતો તે મંત્રી આટલી મોડી રાત્રે પ્રધાનમંત્રીને આવતા જોઈ ગભરાઈ જાય છે. તેને લાગે છે કે તેનું કોઈ દુષકાર્ય પકડાઈ ગયું હશે. પરંતુ પ્રધાન મંત્રીએ કહ્યું કે "સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા અને તેમની હાલત ખૂબ જ ખરાબ છે. રાજવૈદ્યએ કહ્યું છે કે કોઈ શક્તિશાળી દેહનું બે તોલા માંસ મળી જાય તો રાજાને બચાવી શકાશે. તમે મહારાજની ખૂબજ નજીક છો એટલા માટે તમે જે કાંઈ મૂલ્ય લેવા માંગો તે તમે લઈ શકો છો. જો તમે કહો તો આ કામ માટે હું તમને એક લાખ સુવર્ણમુદ્રા પણ આપી શકું છું અને આ સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરવામાં આવશે. તમે ફક્ત હાં કઈ દો એટલે હું કટારથી તમારા હૃદયને ચીરીને બે તોલા માંસ કાઢી લઉં".

આ સાંભળીને તે મંત્રીનાં ચહેરાનો રંગ ઉડી ગયો. તે વિચારવા લાગ્યો કે જ્યારે જીવન જ નહીં રહે ત્યારે લાખો સુવર્ણમુદ્રા અને મહેલનું શું કરીશ. તે ઝડપથી તેના કક્ષમાં જાય છે અને એક લાખ સુવર્ણમુદ્રા લઈને આવે છે અને તે પ્રધાન મંત્રીને આપતા બેબાકળા સ્વરે બોલે છે "મહાશય, આ તમારી એક લાખ સુવર્ણમુદ્રામાં હું મારી એક લાખ સુવર્ણમુદ્રા ભેળવું છું. આ પૈસાથી તમે બીજી કોઈ વ્યક્તિનું માંસ ખરીદી લ્યો પરંતુ મને જવા દ્યો. મારી તમને નમ્ર વિનંતી છે કે આ વાતની જાણ તમે બીજા કોઈ વ્યક્તિને ના કરતા".

ત્યારપછી પ્રધાનમંત્રીએ આગળ કહ્યું "મંત્રીજી તમે શરીરથી સ્વસ્થ છો, તમારું કદ પણ મહારાજ સાથે મળે છે માટે જ રાજવૈદ્યએ ખાસ તમારું નામ આપેલું છે. તમારા એક દાનથી આપણા રાજાનું જીવન બચી શકે છે. જો તમે માની જાવ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા માટે તૈયાર છું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશ."

આ સાંભળી મંત્રીએ કહ્યું "જ્યારે જીવન જ નહીં રહે તો સુવર્ણમુદ્રા, મહેલ અને પ્રધાનમંત્રી પદનું શું કરીશ? જો તમે ઇચ્છો તો મારું બધું જ લઈ લો પણ મને છોડી દો. આમ કહી તે પોતાનાં ઘોડા પર બેસી જાય છે અને ભાગવાની કોશિશ કરે છે પણ પ્રધાનમંત્રી તેના ઘોડાની લગામ ઝાલી લે છે. અને તે મંત્રીને કહે છે "તારે ક્યાંય ભાગવાની જરૂર નથી. તું તારા મહેલમાં જ રહે, હું કોઈ બીજા વ્યક્તિને શોધી લઈશ" એમ કહી પ્રધાનમંત્રી ત્યાંથી ચાલ્યા જાય છે.

ત્યારપછી પ્રધાનમંત્રી સુવર્ણમુદ્રા લઈ વારાફરથી બધા મંત્રીઓનાં ઘરે પહોંચ્યા અને બધા મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે તેમના હૃદયનું બે તોલા માંસ માંગ્યું પરંતુ કોઈ મંત્રી તે આપવા માટે રાજી ના થયા. બધાએ પોતાના જીવ બચાવવા માટે પ્રધાનમંત્રીને એક લાખથી લઈને પાંચ લાખ સુધી સુવર્ણમુદ્રાઓ આપી. આમ કરતા પ્રધાનમંત્રીએ એક જ રાતમાં એક કરોડ સુવર્ણમુદ્રા ભેગી કરી લીધી અને સવાર થતા પહેલા જ પોતાના મહેલે પહોંચી ગયા.

બીજા દિવસે બધા મંત્રી મહેલમાં વહેલા પહોંચી ગયા. બધાને એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે રાજાનું સ્વાસ્થ્ય કેવું છે? પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીને રાતની વાત નથી કરતા. થોડા જ સમયમાં રાજા પોતાના જ અંદાજમાં રાજ દરબારમાં પધારે છે અને સિંહાસન પર આવી બેસી જાય છે. બધા મંત્રીઓએ જોયું કે રાજા તો કોઈપણ પ્રકારે અસ્વસ્થ નહોતા લાગી રહ્યા. તેમને તો કઈ થયું જ નહોતું પણ પ્રધાનમંત્રીએ તેમને જૂઠું કહ્યું. દરેક મંત્રીનાં મનમાં આ જ વિચારો ચાલી રહ્યા હતા.

ત્યારે જ પ્રધાનમંત્રીએ રાજાની સમક્ષ એક કરોડ સુવર્ણમુદ્રા મૂકી. રાજાએ પૂછ્યું કે "આ સુવર્ણમુદ્રા શેનાં માટે છે અને ક્યાંથી આવી?". ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો કે "મહારાજ, બે તોલા માંસ માટે આટલી ધનરાશી જમા કરી છે પરંતુ માંસ ના મળ્યું. પોતાનો જીવ બચાવવા માટે મંત્રીઓએ સુવર્ણમુદ્રાઓ આપી છે. હવે તમે જ કહો કે માંસ સસ્તું છે કે મોંઘુ?".

રાજાને પ્રધાનમંત્રીની વાત સમજાઈ ગઈ અને તેમણે પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડારમાંથી અનાજ આપી તેમની સહાય કરી. રાજાએ તરત જ પોષ્ટીક ખેતી કરવાનો આદેશ આપ્યો. જળસિંચાઈની વ્યવસ્થા પણ કરાઈ અને એક કરોડ સુવર્ણમુદ્રા એ જ કામ માટે અને શ્રમિકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવી. દરેક શ્રમિકોનાં અનાજ અને ફળફળાદિ ઝડપથી ઉગવા માંડ્યા અને રાજ્ય ભંડાર પણ પહેલાની જેમ ભરાઈ ગયો અને રાજ્યનું ખાદ્ય સંકટ પણ દૂર થઈ ગયું.

સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઈ જાય છે અને તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જાણી ગયો હતો મહાનતા જીવન લેવામાં નહિ પરંતુ જીવનને અર્પણ કરવામાં છે. શિકારીએ ભગવાનની સામે હાથ જોડ્યા અને ત્યાંથી જતા સમયે પ્રણ લીધો કે તે પોતાનાં સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હાનિ નહિ પહોચાડે.

તો મિત્રો, જીવનનું આ જ મૂલ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ આપણને આ કથાનાં માધ્યમથી સમજાવે છે કે આપણે એ ના ભૂલીએ કે જેવી રીતે આપણને આપણો પોતાનો જીવ પ્યારો છે. તેવી જ રીતે બીજા જીવોને પણ પોતાનો જીવ વ્હાલો હોય છે.

આ કથા વાંચ્યા પછી એ તમારા પર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માંગો છો પરંતુ વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યું છે કે આપણા શરીર માટે માંસાહારની તુલનામાં શાકાહાર વધારે ફાયદેમંદ છે. વિજ્ઞાનનું માનીએ તો શાકાહાર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તો બીજી બાજુ શાકાહારથી આપણું આયુષ્ય પણ વધે છે.

પરંતુ માંસાહાર પ્રત્યેનો ભ્રમ ગ્રંથોના વર્ણિત મંત્રોનાં ખોટા અર્થોનાં પ્રચાર પ્રસાર અને હિંદુઓમાં થતી પશુબલિને કારણે ફેલાવવામાં આવ્યા છે. જે જીવને તમે મારીને ખાઈ રહ્યા છો તેને પ્રાણ બચાવવાનો અવસર પણ નથી મળતો. હિંસા ફક્ત એ જ નથી કે જ્યાં માણસનું લોહી વહે છે પણ હિંસા એ પણ છે જ્યારે માણસનાં સ્વાર્થ માટે કોઈ બીજા નિર્દોષ જીવોની હત્યા થાય છે.

માણસનો અંત આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છે કે જ્યારે એ જીવ આપણે માટે કપાયો અને આપણા લીધે તડપ્યો ત્યારે તેનો શ્રાપ આપણને આ જીવનમાં જ નહીં પણ આગળનાં જન્મમાં પણ નથી છોડતો. તો વાચકો આશા રાખું છુ કે તમારા મનમાં ચાલતા દરેક ખોટા ભ્રમ તૂટ્યા હશે. તમને સમાધાન મળ્યું હશે. જય શ્રી કૃષ્ણ....