રાજકારણની રાણી - ૨૪ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૨૪

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૪

જનાર્દન માની જ શકતો ન હતો કે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલ દ્વારા ટિકિટની વહેંચણી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પક્ષની સત્તા છે. પણ કેન્દ્રમાં હજુ સત્તા મળી નથી ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી. જનાર્દનને શંકરલાલનું આયોજન નવાઇ પમાડતું હતું. વિધાનસભાની ચૂંટણીને હજુ છ માસની વાર હતી ત્યારે ચાર તાલુકાના ધારાસભ્યોની ટિકિટ નક્કી કરીને એમને જાણ કરવામાં આવી છે એ ઘટના રાજકારણમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. એક તરફ પાટનગરમાં ધારાસભ્યની ટિકિટ માટે ભાવતાલ થઇ રહ્યા છે અને નામ નક્કી કરવાની કાર્યવાહી થઇ રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તર પરથી ટિકિટ નક્કી કરવાનું પગલું પક્ષના દરેક રાજકારણી માટે ચોંકાવનારું બની રહેવાનું હતું. સુજાતાબેનને ટિકિટ ફાળવી દેવામાં આવી એ વાત રવિનાને જ નહીં રતિલાલ જેવા ઘણાંને આંચકો આપી જશે. જનાર્દનને થયું કે આ વાત પોતાને જ આશ્ચર્યનો આંચકો આપી ગઇ છે. જનાર્દન સુજાતાએ મોબાઇલમાં બતાવેલા પત્રને નવાઇથી જોઇ રહ્યો હતો. તેણે પૂછ્યું:"આ પત્ર વિશ્વસનીય વ્યક્તિ પાસેથી મળ્યો છે ને? કોઇ છેતરપીંડી ના કરી જાય એ જોજો. રાજકારણમાં ધારાસભ્ય અને સાંસદના લેટરપેડનો ઘણી વખત ગેરઉપયોગ થયો હોવાના કિસ્સા બની ચૂક્યા છે."

સુજાતા કહે:"જનાર્દન, આ પત્ર મને ખુદ શંકરલાલજી તરફથી મળ્યો છે. એ ખોટો હોય શકે નહીં. મેં એમને જ મારી ટિકિટ માટે ભલામણ કરી હતી. પાટનગરમાં મેં કોઇને મસ્કા માર્યા નથી. મને ખબર હતી કે પાટનગરમાં ગોરી-ચીકણી ચામડી અને ચીકણીચુપડી વાતોની બોલબાલા છે. રવિના અને રતિલાલ એ પ્રમાણે જ પોતાની ટિકિટ મેળવવા માગતા હતા. કદાચ પાટનગરમાં તો રવિનાનું નામ નક્કી થઇ ગયું હતું. આજે આ પત્ર જોઇને ઘણાના પગ નીચેથી ધરતી સરકી જશે. આપણે તો ધરતી પર રહીને જ કામ કરવાનું છે. ટિકિટ મળી એતલે હવામાં ચાલવાનું નથી. તમે બંને મારા માટે બે હાથ સમાન છો. હવે આપણે કામ કરવાનું શરૂ કરી દેવાનું છે. એમ ન માનતા કે હજુ છ મહિનાનો ઘણો બધો સમય છે...."

જનાર્દન કહે:"આપણે આજથી જ કામ શરૂ કરી દઇશું. સમયનો પૂરો ઉપયોગ કરીશું અને તમને જીતાડીશું. મને હજુ એ સમજાતું નથી કે તમે પાટનગરને બદલે સીધો દિલ્હી સુધી સંપર્ક કેવી રીતે કર્યો?"

સુજાતાબેન મંદ મંદ હસ્યા અને બોલ્યા:"હું રાજકારણમાં આવી છું એ મારા સ્વાર્થ માટે નહીં. લોકોની વધારેમાં વધારે સેવા કેવી રીતે કરી શકાય એ જ ધ્યેય છે. જતિન જેવા લોકો જલસા કરવા રાજકારણમાં આવે છે. એ પ્રજાના નહીં પોતાના હિત માટે વધારે કામ કરે છે. મને થયું કે રાજકારણમાં પરિવર્તન લાવી શકાય છે. એક સ્ત્રી ઇચ્છે તો શું ના થઇ શકે? પ્રયત્ન કરવામાં કંઇ ખોટું નથી. સફળતા મળશે એવા ધ્યેય સાથે જ મેં રાજકારણમાં એક નવો ધારો પાડવાનું વિચાર્યું. મારી પાસે પાટનગરના તો ખાસ કંઇ સંપર્ક ન હતા. જતિનના મોંએ કેટલાકના નામ સાંભળ્યા હતા અને તારા દ્વારા કેટલાક સાથે વાત થઇ હતી. મને એમ લાગ્યું કે પાટનગરમાં બેઠેલા રાજકારણીઓને મારી વાત ગળે ઉતારવાનું કામ મુશ્કેલ છે. એમની પોતાની ગણતરીઓ છે અને એ સલામત રાજકારણ રમતા હોય ત્યારે કોઇ જોખમ ઉઠાવવાનું પસંદ ના કરે. મેં વિચાર્યું કે પક્ષની રાષ્ટ્રીય નેતાગીરી સાથે જ સીધો સંપર્ક કરીને મારી વાત મૂકું. પક્ષની વેબસાઇટ પરથી દિલ્હી કાર્યાલયના કેટલાક નેતાઓના ફોન નંબર મેળવી એમનો સંપર્ક કર્યો. મને અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ મળ્યો નહીં. મેં વાંચેલું કે આપણા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી ખૂબ સારા માણસ છે. એ મારી વાત સાંભળી શકે છે. એમને જ મારો હેતુ સમજાવું તો અમલ થવાની શક્યતા છે. બીજા હોદ્દેદારો પાસે એટલી સત્તા ના હોય કે એક સામાન્ય કાર્યકરના વિચારને અમલમાં મૂકી શકે કે એના પર વિશ્વાસ મૂકીને કોઇ પગલું ભરી શકે. મેં બે દિવસમાં જેમતેમ કરીને શંકરલાલજીનો ફોન પર સંપર્ક કરી લીધો. એમની વ્યસ્તતા આપણે સમજી જ શકીએ છીએ. તમે નહીં માનો એમણે મને રાત્રે એક વાગે વાત કરવાનો સમય ફાળવ્યો. અને મારી સાથે વાત પણ કરી....."

સુજાતાબેન શ્વાસ લેવા અટક્યા ત્યારે જનાર્દન અને હિમાની એમને અહોભાવથી જોઇ રહ્યા. હિમાનીને તેમની વાતો પરથી પ્રેરણા મળી રહી હોય એવું લાગી રહ્યું હતું. સુજાતાબેનની હિંમતને તે મનોમન દાદ આપી રહી હતી. જનાર્દનને થયું કે આટલા વર્ષોથી તે પાટનગર સુધી જ પોતાના સંપર્ક બનાવી શકયો છે. સુજાતાબેન તો છેક દિલ્હી સુધી પહોંચી ગયા. જતિનને ખુલ્લો પાડ્યો ત્યારે એમની ક્ષમતાનો અંદાજ જનાર્દનને આવી જ ગયો હતો. પોતે રતિલાલ અને રવિનાની મોટી ઓફરોને એટલે જ સ્વીકારી રહ્યો ન હતો. હવે તો સુજાતાબેનને ટિકિટ મળી ગઇ છે. બીજા કોઇને સાથ આપવાનો વિચાર કરવાનો પ્રશ્ન જ રહેવાનો નથી.

જનાર્દન અને હિમાનીને વિચાર કરતાં જોઇ સુજાતાબેન ખુશ થતા હતા. એમણે વાતને આગળ વધારતાં કહ્યું:"શંકરલાલજી સાથે વાત કરવાનું સૌભાગ્ય બહુ ઓછાને મળે છે. એ ગુજરાતમાં આવે છે ત્યારે ટોચના બધા નેતાઓને મળી શકતા નથી. મને સુવર્ણ તક મળી હતી એમની સાથે વાત કરવાની. મેં કોઇ ભૂલ ના કરી. એમને મારો ટૂંકમાં પરિચય આપ્યો. મેં મારા પતિના ખોટા કામનો પર્દાફાશ કર્યો એ વાતથી તે પ્રભાવિત થઇ ગયા હતા. એ પછી મેં ધારાસભ્ય પદની મારી ટિકિટનો દાવો રજૂ કરી અલગ પ્રકારે ચૂંટણી લડવાની વાત મૂકી. મેં એમને કહ્યું કે દરેક પક્ષ સામાન્ય રીતે ઉમેદવારી નોંધાવવાના સપ્તાહ પહેલા કે એ દિવસે જ ઉમેદવારોની યાદી જાહેર કરે છે. કેટલીક વખત તો ઉમેદવારી નોંધાવવાના અડધા દિવસો વીતી જાય પછી નામ જાહેર કરાય છે. એમાં સ્થાનિક રાજકારણ ભાગ ભજવતું હોય છે. એ કારણે ઉમેદવારને પ્રચાર માટે પૂરતો સમય મળતો નથી. એના બદલે જો છ કે પાંચ મહિના પહેલાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તો એ પોતાના ક્ષેત્રમાં લાંબો સમય પ્રચાર કરી શકે એટલું જ નહીં પોતાના વિસ્તારના કેટલાક કામોની રજૂઆત કરીને એને ઝડપથી પૂરા કરાવી શકે છે. એનાથી લોકોનો ઉમેદવાર માટેનો વિશ્વાસ બધી જશે. એમને ખાતરી થશે કે આ ઉમેદવાર ચૂંટાઇને અમારા કામો કરવાનો જ છે. આ મુદ્દો એમને બહુ ગમી ગયો. એમણે એક દિવસ પછી મને ફરી ફોન કરવાની ખાતરી આપી. મને કહ્યું કે તમે એવી બે વ્યક્તિના નામ આપો જેની પાસેથી હું તમારા વિશે માહિતી મેળવી શકું...."

સુજાતાબેન સહેજ અટક્યા એટલે જનાર્દને કહ્યું:"બેન, તમારી પાસે તો એવા કોઇના નામ ન હતા. જે તમારી ભલામણ કરી શકે. તમે તો મારા જેવા બે-ત્રણ જણને જ ઓળખો છો."

સુજાતાબેન હસ્યા:"જનાર્દન, એવું જરૂરી તો નથી કે આપણાને ઓળખતા હોય એ જ આપણાને મદદરૂપ થઇ શકે. તને નવાઇ લાગશે કે મેં હાલના આપણા ધારાસભ્ય રતિલાલ અને પાલિકા પ્રમુખ રવિનાના નામ આપ્યા..."

જનાર્દન વધારે આશ્ચર્યથી એમની સામે જોઇ બોલ્યો:"તમે આપણા વિરોધીઓના જ નામ આપ્યા? એ તો એવું જ ઇચ્છતા હતા કે તમને ટિકિટ ના મળે. તમે બહુ મોટું જોખમ લીધું..."

"આમ તો એ મારા વિશે બૂરું જ બોલે એવા છે. પણ..." સુજાતાબેન બોલતા હતા ત્યારે જનાર્દનના ફોનની રીંગ વાગી. તે અટકી ગયા.

જનાર્દન સુજાતાબેનની વાત પૂરી સાંભળી લેવા માગતો હતો અને ફોનને કટ કરવા જતો હતો ત્યાં નામ જોઇને ચોંકી ગયો. ફોન પર જતિનનું નામ દેખાયું. તેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા. જતિન તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. હવે શું કામ મને ફોન કરી રહ્યો છે. કોઇ ખાસ કારણ વગર તે ફોન કરે એવો નથી. હજુ તેની બદનામી એવી જ છે. એ તો લાંબા સમય સુધી બહાર આવવા માગતો ન હતો અને દૂર જતો રહ્યો હતો. જનાર્દનને થયું કે સુજાતાબેન સામે જતિન સાથે વાત કરવાનું યોગ્ય નથી. તે ઊભો થઇને દૂર ગયો અને 'હલો' કહ્યું. જતિન કહે:"જનાર્દન, કેમ છે? હું કાલે આવું છું. મને પક્ષમાંથી ભલે કાઢી મૂકવામાં આવ્યો છે. રાજકારણમાંથી કોઇ કાઢી શકે એમ નથી. તારી સાથે થોડી વાત કરવી છે. મળીશને?"

"હં...હા-હા, હું કાલે ફોન કરીને જણાવું. હમણાં મહેમાનો સાથે વ્યસ્ત છું..." કહી જનાર્દને ફોન મૂકી દીધો. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાવા લાગી. જનાર્દનને ચિંતાગ્રસ્ત જોઇ સુજાતાબેન અને હિમાનીને પણ નવાઇ લાગી. જનાર્દનને મનમાં પ્રશ્ન થયો કે જતિન રાજકારણમાં પુનરાગમન કરવા માગે છે એ વાત સુજાતાબેનને કરવી જોઇએ કે નહીં?

વધુ પચીસમા પ્રકરણમાં...

***