Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 8

એક અનોખો વિજ્ઞાન ખંડ

“આજે શિક્ષકની જરૂર નથી,પણ આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે માત્ર ફેસિલિટેટર જ બની રહેવું જોઈએ.” ગત વર્ષ કરેલ ગણિત ખંડની રજૂઆત રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન સ્વરૂપે કરી, અને ત્યાં ઉપસ્થિત બીજા રાજયના નિર્ણાયકો તેને ખૂબ વધાવી, જાહેરમાં ઉપર મુજબ અંગ્રેજીમાં કહ્યું (જે માતૃભાષા પ્રેમી એવી ને વિદેશી ભાષામાં નાસમજ હું મુંજાઈ !!પણ ફેસિલિટેટર શબ્દ સમજી શકી ને બાકીનું બીજા અંગ્રેજી મધ્યમના શિક્ષકે ભાષાંતર કરી આપ્યું!!)ત્યારબાદ શિક્ષકોની રાજય કક્ષાની તાલીમમાં પણ એ વાત સહુ શિક્ષક મિત્રોને ખૂબ ગમી. ત્યારે ત્યાં બેઠા બેઠા જાણે ઉકેલ મળી ગયો. વર્ગખંડમાં અનેક સમસ્યાઓ વચે પણ હમેશ કઈક નવું કરવા ટેવાયેલ મારા માં રહેલ ફેસિલિટેટરનો આત્મા જાગી ઉઠ્યો.અને આ વર્ષ માટે કઈક નવું કરવાની એટલે કે માત્ર સ્માર્ટ માર્ગદર્શક બની રહેવાની પ્રવૃતિ સૂઝી આવી.....બાળકોમાં રહેલ અખૂટ શક્તિઓ નો ભંડારને ગત વર્ષની જેમ આ વર્ષે વિજ્ઞાન વિષયનો ખંડ બનાવવા માત્ર આંગળી ચીંધી... અને મારા બાળકો દ્વારા મળેલ પ્રતિભાવ વખતે ગુરુ કરતા શિષ્ય સવાયાની અધિક આનંદની લાગણી આપ સહુ સુજ્ઞજનો સાથે વહેચવાની ઈચ્છા થઇ.

ધોરણ ૯માં નવી શિક્ષણ પદ્ધતિ મુજબ બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવી પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ ફરજીયાત થવા સાથે ખાસ તો વિજ્ઞાન શિક્ષક પક્ષે વિચારતા પણ કરી દીધા છે કે નવી કઈ પ્રવિધિઓ અપનાવવી?આજે તો મોટા ભાગે મેં જોયું છે કે કોઈ પણ વિષયમાં બાળકને પ્રોજેક્ટ આપવામાં આવે એટલે સીધો જઈને ઉભો રહે સાઈબર કાફેમાં ને કહે :”અંકલ ..આ વિષય પર સર્ચ કરી આપો ને પ્લીઝ..” અંકલ સારા હોય તો વિષય વસ્તુ સાથે એકાદ ફોટો પણ સર્ચ કરીઆપે ને બાળક એ બધું પ્રિન્ટ કાઢવી પ્રોજેક્ટ ફાઈલમાં પોતાનું નામ લખી શાળામાં જામ કરાવી દે.કેટલા બાળકોને નેટ ફાવતું હોય તો જાતે સર્ચ કરે પણ એમાં ટેકનોલોજી સિવાયબીજી કોઈ વૃતિ કેળવાતી ન હોય કે કઈ નવી શક્તિ વિકસે નહિ.એવું મને સતત લાગતું હતું. એટલે બાળકોને વિજ્ઞાન માં રસ,રુચિ કેળવાય એવા જ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિ આપીએ તો જ બાળકની સર્જન શક્તિ વિકસે આ બધું વિચારતાએક વખત પ્રોક્ષી તાસમાં ધોરણ ૯માં બાળકો સાથે વાતો કરી ને ચર્ચા કરી....બુદ્ધિજીવી આજની સ્માર્ટ પેઢીના બાળકોના સર્જનાત્મક વિચારો જાણી ખુબ આનંદ થયો.શિક્ષણ જગતને પ્રોજેક્ટ પદ્ધતિની અનુપમ ભેટ આપનાર જ્હોન ડ્યુઈના શબ્દો યાદ આવ્યા:”શાળા લઘુ સમાજ છે” અને આ અર્થમાં સામાજિક ચેતના નું કેન્દ્ર પણ છે,શિક્ષણ એ ઉત્કૃષ્ટતાનો સામાજિક વ્યાયામ છે.એ વિચારી મેં બાળકોને કહ્યું કે મારું એક સ્વપ્ન ગત વર્ષે પૂરું થયું...તમારા જેવી દીકરીઓએ મસ્ત ગણિત ખંડ બનાવ્યો ને તમે સાહુએ એનો લાભ પણ લીધો હતો.હવે એવો જ મારે આ વર્ષે એક વિજ્ઞાન ખંડ બનાવવો છે.જેમાં એન્ટ્રીમાં વિજ્ઞાન ના તોરણ,ખંડમાં છત પર વિજ્ઞાનના ઝુમ્મર,દીવાલો પર સરસ મજાની વૈજ્ઞાનિકની ફ્રેમ,ખંડમાં કબાટ, ફ્રીજ, શોકેશમાં રમકડા પણ વિજ્ઞાનના......!!! થોડી વાર તો બધા મારી સામે અચરજથી જોઈ રહ્યા...પછી કહે બહેન આઈડિયા તો આપો...આવું કેમ બને?મેં સસ્મિત ઉતર આપ્યો કે મેં તો આઈડિયા આપ્યો હવે તમારે એના પર વિચારી મારું સ્વપ્ન સાર્થક કરવાનું..... !! બાળકોને પડકાર ઝીલવા બહુ ગમે અને પોતાના પ્રિય શિક્ષકે સોપેલા પડકાર ઝીલવાનું તો એમનું સહુથી પ્રિય હોય છે...પરિણામે બાળકો તો તરત તૈયાર....માંડી પડ્યા વિચારવા ને પોતાના ઉતમ વિચારોને સખીઓ સાથે ચર્ચવામાં......વર્ગમાં જોરદાર ગણગણાટ ચાલુ....મને બહુ મજા પડી.પછી મેં કહ્યું પણ....આ મોડેલ્સ બનાવવામાં એક શરત છે હો!..વળી વર્ગમાં સન્નાટો....(ગત વર્ષ જેવુ જ !!) હે બહેન એ વળી શું?ના ભાવથી સહુ મને સાંભળવા ચુપ થઇ ઉત્સુકતાથી મને તાકવા લાગ્યા.મેં મારી શરત કહી કે આ મોડેલ્સ બનાવવા તમારે કોઈ સાઈબર કાફેનો ઉપયોગ કરવાનો નથી.માત્ર અને માત્ર તમારા મનમાં આવતા આઈડિયા અને ઘરમાં પડેલ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ મોડેલ બનાવવાનું એ નિયમને ખાસ જાળવવાનો છે.ઘરમાં કે આસપાસ નકામી પડેલી વસ્તુનો જ “રીયુઝ”કરી બેસ્ટ મોડેલ બનાવવાનું છે..ફરી પાછો ગણગણાટ ચાલુ...”મારા ઘરે આ નકામું પડ્યું છે એમાંથી આવું બને ને તેવું બનાવીશું......!! પછી મેં બાકીની શરતો સંભળાવી ...”વિજ્ઞાન ના આખા પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ મુદો પસંદ કરવાનો....સહુ પ્રથમ વિચારવું કે શું બનાવીશું ને એમાં પણ કઈ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીશું?પછી રોજ થોડો ટાઇમ કાઢવાનો એ મોડેલ બનાવવા પાછળ...એ પણ નક્કી કરવાનું ને એક સપ્તાહ પછી અહી આખું મોડેલ રજુ કરવાનું...ને વિજ્ઞાન ખંડ સજાવવાનો....”બાળકો હવે જે બાલ વૈજ્ઞાનિકની ભૂમિકામાં આવી ગયા હતા એમને તો મજ્જા પડી ગઈ.કૈક નવું કરવાના ઉત્સાહ સાથે મંડી પડ્યા નવા પ્રકારના પ્રોજેક્ટની તૈયારીમાં... મારા અનહદ આશ્ચર્ય વચે એક સપ્તાહ પછી અનેરો અનોખો વિજ્ઞાન ખંડ તૈયાર થયો.બારણે વેસ્ટ પૂઠા કે થર્મોકોલના બનાવેલ તોરણ જેમાં રસાયણ કે ભૌતિક વિગનના ના પાયાના સંકલ્પો,સૂત્રો, સમીકરણ સુંદર રીતે લખેલા હતા.ખંડમાં છત પર વિવિધ પ્રકારના ઝુમ્મરો કે જે વેસ્ટ સીડી,વેસ્ટ પ્લાસ્ટિક બોટલ વગેરેનો ઉપયોગ કરી બનાવેલ હતા જે લટકતા સુંદર વિજ્ઞાન મોડેલ્સ જેવા કે પ્રકાશનું પરાવર્તન,વક્રીભવન,ઉર્જા બચતના અવનવા આઇડિયા સાથેના સ્વ નિર્મિત સાધનોથી ખીચોખીચ ભરેલ ટેબલ દ્રશ્યો મન મોહી લેતા હતા.તો કબાટ,ફ્રીજ,ઘરેણા બોક્ષ કે જેમાં જીવવિજ્ઞાનના વિવિધ જીવના આકારો અમીબા,પેરમેશિયમ માં કેટલી વેરાઇટી (અધધ....),વેસ્ટ વસ્તુમાંથી કરી લગાવ્યા હતા કે સુંદર મજાના રંગબેરંગી ચિત્રો દોરી મુક્યા હતા.સહુથી વધુ આકર્ષક તો સસ્વ નિર્મિત એટીએમ મશીન હતું.જેમાં કાર્ડ નાખતા ગડી વળેલી નોટ નીકળે અને એ ખોલો એટલે એ દરેકમાં અલગ અલગ સૂત્રો કે સમીકરણ લખેલ હોય આપણે તો સ્વપ્ને પણ કલ્પના ન કરી હોય એવી અજબ બાબતો એ બાળકો જાતે બનાવીને લઈ આવ્યા હતા. અજબ આકર્ષણ ઊભું કર્યું કે બાળકોના એટીએમ મશીને તો !! વૈજ્ઞાનિકોના ફોટો દોરેલી ને વિગત લખેલી વિવિધ ફોટો ફ્રેમ વિજ્ઞાનખંડની દિવાલોની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.તો વેસ્ટ બોટલમાંથી બનાવેલ પેન સ્ટેન્ડ કે જેના પર વિવિધ સુત્રો ધ્યાન આકર્ષક રહ્યા.પૂઠા કે નકામા લાકડામાંથી જાતે બનાવેલ વિજ્ઞાન ભવન કે કે જેની દીવાલો પર વિજ્ઞાનની વિષયવસ્તુઓ વિશિષ્ટ કલાથી શણગારેલી જોઈ શબ્દશૂન્ય જ બની જવાયું....સુંદર મજાના પશુ પક્ષીના આકારોમાં વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાંથી અગત્યની માહિતીનું સુંદર આલેખન થયું હતું જેણે સહુના દિલ જીતી જ લીધા હતા! ગત વર્ષના એક આઈડિયા મુજબ જ બાળકોને કંકોત્રી અને રીસેપ્શન કાર્ડનો રિયુઝ કરી તેમાં પણ કૈક વિજ્ઞાનનું વિષયવસ્તુ---વ્યાખ્યાઓ કે સુત્રો વગેરે લખી શકાય...એ આઈડીયાને તો એટલો સરસ રીતે અપનાવ્યો હતો કે તેનું કલેક્શન જોનારા “વાહ...અદભુત...”ના ઉદગારો કાર્ય વિના ન જ રહી શક્યા ..અને એમાંથી બાળકની સર્જનાત્મક સાહિત્યિક વૃત્તિ પણ ખીલી અને ગણિતના શબ્દોનો ઉપયોગ કરી ગણિત કંકોત્રીની રચના કરી હતી એમ જ વિજ્ઞાન કંકોત્રી બની!

આ પ્રોજેક્ટની સફળતાની વધુ અગત્યની વાત તો એ છે કે બધા વિષયોમાં માત્ર અને માત્ર તૈયાર બાબતોના પ્રોજેક્ટ બનાવી આપી દેવાની વૃતિમાંથી બાળક બહાર આવ્યું અને બીજા વિષયોમાં પણ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ મોડેલ કે પ્રોજેક્ટ બનાવી સર્જનાત્મકતાને કામે લગાડી....આજની સળગતી સમસ્યા પ્રદુષણને નાથવાના ૩ R બાબતે સ્વયં જાગૃત થઇ “રીડ્યુસ,રીયુઝ અને રીસાયકલ”સ્વયંભુ સમજ્યા.જે વિજ્ઞાનનો મુદો આપોઆપ સમજી ગયા.

આ પ્રોજેક્ટની સાચી અને મોટી સફળતા... બાળકોએ સ્વયં બનાવેલ મોડેલનો આનંદ તો અદકેરો હતો જ.પણ વાલીઓને પોતાનું બાળક વિજ્ઞાન માં જાતે રસ લેતું થયું ને ઉત્સાહથી આવું સુંદર કાર્ય તેમને જાતે કર્યાનો સંતોષ સાથે અભિરુચિ કેળવાઈ એનો અધિક આનંદ હતો.અન્ય શાળાઓમાંથી આવેલા બાળકો સાથે શિક્ષકો પણ ઝૂમી ઉઠ્યા આ અનોખો વિજ્ઞાન ખંડ .જોઇને.....મોબાઈલમાં ચપોચપ ફોટા લેવાયા ને આ અદભુત આઈડિયા માત્ર મારી શાળા પુરતો જ ન રહેતા જીલ્લા અને રાજ્યની ઘણી શાળાઓમાં અન્ય બાળકો સુધી વહેતો થયાનો આનંદ એક શિક્ષક જીવને થયો.ખરેખર બાળકોમાં કળા,સૂઝ,આવડતને ઓળખી કામ સોપવામાં આવે તો ખરા અર્થમાં પ્રોજેક્ટ પદ્ધતિ સાથે બાળકના સર્વાંગી વિકાસનું ધ્યેય સાર્થક થાય જ એનો મેં સ્વાનુભવ કર્યો.આખો સ્વાનંદ સ્વકલમે લેખ સ્વરૂપે કંડાર્યો,જે જિલ્લા,રાજ્યમાં ગુજરાતીમાં અને અને રાષ્ટ્રીય કક્ષાના સામયિકોમાં હિન્દીમાં (ઉતરપ્રદેશથી આવતું વિજ્ઞાન સામાયિક જેમાં ફોટો સાથે લેખ ) સ્થાન પામ્યો... તેને સંશોધન સ્વરૂપે લઈ,શિક્ષક વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યું.ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાએ તમામ નિર્ણાયકો, શિક્ષકોએ એકી અવાજે આ નુતન પ્રયોગને આવકારયો અને અપનાવવાનું નક્કી કર્યું.

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે દેશના વિકાસમા વિજ્ઞાનનો ફાળો જ મુખ્ય છે. ભાવિ પેઢી વિજ્ઞાનમાં રસ કેળવતી થાય,વૈજ્ઞાનિક વલણ કેળવે, સ્વયં તે માટે કઈક નવું કરવા પ્રેરાય તો સાચા અર્થમાં આપણે ફેસિલિટેટર અને તે પણ ‘સ્માર્ટ’ ફેસિલિટેટર બન્યા કહેવાઈએ!