સુંદરી પ્રકરણ - ૩૯ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી પ્રકરણ - ૩૯

ઓગણચાળીસ

વરુણે પોતાના મોબાઈલમાં ઘરઆંગણે ફૂડ ડિલીવર કરી આપતી એપ ખોલી અને એમાં સુંદરીના ઘેર ફૂડ ડિલીવર કરવાનો ઓર્ડર બુક કરાવ્યો. ફૂડ ડિલીવર થવામાં હજી ચાળીસ મિનીટ હતી અને ત્યાં સુધીમાં તો સુંદરીના ઘેરે તેઓ પહોંચી જશે એની ખાતરી હોવાથી અને લંચ આવી જતાં સુંદરી પાસે તેને ના કહેવા માટે કોઈ કારણ પણ ન હોવાનું સ્પષ્ટ થતાં વરુણ મનોમન મલકાઈ ઉઠ્યો.

વરુણના ઓર્ડર બુક કર્યાના લગભગ પાંચથી સાત મિનીટ બાદ કેબ સુંદરીના ઘર પાસે આવીને ઉભી રહી.

“કેટલાં થયાં?” પાછળ બેઠેલી સુંદરીએ ડ્રાઈવરને કહ્યું.

“કશું નહીં, પેમેન્ટ થઇ ગયું છે.” ડ્રાઈવરે વળતો જવાબ આપ્યો.

“મારી એપમાં ઓનલાઈન ડેબિટ થઇ જાય છે.” વરુણે પાછળ વળીને સુંદરી સામે જોતાં કહ્યું.

જવાબમાં સુંદરીએ સ્મિત આપ્યું અને વરુણને ફરીથી ઘાયલ કરી દીધો.

“અરે! દરવાજો કેમ ખુલ્લો છે?” કેબમાંથી બહાર નીકળતાની સાથેજ સુંદરીનું ધ્યાન એના ઘરના દરવાજા પર પડ્યું, જે ખુલ્લો હતો.

“ઝાંપો પણ બંધ નથી.” વરુણને પણ ઘરનો દરવાજો ખુલ્લો જોઇને આશ્ચર્ય થયું.

“પણ ચાવી તો મારી પાસેજ છે.” સુંદરીએ તરતજ પોતાનું પર્સ ફંફોસીને ઘરની ચાવી બહાર કાઢી.

“ક્યાંક ઘરના નોકરને તો તમે બીજી ચાવી નથી આપી રાખતાંને?” વરુણે પ્રશ્ન કર્યો.

“ના, ના.” સુંદરીના જવાબમાં મક્કમતા હતી.

“તો પછી પેલા...” વરુણનો ઈશારો શ્યામ તરફ હતો.

“બિલકુલ નહીં. શ્યામભાઈને મળવું હોય તો એ ઘરમાં તો ન જ આવે અને આ રીતે લોક તોડીને તો નહીં જ.” સુંદરીએ ફરીથી આત્મવિશ્વાસ જતાવ્યો.

“તો પછી, હું પહેલાં અંદર જઈને જોઈ આવું?” વરુણે સુંદરી સામે જોઇને કહ્યું.

“પપ્પા આવી ગયા છે. જુઓ બહાર પેલો પીળા રંગનો થેલો છે ને? એ પપ્પાનો છે. પણ એ તો કાલે આવવાના હતા? આજે કેમ આવ્યા?” હવે સુંદરીના ચહેરા પર ભારોભાર ચિંતા દેખાઈ.

“ઓહ! તો તો કોઈ વાંધો નથી.” વરુણને હાશકારો થયો.

“વાંધો છે. તમે એક કામ કરો તમે નીકળી જાવ. પ્લીઝ બીજો કોઈજ પ્રશ્ન ન કરતાં. હું તમને અંદર જઈને કૉલ કરું છું. જસ્ટ બે મિનીટ. તમે ગલીના નાકે ઉભા રહો.” સુંદરીએ પોતાના ઘરના દરવાજા સામે જોઇને કહ્યું.

“શ્યોર છો ને? તમારા પપ્પા જ હશેને?” વરુણ સુંદરીને એકલી મુકીને જતા અગાઉ ખાતરી કરવા માંગી રહ્યો હતો.

“હા, હા, પપ્પા જ છે, ડોન્ટ વરી. તમે પ્લીઝ જાવ.” સુંદરી વરુણ સામે જોયા વગર જ અધખુલ્લા ઝાંપામાંથી આંગણામાં ગઈ અને ઓટલા પર દરવાજાની બહાર રાખેલા પીળા થેલાને લઈને પોતાના ઘરમાં જતી રહી.

સુંદરીએ પોતાને અચાનક જ જતાં રહેવાનું કહેતા વરુણને આંચકો તો લાગ્યો, પણ તે સુંદરીની વાત ન માને એ તો શક્ય ન જ હતું એટલે એણે સુંદરીના ઘરના આંગણામાં પાર્ક કરેલું પોતાનું બાઈક હળવેકથી ઝાંપાની બહાર કાઢ્યું, ઝાંપો બંધ કર્યો અને બાઈક પર બેસીને તેને કિક મારી અને તેને ચલાવ્યું. અચાનક વરુણને ખ્યાલ આવ્યો કે જો પેલો ફૂડ પાર્સલ લાવનારો ડિલીવરી બોય આવી જશે તો? કારણકે સુંદરીને તો એ બાબતની ખબર જ ન હતી.

વરુણે તરતજ પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો અને ચેક કર્યું તો હજી પાર્સલ આવવાને દસથી પંદર મિનીટ લાગવાની હતી. વરુણે વિચાર્યું કે એ એવી જગ્યાએ પોતાનું બાઈક પાર્ક કરીને ઉભો રહેશે જેથી તે ડિલીવરી બોયને તરત ઓળખી શકે અને જ્યાં સુધી તે સુંદરીને આ બાબતે વાત ન કરી લે ત્યાં સુધી તે પેલું ફૂડ પાર્સલ પોતાની પાસે જ રાખશે.

બીજી તરફ સુંદરીના ઘરમાં પ્રવેશ કરતાંની સાથેજ પ્રમોદરાયે તેનું પોતાના ખાસ અંદાજમાં સ્વાગત કર્યું.

“વાહ! એક વાગે કોલેજ પતી જાય અને અહીં લોકો સાડાચાર વાગ્યા પછી ઘેર આવે છે.” સુંદરી સામે જોતાં પ્રમોદરાય બોલ્યા.

“પપ્પા, કોલેજ કમિટીની મીટીંગ હતી. પણ તમે તો કાલે આવવાના હતાંને?” સુંદરીએ ડરતાં ડરતાં પણ પ્રમોદરાયનું એક દિવસ વહેલા આવવાનું કારણ પૂછીજ લીધું.

“વાહ! ચાર-ચાર કલાક મીટીંગો ચાલે? અમે પણ કોલેજના પ્રિન્સીપાલ હતા અમારે તો ક્યારેય આવી મિટીંગો નથી થઇ? ક્રિસમસ આવે છે એટલે અઠવાડિયા સુધી બધી ટ્રેનો બૂક છે. ગુજરાત એક્સપ્રેસમાં આવ્યો અનરિઝર્વ્ડ ડબ્બામાં, સાવ ભૂખ્યા પેટે. મને એમ કે ઘરે જઈશ તો કશું ખાવાનું મળશે. પણ અહીના લોકોતો પોતાનીજ મોજમસ્તીમાં છે. બાપ ભલે ભૂખે મરે આપણે શું?” પ્રમોદરાય ગુસ્સામાં હતા અને કાયમની જેમ સુંદરી પર ગુસ્સો વરસાવતી વખતે તેની સામે નહોતા જોઈ રહ્યા.

“હું હમણાંજ કશુંક બનાવી લઉં છું. ચેન્જ કરી લઉં.” પ્રમોદરાયના જવાબની રાહ જોયા વગર સુંદરી દાદરા ચડીને પોતાના રૂમમાં જતી રહી.

સુંદરીને એ પણ યાદ હતું કે પોતાની સોસાયટીની ગલીના નાકે વરુણ તેના કૉલની રાહ જોઈ રહ્યો છે. એટલે બેડ પર પોતાનું પર્સ ફંગોળીને હાથમાં રહેલા પોતાના મોબાઈલ ફોનમાં વરુણનો નંબર શોધીને તરતજ તેણે વરુણને કૉલ કર્યો.

બીજીજ સેકન્ડે પોતાની બાઈકને ટેકો દઈને ઉભા રહેલા અને ફૂડ પાર્સલ ડિલીવરીને ટ્રેક કરી રહેલા વરુણના મોબાઈલ ફોન પર સુંદરીનો નંબર SVBના નામ સાથે ચમક્યો જેને જોઇને સુંદરીના ઘરમાં કોણ હશે એ અંગેની ચિંતા કરી રહેલા વરુણના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.

“હા જી!” વરુણને હવે સુંદરીને તેના નામ વગર કે તેને સોનલબાની જેમ ‘મેડમ’ કહીને ઉદ્દેશ્યા વગર બોલાવવાની અને જવાબ આપવાની આદત પડી ગઈ હતી.

“હાઈ! પપ્પા જ છે. સોરી મારે તમને બહારથી જ જવાનું કહેવું પડ્યું. પપ્પા થોડા ઓર્થો છે, કદાચ એમને ગમે ન ગમે, એટલે.” સુંદરીને ખબર જ હતી કે વરુણની હાજરી પ્રમોદરાયને કોઇપણ હિસાબે ગમવાની ન હતી ઉલટું એ કદાચ વરુણનું અપમાન પણ કરી દેત, પણ અન્ય વ્યક્તિ અને ખાસ કરીને સ્ટુડન્ટ સામે પોતાના પિતાની ખરાબ છબી રજુ કરવા કરતાં ખોટી છબી દેખાડવી સુંદરીને વધુ યોગ્ય લાગી.

“ઇટ્સ! ઓકે, પણ એક નાનકડો પ્રોબ્લેમ છે.” વરુણ મુદ્દા પર આવ્યો.

“શું? કેવો પ્રોબ્લેમ?” સુંદરીના અવાજમાં ફરીથી ગભરામણ ડોકાઈ ગઈ.

“અરે! એટલી મોટી વાત નથી. આપણે આવતા હતા ત્યારે મેં આપણા બંને માટે ફૂડ એપ પર લંચ ઓર્ડર કર્યું હતું અને એ હવે ગમે ત્યારે અહીં પહોંચશે.” વરુણે કહ્યું.

“ઓહ! અરે પણ એની ક્યાં જરૂર હતી?” સુંદરીના અવાજમાં આશ્ચર્ય હતું.

“આપણે બંને સવારથી જ ભૂખ્યાં છીએ. તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એનાથી ભૂખ મરી જાય એ સ્વાભાવિક છે, પણ હવે તમે કદાચ રિલેક્સ થઇ ગયા હોવ તો ભૂખ લાગે જ અને પછી તમે બધું બનાવવા બેસો તો ટાઈમ લાગે એટલે મને થયું કે હું પાર્સલ ઓર્ડર કરી દઉં. જો ઘરે પહોંચીને મેં આમ કર્યું હોત તો તમે મને ચોક્કસ ના પાડી હોત એટલે આપણે કેબમાં હતા ત્યારેજ મેં પાર્સલ બુક કરી દીધું. સોરી!” વરુણે છેલ્લે આજીજી કરી.

“હમમ...ઇટ્સ ઓકે! ધેટ્સ સો સ્વીટ ઓફ યુ! હું સમજી શકું છું. પણ પપ્પાને આ બધું નહીં ગમે. એમને બહારનું ખાવાનું બહુ પસંદ નથી.” સુંદરીએ પોતાની તકલીફ રજુ કરી.

“હું ગલીના નાકે જ ઉભો છું એટલે ડિલીવરીવાળો આવશે તો હું એને અહીંજ રોકી લઈશ. તમે કયો એમ કરું.” વરુણે દડો સુંદરીની કોર્ટમાં નાખ્યો.

“હમમ... એક કામ કરો. તમે એને આવવા દો. પપ્પાને હું સમજાવી દઈશ. એકરીતે તમે આ સારું કર્યું. ભૂખ તો મને પણ ખૂબ લાગી છે અને અત્યારે જો મેં રાંધવાનું શરુ કર્યું હોત તો ખબર નહીં ક્યારે જમવા પામત.” સુંદરીએ પણ હસીને કહ્યું.

“ઓકે, તો હું નીકળું? પેલો તો તમારે ઘેર પાર્સલ ડિલીવરી કરી જ જશે. ત્રણેક મિનિટમાં પહોંચવો જોઈએ. મને તમારી ચોઈસનો ખાસ ખ્યાલ ન હતો એટલે સિમ્પલ કડી-ચાવલ જ મંગાવ્યા છે.” વરુણે સુંદરીને કહ્યું.

“અરે! ઇટ્સ ઓકે, આજે તો કશું પણ ચાલશે. બાય ધ વે કડી ચાવલ મને ભાવે જ છે. હવે તમે નીકળો. હું પણ જલ્દી નીચે ઉતરી જાઉં, કારણકે એનો સામનો પપ્પા સામે ન થવો જોઈએ. પપ્પા કદાચ ન્હાવા ગયા છે એટલે પાર્સલ હું લઇ લઉં છું. થેન્ક્સ અ લોટ!” સુંદરીએ વરુણનો આભાર માનતા કહ્યું.

“ઇટ્સ ઓકે. તમે બરોબર જમી લેજો એમાં મારું થેન્ક્સ આવી ગયું.” વરુણે પહેલીવાર જરા હિંમતભેર કશું એવું કહ્યું જેમાં એનો સુંદરી પ્રત્યેનો પ્રેમ સંતાયેલો હોય.

“અગેઇન, સો સ્વીટ ઓફ યુ. બાય!” સુંદરીએ આટલું કહીને વરુણનો કોલ કટ કર્યો.

છેલ્લી બે મિનિટમાં સુંદરીએ પોતાને બે-બે વખત સ્વીટ કહ્યું તેનાથી વરુણ રીતસર સાતમાં આકાશમાં ઉડવા લાગ્યો. વરુણે હજી પોતાનો ફોન ખિસ્સામાં રાખ્યો જ હતો કે સામેથી ફૂડ એપના લોગોવાળું જ ટીશર્ટ પહેરેલો ડિલીવરી બોય તેને સામેથી આવતા દેખાયો.

વરુણ પોતાની જગ્યા પર જ ઉભો રહ્યો અને પેલા પર નજર નાખતો રહ્યો. પેલો ડિલીવરી બોય ગલીમાં અંદર વળ્યો અને ગલીના છેક છેડે ડાબી તરફ આવેલા સુંદરીના ઘરના ઝાંપે ઉભો રહ્યો. ડિલીવરી બોય જેવો સુંદરીના બંગલાનો ઝાંપો ખોલીને અંદર ગયો કે વરુણ બાઈક પર બેઠો અને તેને તેણે કિક મારી.

સુંદરી પણ ડિલીવરી બોયની રાહ જોતી ઘરના દરવાજે જ ઉભી હતી એટલે એણે તરતજ ઓર્ડર રીસીવ કર્યો અને ડિલીવરી બોયના જવાની સાથેજ તેણે મુખ્ય દરવાજો બંધ કર્યો અને સડસડાટ રસોડામાં જતી રહી. રસોડામાં સુંદરીએ પેલું પાર્સલ ખોલી અને એક તપેલીમાં કઢી અને બીજામાં ચાવલ એટલેકે ભાત ઠલવી દીધા અને પાર્સલનું ખોખું અને પ્લાસ્ટિકની બેગ બંને દોડીને ઘરની બહાર રાખવામાં આવેલા AMCના કચરાના ડબ્બામાં નાખી આવી.

પ્રમોદરાય થાક ઉતારવા સમય લઈને ન્હાઈ રહ્યા હતા એણે સુંદરી માટે રાહતનું કામ કર્યું હતું. સુંદરીએ તરતજ પ્લાન બનાવી દીધો કે તે પ્રમોદરાયને કહેશે કે તેણે ઉતાવળમાં કઢી અને ભાત બનાવ્યા છે અને પાર્સલમાં એટલેકે બહારનું ખાવાનું આવ્યું છે એવી વાત બિલકુલ નહીં કરે. પ્રમોદરાય પણ ભૂખ્યા જ હતા એટલે આ બાબતે વધુ સવાલ નહીં જ કરે તેની સુંદરીને ખાતરી હતી.

અચાનક સુંદરીને યાદ આવ્યું કે તેણે જો કપડાં નહીં બદલ્યાં હોય તો પ્રમોદરાય તેની આળસ વિષે જરૂર સવાલ કરશે. એટલે ગેસના ચૂલા પર કઢી અને ચાવલના વાસણો બરોબર મુકીને સુંદરી ફરીથી ઉપરના માળે આવેલા પોતાના રૂમમાં દોડીને ઘુસી ગઈ.

==::==

થાકેલો અને ભૂખ્યો વરુણ પોતાને ઘરે પહોંચ્યો. હર્ષદભાઈ તો ઓફિસે હોય અને ઈશાની સ્કુલે હોય એની વરુણને ખબર હતી પણ ઘરનું બારણું લોક જોઇને એને ખ્યાલ આવ્યો કે રાગીણીબેન પણ ઘરમાં નથી. ઘરના તમામ સભ્યો પાસે એક-એક ચાવી તો કાયમ રહેતીજ એટલે વરુણે ઘરનું બારણું ખોલ્યું. હવે તેને અતિશય ભૂખ લાગી હતી પણ ફરીથી ફૂડ પાર્સલ બુક કરાવીને તેની રાહ જોવાની હિંમત એનામાં ન હતી એટલે એણે ઘરનો મુખ્ય દરવાજો લોક કર્યો અને રસોડાં તરફ પ્રયાણ કર્યું, એ વિચારે કે કોઈને કોઈ ડબ્બામાં એના માટે કશુંક ખાવા લાયક જરૂર હશે.

વરુણ રસોડામાં ગયો અને પહેલો ડબ્બો ખોલીજ રહ્યો હતો કે તેના મોબાઈલ પર વોટ્સએપ મેસેજનું નોટીફીકેશન ચમક્યું. કંટાળેલા અને ભૂખ્યાડાંસ એવા વરુણની ઈચ્છા તો ન હતી કે અત્યારે એ કોનો મેસેજ આવ્યો છે એ ચેક કરે પરંતુ તેમ છતાં તેણે મોઢું બગાડીને મોબાઈલ હાથમાં લીધો અને નોટીફીકેશન ટ્રેને નીચે કરતાંની સાથેજ તેમાં SVBનો મેસેજ હોવાનું નોટીફીકેશન જોતાંજ વરુણની આંખો ચમકી, તેના ચહેરા પર સ્મિત આવ્યું અને થાક, કંટાળો અને ભૂખ તો જાણેકે કિલોમીટરના કિલોમીટર દૂર જતાં રહ્યા.

==:: પ્રકરણ ૩૯ સમાપ્ત ::==