ટીનએજ
અને એ દીકરી ધોરણ ૯ માં પોતાના વર્ગ શિક્ષકનો જન્મદિન હોશભેર ઉજવતી વખતે સ્પીચ આપતા આપતા રડી પડી...કહે કે મને એક મા મળી ગઈ.મારું જીવન ધન્ય થઇ ગયું.વર્ગ શિક્ષકને પણ નવી લાગી.કે અરે આ શું?આટલી લાગણી આ દીકરી મારા માટે અનુભવતી હતી? અલબત એ ખબર હતી કે એ દીકરીને મારા પ્રત્યે ખુબ લગાવ.વર્ગમાં આમ તો હમેશ બીજા શિક્ષકોનો ઠપકો જ સહન કરતી હોય.કારણ કે એ અતિ ઉત્સાહી..કોઈ પણ શિક્ષકનું કઈ પણ કામ કરવું એને ખુબ ગમે.ઉપરાંત દરેકનું ધ્યાન પોતાના તરફ ખેચવું પણ એને ગમે એવો સ્વભાવ એનો.અત્યારે આપને એને માહી નામ આપીએ.એ શિક્ષક તે હું પોતે.શાળામાં શિક્ષકોના જન્મદિન ઉજવવાની મનાઈ..છતાં મને યાદ છે કે વર્ષો સુધી દરેક વર્ષે મારા વર્ગના બાળકો મારો અને શાળાનો ઠપકો સહન કરીને પણ છાનામાના કેક લઇ આવે,વર્ગને મસ્ત શણગારે,ને જન્મદિન ઉજવે.મારીઆદત મુજબ હું તેમને દર વર્ષે ૧૦ પુસ્તકોના ૬ સેટ ભેટ આપું.એ વર્ગમાં ફરે અને ૧૦ય પુસ્તકો વર્ગમાં ફરે.એકબીજાને આપી બહાય એ ૧૦ પુસ્તકો વાચી પછી અનુકુળતાએ એકબીજા સાથે અને મારી સાથે ચર્ચા કરી રીવ્યુ આપે અને જીવનમાં ઉતારે.આ વર્ષે પણ આમ જ બન્યું.સરપ્રાઈઝ અપાયું મને.ક્યાંથી કેક આવી ગઈ,ક્યારે જાતે કાર્ડ્સ બનાવી લીધા મસ્ત મજાના....અને મારી નારાજગી છતાં એ અઢળક પ્રેમ પાસે ઝૂકીને મારે કેક કાપવી પડી.અમુક દીકરીઓ કહે અમારે કૈક કહેવું છે એમની એક આ માહી...૮ વર્ષમાં ક્યારે પણ નથી બોલી જાહેરમાં,એ દીકરી ઉપર જણાવ્યું એમ બોલી!!...વિગતે વાત કરું તો એ શરીરમાં થોડી ભારે,વાતોડી અને એટલે બધા અને ચીડવે.બીજું ખુબ ભોળી એટલે બહેનપણીઓ એનો લાભ લે અને એના પરિણામે શિક્ષકોના ગુસ્સાનો એ ભોગ બને.કૈક તો એવો પ્રોબ્લેમ હતો કે એને ક્યાંક મહત્વ ઓછું મળવાને કારણે એ શાળામાં સતત બધાનું ધ્યાન પોતાના તરફ ખેચવા એક ય બીજા પ્રયત્નો કરી રહેતી. ખબર નહિ કેમ શરૂઆતથી જ મને કહેતી કે મિસ તમારું સ્માઈલ બહુ મસ્ત છે હો..ને હું માતૃભાષા પ્રેમી હોવાથી કાયમ પ્રેમાળ ટકોર કરું કે બેટા, મિસ નહિ બહેન કહેવાનું હો...તો હસીને કહે કે અરે તમે તો મારા મમ્મી છો.હું કહેતી એ તો શાળા સમય બાદનું સંબોધન અને સંબંધ છે.પણ શાળાના નિયમ મુજબ બહેન જ કહેવાનું હો....પણ આજ સુધી (હવે તો કોલેજમાં છે) મિસ કે મમ્મી જ કહે.મારા જન્મદિવસે એ પ્રથમ વાર બોલી અને એના વક્તવ્યમાં કહ્યું કે બધા મારી હસી ઉડાવે કે મને ઠપકો આપે પણ અત્યાર સુધી મિસ જેવું પ્રેમથી અને લાડથી કોઈએ નથી સમજાવ્યું.મિસ કહે એ મારા માટે બ્રહ્મવાક્ય સમાન...હું ઝીંદગીભર મિસની ઋણી બની ગઈ છું.મને ભેટીને ખુબ રડી.ખુબ બોલી.બધા ભાવુક બની ગયા.થોડા દિવસો પછી અમે વાતો કરતા હતા ત્યારે હું એની મનોદશા સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.કહે કે “મને શાળાના એક શિક્ષક પણ શરીરે જાડી હોવાને કારણે કટાક્ષ કરે છે.એ કેમ સહન થાય ?અને શિક્ષક બોલે વર્ગમાં એટલે બધા વિદ્યાર્થીઓ હસે .મને તો મારી જવાનું મન થાય છે!!..મિત્રો બાળકનું મન કેટલું સવેદનશીલ હોય છે? શિક્ષકો જે સહજ ભાવે બોલી જતા હોય એ આવી કોઈ વાત બાળકના દિલમાં ખુબ ઊંડો ઘાવ કરી જતું હોય છે....મને કહે તમે એ શિક્ષકને ખબર ન પડે એમ આચાર્યને કહો અથવા તમે આડકતરી રીતે એમને જ કહો કે મને આવું ન કહે...ખરેખર મને ખુબ શરમ આવે છે અને મારવાનું મન થઇ જાય છે.એ પ્રશ્ન મેં મારી રીતે હલ કર્યો.એ ખુબ ખુશ રહેતી.પણ બહારથી હસતી અને હસાવતી એ ટીનએજ દીકરીમાં હજુ ક્યાંક કૈક વલોવાતું હતું.ધીમે ધીમે વધુ ખુલતી ગઈ.અમે ખુબ વાતો કરતા.એવા માં બોય ફ્રેન્ડ બનાવવા તરફ ઢળવા લાગી હતી.કેમકે ઘરમાં જે અસંતોષ હતો એ જે ઓછુ પડતું હતું તે બહાર શોધવાની વ્યર્થ કોશિશનું આ પરિણામ ટીન એજમાં ખુબ સામાન્ય બાબત છે.પણ હું મારી રીતે સમજાવતી અને સાચવવાની કોશિશ કરતી.એમાં એક દિવસ ખુબ ઉદાસ હતી.વર્ગમાં હાજર હોવા છતાં હાજર નહોતી એ મારી અનુભવી આખે પારખી લીધું.રીસેસમાં રોજની જેમ મળવા આવી ત્યારે મેં પૂછ્યું:”બેટા,આજે ઊંઘ પૂરી નથી થઇ ને? બહારગામ ભણતી દીદી આવી છે તો બેય બહેનોએ બહુ વાતો કરી કે શું ?”એટલું પૂછતાં તો આંખમાંથી વેદના નીતરી રહી...થોડીવાર મેં એનો હાથ પસવારતા વ્યથાના આંસુ વહેવા દીધા...સ્વસ્થ થયા પછી કહે:”મિસ, બધા ભાઈ બહેન સરખા હોય? બધા ખાલી ભણવામાં સારા ટકા લાવે એ જ હોશિયાર કહેવાય? જે દેખાવે સારા હોય એ જ બધાને બહુ ગમે ?” એના આટલા પ્રશ્નોમાં મને એના વર્તન સંબંધ માટેના ઘણા પ્રશ્નોનો જવાબ મળી ગયા. બે સંતાનો વચે સરખામણી,માતાપિતાના ભેદભાવ રાખવાની આદતો ટીનએજ બાળકના મનમાં કેટલી હદે ચોટ પહોચાડે એ વાતની આપને કલ્પના પણ ન કરી શકીએ. મેં કહ્યું: “બેટા, એવું ન હોય.કોઈ ટકા સારા લાવે ભણવામાં એટલે કે યાદશક્તિ સારી હોય.પણ તમે ચિત્ર સારું કરી શકો છો,તમે કોઈને પણ કઈ પણ મદદ કર તત્પર રહો છો,તમે હમેશા સાચું બોલો છો અને તમે પ્રોજેક્ટ ખુબ સારા કરો છો....એ પણ તમારા સદગુણો જ છે.આવ સદગુણો તો બહુ ઓછા લોકોમાં હોય.દરેક વ્યક્તિ પોતાની રીતે યુનિક છે. બે બહેનો સમાન હોય જ આવું જરૂરી નથી.”મારા જવાબથી ખુશ તો થઇ.પછી કહે: “પણ બધા વિચારતા પણ સરખું ન હોય ને? હવે તમે જ જુવો મારી મમ્મીના બહેનપણી હોવા છતાં તમે બે બહેનપણીના વિચારો કેટલા અલગ છે?” હું હજી કઈ આગળ કઈ બોલું કે વિચારું તે પહેલા રીસેસ પૂરી થયાનો ઘંટ વાગ્યો અને અમે છુટા પડ્યા.પછીના ૪ તાસ અને ઘરે ગયા પછી પણ અંતરમનમાં માહીના શબ્દો જ પડઘાયા કરતા હતા. વેદના સભર એ ટીનએજની આંખના સવાલો હચમચાવી ગયા મને...હવે સમજાયું કે ઘરમાં માતા પિતા કે અન્ય વડીલો દ્વારા એક બાળકને મહત્વ વધુ અને એકને ઓછું મળતું હોય ત્યારે એ ઓછું મહત્વ મેળવતું બાળક બહાર આક્રમક રીતે સ્વકેન્દ્રી બની બધાને પોતાના તરફ આકર્ષવાનો એટલે કે એને મહત્વ મળે એવો પ્રયત્ન કરી રહ્યા હોય...ટીનએજના માનસને સમજવાની કોશિશ કરતી હું રોજ એની વાતો સાંભળતી રહી.હવે એ વધુ ખુલવા લાગી.પોતાની દીદી તો ખુબ ગમતી પણ ઘરમાં એના દેખાવ અને ટકાવારીમાં હોશિયારીને પરિણામે માહીને ખુબ સહન કરવું પડતું.એટલે સુધી કે વેકેશનમાં દીદી અહી હોય છતાં બહેનના ભાગનું કામ પણ એને જ કરવું પડતું.એજ્યુકેટેડ માતા પિતાનું આવું વર્તન મને કોરી ખાતું.એના મમ્મી મારા મિત્ર હોવાને નાતે આડકતરી રીતે એમને પણ સમજાવતી રહેતી.બે વચે કડી બનવાની કોશિશ કરતી.એની મમ્મીની એક આદત મને ન ગમતી કે સતત એ દીકરી પર નજર રાખે.ક્યાય એકલી ન મુકે.વિશ્વાસ જ ન કરે એનો.જે પણ એને બહુ ખટકતું.
એકવાર સાંજે હું બહાર ગઈ હતી ને માહીનો કોલ આવ્યો...મીટીંગમાં હોવાથી કોલ રીસીવ ન કરી શકી.એક,બે નહિ,,,પાચ મિસકોલ માહીના જોયા ને મને ચિંતા થઇ ગઈ.આમ તો એ ઘણી વાર મારી સાથે ફોન માં પણ ખુબ વાતો કરતી.પણ આજે મને પણ કૈક અંદેશો થયો.મીટીંગ પતાવી બહાર નીકળી તરત કોલ જોડ્યો.તો કહે “મિસ ક્યાં છો?”મેં કહ્યું: “બેટા હું ઘરે નથી થોડી વાર પછી કોલ કરું હો.બધું ઓકે છે ને?” તો કહે “વાંધો નહિ,કામ પતાવી લો.બધું ઓકે છે.”હું તો કામ માં પરોવાઈ ગઈ અને કામ પત્યું પછી વિચાર્યું કે કોલોનીમાં એક લગ્ન પ્રસંગ છે ત્યાં જવાનું છે. હવે રાતે જ નિરાતે કોલ કરીશ માહીને.ઘરે આવવા નીકળી લગભગ સાંજના ૮ વાગ્યા હતા.ઘરે આવી તો આશ્ચર્ય વચે માહી મારા ઘર બહાર એની સ્કુટી પર બેઠી મારી રાહ જોઈ રહી હતી.જેવી હું પહોચી કે સામે દોડીને વળગી પડી મને.અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.કોલોનીમાં બધા મારી રાહ જોતા હતા.હોટેલમાં જમવા જવાનું હતું.એટલે મેં બધાને કહ્યું કે તમે જાવ હું પાછળથી આવું છું.માહીને લઇ ઘરમાં આવી.કોઈ પણ રીતે એ ચુપ ન થાય.મારા ખોળામાં માથું નાખી રડ્યા જ કરે.મેં એને રડવા દીધી.પાણી પીવાનું પૂછ્યું તો ના કહે.ત્યાં મારો ફોન રણક્યો.ને એ બેબાકળી થઇ ઉઠી.કુદકો મારી મારો ફોન લઇ લીધો.સાયલન્ટ મોડમાં કરી ટીપોઈ પર મારો અને એનો પોતાનો બેયનો ફોન મૂકી દીધો.હું પ્રસંગની ગંભીરતા સમજવાનો પ્રયત્ન કરતી હતી.તો મને કહે : “હવે હું ઘરે નથી જવાની. તમને મમ્મી કહું છું તો તમેં મને રાખી શકો ને? તમારી સાથે રહીશ.” હું એની સામે જોતી હતી તો કહે: “કેમ, તમને કોઈ પ્રોબ્લેમ નથી ને મને રાખવામાં ? તમને તો હું ગમું છું ને? મને બધું જ કામ આવડે છે.હું તમને કરી આપીશ ઘરનું કામ પણ અને શાળાના હોમવર્કમાં પણ નિયમિત થઇ જઈશ હો.હવે તો તમે મને રાખશો ને?”એની માનસિક સ્થિતિ જોતા મારે ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો ઉત્પન્ન થતો.થોડી શાંત થતા પાણીના બે ઘુટ પીધા.ફરી એનો .ફોન વાયબ્રેટ થયો.એની મમ્મીનો ફોન હતો અને એના ચહેરા પર વ્યથા સાથે ખુન્નસ ઉભરાયું, બબડી: “ભલે હવે ઉપરનીચે થતી.પછી તો હું નથી ને એમને શાંતિ થશે,મજા આવશે.ખુશ થશે.રાખશે પોતાની મોટી હોશિયાર દીકરીને.”હું કઈ ન બોલી,એના બડબડાટમાંથી એને સમજવાની કોશિશ કરતી રહી.થોડીવારમાં મારો ફોન વાયબ્રેટ થયો.હું ઉપાડવા ગઈ તો ઝાપટ મારી મારો હાથ પકડી લીધો.મને કહે તમે પણ ફોન નહિ ઉપાડો કોઈનો.”મેં કહ્યું સારું.પણ બેટા તારા ઘરે બધાને ચિંતા થાય એટલું તો કહી દઈએ કે માહી આજે મારા ઘરે રોકાશે.”તો ગુસ્સામાં ઉભી થઇ ગઈ અને કહેવા લાગી: “બસ એક જ દિવસ મને રાખશો?તમને પણ હું નથી ગમતી ને? કઈ વાંધો નહિ તમે બધા સરખા છો.હવે મને આ દુનિયામાં રહેવું જ નથી.હું મરી જઈશ.” મેં કહ્યું : “અરે નહિ બેટા એવું ન હોય.મને કઈ જ વાંધો નથી.હું કાયમ તને રાખીશ.પણ બેટા યુવાન દીકરી આમ બે કલાકથી કઈ જાણ કર્યા વગર ઘરેથી નીકળી જાય તો ઘરના ની કેવી હાલત હોય?”તો કહે : “કોઈની કઈ હાલત નથી થવાની.હું ઘરનું બધું કામ કરીને આવી છું.રસોઈની પણ તૈયારી પૂરી કરી આવી છું.કોઈને કઈ તકલીફ નહિ પડે.હા, કદાચ મારા પાપા ને થોડો જીવ બળશે મારા માટે..પણ એ પણ મમ્મીની જ વાત માનવાના.”મેં કહ્યું :”ઓક.તો આપણે તારી દીદીને તો જાણ કરી દઈએ કે તું અહી છો.તો વધુ ગુસ્સે થઇ વધુ રડવા લાગી.અને જે કહ્યું તે વધુ ચોકાવનારી બાબત હતી,કહે કે : “રહેવાદો.એ તો આખા પ્રોબ્લેમની મૂળ છે.એ તો મને હેરાન કરવમાં કઈ બાકી નથી રાખતી.એના ભાગનું કામ પણ હું કરી નાખું તો પણ મને સપોર્ટ નથી કરતી અને ક્યારેક તો મારી પણ લે.પપ્પાનો જીવ બળે મારા માટે.પણ એમનું કઈ ન ચાલે...”ફરી મારા ખોળામાં માથું નાખી સુઈ ગઈ.રડવાનું અટક્યું નહોતું.ફરી મારો ફોન વાયબ્રેટ થયો.મારા પાડોશીનો હતો.જમવાની રાહ જોતા હતા બધા હોટેલમાં.મેં કહ્યું બેટા પડોશીને જવાબ તો આપવા દે કે મારી રાહ ન જુવે.પણ હવે તો માહી જીવ પર આવી ગઈ.મારા બેય હાથ જોરથી પકડી લીધા. શરીર મજબુત હોવાને કારણે અને ખુન્નસ ભરેલું હોવાથી એની મજબુત પક્કડથી મારા હાથમાં દુખાવો થઇ ગયો ને છાપ ઉપસી આવી.કહે કે, “ જો તમે ફોને ઉપાડ્યો તો હું અહીંથી ચાલી જઈશ અને હવે આત્મહત્યા જ કરીશ.” ટીનએજ ની દીકરીનું હૃદય બહુ સવેદનશીલ હોય અને એ જયારે ઘવાય ત્યારે ગમે તે પગલું લઇ લે.એમાં પણ એને જેના પર છેલો ભરોસો હોય એ વ્યક્તિ જો કઈ સલાહ પણ આપે કે સમજાવવાની કોશિશ પણ કરે તો એ આત્મઘાતી પગલું ભરતા અચકાય નહિ.એની માનસિક સ્થિતિ જોતા મેં કહ્યું સારું ચલ આપને બીજી વાતો કરીએ.પછી એને અચાનક યાદ આવ્યું કહે કે, “તમને જમવા જવું હોય તો જાવ હું તમારા ઘરે કૈક બનાવી ખાઈ લઈશ જો મને ભૂખ લાગશે તો..પછી તમે આવો એટલે આપણે બીજી વાતો કરીશું.”મેં વિચાર્યું કે આને એકલા મૂકી જવમાં જોખમ છે અને જો કદાચ જવાના બહાને બહાર નીકળી એના માતાપિતા ને ફોન કરી શકું.શું કરવું એ મૂંઝવણમાં હતી.બાકી અત્યારે તો એક પણ સલાહનું વાક્ય બોલવું ખતરાથી ખાલી નહોતું. વિચાર કરતી હતી ત્યાં જાણે મર વિચારો ઓળખી ગઈ હોય એમ કહે કે તમે જાવ પણ ફોન તો તમને નહિ જ લઇ જવા દઉં.કેમકે તમે બહાર જઈને મારા મમ્મીને ફોન કરી દેશો.ને મને ખબર છે કે તમને મોઢે તો કોઈ નંબર યાદ નથી જ.પણ જો મારા ઘરે જશો તો હું આત્મહત્યા કરીશ અને એમ વિચારીશ કે આ દુનિયામાં કોઈ પણ ભરોસાને પત્ર નથી જ.”હવે આને કઈ રીતે ટેકલ કરવી એ મારા માટે મોટો પ્રશ્ન બની ગયો.જો વધુ સમય થાય અને મમ્મી પાપા પોલીસ ફરિયાદ કરે અને મારા ઘરે મળી આવે તો કદાચ એ લોકો મારા પર આરોપ પણ લગાવી શકે.બહુ મૂંઝવણ હતી કે આનો માર્ગ શું કાઢવો.પછી મેં વાતની દિશા બદલી.મેં કહ્યું; “ચલ માહી,રોજ તું મને ખુબ વાતો કરે છે ને આજે હું તને મારા નાનપણની વાતો કરું.પછી મેં મારી વાતો શરુ કરી.ધ્યાનથી સાંભળી રહી હતી એ પણ ચકોર નજર થી ફોન્ન્ર જોઈ રહી હતી.મને તો ત્યાંથી ઉઠવાની પણ ના પડી દીધી હતી,એ ડરથી કે હું એનાથી થોડી દુર જઈ ફોન કરી દઉ તો?!! મેં મારા નાનપણ ની વાતો શરુ કરી,મારી જીદની વાતો કરી,પાપાના લાડની વાતો કરતા કરતા એક પ્રસંગ કહ્યો(મે એ પ્રસંગ કાલ્પનિક ઊભો કર્યો હતો.) કે હું ખોવાઈ ગઈ હતી ને મારા મમ્મી પાપાની હાલત કેવી થઇ હતી.મારે પણ મારા માતપિતા સાથે મતભેદ રહેતા.એટલે હું એમ વિચારતી કે હું ખોવાઈ ગઈ તો એ રાજી થશે.પણ કોઈ ભલા માણસોએ મને એમની પાસે પહોચાડી ત્યારે એમની હાલત જોઈ મને બહુ પસ્તાવો થયો.છેલા ૪ કલાકમાં મારા મમ્મી પાપાએ એક દાણો કે પાણીનું એક ટીપું મોઢામાં નોતું નાખ્યું.પપ્પાને મારી ચિંતામાં રડી રડીને છાતીમાં દુખી ગયું હતું અને ડોક્ટર ઘરે આવી ગયા હતા. પણ મને મળી ગયેલી જોઈ એકદમ દોડતા આવી મને ભેટી પડ્યા હતા..આવી બધી વાતો સાંભળતા એ ફરી રડી પડી.ઘડિયાળમાં જોઈ મને કહે કે મારા પપ્પા ઘરે આવી ગયા હશે.મેં આ એની હળવી પડવાની તક ઝડપી લીધી.અને કહ્યું: “કઈ વાંધો નહિ તારા પાપા ક્યાં મારા પપ્પા જેવા છે?એમને કશું નહિ થાય.”હવે તીર બરાબર નિશાન પર લાગ્યું.થોડી પીગળી..આંખમાં ચિંતાના ભાવ આવી ગયા.અને મારો હાથ છોડી ઉભી થઇ જાતે પોતાનો ફોન ઉપાડ્યો.જોયું તો પપ્પાના ૧૦ મિસકોલ પડ્યા તા.મેં ફોન લઇ લીધો એના હાથમાંથી અને કહ્યું જો કેવી મજા આવી ને? ભલે ફોન કરતા એમને કઈ નથી થવાનું.થાકીને સુઈ જાશે એ લોકો.”ચલ આપણે તારી પ્રિય મેગી બનાવીએ બેટા.મને તો બહુ ભૂખ લાગી છે.”હવે થોડી ઢીલી પડી અને કહે કે નહિ મિસ હું પપ્પાને કહી દઉં હો કે હું મિસના ઘરે આવી છું ને થોડીવારમાં ઘરે આવી જઈશ.”મેં કહ્યું તારી મરજી બેટા.ખુશીની પલ હતી કે મારું નિશાન સફળ થયું.પણ એ છુપાવી રાખ્યું.પપ્પાને ફોન લગાવ્યો અને કહ્યું કે હું હમણાં આવું છું.સમા પક્ષે બહુ ચિંતિત અવાજે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા.પણ કહે કે આવું જ છું પછી રૂબરૂ વાત.પછી ઉભી થઇ ફ્રેશ થઇ,મને ભેટીને કહે કે હું જાઉં હવે હો સોરી તમને ડીસ્ટર્બ કર્યા.મેં કહ્યું: “અરે હોય બેટા, માં છું તારી.આ ઘર હમેશ તારા માટે ખુલ્લું જ છે.”પણ હવે મને ચિંતા એ હતી કે આ દીકરી ઘરના બહાને અહિથી નીકળી કૈક બીજું પગલું લેશે તો? એટલે મેં કહ્યું કે ચલ બેટા હું પણ તારી સાથે જ નીકળું.તને તારા ઘરે છોડી હું હોટેલમાં જતીરહીશ.પણ હોશિયાર કેટલી મારી દીકરી?મારા મનના ભાવ સમજી ગઈ...મિત્રો હવે એનો જવાબ ખાસ સાંભળવા અને સમજવા જેવો છે; “મિસ,જેમ હું તમારા પર પૂરો વિશ્વાસ કરી આવી હતી ને એ વિશ્વાસ ખરો પડ્યો એમ તમે પણ મારા પર વિશ્વાસ રાખો છો ને? એ હું સાચો પાડીશ.હું ક્યાય નહિ જાઉં અને કોઈ પગલું નહિ ભરું.હું સીધી ઘરે જ જઈશ હો.”આંખમાં પાણી સાથે અમે બે ભેટ્યા.મેં કહ્યું: “પણ જ્યાં સુધી તારો પહોચ્યાનો ફોન નહિ આવે ત્યાં સુધી મને ગળે કોળીયો ન ઉતરે ને ? ૧૧ વાગવા આવ્યા છે બેટા.એકલી દીકરી ઘરે જાય અત્યારે તો મને ચિંતા રહે ને? બાકી તારા પર તો મને મારી જાત કરતા પણ વધુ ભરોસો છે કે મારી દીકરી હોય એ ગમે તે પગલું ભરે જ નહિ.” બસ આટલા શબ્દોએ જાણે જાદુ કર્યો એના પર,આત્મવિશ્વાસથી આખો ચમકી અને અમે છુટા પડ્યા મારા ફોન મને આપ્યો અને પોઅતનો ફોન લઇ એ નીકળી,મેં ઘરને તાળું માર્યું અને બેય સાથેજ સ્કુટી ચાલુ કરી.થોડે આગળ ગયા ત્યાં એ ઉભી રહી અને મને પણ ઉભા રહેવા બુમ પડી.મને ફરી ચિંતા થઇ કે હવે આને શું થયું? ત્યાં તો હસતા હસતા કહે કે મેં નિર્ણય બદલ્યો નથી હો. ચિંતા ન કરો.પણ તમે તમારા મોબ.ની રિંગર ઓન તો કરો.નહિ તો હું ઘરે પહોચી ફોન કરીશ તમને તો મારો પણ મિસકોલ થઇ જશે! અને અમે બેય ખડખડાટ હસી પડ્યા.મારા મોબ.માં જાતે રિંગર ઓન કરી મને આપ્યો.અને ખરેખર જેન્ટલમેન પ્રોમિસ પાળ્યું.ઘરે જઈ પાપા પાસે ફોન કરાવ્યો એ કહે, “દીકરી પહોચી ગઈ છે.આજે તો તમે બહુ વાતો કરી હો બહેન.મારી દીકરીએ મને કહ્યું કે બેનના પપ્પાને બેન બહુ વહાલા હતા એમ દરેક પિતાને એની દીકરી બહુ વહાલી હોય ને ?અમે હવે જમવા બેસીએ અને તમે પણ શાંતિથી જમી લો.”પાડોશીએ મોડા આવવા પાછળનું કારણ પૂછ્યું અને જમવાનું શરુ કરવા કહ્યું.પણ મેં કહ્યું “અરે મારી દીકરી આવી તી અમે મસ્ત નાસ્તો કર્યો છે. એટલે હું ખાલી આઈસ ક્રીમ લઉં છું.”પણ એક દીકરી બચાવ્યાનો સંતોષ સાથે મેં મારું જ મો મીઠું કરાવ્યું. મિત્રો “ટીન એજર”ને સમજવા ખુબ સહેલા છે જો એના મન કરતા એના દિલ સુધી પહોચીએ તો જ હો !....બાકી તો કઈ કેટલાય માતાપિતાના આવા વર્તન કે સ્વભાવથી હજુ કેટલીય ટીન એજ દીકરીઓ કા તો જીવથી જશે અથવા તો એનાથી પણ ખરાબ પગલું ભરી અજાણ્યા પર વિશ્વાસ કરી પોતાની જાતને ખોઈ દેશે અને અમૂલ્ય માનવ જીવન બરબાદ થઇ જશે. આપણે એટલું જ કરીએ કે તરુણાવસ્થાના દીકરા દીકરીના હૃદયને સાંભળીએ અને માત્ર એના એકખૂણામાં વિશ્વાસ આપીએ કે એ વિશ્વાસે એમની જીવન નૈયા તારી જાય..!!