બાળકોની સમાજ થી પરિચિત કરવા એટલે "તેમનામાં સામાજીક ચેતના નું જાગરણ કરવુ" આવા હેતુસર એક દિવાળી વેકેશનમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો માટે વિચારી.(વર્ષ ૨૦૧૧-૨૦૧૨)એક વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત અને બીજુ સામાજિક જાગૃતિ અભિયાન હાથ ધરવા.. બાળકો જિજ્ઞાસા નો ભંડાર છે.
ધોરણ નવ માં teenager બાળકોમાં જ્ઞાન, જિજ્ઞાસા હરવું-ફરવું જેવા અનેક પાસાઓ મહતમ વિકસતા હોય છે. જો તેમની યોગ્ય દિશામાં આ ઉંમરમાં પ્રેમથી, સમજપૂર્વક વાળવા મા આવે તો જરૂર ભાવિ આદર્શ નાગરિક નો મજબૂત અને સ્વસ્થ પાયો બની રહે એવું મારું માનવું છે.
મારા વર્ગમાં બાળકોને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આ વાત સહર્ષ વધાવી લીધી. પહેલી પ્રવૃત્તિ તો સ્વાભાવિક મુલાકાતે જવાનું એટલે ફરવાનું તથા જ્ઞાન સાથે ગમ્મત મળતું હોવાથી સૌ સ્વીકારવા અને જોડાવા તૈયાર થાય, (એની વાત અભિયાનની વાત પૂરી થયે ,પછીના અંકમાં કરીશ) પણ બીજી પ્રવૃત્તિ વિષે થોડી મૂંઝવણ હતી..
એક પ્રો કસી તાસમાં વાત કરી કે , આજની સમાજની સળગતી સમસ્યાઓ કઈ છે? ભાવિ નાગરિક તરીકે તમે એમાં શું અને કેટલું તથા કેવી રીતે કાર્ય કરશો?? મે બાળકોને કહ્યું કે જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોને મળી,સમસ્યાઓ વિષે જાગૃત કરી શકો.બાળકોએ અનેક સમસ્યાઓ ની વાત કરી જેવી કે પાણી, ઉર્જા ,પર્યાવરણ બચાવોસ્વચ્છતા અભિયાન, ઝબલા હટાવો, દીકરી બચાવો આરો પ્લાન્ટ ના વેસ્ટનો ઉપયોગ કરવો, જંકફૂડ થી દૂર રહેવું ,પ્રદુષણ હટાવો -પૃથ્વી બચાવો, નિરક્ષરતા વગેરે..પછી અમે સૌ સાથે મળીને આ અભિયાન શરૂ કરવાનું વિચાર્યું કે નામ આપ્યું "સામાજિક જાગૃતિ અભિયાન". દીકરીઓનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો.૭૦ જેટલા વિદ્યાર્થીઓના ૩૫ જેટલા ગ્રુપ બન્યા,પછી અમે સાથે બેસી એ કાર્યક્રમની રૂપરેખા ઘડીમારી સૌપ્રથમ શરત એ હતી કે પહેલાં સ્વથી શરૂઆત કરવી અને ત્યારબાદ કુટુંબ અને ત્યારબાદ પડોશી અને ત્યાર બાદ સમાજમાં જવું..વિદ્યાર્થીઓ એના માટે તૈયાર થઈ ગઈ.. મેં સમજાવ્યું કે જેમ કે પહેલા પાણી બચાવો અભિયાન શરૂ કરો તો તમારે પોતે અને તમારા ઘરના પાણી બચાવી બતાવવાનું અને પછી પડોશમાં અને પછી સમાજમાં જવાનું.. આ જ રીતે જે પણ પ્રોજેક્ટ તૈયાર કરો* એ પ્રોજેક્ટ પહેલા પોતે અપનાવો અને પછી જ તમે બીજાને કહી શકો છો,* જેના પરિણામે એ ખુબ સારી ટેવ વિકસી. જેણે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો તે સૌ પ્રથમ વર્ગમાં વિદ્યાર્થી સમક્ષ સમજાવ્યું અને સૌ પ્રથમ પોતાનાથી અને વર્ગની વિદ્યાર્થીનીઓમાં આ સારી આદતો કેળવવાની ટેવ પાડવાની સમજાવ્યું. ત્યારબાદ એ સૌને સમજાવી કે સૌ પ્રથમ એક સરસ મજાના રજીસ્ટર તૈયાર કરવાનું, જે સમસ્યા નો વિષય તે પસંદ કરે છે તેના વિશે સૌ પ્રથમ સંપૂર્ણ માહિતી મેળવી તેને તેનો દસ્તાવેજ તૈયાર કરે. તેમાં ફોટોગ્રાફ્સ અને યોગ્ય વિગતો મૂકે આખી સમસ્યા પહેલાં જાતે સમજી પછી આ સમસ્યા પર કઈ રીતે કાર્ય કરવાનું છે, શા માટે કરવાની છે અને તેનાથી શું લાભ થાય એ આખી વિગત પહેલા રજીસ્ટરમાં દર્શાવી. ત્યારબાદ અભિયાન શરૂ કરવું.સ્વથી શરૂ કરી,કુટુંબ,પડોશી, સમાજ સુધી આ અભિયાન પહોંચાડવુ.બાળકોની હંમેશા કંઈક નવું કરવું ગમે છે અને આ ઉંમરમાં નેતાગીરીનું ગુણ પણ ખુબ સરસ રીતે વિકસે છે એટલે આ નવું કાર્ય કરવા થનગનવા લાગ્યા..
હવે દરેકે પોતાના ગ્રુપમાં ચર્ચા કરી જાતે જ વિષયો નક્કી કર્યા જેમાં પાણી બચાવો, ઉર્જા બચાવો, પર્યાવરણ બચાવો ,સ્વચ્છતા, ઝબલા હટાવો, દીકરી બચાવો, આરો પ્લાન્ટ ના વેસ્ટ વોટર નો ઉપયોગ કરવો, ફાસ્ટ ફૂડથી દૂર રહેવું ,પ્રદુષણ હટાવો ~ પૃથ્વી બચાવો, નિરક્ષરતા નાબૂદી, નિરક્ષર વડીલને અક્ષર જ્ઞાન આપવું, દવાનો આડેધડ ઉપયોગ બંધ કરી આયુર્વેદ અને કુદરતી ઉપચાર અપનાવવું, ફાસ્ટ ફૂડ જંકફૂડથી દૂર રહેવું, અનાથ કે આર્થિક નબળા બાળકોને અને વૃદ્ધોને મદદ કરવી, પુરાતન સ્થળો નિરીક્ષણ કરવું,જાગો ગ્રાહક જાગો, મોબાઈલ,ટીવી ,કોમ્પ્યૂટર, ઇન્ટરનેટ - કમાલ કે ધમાલ કે સલામ??, વાંચે ગુજરાત વાંચે વ્યક્તિ. જેવા વિવિધ વિષયો નક્કી થયા. દરેકનું પોતાનું સુંદર રજીસ્ટર તૈયાર થયું. તે અંગેની પૂરી માહિતી રજીસ્ટર માં મુકવામાં આવી અને આ સામાજિક સમસ્યા વિશે કામ કરવા માટે દિવાળી વેકેશન હોવાથી સરળ બની ગયું કે પોતાના ઘરે,આસપાસના લોકો તથા હેપી ન્યૂ યર કરવા આવતા તમામ મહેમાનોને આ જાગૃતિ અભિયાન ની વાત કરી, સમજાવવા લાગ્યા, રજીસ્ટર માં તેમના મંતવ્યો નોંધાવ્યા અને તેમને પણ આ અભિયાનમાં જોડાવાનું સમજાવ્યું.
એક ખૂણામાં બેસીને એટલું સુંદર મજાનું કામ દરેક દીકરીઓએ કર્યું કે બાળકોનું ભગીરથ કાર્ય વર્તમાનપત્રો અને ન્યૂઝ દ્વારા સમગ્ર સમાજ સુધી પહોંચાડ્વવાનુ કાર્ય થયું...નાની બાળાઓના આવા પ્રેરણાત્મક કાર્ય બદલ શાળાના ટ્રસ્ટી શ્રીઓ તથા લાડીલા દાદાજી(અમારા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી,જોકે જેમનાં ઉતમ માર્ગદર્શન અને પ્રેમાળ પ્રોત્સાહન થકી જ શક્ય બન્યું એઓ, અત્યારે સ્વર્ગમાં બેસીને પણ અમારી સતત સાથે છે.) તેમણે કરછના ઉતમ કેળવણીકારો એક ટીમ બનાવી સહુને શાળામાં આમંત્રણ આપ્યું ,અમારી સમાજિક કાર્યકર બનેલી એવી દરેક નાની બાળાઓ એ પોતાના અભિયાનની એમની સમક્ષ રજૂઆત કરી..એ સહુ ઉતમ કેળવણીકારો પણ ખૂબ ખુશ થયા કે "આટલી નાની દીકરીઓ પાણી બચાવવા કે ઊર્જા બચાવવા, સાક્ષરતા અંગે આટલું સરસ કાર્ય કરી રહી છે તો એથી વિશેષ કોઈ શિક્ષણની એમને જરૂર j નથી હવે..,!! માનવ થવાની સાચી કેળવણી પાયામાં રોપાઈ ગઈ છે!!"
પૂજ્ય દાદાજીએ સાચા અર્થમાં ભાવિ નાગરિક તરીકે ઉત્તમ કાર્ય કરવા બદલ સહુનો બિરદાવવા આખી શાળાને (ઢીંગલી ઘર થી ઉચ્ચ માધ્યમિક વિભાગ શાળા પરિવાર) એક કાર્યક્રમ ગોઠવી,આખું અભિયાનનું પ્રદર્શન ગોઠવ્યું,સહુને પાર્ટી આપી, ટીમના દરેક સભ્યને ઇનામો આપ્યા, પ્રેરણાત્મક પુસ્તકો આપીને બિરદાવ્યા. શાળાના આચાર્યશ્રી અને સમગ્ર પરિવારે સાથે રહી અભિનંદન આપ્યા.. વધુ સારી વાત એ કે ઉનાળુ વેકેશનમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી તેમાં ધોરણ ૯ અને ૧૦ની 500બાળાઓ જોડાઈ, દરેક સમસ્યા પર જાગૃતિ લાવવાનું કામ ભુજના દરેકે દરેક વિસ્તારમાં આગળ વધાર્યું.
અનોખા અભિયાન દ્વારા સામાજિક જાગૃતિનું અદકેરું કાર્ય નાનકડા હાથે મોટું કામ સમાજમાં વ્યાપક આવકાર પામ્યું ત્યારે એક શિક્ષક જીવન સાર્થક થયાનો રાજીપો. હવેના અંક માં એક એક પ્રોજેક્ટ વિશે વિગતે વાત કરીશું. જે વધુ રસપ્રદ છે...