અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 14 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 14

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૪



કિશનભાઈના મૃત્યુ પછી, સુજાતાના પપ્પા સુધી પહોંચવાનો સરળ રસ્તો બંધ થઈ ગયો હતો. હવે તેમને ગોતવા મુશ્કેલ હતાં. જે વાતથી સુજાતા બહું દુઃખી હતી. આદિત્ય પણ કિશનભાઈના મૃત્યુ પછી ઉદાસ રહેવા લાગ્યો હતો.

અત્યારે બંનેને એકબીજાનાં પ્રેમ અને હૂંફની જરૂર હતી. જે કામ સુજાતા સારી રીતે કરી રહી હતી.

સવારે સુજાતા આદિત્યને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવાં માટે લઈ ગઈ. ત્યાંનાં શાંત વાતાવરણમાં આદિત્યનાં મનને ઘણી શાંતિ થઈ.

ત્યાંથી બંને કાંકરિયા તળાવ ગયાં. જ્યાં બંનેએ એકાંતની પળો માણી. કાંકરિયા તળાવે બંને એકબીજાનાં હાથમાં હાથ પરોવીને બેઠાં હતાં. અત્યારે સુજાતાનો સાથ આદિત્ય માટે તેનાં દર્દની દવા સમાન હતો.

આદિત્ય બસ સુજાતાને જ જોયાં કરતો હતો. સુજાતા પણ તેને પ્રેમ કરે છે. એ વાત જ આદિત્ય માટે તમામ ખુશીઓનો ખજાનો હતી.

સુજાતાનું નિર્દોષ હાસ્ય, તેનાં નાજુક ગુલાબી હોઠ, પાતળી કાયા, એક ગજબનો સંતોષ આપે એવી કાળી મોટી આંખો અને તેનો મીઠો અવાજ સાંભળીને આદિત્ય કોઈ અલગ જ દુનિયામાં પહોંચી જતો.

આદિત્ય જ્યારથી અહીં આવ્યો, ત્યારથી બસ સુજાતાને જ જોયાં કરતો હતો. તે જોઈ સુજાતાએ કહ્યું.

"આદિ, હવે આપણે જઈએ? આપણે અરવિંદઅંકલને પણ બધી જાણ કરવાની છે. જેથી તે આપણને આગળ જતાં મદદરૂપ થઈ શકે."

સુજાતાનાં મોઢે આદિત્યએ પહેલીવાર 'આદિ' સાંભળ્યું. જે તેનાં જીવનની સૌથી મોટી ખુશી હતી. આદિત્યએ એક પ્રેમાળ હાસ્ય સાથે ડોકું હલાવીને 'હા' પાડી.

આદિત્યની 'હા' મળતાં બંને ત્યાંથી સીધાં હોટેલ જવા રવાનાં થયાં.

હોટેલે પહોંચી આદિત્યએ પોતાનાં રૂમનો દરવાજો ખોલ્યો. સામે કલ્પેશભાઈ ઉભાં હતાં. કલ્પેશભાઈને ત્યાં જોઈ. આદિત્યને નવાઈ લાગી. આદિત્ય કલ્પેશભાઈને કાંઈ પૂછે એ પહેલાં જ કલ્પેશભાઈએ કહ્યું.

"તો કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? પપ્પાના મોતની કેવીક ખુશી થઈ?"

કલ્પેશભાઈનાં મોઢે કિશનભાઈના મૃત્યુની વાત સાંભળીને આદિત્યને એક ઝટકો લાગ્યો. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. મગજમાં અનેક વિચારો દોડવા લાગ્યાં. તેનાં શરીરમાં એક કંપારી છૂટી ગઈ.

કલ્પેશભાઈ પોતાની જગ્યાએથી ઉભાં થયાં. આદિત્યનો હાથ પકડીને તેને બેડ પર બેસાડ્યો. પોતે પણ તેની પાસે બેસી ગયાં, ને કહેવા લાગ્યાં.

"તું જે વિચારે છે, એ સાચું છે. તારાં પપ્પાનું એક્સિડન્ટ અજાણતાં નથી થયું. તેમનું એક્સિડન્ટ મેં કરાવ્યું હતું‌. તેને એમ હતું કે, તે હવે મારી આખી બાજી બગાડી નાંખશે. તો હું તેને જીવતો કેવી રીતે રહેવા દવ?"

"તમારી બાજી મતલબ? આ બધું તમે કરતાં હતાં?"

"નહીં, હું કરતો નહોતો. બધું કરવાંવાળો તો તારો બાપ જ હતો. મેં તો બસ તેને રોક્યો નહોતો. મને માંગ્યા વગર જ બધું મળતું હતું. તો હું શાં માટે તેને રોકું?"

"તો‌ તમને પણ બિઝનેસ અને રૂપિયાની લાલચ હતી એમ ને?"

"હાં, બધું મને તારાં બાપ થકી મળ્યું છે. જે મારે કરવાનું હતું. એ બધું તેણે કર્યું. પણ અફસોસ મારે તેને મારવો પડ્યો. હવે માધવ, ને પછી રાજુ અને અરવિંદ, પછી બધું મારું."

"તમને બધું મળતું જ હતું. તો તમે મારાં પપ્પાને શાં માટે માર્યા?"

"મળતું હતું, પણ આગળ નહોતું મળવાનું. જેનાં લીધે મારે તેને મારવો પડ્યો."

"તમે કહેવા શું માંગો છો?"

"અરે, બેટા. ખબર નહીં કેવી રીતે તારી બહેન આસ્થાને બધી ખબર પડી ગઈ કે, તારો બાપ ખોટાં કામ કરી રહ્યો છે. તેનાં લીધે જ અનુરાધા મરી ગઈ હતી. તો આ બધું જાણ્યાં પછી તારી બહેને તારાં પપ્પાને હવે કાંઈ પણ ખોટું નહીં કરવાનું વચન માંગી લીધું.

"તારો બાપ રહ્યો છોકરીની બધી જીદ પૂરી કરવાવાળો, તો એ આસ્થાની વાત ટાળી નાં શક્યો, ને આપી દીધું વચન. તો એ આજે માધવને છોડીને પોતાની બધી ભૂલો સ્વીકારીને, માફી માંગી લેવાનો હતો. હવે એ એવું કરે, તો મારે તેને મારવો જ પડે ને?"

"ઓહ, તો આ બધાં કામ તમારાં હતાં. તમને બધી ખબર હતી. અમે બધાં જ પાગલ હતાં કે, કાંઈ પણ વિચાર વગર મારાં પપ્પાને ગુનેગાર સમજતાં રહ્યાં."

"હાં, પાગલ તો તમે લોકો છો."

"છીએ નહીં, હતાં એમ કહો. હવે વધું પાગલ નહીં બનીએ."

"બનવું પડશે બેટા. જો સુજાતાનો સાથ જોઈતો હોય તો!"

"સુજાતાને કાંઈ થયું, તો તમારું કોઈ કામ હું પૂરું થવા નહીં દવ."

"સુજાતાને કાંઈ નહીં થાય. બસ તારે મેં કહ્યું, એ કોઈને કહેવાનું નથી. બાકી સુજાતાને મારાં સિવાય કોઈ તારાથી દૂર નહીં કરી શકે."

"માધવ અંકલ ક્યાં છે?"

કલ્પેશભાઈનો આપેલો ઝટકો આદિત્ય માટે સહન કરવો મુશ્કેલ હતો. આથી તેણે સમજદારીથી કામ લીધું. તેણે સીધું માધવ વિશે પૂછી લીધું.

"એ તને બહુ જલ્દી ખબર પડી જાશે."

"મારે અત્યારે જ જાણવું છે."

"તો ચાલ મારી સાથે, પણ તારે કોઈને જણાવવાનું નથી કે, આ બધું મારાં કહેવાથી થાય છે. તું મારો સાથ આપીશ, તો સુજાતા તને મળી જાશે. જો તે મારો સાથ છોડ્યો. તો સુજાતા ક્યારેય તને નહીં મળે."

"ઠીક છે, હું કોઈને કાંઈ નહીં જણાવું."

"તો હું કહું, ત્યારે મને બહાર પાર્કિંગ એરિયામાં મળજે."

કલ્પેશભાઈ આદિત્યને માધવભાઈ સુધી પહોંચાડવાનું કહીને નીકળી ગયાં. આદિત્ય પહેલેથી માંડી અત્યાર સુધીની બધી વાતો યાદ કરવાં લાગ્યો.

આજ સુધી તેને એમ હતું કે, તે માધવભાઈ સુધી પહોંચીને તેમને બચાવી બધું સરખું કરી દેશે. પરંતુ તેની સામે એક પછી એક અલગ જ રાઝ ખુલી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં તેને શું કરવું? એ જ સમજાતું નહોતું.

કલ્પેશભાઈનો સાથ આપી, બધાંને બચાવવાં કે સુજાતાને બધું જણાવી, બધાંનો જીવ જોખમમાં મૂકવો. હવે શું થાશે? એ વાતથી બધાં બેખબર હતાં.

આદિત્ય કલ્પેશભાઈની સાથે જ્યાં માધવભાઈને કેદ કર્યા હતાં, એ જગ્યાએ આવ્યો. કલ્પેશભાઈ કારમાંથી ઉતરીને આગળ ચાલતાં થયાં. આદિત્ય તેની પાછળ ચાલવા લાગ્યો.

અંદર જઈને જે દ્રશ્ય જોયું, એ જોઈને આદિત્યની આંખો સામે અંધારું છવાઈ ગયું. અંદર સુજાતાની મિત્ર અદિતિ માધવભાઈની પાસે ઉભી હતી. તેનાં ચહેરા પર એક લુચ્ચું સ્મિત હતું. અદિતિને ત્યાં જોઈને, આદિત્યએ એક નજર કલ્પેશભાઈ તરફ કરી. કલ્પેશભાઈના ચહેરા પર સમજી નાં શકાય એવાં ભાવ દેખાતાં હતાં. જે જોઈ આદિત્ય સમજી ગયો કે, અદિતિ અહીં હશે. એ બાબતની જાણકારી કલ્પેશભાઈને પણ નહોતી.

આદિત્ય અને કલ્પેશભાઈને એ રીતે જોતાં જોઈને, અદિતિએ કહ્યું.

"બહું હેરાન થવાની જરૂર નથી. હું અહીં કેવી રીતે આવી? શાં માટે આવી? એ બધી જાણકારી તમને મારી માસી આપશે."

અદિતિનાં માસી પણ ત્યાં હતાં. એ વાત સાંભળી આદિત્ય અને કલ્પેશભાઈ બંને હેરાન રહી ગયાં.



(ક્રમશઃ)