આહવાન - 22 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 22

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૨

રાતનાં સાડા અગિયાર વાગ્યે કાજલે ઘરનાં લેન્ડલાઈન ફોનનું રિસિવર લેતાં જ એક અવાજ સાંભળ્યો. એ વ્યક્તિ બોલ્યો, " કાજલ ?? હજું જાગે છે ?? "

કાજલ તો રીતસરની ગભરાઈ ગઈ. એ બોલી, " કોણ તમે ?? કેમ અત્યારે ફોન કર્યો છે ?? "

એ વ્યક્તિ ફરી એકવાર ખડખડાટ હસ્યો ને પછી બોલ્યો, " વાહ તું મને ભૂલી શકે એવું બને ખરું ?? હું તો તારો મયંક..."

કાજલ : " તું બકવાસ બંધ કર...આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી...અને આટલાં વર્ષો બાદ તે કેમ મને ફોન કર્યો ?? અને આ નંબર તને કેવી રીતે મળ્યો ?? "

મયંક : " તું ઓળખી તો ગઈ જ ને !! મને તારી બધી જ ખબર છે‌..એ પણ ખબર છે કે અત્યારે તું ઘરમાં તારાં બે બાળકો સાથે એકલી જ છે‌. તારો પતિ મિકિન ઉપાધ્યાય હજું સુધી ઘરે નથી આવ્યો..."

કાજલ : " તો એનાંથી તારે શું છે એ આવી જશે...તને શું ફેર પડે છે ?? "

મયંક : " કેમ ખબર જ નથી કે એ ક્યાં છે એટલે જ મને કહેવા નથી માગતી ને ?? બપોરે ગયાં પછી એ પાછો જ નથી આવ્યો ને ?? અને તે મને છોડી દીધો છે મેં તને નહીં... હું તો હજું પણ તને જ ચાહું છું ફકત તને જ...!! તું તારાં જીવનમાં આગળ વધી ગઈ પણ હું નહીં.. હું તો તારાં માટે આજીવન તૈયાર છું તને સ્વીકારવા માટે..."

કાજલ : " પણ મેં કંઈ તને છોડવાં માટે તારી સાથે લગ્ન નહોતાં કર્યાં પણ તારી હરકતોએ જ મને એટલું મોટું પગલું લેવા માટે મજબૂર કરી હતી...પણ હવે હું મારાં જીવનમાં આગળ વધી ગઈ છું...મારો પતિ, મારાં બે બાળકો છે એ જ મારો પરિવાર છે...."

મયુર : " કાજલ તું અમીર પરિવારની દીકરી છે પણ અમીરીને તું સમજી શકતી નથી કે સમજવાં ઈચ્છતી નથી...અમીર લોકોનું સ્ટેટ્સ ખરેખર તું સ્વીકારી શકીએ હોત તો આવું કંઈ જ ન થાત...!! "

કાજલ : " હું જે છું એ બરાબર છે. અને ખુશ છું ‌. મારે એ બાબતે હવે કોઈ ચર્ચા નથી કરવી. પણ મને તારી વાતો પરથી એમ લાગે છે મિકિનને ગાયબ કરવામાં તારો તો હાથ નથી ને ?? બાકી આટલાં વર્ષો બાદ અને આ સમયે તારો ફોન ?? "

મયુર હસવા લાગ્યો..." એ તારો પ્રોબ્લેમ છે. મને એ પણ ખબર છે કે એની ટ્રાન્સફર મહેસાણા ગ્રામ્યમાં કરવામાં આવી છે. જે માણસ આટલાં મોટાં સીટીમાં પોતાનાં આપબળે આવ્યો હતો એને આવી રીતે પ્રમોશનની જગ્યાએ ડિમોશન મળે તો ધ્રાસકો તો પડે જ ને...?? "

કાજલ : " એ તો ન્યુઝમાં આવે તો બધાંને ખબર છે હવે તો...અને એ બધી તારે ચિંતા કરવાની જરૂર નથી.‌."

એ સાથે જ એક કાચની બોટલ અથડાવાનો અને કંઈક ગટગટાવવાનો અવાજ આવ્યો...ને પછી બોલ્યો, " પણ મને તો એને ક્વોરેન્ટાઈન કરાયો ત્યારથી ખબર છે..."

કાજલ : " હજું પણ તું સુધર્યો નથી એમ ને ?? તારી આ પીવાની આદતે તારી જિંદગી ખરાબ કરી દીધી છે છતાં સુધરવાનું નામ નથી લેતો તું...પણ હું આ બધું શું કામ તને કહી રહી છું....આજ પછી ફોન ના કરીશ તું અહીં...પણ આ બધું કરવામાં તારો તો હાથ નથી ને ?? "

મયુર : " તારો પતિ છે તને ખબર...મને શું ખબર ?? હા ફોન મૂકું જ છું...પણ યાદ રાખજે કે તારો મિકિન હવે પાછો નહીં આવે તો...?? " બસ એટલું જ કહીને ફોન મુકાઈ ગયો.

કાજલ મયુર...મયુર...કરતી રહી. એને કંઈ જ સમજાયું નહીં એ સોફા પર ફસડાઈ પડી.

**************

કાજલ રૂમમાં આવી પરાણે પોતાની જાતને સંભાળતી રૂમમાં બાળકો પાસે આવીને બેઠી‌. એને સમજાઈ નથી રહ્યું કે સાચે મિકિનને કંઈ થયું નહીં હોય ને ?? આ મયુર આટલાં સાત વર્ષ બાદ ફરી કેમ મારાં જીવનમાં આવવાં પ્રયાસ કરી રહ્યો છે. એ સાચું કહી રહ્યો હશે કે અત્યારે પણ એ નશામાં ધૂર્ત થઈને જ....!!

કાજલ બધું વિચારતાં વિચારતાં પોતાનાં ભૂતકાળમાં સરી પડી.

********

આજથી લગભગ નવ વર્ષ પહેલાં ,

કાજલે પોતાનું MSC પૂર્ણ કર્યુ. એ સાથે એનું સુખી સંપન્ન પરિવાર, પિતા અને કાકા બિઝનેસમેન, સંયુક્ત કુટુંબ, સાથે જ દેખાવડી, સંસ્કારી કાજલ. અઢળક પૈસો છતાં કોઈ પણ જાતનો ઘમંડ નહીં એ જ રીતે બધાં બાળકોનો ઉછેર થયો છે. હજું સુધી એનાં માટે કેટલાંય છોકરાઓના માંગા આવી ગયાં છે પણ કાજલે પોતે ભણી રહે પછી જ એ બાબતે વિચારવાનું કહ્યું હોવાથી હવે કોલેજ પૂરી થતાં જ બધાં ઘરેથી કોઈ સારો છોકરો પસંદ કરી લેવાં કહેવા લાગ્યાં.

એ દરમિયાન એનાં પિતાનાં એક સારાં મિત્ર સંપતરાય જે પોતે પણ બિઝનેસમેન છે. એણે પોતાનાં નાનાં દીકરા મયુરની વાત કાજલ માટે કરી. આમ તો બધું જાણીતું હોવા છતાં બંનેને મળાવ્યા. મયુર પણ એટલો જ દેખાવડો છે. સાથે જ પોતાનાં પિતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે. સમોવડિયુ અને જાણીતું કુટુંબ... બીજું કંઈ જોવાનું નથી. બંનેને વાત કરાવી. કાજલ અને મયુર બંને એકબીજાને ગમી ગયાં. બધું જાણીતું હોવાથી લગભગ ત્રણ મહિનામાં જ એમનાં લગ્ન લેવાઈ ગયાં.

શરૂઆતમાં તો બધું સારું રહ્યું. થોડાં સમયમાં કાજલને ખબર પડી કે મયુરને ડ્રિન્ક ,હુક્કા વગેરેની આદત છે એ પણ ઓકેઝનલ નહીં પણ દરરોજ કે એકાંતરે દિવસે...જેની પરિવારને બહું જાણ નથી. એ મયુરને બહું પ્રેમ કરે છે પણ આ બધી આદતો જરાં પણ ન ગમી. કાજલનો પરિવાર પણ આવો જ અમીર છે પણ કોઈ જ વ્યસન કે ખરાબ આદતો એવું તો નામોનિશાન નહીં.

કાજલે મયુરને કહ્યું કે તે શા માટે આટલી મોટી વાત મારાથી છુપાવી તો મયુર બોલ્યો, " મને તું પહેલેથી જ ગમતી હતી...આથી હું તને આવી નાની વાત કહીને તને ગુમાવવા નહોતો ઈચ્છતો...હવે અમીર પરિવારમાં આ બધું એની શાન અને સ્ટેટ્સ કહેવાય...પાર્ટી શાર્ટી તો એમની આન કહેવાય‌. "

કાજલ તારાં માટે આ નાની વાત છે પણ મારાં માટે બહું મોટું વસ્તુ છે. તું પ્લીઝ આ બધું છોડી દે. પણ પછી પ્રેમથી એને આમતેમ ખોટાં વચનો આપીને કાજલને મનાવી દે પણ દર બે દિવસે ફરી એનું એ... એનાં ફ્રેન્ડસ પણ બધાં જ એવાં દરરોજ પીનારા અમીર બાપનાં નબીરાઓ...!! એ બરાબર પાર્ટી કરીને આવે એવો નશામાં ગાડી પણ ચલાવીને ઘરે આવે... મોડાં સુધી કાજલ એની જમવા રાહ જોતી હોય પણ એ તો ભાનમાં હોય તો જમે ને ?? સીધો પથારી ભેગો થાય. કેટલીયવાર કાજલ પણ એમ જ ભૂખી સૂઈ જાય.

આ બધું રૂટિન થવા લાગ્યું. આ પહેલાં એ ક્યારેય આવી રીતે ઘરે ન આવતો. એનાં ફ્રેન્ડનાં ઘરે જ સૂઈ જાય રાત્રે એટલે કોઈને ખબર ન પડે...!!

આમ જ ચાલ્યાં કરે છે. બહાર દેખાતી અમીરીની ઝાકમઝોળ વચ્ચે કાજલ પોતાની જાતને એકલી અનુભવી રહી છે. પણ કાજલે એનાં પિયરમાં કોઈને જાણ ન કરી નથી બહું. એ દરમિયાન એને ખબર પડી કે પ્રેગનન્ટ છે. એ ખુશ થઈ ગઈ. એને થયું કે કદાચ હવે એક નવાં વ્યક્તિનાં આગમનથી મયુર બદલાઈ જશે‌....!! મયુર ખુશ તો થઈ જાય છે‌. એ કાજલને ઉંચકીને આખાં રૂમમાં ફરે છે. એ એની ધ્યાન પણ રાખવાં લાગ્યો. પણ એની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફેર ન પડ્યો‌. ધીમે ધીમે બંનેનાં પરિવારમાં પણ ખબર પડી ગઈ. બધાંએ મયુરને બહું સમજાવ્યો પણ એ બધાંની સામે ફક્ત હા..હા...કરી દે બીજાં દિવસે ફરી એનું એ જ....!!

એક દિવસ તો હદ થઈ ગઈ. કાજલ રાત્રે મયુરની રાહ જોઈને પોતાનાં બેડરૂમમાં બેસી છે. રાતનાં અગિયાર વાગી ગયાં પણ એ આવ્યો નહીં. કાજલને ચોથો મહિનો ચાલી રહ્યો છે એ થાકીને સૂવાની તૈયારી કરવાં લાગી. એની આંખ મળી ત્યાં જ

મયુર રૂમ લથડિયા ખાતો આવીને જોરજોરથી ગીતો ગાઈ રહ્યો છે. એ સાંભળીને કાજલની ઉંઘ ઉડી ગઈ.

કાજલ : " મયુર ફરી આજે પણ ?? આપણાં આવનાર બાળક માટે તો કંઈ વિચાર ?? તને મારી પણ કંઈ પડી છે ખરી ?? "

કાજલે આજે કંટાળીને રડતાં રડતાં મયુરને પોતાનાં મનમાં ધરબાયેલું બધું કહી નાખ્યું. મયુરે આજે વધારે જ પી નાખ્યું હોવાથી એને કંઈ ભાન ન રહ્યું એણે બરાબર કસીને કાજલને પકડીને ધક્કો માર્યો...એ સાથે જ કાજલ ભોંય પર ઉંધી ફસડાઈ પડી. કાજલ નીચે પડી તો ખરાં પણ એને એ પણ ભાન રહ્યું કે એ એને ઉભી કરે...એ લથડિયાં ખાતો એ જ ઓફિસનાં કપડામાં એમ જ સૂઈ ગયો...!!

શું થશે હવે ?? કાજલ પોતાનાં બાળકને બચાવી શકશે ?? સ્મિતનું પ્રથમ પરીક્ષણ સફળ થશે ખરાં ?? વિકાસ પોતાનાં સત્યથી પ્રપંચી લોકો સામે જીતી શકશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....