સમાંતર - ભાગ - ૨૫ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૨૫

સમાંતર ભાગ - ૨૫

આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' ચોથા દિવસે ઝલક અને નૈનેશ મોલમાં મળી જાય છે. નૈનેશની એ આખી રાત એની અને ઝલકની એ મુલાકાતની યાદમાં જાય છે જેમાં એનાથી એક ભૂલ થઈ ગઈ હતી અને જે એમના સાત દિવસ દૂર રહેવાના નિર્ણય માટે કારણભૂત બની. વહેલી સવારે આખરે એ થાકીને થોડું ઊંઘવાનું નક્કી કરે છે હવે આગળ...

*****

નૈનેશની આંખ ખૂલે છે ત્યારે સવારના નવ વાગી ગયા હોય છે. પથારીમાંથી ઉઠતા એને ભાર લાગતો હોય છે ને એવામાં નમ્રતા રૂમમાં આવે છે. નૈનેશને જાગેલો જોઈને એ બોલે છે, "કેવી છે તારી તબિયત.? સવારે તને ઉઠાડવા માટે તારો હાથ પકડ્યો ત્યારે તને તાવ હતો અને કેટલું ઉઠાડવા છતાં તું ઊંઘતો જ રહ્યો એવી ભર ઊંઘમાં હતો."

"નથી ઠીક લાગતી, પણ ઑફિસ તો જવું પડશે બાર વાગે એક જરૂરી મિટિંગ છે તો." એ આજની મિટિંગ કેન્સલ કરી શકે એમ હતો તો પણ તૈયાર થવામાં લાગી જાય છે. રોજ ઑફિસ જવા માટે ઉતાવળ કરતા નૈનેશને આજે જરાય મન નહતું થતું ઑફિસ જવાનું તોય વિચારોના વમળમાંથી નીકળવા એ ઑફિસ જવાનું નક્કી કરે છે. માનસિક થાક અને તાવના લીધે એ આજે એકદમ શાંતિથી તૈયાર થાય છે અને અગિયાર વાગે ઑફિસ જવા નીકળે છે.

ક્લાયન્ટ સાથે નિર્ધારિત સમયે મિટિંગ પતાવીને નૈનેશ એના બીજા કામો પર ધ્યાન આપે છે ને રોજના સમયે જમીને એ ફેસબુક ખોલે છે. એને તીવ્ર ઈચ્છા થઈ આવે છે એની અને ઝલકની જુની ચેટ વાંચવાની પણ પછી એ પોતાને રોકી લે છે અને આજના દિવસ પૂરતું એ એના અને ઝલકના વિચારોને વિરામ આપવાનું નક્કી કરે છે. અપૂરતી ઊંઘ અને તાવના લીધે એને બેચેની વધી રહી હોય છે એટલે એ સ્ટાફને કામ સમજાવીને પાંચ વાગે જ ઘરે જવા નીકળી જાય છે.

ઘરે જઈને એ સીધો પથારીમાં જ પડે છે. કયાંય સુધી ઊંઘવા માટે મહેનત કર્યા પછી આખરે એ સફળ થાય છે અને સીધો જમવાના સમયે જ નીચે આવે છે. થોડો સમય પરિવાર જોડે વીતાવ્યા પછી એ પાછો રૂમમાં જતો રહે છે. આંખોમાં સખત ઊંઘ ભરી હોવા છતાં એ મિચાવાનું નામ નથી લેતી એટલે નૈનેશ સખત બેચેની અનુભવતો હોય છે અને ઊંઘની દવા લેવાનું નક્કી કરે છે. હજી એ દવા કાઢીને લેતો જ હોય છે અને નમ્રતા રૂમમાં આવે છે.

"કાલે ડૉકટરને બતાવી આવીએ નૈનેશ.! કેટલાય દિવસથી તારી તબિયત બરાબર નથી લાગતી. પ્રેશર પણ ચેક નથી કરાવ્યું ઘણા સમયથી, વધી તો નહીં ગયું હોયને, તને માથું દુખે છે તો.! ડૉક્ટરને કહીશું એવું હોય તો દવા બદલી નાખે." બેડમાં નૈનેશની બાજુમાં બેસતાં ચિંતીત સ્વરે નમ્રતા બોલી..

"ના નમુ, ઊંઘ પૂરી નથી થતી એટલે કદાચ.. અને જોને આજે તો ઝીણા તાવ જેવું પણ છે." નૈનેશે કહ્યું...

"શું વાત છે નૈનેશ.? તું આટલો બેચેન કેમ લાગે છે.? કોઈ ટેન્શન તો નથી ને જેના લીધે તું ઊંઘી ના શકતો હોય.!? નમ્રતાએ પૂછ્યું...

"સાચુ કહું નમુ, છે તો ખરું થોડું ટેન્શન, પણ.. નૈનેશે વાક્ય અધૂરું છોડ્યું...

"શું..??" ધબકતા હૈયે નમ્રતાએ પૂછ્યું...

"યાદ છે નમુ તને આપણા લગનના થોડો સમય પછીની વાત.!? એ દિવસે હું કામથી થાકીને આવ્યો હતો. ઑફિસમાં મારા બોસ જોડે મારે ચડભડ થઈ હતી અને હું નોકરી છોડીને આવી ગયો હતો. ભવિષ્યની ચિંતાના લીધે હું બેચેન હતો ને મારું માથું દુઃખતું હતું. મને શાંતિથી સાંભળ્યા પછી તું એક વાડકીમાં તેલ ગરમ કરીને લઈ આવી અને હળવા હાથે માથામાં ચંપી કરી આપી હતી.!" નમ્રતાના ખોળામાં માથું મૂકતા નૈનેશ બોલ્યો...

"કેવી રીતે ભૂલાય.! હું અને તું માંથી આપણે થવાની એ પળ હતી. લગનની પહેલી રાતથી તેં મિત્ર બનીને મને સાથ આપ્યો હતો. એક મહિના જેવું થઈ ગયું હતું આપણા લગનને પણ મારા સંકોચ અને ડરને કારણે આપણું મિલન નહતું થયું. અને એ સમયે મારો વારો હતો તારા મિત્ર બનવાનો, તને સાથ આપવાનો." નૈનેશના વાળમાં હળવેથી પોતાની મૃદુ આંગળીઓ ફેરવતા નમ્રતા બોલી...

"હા અને આટલા વર્ષો તેં અદ્ભુત સાથ આપ્યો છે મને." નમ્રતાનો હાથ પોતાના હાથમાં લઈને ચૂમતા નૈનેશ બોલ્યો...

"હમમ... પણ હું તારી ખાસ મિત્ર ના બની શકીને.!?" નિસાસો નાખતા નમ્રતા બોલી...

નૈનેશ લગભગ ચોંકી ઉઠ્યો નમ્રતાની વાત પર. એના મનમાં વિચાર આવી ગયો શું નમ્રતા ઝલક અને મારી મિત્રતા વિશે જાણતી હશે.! આમ તો નમ્રતાને ખબર છે મને ફેસબુક પર ઓનલાઇન મિત્ર બનાવવાનો શોખ છે પણ ઝલક જોડેની મારી મિત્રતા સામાન્યથી વિશેષ છે. શું આને જ પ્લેટોનિક લવ કહેતા હશે.? શું આને મૈત્રીનો ઉત્કૃષ્ટ પડાવ ના કહેવાય.!? આધ્યાત્મિક કહો કે પ્લેટોનિક, પણ શું આ કક્ષાની મૈત્રીને પ્રેમનું નામ આપવું જરૂરી છે.?

"સાચી વાત છે ને નૈનેશ મારી.?" નમ્રતાના આ પ્રશ્નથી નૈનેશ તંદ્રામાંથી તો બહાર આવ્યો પણ હજી વિચારોમાં જ હતો એટલે એણે સામે પૂછ્યું "શું.?"

"એજ કે હું તારી ખાસ મિત્ર ના બની શકીને.?" નમ્રતાએ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું...

"એમ તો હું પણ ક્યાં તારો એવો ખાસ મિત્ર બની શક્યો છું.!? કદાચ સંબંધોમાં એક મર્યાદામાં જ મિત્રતા થતી હશે, પછી એ માતા પિતા સાથે સંતાનોનો હોય કે પતિ પત્નીનો એકબીજા સાથે... કારણ કે દરેક સંબંધની એક અલગ માંગ, અલગ જરૂરિયાત અને અલગ જવાબદારી હોય છે જેના લીધે કદાચ મિત્રતા એક હદમાં બંધાઈ જતી હશે. પણ એનો અર્થ એ જરાય ના થાય કે એ સંબંધ ઉણો ઊતર્યો કે એમાં કોઈ કચાશ રહી ગઈ. એ એની જગ્યાએ ગરિમાપૂર્ણ સ્થાને જ હોય.!" ચુમવા માટે પકડેલો નમ્રતાનો હાથ હજી પણ નૈનેશના હાથમાં જ હતો જેને એણે પોતાની છાતી પર સહેજ ડાબી બાજુ જ્યાં એનું હૃદય આવે બરાબર એજ જગ્યાએ મુક્યો...

નમ્રતાને જવાબ આપતા આપતા નૈનેશના મનના વાદળો ખસતા જતાં હતાં. નમ્રતાને સાચો જવાબ આપવાનું ટાળવા એણે જે જુની યાદોનો સહારો લીધો હતો એણે અજાણતા જ નૈનેશના મનની એક મોટી શંકાનું સમાધાન કરી દીધું હતું. હવે એ ચોક્કસ હતો કે ઝલકને કિસ કરીને એણે મોટી ભૂલ ભલે કરી હતી પણ એના મનમાં નિર્મળ મૈત્રી સિવાય બીજો કોઈ ભાવ નહતો. એક અદ્ભુત વ્યક્તિત્વ અને ખાસ મિત્રને પહેલી વાર મળીને થયેલો લાગણીનો એક એવો વહાવ જેમાં એ પોતાની જાણબહાર જ વધુ વહી ગયો હતો.

થોડી વાર એજ સ્થિતિમાં રહ્યા પાછી નમ્રતાએ નીચા વળીને નૈનેશના કપાળે ચુંબન કર્યું.

"હવે તું મને માથામાં તેલ નાખી આપીશ તો હું ઊંઘી જાઉં.!?" ખડખડાટ હસતાં નૈનેશ બોલ્યો...

એકદમ આશ્ચર્યથી નમ્રતાએ નૈનેશની સામુ જોયું અને પૂછ્યું, "શું આ બધું માથામાં તેલ નાખવા માટે હતું.!?"

"હા... તો..!? કેટલા દિવસ થયા હશે તેં મને માથામાં તેલ નથી નાખી આપ્યું. આમને આમ હું ટકલો થઈ જઈશ તો મને કોઈ નવી ગર્લ ફ્રેન્ડ નહીં મળે. તને તો કોઈ ચિંતા જ નથી મારી ખુશીની પણ મારે તો કંઇક વિચારવું પડેને.!?" હજી નમ્રતાના ખોળામાં આડા પડ્યા પડ્યા જ નૈનેશ ખડખડાટ હસતાં બોલી રહ્યો હતો...

એક ઝાટકે નૈનેશનું માથું ખોળામાંથી ખસેડતા નમ્રતા બોલી, "ક્યારનો મને ચિંતામાં નાખે છે.! થયું, શું વાત હશે તો આ જૂની વાતોને આમ અચાનક આવા સમયે યાદ કરે છે.!? હું ક્યાંક ઓછી કે પાછી તો નહીં પડી હોઉં ને.!?"

નમ્રતાની કાળી મોટી આંખોમાં પાણી ભરાઈ આવ્યા હતાં એ જોઈને નૈનેશ ઊભો થયો. એણે નમ્રતાને આલિંગનમાં લીધી અને કહ્યું, "પુરુષ સહજ નબળાઈથી ક્યારેય કદાચ હું કોઈનાથી આકર્ષિત થાઉં તો એનો મતલબ એમ ના હોય કે તું ઓછી કે પાછી પડી હોય.! તું જ છે જેણે મારા જીવનને વ્યવસ્થિત રાખ્યું છે. હા એ વાત અલગ છે કે તું મારા દેખાવની ઈર્ષા કરે છે એટલે હવે મારા માથામાં તેલ નાખીને ચંપી નથી કરી આપતી, પણ તું મને અંડરએસ્ટીમેટ કરે છે. જો હું સંપૂર્ણ ટકલું થઈ જઈશને તો પણ મારો ચાર્મ એવો જ રહેશે. સમજી ડિયર..!!"

"જા ને હવે, દુનિયાની કોઈ સ્ત્રીમાં એટલી હિંમત નથી કે તારા જેવી નૌટંકીને સાચવી શકે." નૈનેશને ધક્કો મારતા નમ્રતા બોલી. એની આંખમાં આવેલા ચિંતાના આંસુઓએ હવે ખુશીના આંસુનું સ્થાન લીધું હતું, એ હવે નીચે તેલ ગરમ કરવા ગઈ.

અને નૈનેશ એના રૂમની બારીના કાચમાં, ધોધમાર વરસતા વરસાદના પાણીના એકધારા પ્રવાહને જોઈ રહ્યો...

"ધુમ્મસ વિખરાયું છે મનનું થોડું, હળવે હળવે,

સરક્યું છે હવે કોઈ વધુ નજીક, હળવે હળવે.
પ્રયત્ન કરીશ પૂરતા, નિર્મળ ભાવ સમજાવવા,
પડદો એની આંખોનો પણ ખસશે, હળવે હળવે.
શું દેખાશે એને પણ પારદર્શિતા મારા હૃદયની.!?
કે સમય કોઈ એનો ખેલ ખેલશે, હળવે હળવે.!?"

*****

પ્રોજેક્ટ કેફેમાં છૂટા પડ્યા પછી ઝલક અને નૈનેશના મનમાં શું ગડમથલ ચાલી હશે.?

સાત દિવસ માટે 'નો મેસેજ નો કોલ' નો વિચાર નૈનેશે મૂક્યો હતો કે ઝલકે.?

આ સાત દિવસ એકબીજાથી કોઈ પણ રીતે જોડાયેલા ના રહીને એ લોકો શું નિર્ણય લેવા માંગતા હતાં.?

આ બધા પ્રશ્નોના જવાબ જાણવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

*****

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ