Samantar - 9 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૯

સમાંતર ભાગ - ૯

આગળના ભાગમાં આપણે નૈનેશ અને ઝલકની એકબીજા માટેની લાગણીની નાની ઝલક જોઈ અને સાથે સાથે નૈનેશનું એની પત્ની નમ્રતા તથા ઝલકનું એના પતિ રાજ જોડેનું જોડાણ જોયું. હવે આગળ..

*****

નૈનેશ અને ઝલકે એક અઠવાડિયા સુધી વાત ન કરવાનું એકબીજાને પ્રોમિસ આપ્યું હોય છે પણ એકબીજાને મનની વાત કહીને હળવાશ અનુભવતા એ બે મિત્રો પોતાના દિલની વાત મોબાઈલમાં અલગ લખીને રાખી મૂકે છે. જેથી અઠવાડિયા પછી એકબીજાને બતાવી શકે. એકબીજા વગર શું વિચારો ઉદ્ભવે છે એ કહી શકે. જોકે અહીંયા એક પ્રશ્ન થાય કે, "શું એ બંને મિત્રો છે.!? અત્યારે તો કદાચ હા, મિત્રો જ.. પણ પછી બની શકે કે સમય આપણી આગળ કંઈ અલગ ચિત્ર લઈને આવે."

"સમયની ગર્તામાં શું હશે છૂપાયું.!?
ક્યારેય કોઈથી એ ક્યાં કળાયું.!!
કેવો હશે આ નવા સંબંધનો પ્રબંધ.!?
સમય જ કહેશે, કહીને મન મનાવ્યું.!!"

રાતનો ઉજાગરો અને મનમાં સતત ચાલેલા વિચારોના લીધે નૈનેશને બપોરે ઑફિસમાં કામમાં ચિત્ત નહતું લાગતું. એને સખત માનસિક થાકનો અનુભવ થતો હતો એટલે એ કામ મૂકીને ફેસબુક ખોલે છે ને એને ઝલક ઓનલાઇન દેખાય છે. એના આખા શરીરમાં રોમાંચથી એક ઝણઝણાટી પ્રસરી જાય છે, જાણે 45 વર્ષનો નૈનેશ સમયની સીમા કુદાવીને એની જુવાનીમાં પહોચી ગયો હોય એવી જ.! અને એને યાદ આવે છે એ દિવસ...

નૈનેશ અને ઝલક વચ્ચે પહેલા કોઈ ઓળખાણ નહતી કે બંને વચ્ચે નહતા કોઈ કોમન મિત્રો, પણ હા.. એક વાત કોમન હતી અને એ હતો બંનેનો શોખ. બંને ગઝલ ગાયક જગજીત સિંહના જબરજસ્ત ચાહક હતા અને એમના આજ શોખે એમને મેળવ્યા. જગજીત સિંહ ફેન ક્લબ નામના ફેસબુક પેજને બંને ફોલો કરતાં હતા અને એક દિવસ અનાયાસે જ એ બંને ત્યાં મળ્યા.

નૈનેશ મનમાં જ ગણગણવા લાગે છે એ દિવસે ફેસબુક પેજ પર મુકેલી ગઝલની એ બે પંક્તિ જેની કૉમેન્ટમાં એ અને ઝલક પહેલી વાર મળ્યા હતા.

"ज़ख़्म कितने तेरी चाहत से मिले हैं मुझको
सोचता हूँ कि कहूँ तुझसे मगर जाने दे.."

ફેસબુક ઉપર એ પોસ્ટ વાંચીને નૈનેશ હજી કૉમેન્ટમાં પહેલી બે પંક્તિ લખવા જ જતો હોય છે અને ઝલક શાહની કૉમેન્ટમાં એજ પંક્તિ દેખાય છે...

"अपनी आँखों के समंदर में उतर जाने दे
तेरा मुज़रिम हूँ मुझे डूब के मर जाने दे.."

કોઈ અજાણ્યા ભાવથી પ્રેરાઈને નૈનેશ
ઝલકની કૉમેન્ટના રિપ્લાયમાં એની આગળની પંક્તિ મૂકે છે..

"ऐ नए दोस्त मैं समझूँगा तुझे भी अपना
पहले माज़ी का कोई ज़ख़्म तो भर जाने दे.."

જેના રિપ્લાયમાં સામેથી "સરસ" એટલું જ આવે છે. નૈનેશ માટે આમ તો આ નવું નહતું કે કોઈ જાણીતા પેજ પર કૉમેન્ટ કરી રહ્યો હોય. જ્યારે સમય ને મૂડ હોય ત્યારે એ ઘણી વાર સોશિયલ મીડિયા પર આમ એક્ટિવ રહેતો, પણ આવી રીતે કોઈ અજાણ્યાની કૉમેન્ટમાં એણે ક્યારેય કશું નહતું લખ્યું. જોકે એ દિવસની વાત અલગ હતી, એને શું ખબર કેમ રમત સુજી અને એણે ઝલકના સરસના રિપ્લાયમાં એ ગઝલની પંક્તિમાં જ વપરાયેલા શબ્દો "शुक्रिया ए नए दोस्त.." લખી નાખ્યા. જોકે એ પછી ઝલકનો આગળ કોઈ રિપ્લાય નહતો આવ્યો અને એ વાત એ સમય પૂરતી ત્યાં જ પતી ગઈ હતી ને નૈનેશ પણ પછી પોતાના કામે લાગી ગયો હતો.

એ રાતે નમ્રતાની રૂમમાં આવવાની રાહ જોતા નૈનેશને બપોરની એ ઘટના યાદ આવી જાય છે અને અનાયાસે જ એના હોઠ મલકી જાય છે. ખબર નહીં કેમ.!? પણ એને એ વાત મમળાવવી ગમી હતી.! એણે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવ્યા અને એ ગઝલ ચાલુ કરી પણ એ આજે એના શબ્દોમાં ડૂબી જ નહતો શકતો.! એનું અચેતન મન એને વારંવાર એજ વાત તરફ લઈ જતું હતું અને એને ઝલક વિશે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ. એણે બપોરની કૉમેન્ટમાંથી ઝલકની પ્રોફાઈલ ખોલી. એમાંથી જોકે ઝલકના એક બે ફોટા સિવાય ખાસ કંઈ જાણકારી ના મળી પણ એને કોઈ અલગ જ આકર્ષણ થયું એ ફોટા જોઈને અને એણે ખાસ કંઈ વિચાર્યા વગર ઝલકને ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ડ કરી દીધી.

"મનની આંટીઘૂંટી ક્યાં કદી કોઈનાથી ઉકેલાય છે.!?
એતો એજ કરવા ચાહે છે જે એને સમજાય છે.!!"

બીજા દિવસ સવારથી જ નૈનેશ ઝલકની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવાની રાહ જોતો હતો. એને પોતાને પણ નવાઈ લાગી રહી હતી કે કેમ એના વિચારોમાં આ હદે કોઈ અજાણી વ્યક્તિએ સ્થાન લઈ લીધું છે.!? બપોર સુધી ઝલક તરફથી કોઈ જ રિસ્પોન્સ ના મળતા એ થોડો નિરાશ થયો. તોય એના મનમાં ઊંડે ઊંડે હતું કે એ કદાચ બપોરના સમયે ઓનલાઇન થતી હશે અને ત્યારે એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારે.! પણ, આમને આમ બપોરની સાંજ થઈ ગઈ ને એણે હવે ઝલક એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારશે એ આશા લગભગ છોડી દીધી.

ત્રણ દિવસ પછી ફરી બપોરના એજ સમયે નૈનેશ ઓનલાઇન હતો અને એ વાતનું પુનરાવર્તન થયું. પણ આ વખતે નૈનેશે કૉમેન્ટમાં ગઝલની બે પંક્તિ લખી હતી અને ઝલકે એના ઉત્તરમાં બે પંક્તિ લખી હતી. નૈનેશને જુગલબંધી કરવાની ઈચ્છા હતી પણ એજ વખતે એને કોઈ જરૂરી કામ આવી જતા ખાલી,"क्या बात, नए दोस्त.." લખીને ઓફ લાઈન થઈ જાય છે.

પછીનો આખો દિવસ એ કામમાં એટલો વ્યસ્ત રહે છે કે એને ફોનમાં આવેલા મેસેજ કે નોટીફિકેશન જોવાનો પણ સમય નથી મળતો. રાતે ફ્રેશ થઈને એ શાંતિથી મોબાઈલ જોવા બેસે છે તો લગભગ સાત કલાક પહેલા જ ઝલકે એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી લીધી હોય છે. એ તરત જ ઝલકની પ્રોફાઈલ ખોલે છે અને એની સામે ઘણા બધા ફોટા અને બીજી માહિતી આવી જાય છે જે કદાચ પ્રાઇવસી સેંટીંગના લીધે એ પહેલા નહતો જોઈ શક્યો.

ઝલકની પ્રોફાઈલ પરથી એક વાત એને ખબર પડી કે એ મૂળ અમદાવાદની છે પણ અત્યારે એ કયા શહેરમાં હશે એ ના જાણી શકાયું. એને લાગ્યું કે એણે થેંક યુ કહેવું જોઈએ ઝલકને એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા મટે, એટલે એણે તરત મેસેંજર ખોલ્યું અને,"Thank you.. नए दोस्त.." લખી નાખ્યું.

નમ્રતા કામ પતાવીને જ્યારે રૂમમાં આવે છે ત્યારે નૈનેશ એકલો એકલો સ્મિત કરતો હોય છે. એ જોઈને નમ્રતા કારણ પણ પૂછે છે આમ સ્મિત કરવાનું ને પહેલી વાર નૈનેશ કોઈ કારણ વગર જ નમ્રતાને જવાબ આપવાનું ટાળી જાય છે.

"શું આ કોઈ કિસ્મતનો ઈશારો હતો, કે..
કોઈ અધૂરા એહસાસનો કિનારો હતો.!?
ઢળી ગયું હતું અકારણ આ હૈયું જોને,
જાણે મળી ગયો એને કોઈ સહારો હતો.!"

એટલામાં ફોનની રીંગ વાગે છે અને નૈનેશ ભૂતકાળમાંથી પાછો આવે છે. મોબાઈલમાં જુવે છે તો નમ્રતાનો ફોન હોય છે. એ ફોન ઉપાડીને વાત ચાલુ કરે છે, નમ્રતા એને વહેલા ઘરે આવવા માટે કહી રહી હોય છે. નૈનેશને નવાઈ લાગે છે અને એ કારણ પૂછે છે, સામેથી આવેલો નમ્રતાનો જવાબ સાંભળીને એ બે ઘડી અવાચક રહી જાય છે. આમ પણ ઉજાગરાના લીધે એને મઝા નહતી એટલે એ ઘરે વહેલો જવાનો નિર્ણય કરી લે છે.

બીજી તરફ બપોરે નોટ્સમાં નૈનેશ માટે મેસેજ લખ્યા પછી ઝલકના મનને ખાસ્સી રાહત થઈ જાય છે અને એ લગભગ ત્રણ કલાક જેવો આરામ લઈ લે છે. ઉઠ્યા પછી એને ઘણું સારું લાગતું હોય છે અને બધી ચિંતાઓને હમણાં પૂરતી વિરામ આપીને એ પાછી ઘરના કામે વળગે છે.

"કેવી સૂઝબૂઝ આપી છે ઈશ્વરે સ્ત્રીને.!?
જીવી શકે છે એ કેટલુંય અંતરે ઘરબીને.!"

*****

નૈનેશના મેસેજની ઝલક શું પ્રતિક્રિયા આપશે.?
શું ઝલક પણ નૈનેશ જેવું જ કંઇક અનુભવતી હશે.?
નમ્રતાએ એવું તો શું કહ્યું કે જે સાંભળીને નૈનેશ અવાચક રહી જાય છે.?
આ બધા પ્રશ્નોના જવાબ અને નૈનેશ ને ઝલકની આગળની સફર જાણવા વાંચતા રહો સમાંતર..

©શેફાલી શાહ

તમને મારી બીજી વાર્તા પ્રેમની પેલે પાર ભાગ ૧ - ૨૮ જે મેં મારી બે સખી જોડે મળીને લખી છે એ પણ ગમશે. વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED