Samantar - 5 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૫

સમાંતર ભાગ - ૫

આગળના ભાગમાં આપણે ઝલક અને એના પરિવારનો પરિચય કેળવ્યો જેથી આગળ જતા એની મનોસ્થિતિ સમજી શકાય. એના બાળપણથી માંડીને રાજ જોડે સગાઈ સુધીની ઘટનાથી આપણે વાકેફ થયા. અને અંતમાં પાછા વર્તમાનમાં આવ્યા જ્યાં બેચેન ઝલક ફોટાના આલ્બમ લઈને બાલ્કનીમાં જઈને બેસે છે. હવે આગળ...

*****

"થાય છે એક ડૂબકી લગાવી આવું યાદોના સાગરમાં,
ને વીણી આવું એ મોતી જે પડ્યા છે સ્મૃતિના તટમાં.!
કંઈ કેટલું સંગ્રહીને શાંત બેઠો છે અહીં જે સાગરતટ,
થાય છે એને હિલોળી ઝંઝોળી આવું હું ક્ષણભરમાં.!"

ઑગસ્ટ મહિનો હોવાથી વાતાવરણમાં થોડો બફારો હોય છે, તો પણ ખુલ્લી હવામાં ઝલકને થોડું સારું લાગે છે. એને હંમેશા ખુલ્લી હવામાં બેસવું ગમતું હતું.! કોઈ મોંઘી કોફી શોપમાં જઈને કોફી પીવા કરતા એ રોડ ઉપર આવેલા કોઈ ખુલ્લા નાના કેફેમાં જઈને કોફી પીવાનું પસંદ કરતી. ઘણી વાર રજાના દિવસે એ રાજને અહીંયા બાલ્કનીમાં બેસીને જ સવારની ચા પીવાનો આગ્રહ કરતી અને એ દિવસે રાજને કંપની આપવા એ પણ કોફીની જગ્યાએ ચા પી લેતી.

કબાટમાંથી લાવેલા આલ્બમમાંથી ઝલક એક આલ્બમ હાથમાં લે છે અને ફોટા જોવાનું ચાલુ કરે છે. રાજને હંમેશાથી ફોટા પાડવાનો ખૂબ જ શોખ હતો. એમનું નક્કી થયું ત્યારથી લઈને આજની તારીખમાં રાજે ઢગલા બંધ ફોટા પાડ્યા હતા. જોકે હવે તો એ મોબાઈલમાં જ ફોટા પાડી લેતો, પણ એ જમાનામાં જ્યારે કેમેરો હોવો એક જાહોજલાલી કહેવાતી ત્યારે રાજ જોડે પોતાની બચતમાંથી લીધેલો કેમેરો હતો જેનાથી ઘણાબધા ફોટા પાડ્યા હતા એણે ઝલકના.!

આલ્બમ ખોલતા જ પહેલો ફોટો એમની સગાઈનો આવે છે. એની આંગળીઓ આપોઆપ જ રાજના ફોટા ઉપર ફરે છે. એકદમ સોહામણો અને ઠાવકો લાગતો 24 વર્ષની ઉંમરમાં પણ રાજ.! એને યાદ છે કેવા એના સગા અને સહેલી બધા જ એના નસીબના વખાણ કરતા હતા. એક પછી એક એ ફોટા ફેરવતી જાય છે અને અચાનક એક ફોટા પર રોકાઈ જાય છે. બંને હાથ પહોળા કરીને વરસાદને જાણે પોતાનામાં સમાવવા ઉત્સુક હોય એવો એનો ફોટો.

ઝલક બહાર નજર કરે છે તો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હોય છે ને એની માટીની સુગંધ ઝલકને ફરી એજ સમયમાં ખેંચી જાય છે જ્યારે રાજે આ ફોટો પાડ્યો હતો. સગાઈ અને લગ્નનો વચ્ચેનો ગાળો હતો એ.. એમની જિંદગીનો સોનેરી સમય જ કહો..!! જ્યારે એકબીજાને જાણવાની અને પામવાની ઉત્સુકતા ચરમસીમા પર હતી અને ઑગસ્ટ મહિનાની આવી જ એક મેઘલી સાંજ હતી.

"મેઘલો ફરી યાદ કરાવી રહ્યો હતો એ રાત,
જ્યારે ખીલી હતી લાગણીઓની એ વાત."

રવિવારનો દિવસ હોવાથી રાજ અને ઝલક સાંજે પાંચ વાગ્યાથી જ સાથે હતા. બધા મિત્રો જોડે મુવીનો પ્રોગ્રામ પતાવીને રાજ ઝલકને ઘરે મૂકવા જઈ રહ્યો હતો અને ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. બંને જણ એનાથી બચવા એક બિલ્ડિંગ નીચે જઈને ઊભા રહે છે. રાજ જોઈ રહ્યો હોય છે કે વાત કરતા કરતા પણ ઝલકનું ધ્યાન વરસાદ ઉપર જ હોય છે અને ઝલક અચાનક જ બહાર ખુલ્લામાં દોડી જાય છે. બંને હાથ ફેલાવીને વરસાદનું સ્વાગત કરતી, એને માણતી ઝલકને પહેલા તો રાજ અપલક જોયા જ કરે છે પણ પછી યાદ આવતા એની બેગમાં પડેલો કેમેરો કાઢીને ઝલકની જાણ બહાર એનો ફોટો પાડી લે છે ને જાણે કંઈ ના બન્યું હોય એમ ઊભો રહી જાય છે.

ઝલકની નજર પોતાને અપલક નિહાળતા રાજ જોડે મળે છે, એ સંકોચાઈ જાય છે અને પછી મસ્તી સૂઝતા એ રાજને હાથ પકડીને પલળવા ખેંચી લાવે છે. એ હજી પણ પોતાની મસ્તીમાં જ ભીંજાતી હોય છે, એના કપડાં ભીના થઈને એના અંગને ચોંટી ગયા હોય છે અને એમાંથી એના કમનીય વળાંકો ઉભરી રહ્યા હોય છે. રાજનો હાથ હજી પણ ઝલકના હાથમાં જ હોય છે ને એ બસ ઝકલને જોયા જ કરે છે. માટીની ભીની ભીની મહેંક, એકદમ નશીલું વાતાવરણ ને ઉપરથી ઝલકનું મદહોશ કરી દેતું રૂપ રાજને બહેકાવવા માટે પૂરતું હતું. બે ઘડી ભાન ભૂલી એ ઝલકનો ચહેરો એની બે હથેળીમાં સમાવીને એના હોઠ પર ચુંબન કરવા જતો જ હોય છે ને એની અને ઝલકની નજર એક થાય છે. ઝલકને કોઈ ચંચળ હરણીની જેમ ગભરાયેલી જોઈને રાજને પોતાની ઉતાવળ સમજાય છે અને એ પોતાનો વિચાર બદલીને ઝલકના કપાળે એક હળવું ચુંબન કરે છે. ઝલકની આંખો તરત જ સંતોષ સાથે સ્મિત કરી ઉઠે છે. અને કદાચ એ દિવસથી જ મા બાપે ગોઠવેલા સગપણમાં પ્રેમ નામના એહસાસે પ્રવેશ કર્યો હતો.

"વરસી રહ્યો છે મેઘ કે વરસી રહ્યા છે જાણે અરમાન..
જગાડી પ્રેમના તરંગ હૈયાને આંદોલિત કરી રહ્યો આ વરસાદ.!"

એ પછી લગન સુધીના દિવસો તો જાણે પાંખો લગાવીને ઉડતા હતા. ઝલકના આણાની ખરીદી, પહેરામણીની તૈયારી, આમંત્રિતોની યાદી, જમણવારનું મેનુ કેટકેટલા કામ અને ઉપરથી રૂપિયાની વ્યવસ્થા એ સૌથી મોટું ટેન્શન. ઘરમાં પહેલું લગન હતું એટલે બધાની ઈચ્છા ધામધૂમથી જ કરવાની હતી. વિદિતભાઈ બધેથી જોડ તોડ કરીને વ્યવસ્થા કરવામાં પડ્યા હતા પણ હજી સામે નિત્યા અને પાર્શ્વના ભવિષ્યનો પણ સવાલ હતો.

રાજ અને એનો પરિવાર વિદિતભાઈની પરિસ્થિતિથી અજાણ જ રહ્યો હોત જો એક રાતે રાજ અચાનક જ રાજ એમના ઘરે ના પહોંચ્યો હોત. આમ તો રોજ રાતે ફર્યા પછી રાજ નીચેથી જ ઝલકને ઉતારીને જતો રહેતો પણ એ દિવસે વહેલા હોવાથી રાજને બધાને મળવાની ઈચ્છા થઈ અને એ ઝલક જોડે એના ઘરે ગયો. હજી દરવાજા પર પહોંચ્યા જ હોય છે અને એના કાને વિદિતભાઈનો ચિંતાતુર સ્વર પડે છે. એ ઝલકને હાથ પકડીને અંદર જતા રોકી લે છે અને દરવાજા પર જ રોકાઈ જાય છે. વિદિતભાઈ લગ્નમાં થવાનો ખર્ચ અને અત્યાર સુધી કરેલી બચતનો અંદાજિત હિસાબ ઘરવાળાને કહી રહ્યા હોય છે. એ વાતનો એક જ સૂર નીકળતો હોય છે કે એમની બધી બચત આ લગ્નમાં ખર્ચાઈ જશે અને આગળ જતાં નિત્યા અને પાર્શ્વના ભવિષ્યનો પ્રશ્ન ઊભો જ રહેશે. એણે બધું સાંભળી લીધું છે એ વાત રાજ ઝલકને ઘરમાં જણાવવાની ના પાડે છે અને ત્યાંથી જ પાછો વળી જાય છે.

ઝલકની એ આખી રાત વિચારોમાં અને પપ્પાની ચિંતામાં રડતા રડતા નીકળે છે. વહેલી સવારે હજી તો બધા ચા નાસ્તો કરવા ટેબલ પર બેઠા જ હોય છે ને ફોનની રીંગ વાગે છે. વિદિતભાઈ ફોન ઉપાડે છે તો સામે રાજના પપ્પા અશોકભાઈ હોય છે. વાત કરતા કરતા વિદિતભાઈના ચેહરા પર ઘણા ભાવ બદલાતા જાય છે. બધાનું ધ્યાન એમની વાતમાં જ હોય છે અને બધા પોતપોતાની રીતે એનો તાગ મેળવવા પ્રયત્ન કરતા હોય છે ત્યાં જ ફોન પતે છે.

ફોન મુક્યા પછી પહેલા તો વિદિતભાઈ રીતસરના રડી પડે છે, એ જોઈ ભાવનાબેન એકદમ ગભરાઈ જાય છે અને પાણી લઈને આવે છે. પાણી પીધા પછી એ થોડા સ્વસ્થ થાય છે અને કહે છે કે રાજ અને એના પરિવારનો આગ્રહ છે કે એકદમ સાદાઈથી, ખાલી નજીકના પરિવારની હાજરીમાં જ લગન થાય. અને વારંવાર કહ્યા છતાં પણ વેવાઈ એમની વાત પર અડગ હતા તો એમની વાતમાં પણ સંમતિ દર્શાવ્યા સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. ઝલક સમજી નથી શકતી કે આ એક મધ્યમ વર્ગીય બાપની પૈસાની સગવડ ના કરી શકવાની અસહાયતાના આંસુ છે કે એક પરિવારના અરમાન અધૂરા રહી જશે એના આંસુ છે. પણ એ ચોક્કસ ખુશ હતી રાજના આ નિર્ણયથી અને એ લેવા પાછળના કારણથી..!! એના હૃદયમાં રાજ માટેનો પ્રેમ અને માન વધી જાય છે.

"અસહાય પિતા હતા કે એમના અરમાનો હતા.!
આ તો માત્ર લોકોના લગાવેલા અનુમાનો હતા.
અકારણ કાંઈજ નથી થતું કોઈના પણ જીવનમાં,
કિસ્મતની લકીરોમાં જ ક્યાંક છૂપાયેલા એ કારણો હતા."

*****
રાજ અને ઝલકની આવી સુંદર રીતે ચાલુ થયેલી જીવન સફરમાં આગળ શું થાય છે?
અને નૈનેશ એ સાગરમાં ક્યાંથી જોડાય છે?
જાણવા માટે વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

તમને મારી બીજી વાર્તા પ્રેમની પેલે પાર ભાગ ૧ - ૨૧ જે મેં મારી સખીઓ જોડે મળીને લખી છે અને એના સિવાય પુલવામા એટેક ઉપર આધારિત એક કાલ્પનિક વાર્તા જે મારા મિત્ર રોહિત પ્રજાપતિના સાથે મળીને લખી છે અને એમના એકાઉન્ટ જિદ્દી બાળક... Rohit માં છે એ પણ ગમશે. વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

શેફાલી શાહ

જય જીનેન્દ્ર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED