સમાંતર - ભાગ - ૨ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

 • મમતા - ભાગ 47 - 48

  મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું...

 • અગ્નિસંસ્કાર - 97

  વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો. " અગર બતાના હિ...

 • ગોવા જવાનું આયોજન

  ત્રણ મિત્રો હતા તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી ગોવા જવા...

 • એક ષડયંત્ર.... - ભાગ 48

  (સિયા તેના પપ્પાને આશ્વસાન આપે છે કે તે સાવચેત રહેશે અને કંઈ...

શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૨

સમાંતર ભાગ - ૨

આગળના ભાગમાં આપણે જોયું કે અમદાવાદના શીલજ જેવા પોશ એરિયામાં રહેતો નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે. આ વ્યગ્રતાની સ્થિતિમાં એ ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. હવે આગળ..

*****

જાણે કોઈ તીવ્રતાથી યાદ કરતું હોય એમ અચાનક ઝલક ભર ઊંઘમાંથી જાગી જાય છે. એનું મન સખત બેચેનીથી ભરાઈ ગયું હોય છે. કપાળ પર પરસેવો અને હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં થોડા ફાસ્ટ થઈ ગયા છે. મોબાઈલ હાથમાં લઈને એ સમય જોવે છે તો રાતના અઢી વાગ્યા હોય છે. આજે સળંગ બીજી રાત છે જેમાં એની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ છે. સતત ચાલતા વિચારો અને ઊંઘવા માટે લીધેલી દવાની અસર એના મગજ ઉપર હાવી થઈ રહી હોય છે. તેને માથામાં સખત સણકા વાગતા હોય એવું લાગે છે.

"એના મનની વ્યગ્રતા ક્યાંથી અહીં આવી ચડી.!?
મનને વિહ્વળ બનાવી યાદોની તીવ્રતા ઘેરાવે ચડી.!
કેટ કેટલું રોકુ હું મનને, દૂર રાખું એનાથી જીવનને,
તોય કબજો જમાવી રુહ પર યાદ એની ઘેરી વળી."

ઝલક ધીમે રહીને ઉભી થાય છે, રાજનું ઓઢવાનું સરખું કરે છે. બાથરૂમમાં જઈને આંખોમાં પાણી છાંટે છે. બાજુમાં જ લટકાવેલો નેપકીન લઈને ફેસ લૂછતી હોય છે અને એની નજર સામે લગાવેલા અરીસામાં પડે છે. એના મનનાં વિચારોનું પ્રતિબિંબ પડતું હોય એમ અચાનક જ એના મનમાં ચિત્રા સિંહનું ગાયેલું એક ગીત આવી જાય છે...

" क्यों ज़िन्दगी की राह में मजबूर हो गए
इतने हुए करीब कि हम दूर हो गए... "

એની અત્યારની પરિસ્થિતિ સાથે આ ગીત કેટલું મેચ કરે છે એમ વિચારતા એ ડ્રેસિંગ ટેબલ તરફ જાય છે. નીચેના ખાનામાંથી સહેજ પણ અવાજ ના થાય એમ બામ કાઢીને કપાળે ઘસે છે અને પાછી પથારીમાં જઈને ઊંઘવા માટે પ્રયત્ન કરે છે.

***

ઝલક શાહ... 47 વર્ષીય ઝલક દેખાવમાં સાધારણ કરતા વધુ સુંદર, લંબગોળ ચહેરો, વચ્ચે વચ્ચે ડોકાચિયા કરતા થોડા સફેદ વાળને છોડીને આ ઉંમરે પણ કાળા લાંબા વાળ, નાક નકશો આમ તો આકર્ષક, હસે ત્યારે ડાબા ગાલમાં પડતા ખંજન, સુડોળ દેહ, સપ્રમાણ ઊંચાઈ અને આ બધું ભેગુ મળીને ભીડમાં પણ સહેજ અલગ તરી આવતું વ્યક્તિત્વ એટલે ઝલક. આતો થઈ બહારી સુંદરતાની વાત, પણ એનું હૈયું પણ એવું જ સુંદર. કોઈને પણ મદદ કરવા હંમેશા તત્પર, ઓછા બોલી તોય મૃદુભાષી ને હસમુખી જેના લીધે એ સરળતાથી બધાના દિલમાં જગ્યા બનાવી લેતી.

અમદાવાદના હૃદય જેવા ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલા ત્રણ બેડ રૂમના ફ્લેટમાં ઝલક એના પરિવાર જોડે સુખી જીવન જીવે છે. એના કરતાં ત્રણેક વર્ષ મોટો એનો પતિ રાજ એક બેંકમાં મેનેજર છે. એક 25 વર્ષનો દીકરો છે, દેવ... એ પણ MBA કરીને મોટી ફાર્મા કંપનીમાં એક વર્ષથી જોબ કરે છે. એના સાસુ સસરા એકદમ ધાર્મિક અને ચુસ્ત જૈન છે. રોજ એક ચોક્કસ સમયે દેરાસર જવું અને ઓછામાં ઓછો કલાક જેવો સમય દેરાસરમાં પૂજા અને બીજી ધાર્મિક ક્રિયામાં કાઢવો એ એમનો નિત્યક્રમ છે. ઘરના બાકીના સભ્યો પોતપોતાના સમયે દેરાસર જઈ આવતા, પણ ક્યારેય કોઈ સભ્ય ઉપર ધર્મ બાબતે દબાણ નહતું. ધર્મના અમુક સંસ્કાર તો ગળથૂથીમાંથી મળ્યા જ હોય પણ ઝલકનાં સાસુ સસરા સિવાય બધા જ અમુક દિવસને બાદ કરતાં કાંદા, લસણ અને બીજા કંદમૂળ ખાતા. એક રીતે કહીએ તો આધુનિકતા અને રૂઢિનું અનોખું મિશ્રણ હતું એમના પરિવારમાં.

***

ઝલકનો જન્મ ખૂબ સામાન્ય પરિવારમાં થયો હતો. પપ્પા, વિદિત શાહ એક કંપનીમાં એકાઉન્ટન્ટ હતા અને મમ્મી, ભાવના શાહ એકદમ સાદી ગૃહિણી. ઝલકના જન્મના બે વર્ષમાં જ એના ઘરે એક નવા સભ્યનો ઉમેરો થઈ ગયો હતો, નિત્યાનો.. આખા ઘરમાં નિત્યાના જન્મની સૌથી વધુ ખુશી ઝલકને થઈ હતી. દાદા દાદી અને મમ્મી પપ્પાની ઈચ્છા એક દીકરાની હતી એટલે દીકરીના જન્મથી એ લોકો થોડા સમય માટે નિરાશ થઈ ગયા હતા. પણ.. નાનકડી, ભૂરી આંખો, ગોરો વાન અને વાંકડિયા વાળ ધરાવતી નિત્યાએ જન્મના થોડા જ કલાકોમાં બધાના મન મોહી લીધા હતા. એના મમ્મી પપ્પા હંમેશા યાદ કરતા કે કેવી રીતે ઝલક એની નાનકુડીને જોઇને આભી જ બની ગઈ હતી. જ્યારે એને પહેલી વાર અબૂધ ઝલકના ખોળામાં મૂકવામાં આવી ત્યારે એ નિત્યાના નાના હાથ પગ, આંગળી અને એના ચેહરાને અપલક જોતી જ રહી હતી. નિત્યા પણ એની બહેનનો સ્પર્શ ઓળખી ગઈ હોય એમ મીઠું મલકી હતી અને એ સાથે જ ઝલકને એટલું બધું વ્હાલ ઉભરાઈ આવ્યું હતું કે તરત એણે નિત્યાને ચૂમી લીધી હતી. એ દિવસથી આજ સુધી નિત્યા ફક્ત એની નાની બહેન જ નહીં પણ એક અંતરંગ સહેલી બનીને રહી છે.

ઝલક પાંચ વર્ષની હતી જ્યારે એના ભાઈ પાર્શ્વનો જન્મ થયો. પાર્શ્વના જન્મથી બધા ખુશખુશાલ થઈ ગયા હતા. ઝલક આ ખુશીને થોડી સમજી શકી હતી કારણ કે એ એક વાર એના મમ્મી પપ્પાને વાત કરતાં સાંભળી ગઈ હતી કે આ વખતે છોકરો જન્મે તો સારું. એ દિવસથી એ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે આ વખતે એને ભાઈ જ આવે.

પાર્શ્વના જન્મ સમયે એ એના દાદા જોડે ઘરે જ હતી. એ વખતે ફોનની એટલી સગવડ નહતી એટલે જ્યારે એના કાકા, એના ભાઈના જન્મના સમાચાર લઈને ઘરે આવ્યા તરત જ એ દોડતી દોડતી ભગવાનના ફોટા સામે ગઈ અને આંખ બંધ કરીને ઊભી રહી હતી. દાદાને એના આમ ભાગવાથી થોડું આશ્ચર્ય થયું હતું એટલે તરત એમણે આમ કરવાનું કારણ પૂછ્યું. નાનકડી ઝલક એકદમ નિર્દોષ ભાવે જ્યારે બોલી કે ભગવાને એની ભાઈ મોકલવાની પ્રાર્થના સ્વીકારી તો એ એમનો આભાર માનવા ગઈ હતી,તો તરત જ દાદા એની આ બાળસહજ નિર્દોષતા ઉપર ખુશ થઈ ગયા અને એને પોતાના આશ્લેષમાં લઈ લીધી હતી. ઝલકને એના બાળપણની આ બધી વાતો મમ્મી પપ્પા અને દાદા દાદી પાસેથી વારંવાર સાંભળવી ગમતી અને એ સાથે એ બાળપણમાં લટાર પણ મારી આવતી.

પાર્શ્વના જન્મ પછી એકબાજુ મમ્મી ઉપર કામની જવાબદારી વધી ગઈ હતી, ત્રણ બાળક સંભાળવા ને જોડે જોડે ઘરનું કામ. તો બીજી બાજુ પપ્પા ઉપર પણ આર્થિક બોજ પણ વધી ગયો હતો અને એને પહોંચી વળવા એમણે બીજું પણ કામ હાથમાં લીધું હતું, જે એ સાંજે ઘરે આવીને કરતા. મમ્મી પપ્પા અને દાદા દાદી હંમેશા ત્રણેય બાળકોને સમભાગે બધું વહેંચવાનો પ્રયત્ન કરતા, તો પણ હવે બધાનો સમય અને પ્રેમ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો હતો.

ઝલક ત્રણેય ભાઈ બહેનમાં સૌથી મોટી હતી તો ઘણી વાર એવું બનતું કે એના ભાગે જતું કરવાનું આવતું. એ સમજતી હતી પરિસ્થિતિ, તોય હૃદયના એક ખૂણે એક બાળ સહજ અફસોસ ઝળકી જતો ક્યારેક.! અને આજ કારણ હતુ કે દેવના જન્મ પછી રાજને એક દીકરીની ઈચ્છા હોવા છતાં ઝલકે, "બીજો પણ દીકરો જ આવશે તો.!?" જેવા બહાના આપીને બીજું બાળક ટાળ્યું હતું. જોકે દેવ વખતે ઝલકને ઘણા કોમ્પ્લીકેશન્સ થયા હતા એટલે રાજે પણ સમજીને આગ્રહ કરવાનું ટાળ્યું હતું.

ઝલક જ્યારે M.A ના બીજા વર્ષમાં હતી ત્યારે એના મામા મામી રાજનું માંગુ લઈને આવ્યા હતા. રાજના મમ્મી શકુન્તલા બેન, ઝલકના મામીના કોઈ દૂરના સગામાં થતાં હતા, એમણે કોઈ પ્રસંગમાં ઝલકને જોઈ અને તરત જ એમના મનમાં વસી ગઈ હતી. ઝલકનું હજી સુધી ભણવાનું ચાલતું હતું તેથી એ પતે નહીં ત્યાં સુધી ઘરમાં કોઈએ એના લગ્નનું વિચાર્યું જ નહતું. પહેલા તો વિદિત ભાઈએ થોડી અનિચ્છા જ બતાવી હતી, પણ જ્યારે ઝલકના મામાએ છોકરા અને કુટુંબને એક વાર મળી લેવા ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે એમણે વિચાર કરવા એક દિવસનો સમય માંગ્યો હતો. એ રાતે બધાએ ભેગા મળીને આ વાતની ચર્ચા કરી હતી. દાદા દાદી અને મમ્મીનું કહેવું હતું કે, ભણવાનું તો ચાલતું રહેશે પણ સામેથી આટલું સારું માંગુ આવ્યું છે સાવ જ જતું ના કરાય એક વાર મળી લેવામાં શું વાંધો છે.! જ્યારે ઝલકના પપ્પાની થોડી ઓછી ઈચ્છા હતી. બહુ બધી ચર્ચાના અંતે વિદિત ભાઈએ આખરી નિર્ણય ઝલક પર છોડ્યો અને વિચારવા માટે બીજા દિવસની બપોર સુધીનો સમય આપ્યો.

એ રાતે બાર વાગ્યા સુધી ઝલક મુંઝવણમાં જ પડખા ઘસતી હતી. એક બાજુ એના સપના હતા અને બીજી બાજુ લગ્નનો પ્રશ્ન. ક્યાંય સુધી એ વિચારતી રહી અને પછી એને થયું કે એક વાર એ મમ્મી પપ્પાને ઉઠાડીને એમની જોડે એના દિલની વાતો કરે. એ ઊભી થઈને એમના રૂમ તરફ જાય છે અને દરવાજા ઉપર ટકોરા મારવા જતી હોય છે અને એના કાને એના મમ્મી પપ્પાની વાતો પડે છે. એ ટકોરા મારવા ઊંચા કરેલા હાથને અટકાવી દે છે અને આગળની વાત સાંભળ્યા પછી જ અંદર જવાનો નિર્ણય લેવા માટે ત્યાં જ ઊભી રહે છે.

"શું સપના તૂટશે.? મનની અવઢવ વધી છે,
આવી તો કેવી માયાજાળ રચાઈ રહી છે.!
શું આમજ જીવન હોય કોઈ દીકરીનું.!?
સવાલ ઢંઢોળી રહ્યા ને ઊંગ દૂર ઊભી છે.!"

*****

ઝલક શું નિર્ણય લેશે.? એના મમ્મી પપ્પા આટલી મોડી રાતે એવી તો કેવી વાત કરતા હતા કે ઝલક બહાર જ ઊભી રહી. આ પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો ' સમાંતર '..

©શેફાલી શાહ