રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૩
જનાર્દનને સમજાતું ન હતું કે કોની વાતને સાચી માનવી જોઇએ. એક તરફ સુજાતાબેન પોતાને ટિકિટ મળી જવાનો આત્મવિશ્વાસ સાથે દાવો કરી રહ્યા છે અને બીજી તરફ પાટનગરના તમામ સૂત્રો રવિનાને ટિકિટ આપવામાં આવી રહી હોવાની માહિતી આપી રહ્યા છે. બેમાંથી કોણ સાચું છે એ જાણવું મુશ્કેલ બની ગયું છે. રતિલાલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એ અત્યારે બાજુ પર જ રહી ગયા કે શું? તે પોતાની પુત્રીને મેદાનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે મહિલાને જ ટિકિટ આપવાની હોવાથી એમણે દાવ રમ્યો છે. જનાર્દનને અચાનક યાદ આવ્યું કે હિમાની હજુ આવી નથી. તેને પહેલી વખત હિમાની પર ગુસ્સો આવ્યો. ફોન કર્યો તો પણ કાપી નાખ્યો અને ઘણો સમય થયા પછી પણ વળતો ફોન કરવાનું ટાળ્યું છે. તેણે હિમાનીને ફોન લગાવ્યો.
'હલો...જનાર્દન, બસ નીકળી ગઇ છું. પંદર મિનિટમાં ઘરે પહોંચું છું...." જનાર્દન કંઇ પૂછે એ પહેલાં જ હિમાનીએ જવાબ આપી દીધો.
"અરે પણ એ તો કહે કે ક્યાંથી નીકળી છે? અને ક્યાં ગઇ હતી? કોઇ ઇમરજન્સી આવી ગઇ છે?" જનાર્દને ઊંચા અવાજે પૂછ્યું.
"જનાર્દન, ચિંતાનું કે ગભરાટનું કોઇ કારણ નથી. હું સલામત છું. આવીને બધી વાત કરું છું..." હિમાનીએ ફોન મૂકી દીધો.
જનાર્દન માટે હિમાનીનો જવાબ રહસ્ય ઊભું કરી રહ્યો હતો. અચાનક એવું તે કયું કામ આવી ગયું હશે? કોઇ સંબંધીને ત્યાં કોઇ માંદું પડ્યું હશે? જનાર્દને વધારે વિચાર કરવાનું ટાળી ફ્રિઝમાંથી કોલ્ડ્રીંકસની બોટલ કાઢી. મગજને શાંત કરવા તે ઠંડા પીણાની અડધી બોટલ ગટગટાવી ગયો. તેણે મગજને બીજે વાળવા માટે મોબાઇલમાં યુટ્યુબ પર ભક્તિ ગીત ચાલુ કર્યું. તેના મનને જાણે થોડી શાંતિ થઇ.
હિમાનીએ આવીને તરત જ હાંફતા અવાજે કહ્યું:"જનાર્દન, મને રવિનાએ બોલાવી હતી...."
એ સાંભળી જનાર્દનનો શાંત પડેલો ગુસ્સો પાછો ઉભરાયો:"એ હલકટ બાઇને ત્યાં તારે જવાની શું જરૂર હતી? કમસે કમ મને પૂછવું તો જોઇએ? તને રાજકારણીઓ સાથે કેમ આટલો રસ પડવા લાગ્યો છે? આપણે હજુ સુજાતાબેન સાથે જોડાવાનું વિચારી રહ્યા છે ત્યારે રવિનાને મળવાની શું જરૂર હતી?"
હિમાનીને જનાર્દનનો ગુસ્સો વ્યાજબી લાગ્યો. તેણે શાંતિથી કહ્યું:"જનાર્દન...જનાર્દન... શાંતિ....શાંતિ.... તમારી બધી વાત સાચી છે. રવિનાને મળવા જતાં પહેલાં મારે તમને પૂછવું જોઇતું હતું. એ માટે મેં તમને ઘણી વખત ફોન લગાવ્યો પણ લાગ્યો જ નહીં...આ જો....હા, મેસેજ કરવાનું ભૂલી ગઇ... સોરી!" કહી હિમાનીએ ફોન બતાવ્યો. જનાર્દનનો ગુસ્સો શમવા લાગ્યો.
હિમાની આગળ બોલી:"સુજાતાબેનને જવાબ આપતાં પહેલાં રવિનાનો ફોન આવ્યો એટલે હું મળવા પહોંચી ગઇ. અને ગઇ તો સારું થયું. તેનું ઘર, તેનું શરીર અને તેનું દિલ- આત્મા બધું જ જોઇ આવી. એણે મને પણ લાભ કરાવવાની ઓફર કરી છે. હું તમને એની ટિકિટ માટે ભલામણ એટલે કે દબાણ કરું એ માટે તેણે મને આવી લાલચ આપી છે. રવિના કેટલી નીચી પડી શકે છે એ મેં પણ જોઇ લીધું. એની સુંદરતા કાતિલ છે! એ પોતાની સુંદરતાથી ઘણાને વશમાં કરીને જ અહીં સુધી પહોંચી છે. એટલે આપણે એને મદદ કરવી નથી...."
હિમાનીની વાત સાંભળી જનાર્દન પ્રભાવિત થયો:"તારી વાત સાચી છે હિમાની. તું રવિનાને મળવા ગઇ ત્યાં સુધીમાં રાજકારણમાં ઘણી હલચલ મચી ગઇ છે. સુજાતાબેનને શું જવાબ આપવો એની ચર્ચા કરવાનો પણ અવકાશ રહ્યો નથી. એમણે કાલે સવારે આપણા બંનેને બોલાવ્યા છે....."
"કેમ?" હિમાનીની ઉત્સુક્તા એટલી વધી ગઇ કે તે વચ્ચે બોલી ઊઠી.
"સુજાતાબેનને ટિકિટ મળવાની છે. એમણે મને હમણાં જ સમાચાર આપ્યા. મને તો એવા સમાચાર મળ્યા છે કે રવિનાને ટિકિટ મળી રહી છે. હવે ખુદ સુજાતાબેને પોતે ટિકિટ મળી જવાની હોવાનો દાવો કરી મને આશ્ચર્યમાં નાખી દીધો છે. હવે આવતીકાલે સવારે સુજાતાબેનને મળ્યા પછી જ સાચી વાતની ખબર પડશે. મને નવાઇ એ વાતની છે કે પાટનગરમાં પક્ષના દરેક અગ્રણીઓ રવિનાના નામની વાત કરી રહ્યા છે ત્યારે સુજાતાબેન કેવી રીતે આટલા વિશ્વાસથી વાત કરી રહ્યા છે?" જનાર્દનને થયું કે આ કારણે તેને આખી રાત ઊંઘ નહીં આવે.
હિમાની પણ જલદી પડે સવાર એમ વિચારી પરવારીને તરત સૂઇ ગઇ.
જનાર્દનને છેક મોડી રાત્રે ઊંઘ આવી શકી. સવારે ઊઠીને થોડા વહેલાં જ સુજાતાબેનને ત્યાં પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું.
બંને તૈયાર થઇને તરત જ નીકળી ગયા.
જનાર્દન અને હિમાનીને વહેલા આવેલા જોઇ સુજાતાને નવાઇ લાગી. એને ખ્યાલ આવી ગયો કે પોતાને ટિકિટ મળી રહી હોવાની વાતથી હિમાની કરતાં જનાર્દનને વધારે આશ્ચર્ય થયું હશે. પાટનગરમાં રવિનાનું નામ ફાઇનલ થઇ ચૂક્યું છે ત્યારે મને કેવી રીતે ટિકિટ મળશે એની ચિંતા પણ હશે.
સુજાતાએ બંનેને આવકાર આપી કહ્યું:"હિમાની, હવે તારું કામ વધી જશે. પ્રચારમાં અને કામો કરવામાં તારે મારી સાથે સતત રહેવાનું છે. હજુ સમય ઘણો છે. મેં ટિકિટ થોડી વહેલી નક્કી કરાવી છે. આશય એવો છે કે આપણે પ્રચાર કરતાં કામો વધારે કરાવી શકીએ અને લોકોને વિશ્વાસ અપાવી શકીએ કે પક્ષના ઉમેદવાર કામો કરાવી શકે છે. વાયદાથી નહીં કામોથી જીત મેળવવાની છે. આપણે રાજકારણમાં એક નવો જ ચીલો ચાતરવાનો છે. અત્યાર સુધી એવું બનતું હતું કે છેલ્લા દિવસોમાં ધારાસભ્ય પદના ઉમેદવારનું નામ જાહેર થતું હતું. આ વખતે મહિનાઓ પહેલાં નામ જાહેર થઇ રહ્યું છે. રાજકારણમાં કોઇએ જોયું ન હોય એવું પરિવર્તન આવવાનું છે..."
હિમાની અને જનાર્દન આભા બનીને સુજાતાની વાત સાંભળી રહ્યા. જનાર્દનના ચહેરા પર હજુ ટિકિટ મળવા બાબતે શંકા હતી. તે કંઇ બોલે એ પહેલાં સુજાતાએ મોબાઇલ ખોલીને એમાં એક પત્ર હતો એ બંનેને બતાવ્યો. જનાર્દને જોયું તો તેમના તાલુકાની જ નહીં બીજા તાલુકાના ઉમેદવારોની યાદી પણ તૈયાર થઇને ફાઇનલ થઇ ચૂકી હતી. અને એમાં સુજાતાબેનનું નામ હતું. જનાર્દને જ્યારે એ યાદી પર મહોર મારનાર વ્યક્તિનું નામ જોયું ત્યારે એ ચોંકી ઊઠયો. તે વારાફરતી સુજાતા અને એ વ્યક્તિની સહી તરફ જોતો રહ્યો. તેને થયું કે આ પત્ર ખરેખર સાચો હશે કે કોઇએ સુજાતાબેન સાથે મજાક કરી છે? આવું બની શકે એની કલ્પના તેણે ક્યારેય કરી ન હતી.
વધુ ચોવીસમા પ્રકરણમાં...
***
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. અને હોરરના શોખીનોને 'આત્માનો પુનર્જન્મ' અને 'આત્માની અંતિમ ઇચ્છા' જરૂર પસંદ આવશે.