સુંદરી - પ્રકરણ ૪૦ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૪૦

ચાળીસ

એક પળનો પણ વિલંબ કર્યા વગર વરુણે પોતાના સેલફોનનું લોક ખોલ્યું અને વોટ્સએપ ઓપન કર્યું અને સુંદરીના મેસેજ પર ટેપ કર્યું.

“Thanks for everything. પપ્પાને બહુ ભૂખ ન હતી એટલે મેં કડી-ચાવલ દબાવીને ખાધાં. ખૂબ સરસ હતાં. Thanks again. Take care.”

વરુણે સુંદરીના મેસેજ વાંચ્યો.

તેણે જોયું કે સુંદરીનું સ્ટેટ્સ Online જ દેખાડતું હતું. વરુણને થયું કે સુંદરીના Thank youનો જવાબ તેણે પણ આપવો જોઈએ એટલે તેણે ફક્ત “My pleasure” લખીને મેસેજ મોકલી દીધો જે સુંદરીએ તરતજ જોયો અને વરુણના મોકલેલા મેસેજની બાજુમાં બે બ્લ્યુ ટીક્સ થઇ ગઈ.

સુંદરીના વોટ્સ એપ પર offline થવાની સાથેજ વરુણે સુંદરીના ફોટાને ખોલ્યો અને તેને ઝૂમ કરીને તેને સતત જોતો રહ્યો. સુંદરી પ્રત્યે વરુણનો પ્રેમ ફરીથી છલકાવા લાગ્યો અને તેનું હ્રદય ફરીથી સુંદરીને જોતાં જોતાં ભારે થવા લાગ્યું અને ગળું સુકાવા લાગ્યું. છેવટે વરુણે સુંદરીના ફોટા સામે એક સ્મિત કરીને પોતાનો મોબાઈલ લોક કરી દીધો.

“આમને તૂટીને પ્રેમ કરવો હોય તો ભૂખ્યું તો ન જ રહેવાયને? આ યાર મમ્મીએ નાસ્તો ક્યાં મૂક્યો હશે?” વરુણે ફોન લોક કર્યા બાદ તરતજ સ્વગત કહ્યું અને એક પછી એક ડબ્બા ખોલવા લાગ્યો.

લગભગ ચારેક ડબ્બા ખોલ્યા બાદ પણ વરુણને નાસ્તો શોધવામાં નિષ્ફળતા મળી એટલે એણે રાગીણીબેનને કૉલ કરવાનું વિચાર્યું પણ પછી થયું કે ક્યાંક રાગીણીબેન કોઈકને ઘેર હોય અને પોતે આ રીતે એમને ફક્ત નાસ્તા માટે કૉલ કરીને હેરાન કરે તો એ યોગ્ય નથી. છેવટે વરુણને પોતાની ભૂખ મટાડવા એક ઉપાય મળી ગયો.

“ક્યાં છે લ્યા?” કૃણાલ દ્વારા એનો કૉલ ઉપાડવાની સાથેજ વરુણ બોલ્યો.

“ઘરે બીજે ક્યાં? તારી જેમ રખડવાનું ના હોય મારે. પ્રિલીમની તૈયારી પણ કરવાનીને?” કૃણાલે વરુણના જ સૂરમાં સૂર મેળવતાં જવાબ આપ્યો.

“બહુ ડાહ્યો ના થા. ઘરમાં નાસ્તો છે?” વરુણ સીધો મુદ્દા પર જ આવ્યો.

“ખબર નથી કેમ?” કૃણાલે કહ્યું.

“અલ્યા ઘરમાં રહે છે અને તને ખબર નથી કે ઘરમાં નાસ્તો છે કે નહીં?” વરુણે પોતાના ખાસમખાસ દોસ્તને ટોન્ટ માર્યો.

“તનેય ખબર નહોતીને કે તારા ઘરમાં નાસ્તો નથી? એટલેજ મને કૉલ કર્યોને? કૃણાલે વરુણના બાઉન્સર પર હુક કરીને સિક્સર મારી દીધી.

“બે હા યાર... બહુ ભૂખ લાગી છે, કાઈ કરને?” કૃણાલના અચાનક હુમલાથી વરુણ સીધો આજીજી કરવા પર આવી ગયો.

“ફૂડ એપમાંથી મંગાવી લેને? તને તો આદત છે. જ્યારે ભૂખ લાગે એટલે ફૂડ પાર્સલ મંગાવી લેવાનું.” કૃણાલે ફરીથી ચાબખો માર્યો.

“હા યાર પણ મારું વોલેટ લગભગ ખલાસ છે, પપ્પા ઘેર આવે પછી રીચાર્જ થશે. આજે બહુ ખર્ચો થઇ ગયો.” છેલ્લું વાક્ય બોલ્યા પછી વરુણને ખ્યાલ આવ્યો કે એનાથી ખર્ચાની વાત થઈને મોટી ભૂલ થઇ ગઈ છે.”

“કેમ? આજે એવું તો શું કર્યું કે વોલેટ ખાલી કરી દીધું? કોલેજેથી સીધો ક્યાંક જતો રહ્યો હતોને?” વરુણની શંકા સાચી પડતાં કૃણાલે એના રિમાન્ડ લેવાનું શરુ કર્યું.

“તું નાસ્તો લઈને આવ એટલે વાત કરું યાર! અત્યારે એ બધું કહેવાની મારામાં જરાય તાકાત નથી.” વરુણની ભૂખ હવે ચરમસીમાએ આવી ગઈ હતી.

“ઠીક છે, બે મિનીટ ઉભો રહે, આવું છું.” કૃણાલે કહ્યું.

“ઉભું રહી શકાય એમ નથી એટલી ભૂખ લાગી છે. સોફા પર બેસું તો ચાલશેને માલિક?” વરુણ આવી સ્થિતિમાં પણ કૃણાલની મજાક કરવાનું ચૂક્યો નહીં.

“તારે જે કરવું હોય એ કર, મને પાંચ મિનીટ તો લાગશેજ.” આટલું કહીને કૃણાલે કૉલ કટ કરી દીધો.

વરુણના ચહેરા પર સ્મિત આવ્યું. એનાં સ્મિતમાં ગર્વની લાગણી પણ છુપાઈ હતી. એની અને કૃણાલની દોસ્તી પરના ગર્વની એ લાગણી હતી, જ્યાં એકબીજા સાથે સહમત થવું ક્યારેય જરૂરી ન હતું પરંતુ તેમ છતાં એકબીજા પણ જીવ આપી દેવા માટે પણ બંને સદાય તૈયાર રહેતા.

લગભગ દસ મિનીટ વીતી ગઈ પણ કૃણાલનો કોઈજ અતોપતો ન હતો અને વરુણના પેટમાં હવે બિલાડાં જ નહીં પરંતુ દુનિયાભરના જાનવરો બોલવા લાગ્યા હતા. વરુણને થયું કે એ કૃણાલને ફરીથી કૉલ કરીને પૂછે પણ ત્યાંજ ઘરની ડોરબેલ વાગી અને વરુણ દોડ્યો.

“આવો મહારાજ, કેમ આટલી વાર લાગી?” વરુણે કૃણાલને દરવાજે જ પોખ્યો.

“બધા જ ડબ્બા ખલાસ હતા, પછી આ મળ્યું એટલે લેતો આવ્યો.” કૃણાલે પોતાની મજબૂરી કહી અને વરુણ સમક્ષ એક પેકેટ ઊંચું કર્યું.

“નૂડલ્સ? શું યાર? એના કરતાં તારે ફૂડ એપમાંથી મારા માટે કશું મંગાવી લેવું’તું?” વરુણના અવાજ અને તેના ચેહરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“તે આવા નુડલ્સ જિંદગીમાં નહીં ખાધા હોય એની ગેરંટી.” કૃણાલે સ્મિત સાથે કહ્યું.

“અચ્છા? એ કેવી રીતે?” વરુણે અદબ વાળીને પ્રશ્ન કર્યો.

“પહેલાં મને અંદર આવવા દઈશ? અને ભૂલથી પણ રસોડામાં આવતો નહીં.” કૃણાલે પોતાના ખભાથી વરુણના ખભાને રીતસર ધક્કો માર્યો અને અંદર ઘુસી ગયો.

વરુણ ફરીથી હસી પડ્યો અને ફરીથી તેને કૃણાલ જેવો મિત્ર હોવા પર ગર્વ થયો.

લગભગ પાંચેક મિનીટ બીજી વીતી ગઈ.

“અરે! વાહ! જબરદસ્ત સુગંધ આવે છે ને કાઈ?” વરુણે લિવિંગ રૂમમાં બેઠાબેઠા જ જોરથી કહ્યું.

“બસ હવે બે જ મિનીટ.” રસોડામાંથી કૃણાલનો જવાબ આવ્યો.

ખરેખર બે મિનીટ બાદ કૃણાલ એક પેનમાં ગરમાગરમ નૂડલ્સ લઈને આવ્યો અને લિવિંગ રૂમ તેની સુગંધની મઘમઘી ઉઠ્યો.

“તારી પાસે બે ઓપ્શન છે. બટર કે ચીઝ? તું કહે એ હું ઉપર નાખું.” કૃણાલે પોતાના ખિસ્સામાંથી બટરનું અને ચીઝનું પેકેટ બહાર કાઢીને પૂછ્યું.

“અલ્યા! તું તો પ્રોફેશનલ શેફ જેવું બોલે છે. એક કામ કર ચીઝ ખમણવામાં વાર લાગશે, તું બટર જ આવવા દે!” વરુણે જવાબ આપ્યો.

કૃણાલે પોતાના હાથમાં રહેલું બટરનું પેક ખોલ્યું અને એમાંથી એક મોટો ટુકડો તોડીને નૂડલ્સના પેનમાં નાખ્યો. ફક્ત અમુક જ સેકન્ડ્સ વીતી અને બટર એ પેનમાં સાવ ઓગળી ગયું.

“આ આપણી દોસ્તી છે.” બટરને ઓગળતાં જોતાં વરુણ બોલી પડ્યો.

“હા, કાચા નૂડલ્સ જેવો બેસ્વાદ હું અને એમાં જો તારા જેવું સ્વાદિષ્ટ બટર ભળે એટલે આપણી દોસ્તીમાં સ્વાદ આવી જાય.” કૃણાલે હસતાં હસતાં કહ્યું.

“ના, બે પોતાની જાતને બેસ્વાદ કેમ કહે છે? તું છે તો મારી લાઈફમાં સ્વાદ છે બકા!” વરુણે પોતાની બાજુમાં બેસેલા કૃણાલનો ખભો થાબડ્યો.

“હવે મને કહે કે કોલેજેથી સીધો જ ક્યાં ગયો હતો?” કૃણાલે વરુણને સવાલ કર્યો.

“પહેલાં થોડું ખાઈ લેવા દેને? પછી બધું જ ડીટેઇલમાં કહું છું. પ્લીઝ?” વરુણે નાટકીય અંદાજમાં કૃણાલ સામે બે હાથ જોડીને કહ્યું.

“ઠીક છે, ચલ આપણે બંને ખાઈએ.” કૃણાલે પોતાના શર્ટના ખિસ્સામાં રાખેલી ત્રણ-ચાર ચમચીઓ બહાર કાઢતાં કહ્યું.

“ઓ ભાઈ, તારે શું કરવા ખાવું છે? આ તો હું એકલો જ ખાઈશ. તને નાસ્તો લાવવા માટે બોલાવ્યો હતો, નાસ્તો કરવા માટે નહીં.” વરુણે મોઢું બગડતાં કહ્યું.

“મને પણ કકડીને ભૂખ લાગી છે. આપણા બંનેની મમ્મીઓ સાથેજ ગઈ છે સરિતા આંટીને ત્યાં. મારા ઘેર પણ ડબલા ખાલી જ હતા ત્યાં અચાનક જ મારી નજર આ નૂડલ્સના પેકેટ પર પડી એટલે લેતો આવ્યો.” કૃણાલે જવાબ આપ્યો.

“તો પછી ચલ મચી પડીએ?” વરુણે કૃણાલને આમંત્રણ આપતાં કહ્યું.

“ચોક્કસ!” કૃણાલે હસીને જવાબ આપ્યો.

“અરે? આ વટાણા અને ગાજર ક્યાંથી લાવ્યો?” વરુણને આશ્ચર્ય થયું.

“ફ્રીજમાં હતાં એટલે મને થયું કે નાખું. નૂડલ્સમાં આ બધું હોય તો જ મજા આવે યાર.” કૃણાલે વરુણના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું.

“જોરદાર!” આટલું કહીને વરુણે નૂડલ્સ ખાવાનું શરુ કર્યું.

બંને મિત્રોને જબરદસ્ત ભૂખ લાગી હતી એટલે બને મૂંગામૂંગા જ નૂડલ્સથી ભરેલું આખું પેન સાફ કરી ગયા. ખાઈ લીધા પછી વરુણ અને કૃણાલે હાથ ધોયાં અને પાણી પીધું. કૃણાલે પેનને સાબુથી વ્યવસ્થિત ધોયું અને કપડાંથી કોરું કરીને તેને જ્યાંથી લીધું હતું ત્યાં પાછું મૂકી દીધું. વરુણ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને તેને ફરીને ફરી કૃણાલ પોતાનો મિત્ર હોવા પર ગર્વ થઇ રહ્યો હતો.

“ચલ, હવે મને બધું કે’” કૃણાલ લિવિંગ રૂમમાં આવ્યો અને વરુણની બાજુમાં બેઠો.

“ચોક્કસ, અમુક વાત તને નહીં ગમે એને હું અવોઇડ કરીશ પણ તોય તને બધીજ વાત કરું છું. અને હા, આપણી વાત થતી હોય ત્યારે જો મમ્મી કે કાગડીમાંથી કોઇપણ આવી જશે તો પછી કાલે કૉલેજ જતાં રસ્તામાં પૂરી કરીશ ઓકે?” વરુણે આજે તેની સાથે શું બન્યું એ કહેવા માટે તો તૈયાર થઇ ગયો પણ તેણે પૂર્વશરત પણ રાખી.

“ચોક્કસ! એટલું તો હું સમજું જ છું. બોલ હવે...” કૃણાલ વરુણની શરત માનવા તૈયાર થઇ ગયો.

“ગયા રવિવારે જ્યારે હું કોલેજ પ્રેક્ટીસ કરવા ગયો હતો ત્યારે...” વરુણે કૃણાલને આખી ઘટના વિસ્તારથી કહેવાનું શરુ કર્યું.

==::==

“ડીયર ડાયરી!

ઘણી વખત એવું લાગતું હોય છે કે ભગવાને આપણા જીવનમાં ફક્ત દુઃખ અને તકલીફો જ નક્કી કરી હશે? મમ્મી ગઈ, શ્યામભાઈ ભાગી ગયા અને પપ્પાના સતત ટોણાં મારવા એ ઓછું દુઃખ હતું? એ મને ઓછી તકલીફ આપતાં હતાં કે આજે શ્યામભાઈ ખોટે રસ્તે ચડી ગયા હોવાના સમાચાર પણ મારે સાંભળવા પડ્યા?

ભાઈને તો કઈક અલગ કરી દેખાડવું હતું અને અચાનક જ પપ્પા સામે ઉભા રહીને અભિમાન સાથે બોલવું હતું કે તે એમને જે રીતે નકામો ગણતા હતા એવા તે નથી અને એમનાંમાં પણ ટેલેન્ટ છે જેના જોરે તે પોતાનું અલગ સ્થાન બનાવી શકે છે. પણ કઈક અલગ કરવાની જીદમાં શ્યામભાઈ તો સમાજથી જ અલગ થઇ ગયા? કાલે હવે એમને મળ્યા પછી જ મારા મનને શાંતિ થશે.

પણ આજે એક હકારાત્મક વાત પણ મારી સાથે બની હોં કે ડાયરી... આટલા મોટા દુઃખના પહાડ સામે ઉભાં રહીને તેનો સામનો કરવાનું બળ ત્યારે જ મળ્યું જ્યારે સોનલ અને તેના પપ્પા વિષે ખબર પડી અને એમની સાથે મુલાકાત થઇ. ચાલો ઠીક છે સોનલનો પીછો પણ શ્યામભાઈ કરતા હતા અને એમના પપ્પા અમદાવાદના પોલીસ કમિશનર છે એટલે એ મને અમસ્તાંય મદદ કરે પણ મારે વાત કરવી છે તને...

==:: પ્રકરણ ૪૦ સમાપ્ત ::==