જાણે-અજાણે (70) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (70)

સામેં ઉભેલો વ્યકિત અમીને ગભરાતા જોઈ તેને શાંત કરવાં અને પોતાની વાત સમજાવવાની કોશિશ કરતાં તેની નજીક આવ્યો. પણ તેનાં એક એક પગલાં સાથે અમી વધારે જ ગભરાય રહી અને અચાનક તેની આંખોમાંથી આંસુઓ વહેવાં લાગ્યા. આ જોઈ આંસુઓને લૂછવાં તેનો હાથ આગળ વધ્યો. " please રડીશ નહી... મારી વાત તો સાંભળ!.. હું માત્ર તારી મદદ માટે જ આવ્યો છું." તેણે કહ્યું. અમીએ ગુસ્સામાં તેને જવાબ આપતાં કહ્યું " મદદ?.. આ શબ્દનો અર્થ પણ ખબર છે તમને?... અરે જો ખબર હોત તો ઘણાં સમય પહેલાં જ આ મદદનો હાથ લંબાવાય ગયો હોત. પણ એ સમયે તો તમેં બધાને પડતાં મુકી દીધાં હતાં. તમને ભાઈનો અધિકાર આપ્યો હતો મેં અને વંદિતાએ ... અને તમેં એ ભાઈ શબ્દનું સન્માન પણ ના કરી શક્યા. હવે કેમ આવ્યા છો?.. તમારાં વગર અમેં જીવતા શીખી લીધું છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી અથવા એમ કહું કે તમને કોઈ હક્ક નથી મદદ કરવાનો!.. પણ એક મિનિટ.... તમને કેવી રીતે ખબર કે અમેં ક્યાં છે અને કોને તમારી મદદની જરૂર છે!...." " અરે એ જ તો સમજાવવા માંગું છું. મારી વાત તો સાંભળ!....." " કશું નથી સાંભળવું , માત્ર મારાં પ્રશ્ન નો જવાબ આપી દો... તમને કેવી રીતે ખબર!.." અમી કશું સાંભળવા તૈયાર નહતી. " રચનાદીદીએ કહ્યું. તેં તારી આ બધી વાત દીદીને કરી હતી ને!..પણ તેં એમને કહ્યું હતું કે પરિવારમાંથી કોઈને ખબર ના પડવી જોઈએ. એટલે દીદી ચુપ હતાં. પણ મને તે ઉદાસ જણાયાં અને મેં તેમને ભાર દેતાં પુછ્યું એટલે તેમણે મને બધી વાત જણાવી અને કહ્યું કે જો હું તમારી મદદ કરી શકતો હોવ તો...." " ઓહ.. તો દીદી એ કહ્યું એટલે મહેરબાની કરવાં આવી ગયાં?!.. આ જ ઉમ્મીદ હતી તમારી જોડે કૌશલભાઈ!.." અને જાણે અજાણે કૌશલનું આગમન ફરીથી બધાનાં જીવનમાં થઈ ગયું.

કૌશલની ચાલઢાલમાં જરાક પણ ફર્ક નહતો આવ્યો. આજે પણ પહેલાની માફક તે પોતાની આદતો અને ઢબને જાળવી બેઠો હતો. આજે પણ તે ઓછું પણ સીધું બોલવામાં માનતો હતો. ગુસ્સો જરાક નાક પર જ બેસી રહેતો, શરીરે મજબૂત અને ચહેરાથી શાંત જણાય રહ્યો હતો. આંખોમાં એક અલગ જ ભીનાશ હતી પણ હોઠો પર હંમેશા વર્તમાનની જ વાત આવતી. લાગણીઓ બતાવતા અને વાત સમજાવતા હજું શિખ્યો નહતો પણ સરવાળે એક સમજદાર અને જવાબદાર માણસ બની ગયો હતો. મન આજે પણ લોકોની મદદમાં લગાડી જીવી રહ્યો હોય એમ ભાસી રહ્યું હતું. એ સિવાય તેને જોતાં એમ લાગતું કે રેવા જે કોઈક જમાનામાં તેની જીવનદોરી હતી તેની આદતો વસાવી લીધી હતી. સાચુ- ખોટું, લોકોની મદદ, હંમેશા પોતાની પહેલાં બીજાને રાખવું અને ખોટી વાતનો સામનો અને મનથી બધાની ઈજ્જત જેવી આદતો કૌશલમાં ચોખ્ખું દેખાતું હતું. કૌશલને જોઈ લાગી રહ્યું હતું કે આજે પણ રેવા તેનાં અંદર સચવાયને જીવી રહી છે.

પણ અમી તેની પર વિશ્વાસ કરવાં જ નહતી માંગતી. કૌશલે ઘણો પ્રયત્ન કર્યો પણ તે એક ક્ષણ પણ તેની સાથે રહેવાં નહતી માંગતી. ભૂતકાળની કેટલીક વાતો તેનાં પગની બેડીઓ બની વીંટળાય હતી. પણ વગર વિચાર્યે જ્યારે પ્રકૃતિએ કૌશલ અને નિયતિનાં જીવન જોડે લાવી મુકી દીધાં તો કદાચ આ ભૂતકાળ પણ આગળ આવી ઉભું રહી જાય અથવાં તો હંમેશા બંનેનાં જીવનમાંથી નિકળી જાય. પણ આ દરેક વાત તેમની મુલાકાત પર આધાર રાખે છે. હમણાં તો કૌશલનું ધ્યાન માત્ર અમી પર હતું. અમીની હાલત ખરેખર કથડવા લાગી હતી અને આ હાલતમાં તેને ક્યાંય જવાં દેવી એ યોગ્ય નહતી. એટલે કૌશલનો એ પ્રયત્ન ચાલું રહ્યો કે ગમેં તેમ કરી તેની વાત અમી માની લે.. પણ ઘણાં પ્રયત્ન પછી પણ કૌશલને નિરાશા જ મળી. એટલે કૌશલે છેલ્લા પ્રયત્ને રચનાને ફોન કરી દીધો. કૌશલ જાણતો હતો કે રચના એક એવી વ્યકિત છે જેની વાત અમી માની શકે છે. પહેલાં તો અમીએ વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. પણ પછી વધારે તે પોતાને ના રોકી શકી. અમીએ હેલો કહ્યું ત્યાં રચનાએ પોતાની વાત શરૂ કરી દીધી " તું કેમ વાત નથી માનતી કૌશલની?.. એને મેં જ કહ્યું હતું કે તારી મદદ કરે. અને એ પોતાનું કામકાજ છોડી તારી મદદમાં આવ્યો ત્યાં તું આવો વ્યવહાર કરે છે!.. તારી હાલત જો... તારી તબિયત વધારે ખરાબ થઈ જશે. માની લે કૌશલની વાત અને રોકાય જા જ્યાં છે ત્યાં જ. " " મને ખરેખર લાગ્યું નહતું કે તમેં કૌશલભાઈ ની સાઈડથી મને સમજાવશો .!.. તમેં કહ્યું એટલે આવ્યાં છે એમાં શું નવાઈ કરી દીધી?!.. જો પોતાના મનથી ખરેખર તેમને ચિંતા હોત ને અમારી તો પરિસ્થિતિ જ કોઈ જુદી હોત. કદાચ આજે નિયતિ દીદીની આ હાલત ના હોત. કદાચ વંદિતાનો સ્વભાવ આવો ના હોત , કદાચ પપ્પાની હાલત આટલી ખરાબ ના થઈ હોત અને એથી પણ વધારે . કદાચ અમેં આ શહેરમાં જ ના હોત. પણ ના.... કૌશલભાઈ ને ના પહેલા ફર્ક પડતો હતો કે ના અત્યારે પડે છે!.." અમીની પાંપણ ભિંજાવા લાગી. ભૂતકાળની કડવી યાદો તેનાં બોલમાં સંભળાવવા લાગી. કૌશલ બાજુમાં ઉભો આ બધું સાંભળી રહ્યો હતો પણ તેનાં ચહેરે એકપણ ચિંતા કે શોકનો ભાવ નહતો જણાય રહ્યો. બસ જેટલી વખત અમી નિયતિનું નામ લેતી ગઈ એટલી વખત કૌશલનાં ભાવ ક્ષણિક વાર માટે બદલાવાં લાગ્યા. કૌશલ કોઈને પોતાનાં મનની વાત જણાવવા ના માંગતો હોય તેમ તેણે પોતાને કાબુ કરી રાખ્યું હતું.

ઘણાં વાદ - વિવાદ પછી અમી કૌશલની મદદ લેવાં તૈયાર થઈ ગઈ. પણ હજું તેનો ગુસ્સો કૌશલ પર અકબંધ હતો. કૌશલને પણ કોઈ આશા નહતી કે કોઈ દિવસ આ ગુસ્સો શાંત પડશે. એટલે તેણે પણ એ વિશે કોઈ કોશિશ ના કરી. અમી લાંબાં સમયથી ભૂખી હતી એટલે તેનું શરીર હજું કમજોર હતું. કૌશલે તેની કાળજી રાખવાનું શરૂ કરી દીધું અને તેની એક એક નાની મોટી જરૂરીઆતો પુરી કરવાં લાગ્યો. સારી રીતે ખવડાવતો, રહેવા- પહેરવાં ઓઢવાં પણ બધી ચીજવસ્તુઓ તેનાં કહેવાં પહેલાં જ લાવીને રાખી દીધી. આ જોઈ અમીને આશ્ચર્ય થયાં કરતું પણ સાથે નિયતિની યાદ પણ આવવાં લાગી. " દીદી હોત તો પણ મારાં માટે આ જ બધું આટલાં જ પ્યારથી કરતી. કોઈકવાર કૌશલભાઈ દીદીની યાદ અપાવે છે. એવું લાગે જાણે હું તેમનાં જ કોઈ ભાગને મળી રહી છુ. શું ખરેખર કૌશલભાઈને મારી ચિંતા છે!.. શું ખરેખર તે મારી મદદ કરવાં આવ્યા છે!.. " અમી પોતાનાં વિચારોમાં જ ખોવાય ગઈ અને એકીટશે કૌશલને જોવાં લાગી. કૌશલનું ધ્યાન અમી તરફ ગયું એટલે તેણે પુછી લીધું " શું જોવે છે આમ અમી?!.." કૌશલનો ઘણો પ્યારથી અને ધિરજથી પુછેલો પ્રશ્ન અમીને એક ભાઈની હૂંફ પુરી પાડી રહ્યો હતો. ઘણાં વર્ષ પછી તેણે એક ભાઈનાં પ્રેમને આટલાં નજીકથી અનુભવ્યો હતો. તે લાગણીઓમાં વહેવાં લાગી અને અનાયાશે જ રડી પડી. આ જોઈ કૌશલે તરત તેને શાંત કરી અને પોતાની ધિરજતા ના ગુમાવતાં તેણે ફરીથી વાત શરૂ કરી " મને ખબર છે અમી તને મારી પર બહું ગુસ્સો છે. મને નથી ખબર એ સાચો છે કે નહીં પણ વિશ્વાસ કર મારો હું તને કે વંદિતા કે બીજા કોઈને પણ દુઃખી કરવાં નહતો માંગતો. હું અત્યારે પણ તારી સાથે માત્ર એટલે જ છુ કે મને તારી ચિંતા છે. આખો દિવસ પસાર થઈ ગયો છે પણ તેં મારી સાથે એક શબ્દની પણ વાત નથી કરી. હું તને કેટલાં સમય પછી મળ્યો છું !... મને પણ મન થાય છે કે હું તારી સાથે બેસીને બસ વાતો કર્યા કરું, તારી વાતો સાંભળ્યા કરું, તારાં જીવનનો એકે એક પળ જે મેં ગુમાવી દીધું છે તે ફરીથી જીવી શકું. હું મારી વાતો કહી શકું કે જે જીવનની ક્ષણો તેં ગુમાવી દીધી છે. પણ કદાચ તું જ મારી સાથે વાત નથી કરવાં માંગતી. મને ખોટું ના સમજતી... મને એ વાતથી પણ કોઈ વાંધો નથી , હું સમજી શકું છું તારાં મનની હાલત. " અને કૌશલ થોડો ઉદાસ થઈ ત્યાંથી જવા લાગ્યો. એટલામાં અમીએ તેને પાછળથી રોકી લીધો અને કહેવાં લાગી " મને આટલાં સમય પછી મારો ભાઈ પાછો મળ્યો છે હવે તેને છીનવશો નહી ને!... મને પણ મારી બધી વાતો જે જરૂરી હોય કે ના હોય તે બધી તમને કરવી છે!.. મને પણ જાણવું છે અમારાં ગયાં પછી તમારી લાઇફમાં શું શું થયું!... હા મને ગુસ્સો તો છે પણ એ તો તમેં કોશિશ કરશો તો ગાયબ પણ થઈ જશે ને! .... " અને જાણે- અજાણે કૌશલ સાથે છુંટા પડેલામાંથી એકની જીંદગી તો ફરીથી જોડાય ગઈ. અમીએ તેની અને ધિરજની બધી વાત વિસ્તારથી કૌશલને જણાવી. કૌશલને સમજાય નહતું રહ્યું કે તે શું બોલે પણ છતાં તેણે અમીને પુછ્યું " શું તું ધિરજ પાસે પાછી જવાં માંગે છે?.. કેમ કે એ તારો પતિ છે તો..." " ના.. બિલકુલ નહીં .. હું નથી જવાં માંગતી તેની પાસે પાછી. તેણે વંદિતાનું જીવન બરબાદ કરવાની કોશિશ કરી હતી. હું તેને માફ નથી કરવાની. અને એ માણસ ક્યારેય સુધરી નથી શકવાનો. આજે નહી ને કાલે ફરીથી આ બધી હરકતો કરશે જ. હું તેની પર ભરોસો નથી કરતી." " ભરોસો..... આ એક એવો શબ્દ છે ને અમી જે ભલભલાને હચમચાવી દે છે. ઉંડો અને ગાઢ લાગતો સંબંધ પણ તોડી નાખે છે. " કૌશલની વાતોમાં ઉંડાં અર્થ જણાય રહ્યા હતાં. અમી સમજી રહી હતી કે કૌશલ કોની વાત કરે છે એટલે તેણે પુછ્યુ " કૌશલભાઈ એક વાત પુછું?.." " હા પુછ.. " કૌશલે જવાબ આપ્યો. અમીએ અચકાતા પુછ્યું " શ..શું.. અમારાં... " અને તે રોકાય ગઈ. એ જોઈ કૌશલે તેને ખાતરી અપાવતાં કહ્યું " પુછી લે જે મનમાં હોય... હું તેનો સાચો જ જવાબ આપીશ અને ગુસ્સે પણ નહીં થવ. " અમીએ ફરીથી કોશિશ કરી " શું અમારાં ગયા પછી તમારાં જીવનમાં નિયતિ.. એટલે કે રેવાદીદીની જગ્યા કોઈ બીજું આવ્યું છે?..." કૌશલ થોડીવાર ચુપ બેસી રહ્યો. કશુંક વિચારવાં લાગ્યો. આ જોઈ અમીએ માની લીધું કે કૌશલની જિંદગીમાં નિયતિ હંમેશા માટે નિકળી ગઈ છે. પણ પછી કૌશલે જવાબ આપતાં કહ્યું " હું જુઠ્ઠું નથી બોલવાં માંગતો!.. જે સમય હું અને રેવા જીવ્યા છે ને એ એટલું સામાન્ય નહતું કે કોઈ બીજું તેની જગ્યા લઈ શકે. તે મારી લાઈફ માંથી ચાલી ગઈ હતી પણ મારાં મનમાં હજું તેની જગ્યા સલામત છે. હજું એ જગ્યા તેનાં માટે જ ખાલી છે. હા મને આશ નથી કે ફરીથી અમેં સાથે હોઈ શકીશું કે નહીં પણ રેવા માત્ર નામ નથી મારાં માટે, એ જીવનની ઉંમ્મીદ છે જે ક્યારેય નહીં છૂટે અને જે દિવસે છૂટશેને એ દિવસ કદાચ મારો છેલ્લો દિવસ હશે. " અમી આ સાંભળી ખુશ થઈ ગઈ અને તેને એક આશ બંધાવા લાગી કે જ્યારે કૌશલ અને રેવા બંને એક જ શહેરમાં છે તો કદાચ નિયતિ ફરીથી કોઈ રમત રમી જાય અને ફરીથી સમયનું પાસુ એવું બદલાય કે બધા પોતાનાં અસલી જીવનમાં ખુશી ખુશી પરત ફરક શકે. અમીએ તો કૌશલ વિશે પુછી લીધું પણ કૌશલે રેવા વિશે એક શબ્દ પણ ના પુછ્યો. કદાચ તે ડરી રહ્યો હતો કે કશું એવું સાંભળવાં ના મળે જેને લીધે તેની બાંધેલી ઉમ્મીદો તૂટી જાય.

બીજી તરફ ધિરજ પોતાના જીવનમાં પાછો તો ફરી ગયો હતો , તેને કોઈ વાતની મુશ્કેલી પણ નહતી નડી. પણ છતાં તેનું મન ઉદાસ હતું. ઘડી ઘડી માત્ર અમીનો વિચાર મન અને મગજમાં ઘૂમી રહ્યો હતો. " ક્યાં હશે અમી અને કેવી હાલતમાં હશે!... તેની પાસે તો ના પૈસા હતા કે ના કપડાં. તે પોતાનાં ઘેર તો પાછી ફરી નથી શકતી કેમકે નિયતિ તેને ઘરમાં આવવા જ નહી દે. અને એક તો એ એટલી ભોળી છે કે કોઈની પણ વાતોમાં આવી જાય. પણ એટલી જીદ્દી છે કે કોઈની મદદ પણ નહીં લે. બે દિવસ ઉપર થઈ ગયું છે તેણે કશું ખાધું - પીધું હશે કે નહીં!.. કેવી રીતે બધું સાચવતી હશે!..... અને... અને તે કોઈ મુશ્કેલીમાં હશે તો?... મને કેવી રીતે ખબર પડશે?.. કોઈ તેની મદદ માટે આવશે કે નહીં?!... અને તેની ઈજ્જત પર કોઈ હાનિ પહોંચાડવાની કોશિશ કરી તો?!... " ધિરજનું મન અશાંત બની અમીની મદદ કરવાં ફલાંગો મારી રહ્યું હતું પણ અમીની કહેલી વાત તેને રોકી રહી હતી. અમીનું તેને પતિ ના માનવું અને તેની મદદ ના લેવાં વાળી વાત તેને સૂરની જેમ ખૂચવાં લાગી હતી. " ના... ના... ના.... અમી ભલે ગમેં તે કહે પણ તે મારી જવાબદારી છે. તે ભલે મને પોતાનું કશું ના માને પણ જાણે - અજાણે સંબંધ તો સ્થપાયો છે ને... તો મારી જવાબદારી બને છે તેનું રક્ષણ કરવાની. હા... મારે તેને શોધવી પડશે અને ઘેર લાવવી પડશે. અને આ વખતે તેની કોઈ જીદ્દ કામ નહીં કરે આખરે તે મારી પત્ની છે!.. તેણે મારી સાથે મારાં ઘરમાં જ રહેવું પડશે."

ધિરજ દોડતો- ભાગતો અમીને શોધવાં નિકળી પડ્યો. અમી માટે તે મહત્વનો નહતો પણ ધિરજ માટે અમી પોતાનાં આત્મસન્માન જેટલી મહત્વ ધરાવવાં લાગી હતી. અણધાર્યું બંધન ધિરજને પતિ બનાવી રહ્યું હતું અને આ સંબંધનાં વણછાંમાં એક લાગણીનો સંબંધ ઉછરી રહ્યો હતો.જે કામ અમી ધિરજની સાથે રહી ના કરી શકી તે જાણે - અજાણે તેનો વિયોગ કરી રહ્યું અને ધિરજને એક જવાબદાર અને સમજદાર વ્યકિત બનાવી રહ્યું.

આ તરફ નિયતિનાં મનનો હાલ પણ બેહાલ થઈ રહ્યો હતો. " આટલાં દિવસ અમી આજ સુધી મારાંથી દૂર નથી રહી. જ્યારથી તે મને મળી છે તેને મેં મારી છાયામાં જ રાખી છે. તે મને દીદી કહે છે.. કેટલું માન સન્માન અને ભરોસો કરે છે. અરે એટલો આંધળો વિશ્વાસ કરે છે કે તે હંમેશાં મારાં જેવી બનવાની કોશિશ કર્યા કરે છે. અને આ બધામાં જો તેનાથી એક ભૂલ થઈ પણ ગઈ તો શું મોટી વાત છે!... ભૂલો તો બધાંથી થાય... મારે અમીની ભૂલ પર આવી રીતે ગુસ્સો કરી તેને ઘરથી દૂર નહતી કરવી જોઈતી. પણ હવે હું કેવી રીતે તેનો સામનો કરીશ!.. શું કહીશ તેને કે જે દીદીને તે પોતાની માં સમાન માનતી હતી તેનાથી જ આટલી મોટી ભૂલ થઈ ગઈ!... પણ જે હોય તે મારે ધિરજનાં ઘેર જવું પડશે. અમીની માફી માંગવી પડશે. " નિયતિ પણ પોતાનાં ઘેરથી જલદી જલદીમાં ધિરજનાં ઘેર જવાં નિકળી ગઈ.

પણ શું થશે જ્યારે આ બધી વાત ગૂંચવાશે અને અમીની શોધ ચાલું થશે?!...



ક્રમશઃ