Mari 2 daykani shiksnyatrani safar bhag 6 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 6


એક અનોખી લવ શીપ.

બહેન,મને લવશીપ થઇ છે.મારે તમારી સાથે એ વાત શેર કરવી છે...

અરે,આ ફ્રેન્ડશીપ શબ્દ તો સાંભળ્યો છે પણ લવ શીપ કેવી શીપ છે?ને એ તને જીવન સાગરમાં ડુબાડશે કે તારશે ?” અને ખડખડાટ હાસ્ય સાથે ગુરુ શિષ્યા કરતા વધુ મિત્રો એવા અમારા બે વચે આગળ કઈ વાત થાય એ પહેલા રીસેસ પૂરી થવાનો ઘંટ વાગ્યો.અને પછી મળવાના વાયદા સાથે મેં વ્યોમાને વર્ગમાં મોકલી.રોજની આદત મુજબ હું ને વ્યોમા રીસેસમાં સ્ટાફરૂમની બહાર ઉભા રહી વાતો કરતા હતા ત્યારે આજે આ નવી વાતથી મને અહેસાસ થયો કે વ્યોમા તરુણાવસ્થાની અસરમાં પૂરબહારમાં ખીલી છે.સ્ટાફરૂમની બહારની એ પાળી અનેક તરુણીમિત્રોના જીવનની અજીબોગરીબ ઘટનાઓની સાક્ષી સાથે મારા જીવનની અવિસ્મરણીય યાદોની સાથી પણ બની છે.

રીસેસ પછીના ૪ તાસ તો વ્યોમાના શબ્દોને વાગોળવા સાથે અભ્યાસમાં મગ્ન રહી.રજા પડતા જેટલી ઉત્સુકતાથી હું એની રાહ જોતી હતી એનાથી વધુ એ લવશીપની વાત કરવા અનેકગણી ઉત્સુક હતી.મારે તો રીસેસ અને રજાનો સમય મારી ટીનએજ દીકરીઓની અનેક વાતો સાંભળવા માટે જ હોય.એટલે અમે બે શાળાના મેદાનમાં એક ઝાડના છાયામાં બેસી ગયા.વાતો શરુ થઇ,મુગ્ધાવસ્થાનો પ્રેમ અને એ પણ પહેલી નજરનો....પછી શું કહેવું?એ બોયફ્રેન્ડની વાતો કરતી ગઈ,કેવી રીતે મળ્યા,કેમ મળ્યા કેટલો બધો પ્રેમ કરે છે,ફ્રેન્ડશીપ માંથી લવશીપ થઇ ગઈ એની મજા....વગેરે વગેરે એની સપનાની દુનિયા એ અમને બેયને ભૂખ અને સમયનું ભાન ન રહ્યું.(જો કે મને તો હતું,પણ મેં દેખાવા ન દીધું.કેમકે એની સાથે એના જેવા જ એને લાગવા જોઈએ તો જ એ સાચા ખીલે આપણી પાસે.)પુરા એક કલાક પછી એને ભૂખનો અહેસાસ થયો.આમ તો પ્રથમ પ્રેમમાં એટલી જોરદાર તાકાત હોય કે ભૂખ,તરસ,ઊંઘ બધું ગાયબ કરી દે!!!અને સમયનું ભાન થતા મને સોરી કહેવા સાથે ઉઠી...એ શરતે કે એની બાકીની વાતો મારે કાલે રીસેસમાં જ સાંભળવી.હું સમજી ગઈ કે કાલે પણ મારે એની સાથે રીસેસમાં ભૂખ્યા રહેવાનું છે.પણ બાળકના ખાસ તરુણ કે તરુણીના મનની ભૂખ સંતોષવી એ આપણામાટે પેટની ભૂખ કરતા વધુ અગત્યની હોવી જ જોઈએ.અને તો જ એ આપણી પાસે સાચી વાત કરવા સાથે ભરોસો પણ રાખે.જેના પરિણામે આપણે એને સાચા રસ્તે દોરી શકીએ..

બીજા દિવસે વર્ગમાં એનું ધ્યાન થોડું ચલિત થયેલું લાગ્યું.અભ્યાસમાં ખુબ હોશિયાર એ દીકરી અન્ય પ્રવૃતિમાં પણ અગ્રેસર.આજે અમારા બે ની આખો મળી તો એ શરમાઈ ગઈ.તરુણાવસ્થાનું આ લક્ષણ છે,એના મનમાં એ વિચાર સાથે કે બહેનને હવે મારી લવશીપની ખબર છે અને એ આંખોમાં મારા માટે પણ પ્રેમ અને વિશ્વાસ જોઈ કુદરતને પ્રાર્થી રહી કે એ વિશ્વાસ અકબંધ રહે અમારા બે વચે...

અન્ય અનેક તરુણીમિત્રોની જીવન ઘટના કરતા આ એકદમ અનોખી છે.અત્યાર સુધી સામાન્ય લગતી આ તરુણાવસ્થાની વાત એક નાજુક વળાંક પર આવી ઉભી રહી છે એટલે આ લવશીપ મધદરિયે અટકી ગઈ.જે અટકવાનું કારણ સમાજ,માતાપિતા જેવી સામાન્ય બાબત નહોતી....પેલી સહુથી જૂની કહેવત:ન જાણ્યું જાનકીનાથે,કાલે સવારે શું થવાનું છે!એકદમ સાચું છે.બીજા દિવસે રીસેસમાં મને વાત કરવા આવી.આગળ વધતા કહ્યું કે એનો બોયફ્રેન્ડ ચિરાયુને હું ઓળખું છું.મારા બહુ નજીકના પારિવારિક સંબંધો ધરાવતા કુટુંબનો એ વહાલસોયો દીકરો.જે મને પણ ખુબ વહાલો.મનમાં ખુશ થઇ કે સારું ચાલો,ભવિષ્યમાં કઈ સમસ્યા ઉભી થશે તો હું બેયને ટેકલ કરી શકીશ.એમના પ્રેમની ચરમસીમા હતી.સ્વાભાવિક પણે બને બાજુ લાગણીનું ઘોડાપુર ઉમટેલું હોય જ.રોજ વાતો કરતા રહ્યા.વાતોના અંતે રોજ છેલ્લે મારી એક પ્રેમભરી સલાહ હોય જ કે બેટા આગળ વધવામાં ધ્યાન રાખજે હો.એ ઈશારો શારીરિક સંબંધની વાત તરફ હતો એ સ્માર્ટ દીકરી સમજી ગઈ અને કહેતી :બહેન,જરાય ચિંતા ન કરતા એ બાબતે અમે બેય બહુ સચેત છીએ.અને એ સચેત શબ્દ સાથે એના ચહેરા પર આવેલા શરમના શેરડાએ મને વધુ સચેત બનાવી થોડી ચિંતામાં પણ મૂકી.

પણ હજી આગળ કૈક વિચારું એ પહેલા જ હચમચાવી દેનારી ઘટના બની..આ વાત છે એ દિવસોની જયારે મોબાઈલના પગરણ થયા હતા..એટલે કે આજના જમાનાની જેમ અતિ સુલભ નહોતા.મારી પાસે પણ નવો જ નીકળેલો નાનો મોબાઈલ હતો.પણ એ વખતે વોટ્સ અપ કે ફેસબુક નહોતા.એક દિવસ શાળાથી બપોરે ઘરે આવીને જમીને આડી પાડીને ધ્રુજાવી દેનારા સમાચાર મળ્યા.એક બાઈક પર જઈ રહેલ તરુણનો ખતરનાક અકસ્માત થયો છે.હેલ્મેટ તો પહેરી હતી,પણ મોબાઈલમાં વાત કરવા હેલ્મેટ ઉચી કરી દીધી હતી અને ચાલુ બાઈકે વાત કરતા અકસ્માત થયો અને ત્યાં જ હેમરેજ થઇ જતા મૃત્યુ પામ્યો..અરેરાટી સાથે એના માતા પિતાનો વિચાર કરતી હતી કે શું વીતતી હશે એ લોક પર અત્યારે?કોણ હશે આ તરુણ?શા માટે આટલી નાની ઉમરમાં બાઈકઆપી દેતા હશે?આવા વિચારોસાથે બપોરે ઊંઘ ન આવી,આટલે સુધી તો ઠીક,પણ હવેનો જે બીજો ફોન હતો એ મારા ધબકારા વધારી દેનારો હતો... મારા પારિવારિક સંબંધો ધરાવતા એ કુટુંબનો હતો.ચિરાયુના પડોશીનો ફોન...કે બહેન,ચિરાયુનો અકસ્માત થયો છે અને એ હવે આ દુનિયામાં નથી રહ્યો.એના માતા પિતાની હાલત બહુ ખરાબ છે.મમ્મી તો બેભાન છે,એની એકની એક બહેન ગાંડા જેવી થઇ ગઈ છે.જે સાંભળતા મારી નજર સામે વ્યોમા તરવરી રહી...એની હાલતની તો કલ્પના જ નહોતી કરી શકતી...અત્યાર સુધી ચિરાયુના ઘરમાં માત્ર એની બહેન જ વ્યોમા વિષે જાણતી હતી.વ્યોમાના માતાપિતા તો બહુ સ્ટ્રીક હતાએટલે એના ઘરે તો આ વાત કરવાનો કોઈ સવાલ જ નહોતો ઉઠતો.છ અને દર બે વર્ષે એના પિતાની બદલી થઇ જતી એવી સર્વિસમાં વ્યોમા વ્યથિત હતી કે આવતા વર્ષે બદલી થઇ જતા બીજે જવાનું થશે.પણ હું એ બેયને એ સમજાવવામાં સફળ રહી હતી કે એ બેય ભણતર પૂરું કરે સેટ થાય પછી બેયના ઘરે યોગ્ય સમયે વાત મુકીશુ ને યોગ્ય ઉપાય મળશે જ.એ બેયની અભ્યાસમાં સિદ્ધિઓ ઉચ હતી એટલે જ ખાસ ધ્યાન રાખવાનું હતું કે મુગ્ધાવસ્થામાં થયેલ પ્રેમના પરિણામે ક્યાંક કારકિર્દી ન ડહોળાય.પણ હું એ બે નો એટલો વિશ્વાસ સંપાદન કરી શકી હતી કે મારી વાત ફ્રેન્ડલી સમજતા અને માનતા પણ ખરા.પણ હાલ એ બેય સ્વસ્થતા જાળવી કારકિર્દી પર ધ્યાન આપશે.અત્યારની પરિસ્થિતિમાં વ્યોમાને સંભાળવી સહુથી જરૂરી હતું.કેમકે એ સહી ન શકે અને કહી ન શકે કોઈને અને રહી પણ ન શકે,,માત્ર એક હું જાણું અને સમજુ એના હૃદયની વ્યથા...જેમ તેમ કરી દિવસો પસાર થયા.હું પણ અંદરથી હચમચી ગઈ હતી તો એ મુગ્ધાની સ્થિતિ માટે તો કોઈ શબ્દો જ નહોતા.હવેની અમારી મુલાકાત ખામોશ મુલાકાતો બની રહી હતી..મળતા ખરા પણ વાચાળ એવી એ દીકરીની વાચા સાથે ચહેરાનું નૂર પણ હણાઈ ગયું હતું.ક્યારેક શબ્દો નહિ દિલ બોલતું હોય..ત્યારે કહેવાય છે કે ખામોશીની ભાષા અદભૂત શાતા આપનારી હોય છે.એમ અમે બે ખામોશ છતાં એકબીજાને મૌન સાંત્વન આપતા રહ્યા.સમય બધાનો ઉપાય છે એમ વિચારી હું એને સંભાળતી રહી.વાત અહી પૂરી નથી થતી....

વાર્તાનો સહુથી કલાઈમેક્ષ હવે છે.એક મહિનો થવા આવ્યો એ વાતને અને એ સમયે મારે રાજ્ય વિજ્ઞાન મેળામાં બહારગામ જવાનું હતું ૩ દિવસ.આગલા દિવસે રીસેસમાં વ્યોમા સાથે મુલાકાત થઇ,થોડી હળવી પણ થઇ હતી એ અને પરીક્ષા નજીક હોવાથી તેની પ્રત્યે ગંભીર પણ બની હતી.મેં એની પાસે વચન લીધું કે સારી રીતે વાંચન કરશે આ દિવસોમાં.હું જાણતી હતી કે અત્યારે એને મારી સખત જરૂર હતી.પણ નાની ઉમરમાં બહુ મોટી બાબતમાંથી પસાર થઇ રહેલી એ ધીરગંભીર બની ગઈ હતી.એકબીજાને બેસ્ટ લક આપી અમે છુટા પડ્યા.સાંજે હું મોડેલ વગેરેની તૈયારીમાં અતિ વ્યસ્ત હતી.કામ પૂરું કરી સાંજે ૭ વાગ્યા આસપાસ ઘરે જવા નીકળી તો મોબાઈલમાં ૧૦ જેટલા મિસકોલ વ્યોમાના લેન્ડલાઇન નંબર પરથી જોતા ફાળ પડી.અને તરત જ કોલ કર્યો.પણ એ સમયે એના પાપા ઘરે આવી ગયા હોવાથી એ વાત ન કરી શકી.અને કહે કે બેન બેસ્ટ લક દેવા જ કોલ કર્યો તો ને તમને ૩ દિવસ બહુ મિસ કરીશ એટલે કોલ કર્યાહો.ચિંતા ન કરતા.પણ એ ચિંતા ન કરવાની વાતમાં જે ચિંતાનો સૂર હતો એ મને ચિંતિત કરી ગયો.પણ વધુ કઈ બોલાય એમ હતું જ નહિ. બધું હેમખેમ રહે એવી ભાવના કરતી જવાની તૈયારીમાં લાગી ગઈ.પણ કાન તો વ્યોમાના ફોનની રાહ જોતા હતા.એ ઈંતજારી મોડી રાતે પૂરી થઇ.વ્યોમાએ બહેનપણીના ઘરેથી ફોન કર્યો અને જે વાત કરી તે સહુથી ચોકાવનારી હતી.વ્યોમા રડતી હતી અને કહેતી હતી:બહેન, તારીખ નીકળી ગઈ છે.મેં કહ્યું: હોય બેટા,હમણાં આપણા મન પર બહુ બોજ હોય અને ટેન્સનને કારણે થાય કદાચ. થોડા દિવસ રાહ જો.જવાબમાં ચિંતિત સ્વરે બોલી:બહેન,બીજો મહિનો શરુ થશે,આટલું મોડું તો ક્યારે પણ નથી થયું.હવે મારા ધબકારાવધી ગયા.મને કલ્પના પણ નહોતી કે આ ટીનએજર્સ આટલા આગળ વધી ગયા હશે.ગંભીરતા સમજતા વાર ન લાગી.છેવટે સ્વસ્થતા જાળવી મેં એટલું જ પૂછ્યું: પ્રીકોશન નહોતું રાખ્યું બેટા? તો કહે: રાખ્યું હતું ને? તો પણ કેમ આમ થયું હશે બહેન?હવે તો મારી પાસે કોઈ શબ્દો જ નહોતા ..છતાં મેં મારી જાત પર કાબુ રાખી એની પાસે પ્રોમિસ લીધું કે હું આવું ત્યાં સુધી કઈ જ વિચારશે નહિ ને કઈ જ આડું અવળું પગલું નહિ ભરે..હવે મારી રાતની ઊંઘ ગાયબ થઇ ગઈ.હજારો વિચાર આવ્યા કે ચિરાયુના મમ્મી પપ્પાને જો આ વાત કરવા જાઉં ને ક્યાંક ઊંધું પડે તો?એ કેમ માનવા તૈયાર થાય કે વ્યોમાના પેટમાં રહેલું બાળક એમનું જ લોહી છે?અને કદાચ માની પણ જાય પણ હું રજૂઆત કરવા જાઉં તો મારા પર જ અવિશ્વાસ આવે કે મેં આ બેને સાથ આપ્યો હશે...તો અમારી આટલા વર્ષોની દોસ્તીના સંબંધનો કદાચ અંત પણ આવી જાય.મારા માટે ધરમ સંકટ થઇ ગયું. ૩ રાત ને ૨ દિવસ મહામુશ્કેલીથી કાઢ્યા.જેમાં એક જ વાર વ્યોમા સાથે વાત થઇ શકી પણ એ બહુ ઢીલી પડી ગઈ હતી અને કહેતી હતી કે, બહેન, કઈ રસ્તો કાઢશો ને તમે ?ચીરાયુના મમ્મી પાપાને તમે સમજાવશો ને?મારે ચીરયુની યાદ જીવંત રાખવી છે.!! મારા મમ્મી પપ્પા તો નહિ જ માને.હવે હું ચિરાયુના મમ્મી પાપાના ઘરે જ રહીશ અને તેમનો દીકરો બની જીવીશ.પ્લીઝ બહેન તમે સમજાવશો ને એ લોકોને ?મેં મારી જાત પર કાબુ રાખી હા પાડી અને ૨ દિવસ શાંત રહેવ જણાવ્યું.આને કેમ સમજાવવી કે એ યાદ જીવંત રાખવા કરતા એની તબીયાત અને એની કારકિર્દી વધુ અગત્યની હતી.

ત્રીજા દિવસે આવીને જ શાળામાં ગઈ ને રીસેસમાં વ્યોમાની રાહ જોઈ રહી.પણ એ ન દેખાઈ.એટલે ફરી ચિંતા થઇ.બીજી વિદ્યાર્થી દ્વારા વર્ગમાંથી એને બોલાવી.મને થયું કે ઉદાસ હશે,કેમ સંભાળી શકીશ એને ?જેવા વિચારો સાથે રાહ જોતી હતી.ત્યાં તો મારા આશ્ચર્ય વચે ઉછળતી,કુદતી દાદરો ઉતરતી આવી અને મને ભેટી પડી.મેં કહ્યું અરે બેટા આરામથી...ધીમે ધીમે ચલ.તો ખડખડાટ હસી પડી.હું તો શારીરિક અને માનસિક બેય થાકને કારણે ખુરશી પર બેસી પડી.અને એની સામે આશ્ચર્યથી જોઈ રહી.હવે વ્યોમાએ જે જવાબ આપ્યો તે સહુથી વધુ ચોકાવનારો હતો: અરે બહેન,ચિંતા ન કરો.એ તો બધું પતી ગયું.!! મેં પૂછ્યું: શું ને કેવી રીતે પતી ગયું? તું કોઈ ડોક્ટર પાસે તો નહોતી ગઈ ને? ફરી ખડખડાટ હસવ લાગી,પછી ધીમેથી નમીને મારા કાનમાં કહે કે બહેન હવે એટલી વાતમાં ડોક્ટર પાસે ન જવાય.એ તો બધું ઘરે જ થઇ ગયું.!! મારું તો મો ખુલ્લું જ રહી ગયું...આજની પેઢી આપણાથી કેટલી આગળ છે? મને પણ નથી ખબર એવી ટેકનોલોજી એ જાણે છે!! મને થોડી હાશ થઇ કે ચાલો ચિંતા ઓછી થઇ.એ તો મને ભેટી નચિંત થઇ વર્ગમાં જતી રહી.મને વિચારતી કરી મૂકી, કેટલાય વિચારો ને ચિંતામાં હું ૩ રાત સુતી નથી અને આ નાનકડી મુગ્ધાએ બધું હેમખેમ પાર પણ પાડી દીધું!!ધન્ય છે આજની પેઢીની સ્વસ્થતા અને હોશિયારીને!! મોટાબેનનો મને કોલ આવતા હું એમને મળવા ગઈ...વિજ્ઞાનમેળાની બધી વિગત પૂછ્યા પછી બહેને વ્યોમા વિષે પૂછ્યું કે, શું વાત છે,હમણાં વ્યોમા થોડી ગંભીર થઇ ગઈ છે?કઈ ડીસ્ટર્બ છે કે શું? હું એના વિચારોમાંથી ઝબકીને જાગી અને મેં કહ્યું : અરે નહિ બહેન,ટીન એજમાં તો મૂડની ચડ ઉતર ચાલ્યા કરે.એ તો ઉમરનો પ્રભાવ હોય ને!!

મુગ્ધાવસ્થાની એ ચડ ઉતરએ મને આ વખતે સખત અકળાવી નાખી હતી.પણ પરીક્ષા નજીક હોવાથી મેં કયારે પણ એને એ વિષે કઈ ન પૂછ્યું અને પરીક્ષાની તૈયારી સ્વસ્થતાથી કરે એ માટે પુરા પ્રેમથી એને સંભાળતી રહી.પછી તો પરીક્ષા પૂરી થઇ,સ્વાભાવિકપણે વ્યોમાનું પરિણામ ધાર્યા કરતા ૧૦ ટકા ઓછું આવ્યું.એના પપ્પાની બદલી થઇ ગઈ.રાઝ અમારા બેના પેટમાં જ રહ્યો.મને ભેટી ખુબ રડી.હું પણ મારી જાતને રોકી ન શકી.કોઈને પણ કદી પણ આ વાત ન કરવી એવો વાયદો લઇ એ વિદાય થઇ ગઈ..વર્ષો સુધી મારા કામમાં હું ગુથાયેલી રહી.ક્યારેક પત્ર તો ક્યારેક ફોન દ્વારા એકબીજાને મળતા રહ્યા.

પછી તો વચ્ચેના ૨ વર્ષ સાવ એમ જ વીતી ગયા.એણે કોઈ કોન્ટેક્ટ ન કર્યો અને હું મારા કામમાં બીઝી રહી.ત્યાં એક વખત ફરી રાજ્ય વિજ્ઞાન મેળામાં જવાનું થયું.દર વખતે આ સમયે મને વ્યોમા ખુબ યાદ આવે..પણ હવે કોઈ કોન્ટેક્ટ જ નહોતો રહ્યો.બધું ભૂલવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હું તૈયરીમાં લાગી ગઈ.નિશ્ચિંત સમયે અને નિશ્ચિંત સ્થળ પર પહોચી, ત્યાં અચાનક કોઈ નાજુક હાથો એ પાછળથી મને પકડી કોમલ હથેળી મારી આખો પર મૂકી દીધી.એ નાજુક હાથનો સ્પર્શ કેમ ભૂલાય?? વ્યોમાબોલવાની સાથે તો એ મને જોરથી વળગી પડી.અમે બને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.સહુ અમને જોઈ રહ્યાનો ખ્યાલ આવતા થોડી વારે બેય એકબીજાના આંસુ લુછી સ્વસ્થ થયા.આજુબાજુમાં ખુબ લોકો હતા એટલે કઈ વધુ શબ્દોની આપ લે તો થાય એમ હતું નહિ.માત્ર આંખોથી આખો મળીને સબ સલામત નો સંદેશો અપાયો.એ બીજા જીલ્લામાંથી ભાગ લઇ રહી હતી.એ એના સ્ટોલ પર જતી રહી.

હવે પ્રશ્ન એ છે કે ૩ દિવસ સાથે રહ્યા છતાં ન એ મને કઈ કહેવા આવી કે ન હું એને કઈ પૂછી શકી.બહારથી સ્વસ્થ લગતી એ ખરેખર સ્વસ્થ હતી? શું ખરેખર એ ચિરાયુને ભૂલી ગઈ હતી?કે પછી જિંદગી સાથે એડજેસ્ટમેન્ટ કરી ફરી નવા મિત્ર શોધી લીધા હશે? તે વખતે આવી પાડેલી આપતિને એણે કઈ પદ્ધતિથી હેન્ડલ કરી હતી?જેવા અનેક પ્રશ્નોના જવાબ આજે ૧૮ વર્ષ વીત્યા પછી પણ નથી મળ્યા.અને કદાચ એ જવાબ વ્યોમા મને આપવા પણ નહોતી ઇચ્છતી એટલે જ કદાચ છુટા પડતી વખતે એ મને મળ્યા વગર જ જતી રહી,જયારે પ્રથમ દિવસે તો કહી ગઈ હતી કે,: છેલા દિવસે મારા નવા નંબર આપી જઈશ,પછી નિરાતે ખુબ વાતો કરીશું હો બહેન.કદાચ ડો.શરદ ઠાકર એમની કોલમ માં લખે છે એમ હું પણ અહી લખી શકું કે આ વાચ્યા પછી વ્યોમા (નામ બદલ્યા છે) કદાચ મને મળવા ઈચ્છે તો સારું...મારા મનના મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે,અને કદાચ એ જવાબ ન આપવા ઈચ્છે તો પણ વાંધો નહિ,પણ એ શાળાની એ પાળી જરૂર એને મિસ કરી રહી છે!!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED