Samantar - 10 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૧૦

સમાંતર ભાગ - ૧૦

આપણે આગળના ભાગમાં જોયું કે ભૂતકાળમાં કેવી રીતે નૈનેશ અને નમ્રતા એક ફેસબુક પેજ પર મળે છે અને ફેસબુક ફ્રેન્ડ બને છે. નમ્રતા ફોનમાં કંઇક એવું કહે છે કે નૈનેશ અવાચક થઈ જાય છે અને નૈનેશ જોડે કરવાની મનની વાત નોટ્સમાં લખીને થોડી હળવી થયેલી ઝલક પરિવાર માટે થોડા સમય પૂરતું એની ચિંતાઓને વિરામ આપીને કામ વળગે છે. હવે આગળ...

*****

આખા રસ્તે નૈનેશના મનમાં એક જ વાત ચાલતી હોય છે કે નમ્રતા એવું કેમ બોલી કે, "તમે ભલે મારાથી છુપાવો પણ મને બધી ખબર છે." એને શું અને કેટલી ખબર હશે, એ વિચારીને નૈનેશ વ્યગ્ર થઈ રહ્યો હતો. એ ઘરે પહોંચે છે તો નમ્રતા સાંજની રસોઈમાં વ્યસ્ત હોય છે. નૈનેશને જોઈને એ નૈનેશની તબિયત વિષે પૂછે છે. "સારું છે થોડું.." એવો ટુંકાક્ષરી જવાબ આપીને એ ઉપર એના રૂમમાં જતો રહે છે.

નૈનેશ હજી તો કપડાં બદલીને ફ્રેશ જ થયો હોય છે ને નમ્રતા ઓરેન્જ જ્યુસ સાથે રૂમમાં આવે છે. "તારી આંખો તો જો.! કેટલી થાકેલી લાગે છે. માથું દુખે છે.? દબાવી આપુ.?"

"ના ના.! આરામ કરીશ થોડો તો સારું લાગશે." નૈનેશે કહ્યું..

"સારું, જમવાનો સમય થાય ત્યાં સુધી તું થોડો આરામ કર, હું ફટાફટ કામ પતાવી દઉં પછી વાત કરીએ.." નમ્રતા ચિંતા સાથે બોલી..

નૈનેશ સહેજ ચોંક્યો કે શું વાત કરવી હશે નમ્રતાને.! એ ધ્યાનથી નમ્રતાની સામું જુવે છે, જાણે એના હાવભાવ સમજવાની કોશિશ કરતો હોય એમ.! પણ એને નમ્રતા સહજ જ લાગી. નૈનેશ જ્યુસ પીને ગ્લાસ સાઇડ ટેબલ પર મૂકે છે એટલે નમ્રતા એ લઈને રસોઈ કરવા નીચે જતી રહે છે.

નૈનેશ આંખો બંધ કરીને સુવા પ્રયત્ન કરે છે પણ એના મનમાં રહી રહીને એક જ વાત ચાલતી હોય છે કે, નમ્રતાને શું વાત કરવી હશે. બધા વિચારોને વિરામ આપવા માંગતો હોય એમ એ ઊભો થાય છે અને મેડિટેશન કરવા બેસે છે. લગભગ પંદર મિનિટ જેટલું મેડિટેશન કર્યા પછી હવે તેને થોડું સારું લાગતું હોય છે. એટલામાં એની દીકરી અનન્યા રૂમમાં આવે છે. "શું થયું પોપ્સી.!? મને તો મોમે હમણાં જ કહ્યું કે તમારી તબિયત ઠીક નથી." થોડા લાડ અને ચિંતામાં અનન્યા બોલી..

આમ તો કહે છે કે પુત્રી એના પિતાની સૌથી વધુ નજીક હોય. તોય એક જાતની મર્યાદા હોય જ પિતા પુત્રીના સંબંધમાં, પણ નૈનેશ અને અનન્યાનો સંબંધ થોડો નિરાળો છે. અનન્યા નાની હતી ત્યારથી એક મિત્રની જેમ નૈનેશ જોડે બધું શેર કરતી અને મોટા થયા પછી પણ એમનો એ સંબંધ એવો જ રહી શક્યો એ વાતનો નૈનેશને હંમેશા ગર્વ રહેતો.! અનન્યા આમ તો નૈનેશને પપ્પા જ કહેતી પણ કોઈ કોઈ વાર લાડમાં જ્યારે એ પોપ્સી કહેતી ત્યારે નૈનેશ પોતાને દુનિયાનો સૌથી સુખી પિતા માનતો.

"કશું નથી થયું અનુ, બસ રાતે સરખી ઊંઘ નથી થઈ. હવે ઘણું સારું છે પણ તું જાણે છે ને તારી મોમને કે મારી નાની નાની વાતની એને કેટલી ચિંતા હોય છે." નૈનેશ બોલ્યો...

બાપ દીકરી હંમેશા ભેગા મળીને નમ્રતાની વધુ પડતી દેખભાળ કરવાના સ્વભાવની નિર્દોષ મજાક કરતા. જોકે નમ્રતાને પણ આ વાતનો ખાસ વાંધો નહતો પણ કોઈ વાર મનમાં આવી જાય તો પણ એ જાહેર ના થવા દેતી અને એ લોકોની મજાકમાં જોડાઈ જતી.

"એ તો બરાબર પપ્પા પણ સાચે કોઈ ટેન્શન નથી ને.!? ઘણા વખતે તમે આમ ચિંતામાં હોવ એવું લાગે છે. મને યાદ છે ત્યાં સુધી ગયા વર્ષે મને ટાઇફોઇડ થયો ત્યારે મેં તમને આવા જોયા હતા." અનુ સહેજ ચિંતામાં બોલી..

"ના ના બેટા.! સાચે એવું કંઈ જ નથી. તું બોલ આજકાલ નવું શું ચાલે છે તારી લાઇફમાં.?" નૈનેશે વાત બદલવાના ઇરાદાથી પૂછ્યું..

પછી તો નમ્રતા જમવા માટે બોલાવવા આવી ત્યાં સુધી લગભગ અડધો કલાક બાપ દીકરી અલકમલકની વાતો કરતા રહ્યા. ડાયનિંગ ટેબલ પર પણ એમની વાતોનો દોર ચાલુ જ રહ્યો જેમાં આખો પરિવાર જોડાયો. જમ્યા પછી મમ્મી પપ્પા જોડે કલાક જેવું બેસવાનો નૈનેશનો નિત્યક્રમ હતો પણ આજે મન વ્યગ્ર હોવાથી એ થોડી જ વારમાં ઉપર એના રૂમમાં જતો રહ્યો અને નમ્રતાની રાહ જોવા લાગ્યો.

પાછા એકલા પડતા નૈનેશના મનનો સવાલોએ ઘેરો લઈ લીધો. એનાથી છૂટવા એણે લેપટોપ ઓપન કરીને કામ ચાલુ કર્યું.

"કામ તો પછી પણ થાય, તબિયત ઠીક નથી તો આરામ કરવો જોઈએ ને.!" નમ્રતા રૂમમાં આવતાવેંત નૈનેશ ને કામ કરતા જોઈને બોલી...

"તારી રાહ જોતા કંટાળ્યો હતો તો થયું કે થોડું કામ જ કરી લઉં." લેપટોપ બંધ કરતા નૈનેશ બોલ્યો...

"હમમ... બધું બરાબર તો છે ને નૈનેશ.!? નમ્રતાએ ચિંતામાં પૂછ્યું...

"હા.. એકદમ.. પણ કેમ તને એકદમ આવો પ્રશ્ન સૂઝ્યો.!?" નૈનેશે નમ્રતા શું જાણતી હશે એ ઉત્કંઠા મનમાં જ દબાવતા પૂછ્યું...

"તમારી નાની નાની વાતો પણ હું મેહસૂસ કરી શકું છું, તું જાણે છે ને નૈનેશ.!? નૈનેશનો હાથ પોતાના હાથમાં લેતાં નમ્રતા બોલી..

"હા.." નૈનેશ આટલું બોલીને અટકી ગયો..

"આમ તો ઘણા સમયથી તારામાં બદલાવ અનુભવ્યો છે મેં, એક અલગ પોઝિટિવ બદલાવ.. જોકે એનું કારણ હજી મને સમજ નથી આવ્યું પણ મને ગમ્યું હતું એ તારું બદલાયેલું રૂપ.! પણ થોડા દિવસથી હું જોઈ રહી છું તું કોઈ ચિંતામાં લાગે છે. કોઈ આર્થિક ચિંતા તો નથીને નૈનેશ.!? હું કંઈ હેલ્પ કરી શકું એમ હોય તો.." નમ્રતાએ વાક્ય અધૂરું મૂકીને નૈનેશની સામે જોયું...

"સંબંધ પતિ પત્નીનો કેવો છે નહીં.!?
કહેવું ના પડે મનમાં વ્યગ્રતા છે કંઈક.!?
વ્યવહારમાં જણાઈ જાય મનની વાતો,
પવિત્ર બંધન એમ જ થોડું કહ્યું અહીં.!?"

પહેલા તો નૈનેશ ચોંક્યો કે નમ્રતાએ એના વર્તનની આટલી બધી ઝીણામાં ઝીણી નોંધ લીધી છે, પણ પછી એને એહસાસ થયો કે આ ખાલી એની પત્ની સહજ ચિંતા હતી અને એ બીજું કંઈ ખાસ નથી જાણતી એટલે એને રાહત થઈ. પોતાના ફેસના ભાવ જરાય બદલ્યા વિના એણે નમ્રતાને કહ્યું, "સાચે જ નમુ એવું કંઈ જ નથી, બધું ઓકે છે. આપણી ઑફિસમાં પણ સરસ રીતે કામ ચાલી રહ્યું છે. પણ લાગે છે કે હવે ઉંમર થઈ હો મારી, જલ્દી થાકી જવાય છે." છેલ્લું વાક્ય થોડા મજાકના સ્વરમાં નૈનેશ બોલ્યો..

"ઓય.. ખબરદાર જો મારા નૈનેશની ઉંમર વિશે કઈ કહ્યું છે તો. હવે તો પહેલા કરતા પણ વધુ સોહામણો લાગે છે એ.." મીઠું મલકાતા નમ્રતા બોલી..

"ઓય હોય.. હા.. હો.. તારો નૈનેશ તને મુબારક.." નમ્રતા કઈ જ જાણતી નથી એ જાણ્યા પછી હળવા થયેલા નૈનેશે નમ્રતાને આલિંગનમાં લેતા કહ્યું...

"બસ બસ, આ તારો પ્રેમ આજે તારી જોડે જ રાખ અને આરામ કર. કાલનો ઉજાગરો છે." પ્રેમથી નૈનેશે સહેજ દૂર કરતાં નમ્રતા બોલી..

"જો હુકુમ સરકાર.." કહેતા નૈનેશ આડો પડ્યો..

"અને હા, એક ખાસ વાત કહેવાની તો રહી ગઈ નૈનેશ.." નમ્રતા એકદમ ગંભીર સ્વરમાં બોલી..

નૈનેશનું હૃદય લગભગ એક ધબકાર ચૂકી ગયું અને એણે નમ્રતા સામે જોયું...

"એજ કે પત્નીથી કોઈ વાત છુપાવવી હોય તો બધા પુરાવા નાશ કરી દેવા જોઈએ." નમ્રતા હજી પણ ગંભીર જ હતી..

"એટલે.!? શેના પુરાવા.!? શું છુપાવ્યું છે મેં.!? એકદમ અધિરિયા થતાં નૈનેશે પૂછ્યું...

નૈનેશને આમ અધિરિયો થતો જોઈ નમ્રતા ખડખડાટ હસી પડી...

"શું થયું નમ્રતા.!? કેમ હસે છે અને ક્યારની શું ગોળ ગોળ વાતો કરે છે. ફોનમાં પણ કહેતી હતી કે તને કઈક ખબર છે. વાત શું છે.!?" મૂંઝવણમાં મૂકાતા નૈનેશ બોલ્યો..

"એજ કે કાલે લગભગ તું અડધી રાત સુધી જાગતો હતો. એક બે વાર આંખ ખુલી ત્યારે તું પથારીમાં નહતો. સવારે રસોડામાં કૉફી બનાવેલી તપેલી, બાલ્કનીમાં ખાલી મગ આ બધા પુરાવા.." નમ્રતા હજી હસી રહી હતી..

"તને કહ્યું તો હતું કે સરખી ઊંઘ ના આવી.!" નમ્રતાની મજાકથી ટેન્શનમાં આવી ગયેલો નૈનેશ સહેજ ચીડ સાથે બોલ્યો...

"સરખી ઊંઘ ના આવી અને જાગવું એમાં ફેર છે નૈનેશ..! અને તેં રાતે કૉફી બનાવીને પીધી એ ક્યાં કહ્યું મને સવારે.!? હુહ..." નૈનેશને ચિડાયેલો જોઈને નમ્રતા બનાવટી ગુસ્સો કરતા બોલી...

નૈનેશને પોતાની ભૂલ સમજમાં આવી અને એ શાંતિથી બોલ્યો, "હા સવારે મોડું થઈ ગયું તો ઉતાવળમાં ના કહ્યું અને અત્યારે મને કંઈ બોલવાની તક મળે તો કહુ ને.! અને તું ક્યારની આજ વાતને સસ્પેન્સ બનાવતી હતી ને, તને ખબર છે કરીને.!! શું નમુ તું પણ.!"

નમ્રતા ખડખડાટ હસવા લાગી. નૈનેશ એને હસતા જોઈ જ રહ્યો અને પછી બાજુમાં પડેલો તકિયો ઉઠાવીને એને હળવેથી માર્યો.

માંડ હસવાનું રોકી નમ્રતા બોલી, "કેવો ગભરાઈ ગયો તું તો... તારી અધીરાઈ જોવા જેવી હતી.!"

"હા... તો... તારી કહેવાની રીત જ એવી હતી કે કોઈ પણ ગભરાઈ જાય અને હું તો આમ પણ તારાથી કેટલો ડરતો રહુ છું.!" નમ્રતાના હાસ્યમાં જોડાતા નૈનેશ બોલ્યો...

"બસ હો હવે... મારાથી વધુ નહીં હસાય તો આવા જોક બંધ કરો અને ઊંઘી જાવ." રૂમની લાઈટ બંધ કરતા નમ્રતા બોલી..

અચાનક કઈક યાદ આવ્યું હોય એમ નમ્રતાએ નૈનેશના કપાળે હળવું ચુંબન કર્યું અને બોલી, "આ ચુંબન કાલે અડધી રાતે મને કપાળે કરેલા ચુંબન માટે."

"તને એ પણ ખ્યાલ છે નમુ.!?" નૈનેશ આશ્ચર્ય ચકિત થતાં બોલ્યો જેના જવાબમાં નમ્રતા ખાલી મંદ મંદ હસી જે બારીમાંથી આવતા ચાંદના પ્રકાશમાં નૈનેશ જોઈ રહ્યો...

થોડી જ વારમાં નમ્રતા ઊંઘી ગઈ પણ નૈનેશ મનમાં વિચારે છે કે એની વ્યક્તિગત પરેશાનીની અસર એ ક્યારેય એના પરિવાર પર નહીં પડવા દે. આ નિર્ણય લેતા જ એના મનને થોડી શાંતિ થાય છે અને એ પણ ઊંઘી જાય છે.

"મનમાં રહેતી તકલીફો ચાહું મનમાં જ રહે,
ક્યારેય વર્તનમાં આવી એ કાંઈજ ના કહે.!
ભૂલ નથી મારી કે નથી મારા સ્નેહીઓની,
તો ચાહું કે અજંપો ક્યારેય વચ્ચે ન વહે.!"

બીજી તરફ ઝલક સાંજની રસોઈ પતાવીને બેઠી જ હોય છે અને રાજનો ફોન આવે છે કે આવતીકાલે પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ એ એના મિત્રો જોડે આબુ જવાનો છે તો એનો સામાન તૈયાર રાખે. ઝલક એક બેગમાં કપડાં, બીજો જરૂરી સામાન અને નાસ્તાના થોડા પેકેટ મૂકે છે જે વાતને લઈને રાજ રાતે હળવી ટકોર પણ કરે કે આબુમાં બધું મળી જ રહે છે એ ખબર હોવા છતાં આટલો બધો નાસ્તો ભરવાની ક્યાં જરૂર છે.

એના જવાબમાં ઝલક ફક્ત એટલું જ કહે છે કે, "તમારે ક્યાં વજન ઉંચકીને જવું છે, કારમાં તો સામાન લઈ જવાનો છે. વધે તો પાછો લઈ આવજે એમાં શું.!"

આને આમ જ ઝલક અને નૈનેશના પ્રોમિસનો બીજો દિવસ સમાપ્ત થાય છે.

"નવી સવાર શું લઈને આવશે જોઈએ હવે,
કોના હૈયાના પડળ ખોલાય છે જોઈએ હવે.
એવું તો શું કારણ હશે કે જોડાયા બે હૈયા.?
કે પછી નિયતીનો કોઈ ખેલ, જોઈએ હવે."

*****

બે દિવસ થઈ ગયા છે પણ હજી ઝલક અને નૈનેશ બેમાંથી કોઈએ શું નિર્ણય લેવો એના વિશે કંઈ જ નથી વિચાર્યું. બસ એ લોકો હજી પોતાના ભૂતકાળને વાગોળે છે તો શું એમના એ ભૂતકાળમાં જ કોઈ કડી હશે જેણે એમને જોડી હશે.!? બની શકે, આમ પણ કહે છે ને કે કોઈ પણ મનુષ્યનું બાળપણ અને પછી એના જીવનમાં બનેલી ઘટનાઓએ એને આજે જેવો છે એવો મનુષ્ય ઘડ્યો છે તો શું આ બંનેમાં પણ એવું બન્યું હશે કે એમના જીવનની ઝીણી ઝીણી કોઈ ઘટનાઓ એમને નજીક લાવવાનું નિમિત્ત બની.!? જાણવા માટે વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

શેફાલી શાહ

જય જીનેન્દ્ર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED