આહવાન - 21 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 21

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૧

સ્મિતનાં વાક્યથી બધાંને આશ્ચર્ય થયું. એણે મક્કમતાથી એ લોકોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું સાથે જ એમને જવાં માટે કહ્યું આથી બધાં જાણે ઠંડાં પડી ગયાં.

થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પ્રશાંત તો એમ જ બધું જોતો ઉભો રહ્યો. એ પછી જે વિશાલના કાકા હતાં એમણે જ વિશાલની ડેડબોડી એમ્બ્યુલન્સને લઈ જવાની પરવાનગી આપી દીધી. એમાંના એક જણે કહ્યું, " શું કામ પરમિશન આપી ?? તો અમને શું કામ બોલાવ્યાં આવું જ કરવાનું હતું તો ?? આમાં કોઈને શું મળશે ?? "

એક બીજો વ્યક્તિ બોલ્યો, " પોલીસમાં ફરિયાદ કરીને જ આ મૃતદેહ સોંપવો જોઈએ ‌.. બધાં જેલનાં સળિયા ગણતાં થઈ જશે‌...અમૂક લોકોનાં વાક્યો પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું કે એનાં કાકા સિવાય બાકીના કોઈને વિશાલને HIV positive જેવી આટલી ગંભીર તફલીક હતી આથી જ બધાં આમ બોલી રહ્યાં છે.

સ્મિત : " ભાઈ હું સામેથી ફોન કરીને એવું હોય તો પોલીસને જાણ કરી દઉં તમે ચિંતા ન કરો જરાયે...."

પેલાં વિશાલના કાકા હવે સાચે ગભરાયા. સ્મિતે કહ્યું ," ભાઈ આ બધાંને કહી દઉં હવે વિશાલને શું તફલીક હતી ?? અને તમને જાણ હોવા છતાં એને અહીં લઈ આવ્યાં છો..."

વિશાલના કાકા : " ના સાહેબ મહેરબાની કરો એની કોઈ જરૂર નથી... અમે બધાં અહીં જ છીએ...અને તમારું બધું કામ પૂરું કરીને જ જઈશું...."

આજુબાજુ રહેલાં એમનાં પક્ષનાં લોકોને એમનું બદલાયેલું વર્તન સમજાઈ રહ્યું નથી કે એ કેમ આટલું ગભરાઈ રહ્યાં છે.

એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " સાહેબ હવે કંઈ જ દો કે શું તફલીક હતી એને...તો આમને ય ખબર પડે !! બીજીવાર આ વ્યક્તિને સાથ આપવો કે નહીં એ સમજાય અમને...!! "

વિશાલનાં કાકા એવું ઈચ્છી રહ્યાં છે કે સ્મિત કોઈને કશું ન કહે. કારણ કે એઈડ્સ હોવો એ કોઈ પણ આજનો ગરીબ હોય કે તવંગર સમાજ હોય પણ એને લોકો એક તિરસ્કાર અને અછુત નજરે જ જુવે છે અત્યારે...!!

સ્મિત બોલ્યો , " વિશાલને કિડનીની તફલીક હતી. એની દવા પણ કદાચ બંધ થઈ ગઈ હતી...આથી એનાં મૃત્યુનું કારણ એક તો કોરોના અને બીજું કારણ આ કિડનીની તકલીફ હોઈ શકે છે. "

વિશાલના કાકાને થોડી નિરાંત થઈ. પછી એને થયું કે આ લોકો સારાં વ્યક્તિઓ છે તો એમની સાથે સારી રીતે કામ કરીશું કામ પણ મળતું રહેશે અને વાંધો નહીં આવે. એટલે એણે કહ્યું કે , " તમે આ લાશને લઈ જઈ શકો છો. " કહીને એમનાં સંમતિસૂચક કાગળ પર સહી કરી આપી. તરત જ વિશાલની ડેડબોડી લઈ જવામાં આવી. પછી બાકીનાં બધાને એણે પોતાની નજીક લઈ જઈને કંઈક વાતચીત કરી. એ પછી બધાં જ તૈયાર થઈ ગયાં. અને બાકીનાં લોકો કંઈ પણ માથાકૂટ કર્યાં વિના ચાલ્યાં ગયાં...!! "

પછી સ્મિતે બધાંને શાંતિથી એમને પોતપોતાને આપેલા રૂમમાં જવા કહ્યું. પછી કંપનીની એ કોન્ફરન્સ રૂમમાં સ્મિતની સાથે, પ્રશાંત, અને કંપનીનાં બે ઓનર ત્યાં આવ્યાં.

ત્યાં પહોંચતાં જ એક ઓનર બોલ્યાં, " સ્મિત ભાઈ તમને આ બધી વસ્તુનો સારો અનુભવ લાગે છે‌ બાકી એક સમય માટે તો અમને અહીં આવીને એવું જ લાગ્યું કે અમારે એમને ચૂપ કરાવવાં રૂપિયા આપવા જ પડશે‌...અમે લોકો રૂપિયા પણ સાથે લઈને આવ્યાં જ છીએ. "

સ્મિત : " આનાથી પણ વધારે ખરાબ લોકો સાથે કામ કર્યું છે જે લોકો આપણને સીધાં મારવાં જ આવે એવી પણ એકવાર પરિસ્થિતિ સર્જાઈ હતી. એ બધામાંથી જ શીખ્યો છું...આપણે આપણી શેફ્ટી કરી જ લેવાની બધું જ લખાણમાં રાખવાનું એટલે આપણે કંઈમાં ફસાઈએ નહીં અને ખોટું કામ તો અટકે અને કોર્ટ કચેરીના ચક્કર વધી જાય એ જૂદું...એ લોકો ખોટાં હોય એટલે પોલીસ સ્ટેશન સુધી જાય જ નહીં ગભરાઈને..."

પ્રશાંત : " સાચી વાત છે સ્મિતભાઈ. મારી સાથે પહેલીવાર થયું હોવાથી હું ગભરાઈ ગયો હતો પણ જે રીતે તમે બધું આટલી સારી રીતે સંભાળી લીધું. મને પણ એમાંથી ઘણું શીખવા મળ્યું..."

કંપનીનાં બીજાં માલિક મિસ્ટર મહેતા બોલ્યાં, " શું લાગે છે તમને આ પહેલું પરીક્ષણ કેટલાં ટકા સફળ થયું છે ?? "

સ્મિત : " લગભગ પંચાવન ટકા સુધી પહોંચ્યું છે હવે કાલે સવારે સુધી રાહ જોવાની છે પછી હું આપને ચોક્કસ મેટર સવારે જણાવીશ... ચિંતા ન કરો...મને ખબર છે તમે લોકોએ આની પાછળ તમારી કંપનીનાં પ્રમાણમાં ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પણ હું મારી રીતે બનતો સંપૂર્ણ પ્રયાસ કરીશ...આખરે આ લડાઈ કોઈ વ્યક્તિગત નથી સંપૂર્ણ માનવજાતિ માટે એ સફળતા આશીર્વાદરૂપ બનશે.‌‌...!! "

પછી એ બંને જણાં 'ઓલ ધ બેસ્ટ ' કહીને ઘરે જવાં નીકળ્યાં. સ્મિત અને પ્રશાંત રિલેક્સ થવાં માટે પોતાને આપેલાં રૂમમાં આવી ગયાં...!!

***************

વિકાસ આઈસીયુમાં બે ક્રિટીકલ પેશન્ટોને હેન્ડલ કરવાં માટે દોડધામ કરી રહ્યો છે. બંનેની સ્થિતિ નાજુક છે અને એમાં પણ એક તો ફક્ત પાંત્રીસ વર્ષનો પુરૂષ છે‌. વિકાસ એની સ્થિતિ સમજી રહ્યો છે કે એ લગભગ એની જેટલી જ ઉંમરનો છે. એને કંઈ થઈ જાય તો પરિવાર પર શું વીતે એ પોતે સમજી શકે છે...પણ એને એ નથી સમજાતું કે આ મેનેજમેન્ટમાં બેઠેલા મોટાં માથાંઓ જે પોતે પણ ડૉક્ટર છે એ કેમ નથી સમજી શકતાં ?? પહેલેથી જ આવાં હશે કે ખુરશી પર આવ્યાં પછી સંવેદનાઓ જ છીનવાઈ ગઈ હશે ??

એ લગભગ ત્રણ વાર એ ઇન્જેક્શન માટે ફોન કરી ચુક્યો છે. એને ખબર છે કે એ લોકોને હજું ખબર જ નહીં હોય કે ક્યાં વ્યવસ્થિત રેટમાં મળી રહેશે કારણ કે એમને પ્રયત્ન જ કર્યો નથી. એ લોકોએ લખાણ આપવાનું કહ્યું તો એ પણ વિકાસે અરજન્ટમાં મોકલી આપ્યું.

કદાચ એમને એમ હતું કે એ આ બધું પેશન્ટનાં કામમાં એ નહીં આપે કે માથાકૂટ કરશે‌..પણ વિકાસે આજે બુદ્ધિનો ઉપયોગ કરીને નક્કી કરી જ દીધું કે કોઈ પણ સંજોગોમાં ઇન્જેક્શન આવ્યાં પહેલાં એ બંને દર્દીઓને છેલ્લાં શ્વાસ તો નહીં જ લેવાં દે...!!

આખરે છેલ્લાં વિકલ્પ રુપે સવારે વાત કર્યાં પછી રાત્રે દસ વાગ્યે ઇન્જેક્શન આવ્યાં. એનું કારણ એક જ હતું કે વિકાસે એ રિક્વેસ્ટની સાથે જ પી.એમ.ને મોકલવાનો એક લેટર મોકલ્યો હતો.‌એ મુજબ ખબર પડી કે વિકાસ આગળ પહોંચશે તો બધાંની ખુરશી જોખમમાં મુકાઇ જશે...!!

વિકાસે ભગવાનનો ઉપકાર માનીને ફટાફટ બંને દર્દીઓને એ ઇન્જેક્શન શરું કરાવ્યાં. એ રાત્રે એણે બ્રેક પણ લીધાં વિના એ માત્ર ફ્રુટ લઈને એ ત્યાં જ હાજર રહ્યો‌. રાતની ડ્યુટી પણ એણે જ લીધી સામેથી.

ડૉ.આલોક કદાચ સવારથી એક સ્ટાફ દ્વારા સવારથી વિકાસની બધી જ હલચલની માહિતી મેળવી રહ્યાં છે એની એને જાણ થતાં ત્યાંથી ક્યાંય પણ ન જવાનું નક્કી કર્યું. ને બંને દર્દીઓની સ્થિતિ સતત ઓબઝર્વ કરતો એ સવાર સુધી ત્યાં જ બેસી રહ્યો....!!

***************

નાનકડી શૈલી કેટલી વાર પુછી ચૂકી છે કે મમ્મી પપ્પાને શું થયું છે કેમ ઘરે નથી આવ્યાં હજું સુધી ??

સત્વ : " હા મમ્મી તું કંઈ ચિંતામાં લાગે છે અમને કહે તો અમે કંઈ કરી શકીએ....."

કાજલ વિચારી રહી છે કે આટલાં નાનાં બચ્ચાઓ મને મદદ કરવાં માટે કહીને મને હિંમત આપી રહ્યાં છે પણ એમને શું કહું મને એ જ સમજાતું નથી.

શૈલી : " મમ્મા..‌ટીવીમા કહેતાં હતાં એ મુજબ પપ્પા હવે અમદાવાદમાં ઓફિસ પર નહીં જાય તો આપણને મુકીને એ બીજે જશે હવે ??

કાજલ : " બેટા કંઈ નહીં થાય તમે લોકો સૂઈ જાવ ચલો. પપ્પા આવી જશે એમને કામ હશે રોકાયા હશે..‌તમને ખબર છે પપ્પા ઘણીવાર સાયલન્ટ કરી દે છે કામમાં ને પછી રીંગ પર કરવાનું ભૂલી જાય છે..."

સત્વ : " હા એ છે પણ મેં ફોન કર્યો હતો તો એમાં રીંગ જ નહોતી વાગતી પણ સ્વિચ ઑફ આવતો હતો એટલે સાયલન્ટ તો ના જ હોય ને ?? પપ્પા ઘરેથી મોબાઈલ પણ ચાર્જ કરીને ગયા હતાં એટલે મોબાઈલમાં બેટરી લો થવાનો પણ સવાલ જ નથી..."

કાજલને કંઈ પણ સમજાયું નહીં એટલે બોલી, " હા બેટા આવી જશે...ચાલો તમને લોકોને હું સુવાડી દઉ છું...પછી પપ્પા આવશે એટલે ઉઠાઠીશ બસ.." ને પછી બંનેને ફોસલાવીને સુવાડી દીધાં. પણ કાજલે હજું સુધી કેટલાય લોકોને મિકિન વિશે પૂછી લીધું હતું પણ કોઈને કંઈ જ ખબર નથી.

કાજલને જરાં પણ ઉંઘ નથી આવી રહી એ બેઠી બેઠી શું કરવું એ વિચારોમાં ખોવાયેલી છે‌. એનાં મમ્મી-પપ્પા પણ આ માટે મિકિનને શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યાં જ લગભગ સાડા અગિયાર વાગ્યે લેન્ડલાઈન પર રીંગ વાગી.

આટલાં મોટાં બંગલામાં પોતાનાં પગલાં પણ જાણે એને આજે ધ્રુજાવી રહ્યાં છે કાજલ ફટાફટ ત્યાં આવી ગઈ કે જેથી છોકરાઓ જાગી ન જાય. ને ફોન ઉપાડ્યો કે તરત જ એક અવાજ સંભળાયો એ સાંભળીને કાજલ રીતસરની ધ્રુજવા લાગી‌..!!

કોણ હશે ફોનમાં અડધીરાત્રે ફોન કરનાર ?? શું વિકાસ નવાં ઇન્જેક્શનથી પેશન્ટનો જીવ બચાવી શકશે ?? સ્મિતનું પ્રથમ પરીક્ષણ સફળ બનશે ખરું ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....