સમાંતર - ભાગ - ૨૪ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૨૪

સમાંતર ભાગ - ૨૪

 

આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે. 'નો મેસેજ નો કોલ' ના ચોથા દિવસે એ અને નૈનેશ યોગાનુયોગ મોલમાં મળી જાય છે. અને નૈનેશ એમના પહેલા ઝઘડાથી લઈને ઝલકને મળવાની તાલાવેલી એને કેવું પગલુ ભરાવે છે એ પળો મમળાવવા પોતાના એ દિવસોને યાદ કરે છે. હવે આગળ...

 

***

 

શોપિંગ અને ડિનર પતાવીને નૈનેશ અને નમ્રતા મોડા ઘરે પહોંચે છે. નમ્રતા બધાને ખરીદી બતાવવામાં પડે છે પણ નૈનેશનું ધ્યાન હજી ઝલક જોડે થયેલી મુલાકાતમાં હતું.

 

"મળવું એનું સાવ જ અણધાર્યું હતું,

કે કિસ્મતમાં જ પહેલેથી લખાયું હતું?

યોગાનુયોગ હતો કે હતો કોઈ  સંકેત,

મનમાં એ  શંકાનું બીજ  રોપાયું હતું."

 

થાકેલી નમ્રતા વહેલી ઊંઘી જાય છે પણ નૈનેશ હજી પણ આજની ઝલક સાથે થયેલી અણધારી મુલાકાત અને ઝલકની સ્વસ્થતાને લઈને અવઢવમાં હતો. એના મન ઉપર પાછા એ જ વિચારો છવાવા લાગે છે જ્યાંથી મોલમાં એની વિચારધારા અટકી હતી.

 

મેસેન્જર પર વાત કરતા અવાજ કટ થતો હોવાથી ઝલક પોતાનો ફોન નંબર નૈનેશને આપે છે અને એની ઉપર કોલ કરવા કહે છે. નૈનેશ એકદમ અચંબિત થઈ જાય છે, ઝલકે એની ઉપર મુકેલા વિશ્વાસથી. પણ એનું મન અત્યારે બીજું કંઈ લાંબુ વિચારવાની સ્થિતિમાં નહતું ને એ ઝલકના નંબર પર કોલ કરે છે.

 

"મને ખોટો ના સમજતી પ્લીઝ. આટલા લાંબા સમયથી આપણી વચ્ચે ચેટ થાય છે અને એણે બહુ ઊંડી છાપ છોડી છે મારા મન પર. જાણું છું કે મળવું એટલું જરૂરી નહતું આપણી મૈત્રીમાં, તો પણ મારા મનમાં તને મળવાનો વિચાર ઘર કરી ગયો. હું જાણતો હતો તું ક્યારેય મને મળવા માટે તૈયાર નહીં થાય અને એવામાં તેં મોલમાં જવાની વાત કરી તો લાંબુ વિચાર્યા વિના મેં નાસમજ પગલુ લઈ લીધું." ફોનમાં ઝલકનો હેલો અવાજ સંભળાતા જ કોઈ ઔપચારિકતા કર્યા વિના નૈનેશે ઉતાવળમાં આગલા દિવસે મોલમાં કહેલી વાત રીપિટ કરી.

 

"ઓકે, રિલેક્સ.. હવે હું બોલું કંઇક.? નૈનેશનો બેચેન અવાજ સાંભળીને શાંત સ્વરે ઝલક બોલી...

 

"હા.. સોરી.." નૈનેશ બોલ્યો..

 

"કાલે રાતે મેં ઘણું વિચાર્યું કે આમ મળવું યોગ્ય ગણાય કે નહીં, પણ હું કોઈ નિષ્કર્ષ પર ના પહોંચી શકી. પછી મેં મારા દિલને આ વાત પૂછી અને ખબર છે નૈનેશ એણે શું કહ્યું.? નૈનેશને પ્રશ્ન પૂછતા ઝલક અટકી..

 

"શું.!?" ઝલકના મનની વિમાસણ સમજવાનો પ્રયત્ન કરતા નૈનેશે પૂછ્યું..

 

"એજ કે તને તારી ઉપર વિશ્વાસ છે ને ઝલક.!? તને નૈનેશ ઉપર વિશ્વાસ છે ને ઝલક.!? અને ઝલક બોલતા બોલતા અટકી..

 

"શું જવાબ આપ્યો તારા દિલે.?" ધડકતા હૈયે નૈનેશે પૂછ્યું..

 

"એક વાર જો તું નૈનેશને મળીશ તો એનો અર્થ એવો નથી કે તું રાજને છેતરી રહી છે. તારે એક વાર તો મળવું જ જોઈએ તારા હમરાઝ મિત્રને." ઝલક બોલી...

 

નૈનેશને હજી વિશ્વાસ નહતો આવતો એના કાન પર એણે ખરાઈ કરવા ઝલકને પૂછ્યું, "મતલબ.?"

 

"બોલ ક્યારે મળવું છે આપણે.? અને ક્યાં.?" ઝલકે હવે સીધું પૂછી જ લીધું.

 

"હેય.. વ્હોટ..!? હું માની નથી શકતો કે તું મને મળવા તૈયાર છે.!!" આશ્ચર્યથી નૈનેશનો અવાજ મોટો થઈ ગયો હતો.

 

"બસ હવે, આટલું મોટેથી બોલીશ તો ફોન વિના જ અવાજ તારી ઑફિસથી સીધો મારા ઘરે પહોંચી જશે.!" ખડખડાટ હસતાં ઝલક બોલી..

 

"થેંક્સ ડિયર.! મારી કાલની ભૂલને માફ કરવા માટે, મારી ઉપર વિશ્વાસ મૂકીને તારો મોબાઈલ નંબર આપવા માટે અને આપણી મુલાકાત માટે તૈયારી બતાવવા માટે..." નૈનેશના અવાજમાં હજી પણ ઉત્તેજના સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.

 

"ડિયર.!?" ઝલક બોલી..

 

"ઓહ, સોરી..  ડિયર તને નથી ગમતું. bff.." પોતાની ભૂલ સુધારતા નૈનેશ બોલ્યો..

 

"કાલે બપોરે કેવું રહેશે.? આપણા આ રોજના સમયે જ.?" ઝલકે પૂછ્યું..

 

"ઓકે, ફાઇન અને પ્લેસ 'ધ પ્રોજેક્ટ કેફે', પોલીટેકનિક રોડ કેવું રહેશે.? તને નજીક પણ પડશે." થોડું વિચારીને નૈનેશ બોલ્યો...

 

"ડન... તો કાલે બે વાગે આપણે મળીયે છીએ." ઝલકે કહ્યું...

 

ફોન પતાવીને નૈનેશ હજી મોબાઈલ સાઈડમાં મુકવા જતો હોય છે અને વોટ્સઅપ પર ઝલકના સ્માઈલ કરતા ફોટા સાથે મેસેજની નોટિફિકેશન આવે છે જેમાં ઝલકે ખાલી સ્માઈલી મોકલ્યું હોય છે. નૈનેશ ઝલકનો ડીપી ખોલીને જોવે છે અને જવાબમાં, "થેન્ક્યુ.. નાઇસ ડીપી લખે છે."

 

ત્યાં સુધીમાં ઝલકે પણ નૈનેશનો ડીપી ઝૂમ કરીને જોઈ લીધો હોય છે, જેમાં ખુરશી પર બેસેલા નૈનેશના ગળામાં એની દિકરી અનન્યા પાછળથી હાથ નાખીને ઉભી હોય છે. આ જોઈને ઝલક લખે છે, "થેન્ક્સ.. તારો ડીપી પણ મસ્ત છે. ખાસ તો અનન્યાના લીધે. ખૂબ જ સુંદર લાગે છે એ, પણ એની જોડે જે છે એનો ફોટો એવો કંઈ ખાસ નથી." અને છેલ્લે સ્માઈલી એડ કરે છે.

 

"સુંદરતાને જોવા નજર જોઈએ, જે બધા પાસે નથી હોતી." નૈનેશે લખ્યું...(જવાબ આપવામાં નૈનેશ પણ ક્યાં પાછો પડે એવો હતો..!!)

 

"નજર તો પારખી છે. જોને તારા દિલની પારદર્શિતા પરખાઈ ગઈને.! બાકી કાલનું તારું વર્તન એક કોલેજીયન જેવું અપરિપક્વ હતું." ઝલકે લખ્યું...

 

"હા હવે..! યાદ ના કરાવ, મને ઑક્વર્ડ ફીલ થાય છે." નૈનેશે લખ્યું...

 

"અરે વાહ..!! તો તો હું યાદ કરાવતી રહીશ." બહુ બધા સ્માઈલી સાથે ઝલકે લખ્યું અને પછી તરત બાયનો બીજો મેસેજ કરી દીધો.

 

જવાબમાં નૈનેશે બાય કર્યું. પણ એનું હવે એક પણ વાતમાં ચિત્ત નહતું લાગતું, બસ એમની થનારી મુલાકાતને લઈને મનના વિચારો એને ઉત્તેજીત કરી રહ્યા હતા.

 

બીજા દિવસે સવારે નૈનેશ રોજ કરતા લગભગ વહેલો ઊઠી ગયો, કહોને કે એ ઊંઘ્યો જ નહતો.! "ઝલક જોડે શું વાત કરીશ.? એ પણ શું મને મળવા એટલી જ ઉત્સાહિત હશે જેટલો હું છું.? કે મારું મન રાખવા માટે એ મળવા તૈયાર થઈ હશે.? એના માટે ગિફ્ટ લઉ કે વધુ પડતું લાગશે.?" આ બધા પ્રશ્નો તો રાતથી જ એના મન પર કબજો જમાવીને બેઠા હતા ને એ તૈયાર થવા લાગ્યો ત્યાં એક નવો પ્રશ્ન ઉદ્ભવ્યો. એણે ઝલકના જેટલા પણ ફોટા જોયા હતા એના ઉપરથી એક વાત મનોમન નોંધી હતી, ઝલક લગભગ સાદા પણ પ્રભાવશાળી કપડામાં જ જોવા મળતી ને તોય એ ભીડમાં પણ અલગ તરી આવે એવું વ્યક્તિત્વ લાગતી. જ્યારે પોતે હજી પણ કોલેજીયન જેવા કપડાં પહેરી લેતો. ઘણું વિચારીને એણે ઓલીવ ગ્રીન કલરનો, પ્લેન લીનનનો હાફ સ્લીવનો શર્ટ અને બ્લ્યુ જિન્સ કાઢ્યા. જ્યારે એ તૈયાર થઈને નીચે ગયો ત્યારે ઑફિસમાં ફોર્મલ કપડાનો જ આગ્રહ રાખતા નૈનેશને જિન્સમાં જોઈને નમ્રતા બોલી પણ ખરી કે, "આજે કોઈ ગર્લ ફ્રેન્ડને મળવા જવાનું છે કે શું.? આમ કેઝ્યુઅલ કપડામાં ઑફિસ..!! જેના જવાબમાં નૈનેશ ફક્ત સ્માઈલ કરે છે અને પછી ઉમેરે છે આજે બપોરે એને ક્લાયન્ટ સાથે મીટીંગ છે તો એ ટિફિન નથી લઈ જવાનો.

 

ઑફિસ જવા કારમાં બેસતા જ નૈનેશ રેડિયો ચાલુ કરે છે અને 'છેલ્લો દિવસ' ગુજરાતી મૂવીનું ગીત ચાલુ થાય છે.

 

"કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ,

બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કઈ.."

 

"બસ નૈનેશ આવું જ થશે દોસ્ત આજે તારી સાથે. ફોન ઉપર વાત કરવામાં પણ તને શબ્દો નહતાં જડતા તો જ્યારે એ તારી સામે હશે તો તારી શું હાલત થશે યાર.!?" નૈનેશ પોતાને જ કહી રહ્યો હતો. ઑફિસમાં પણ જાણે સમય ધીમો ચાલતો હતો. એક વાગતા જ નૈનેશ કેફેમાં જવા નીકળી જાય છે. ગિફ્ટ, બુક, ફૂલ જેવા જુદા જુદા ઓપ્શન વિચાર્યા પછી એને ચોકલેટ્સ લઈ જવી જ યોગ્ય લાગે છે અને એ રસ્તામાંથી એક મોટી ડેરી મિલ્ક સિલ્ક લઈને અડધો કલાક વહેલો જ કેફે પહોંચી જાય છે. બે વાગવામાં થોડી વાર હોય છે અને એને સામેથી ઝલક આવતી દેખાય છે. લાઈટ પિચ કલરની કૂર્તી, નીચે વેનિલા કલરનું ચૂડીદાર, મેચિંગ પર્સ, ઉડીને વારે વારે આંખ પર આવતા ખુલ્લાં વાળ, કાનમાં સિમ્પલ ટોપ્સ, હોઠ પર લાઈટ બ્રાઉન લિપસ્ટીક અને સુંદર ડિમ્પલ વાળું સ્મિત... નૈનેશ એને એકધારું જોઈ રહ્યો હોય છે. જેમ જેમ ઝલક નજીક આવે છે એમ એમ એના દિલો દિમાગ પર એક સુગંધ છવાઈ જાય છે ને આ બધું મળીને એને જાણે અલગ જ દુનિયામાં મોકલી દે છે.

 

"હેલો..." અને ઝલકના અવાજથી નૈનેશ ભાનમાં આવે છે.

 

"હેય... જેટલું સુંદર વ્યક્તિત્વ એટલી જ સુંદર અને ચીવટ ભરી દરેક વસ્તુની પસંદગી અને એમાં ચાર ચાંદ લગાવે તારા પરફ્યુમની મહેંક." પોતાને ઝલકના વખાણ કરતા રોકી ના શકતા નૈનેશે કહ્યું...

 

"બધી વાત અહીંયા બહાર ઊભા ઊભા જ પતાવવી છે કે કેફેમાં પણ જવું છે.!?" ઝલકે હસતાં હસતાં પુછ્યું...

 

"અરે સોરી.." નૈનેશે કહ્યું અને બંને કેફેમાં અંદર જઈને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યાએ મુકેલા ટેબલ પર ગોઠવાયા. બોલવાની પહેલ કોણ કરે એની રાહમાં થોડી પળો તો એમ જ પસાર થઈ ગઈ. નૈનેશને ખબર નહતી પડતી કે ક્યાંથી અને કેમની વાત શરૂ કરવી અને એની એ મુંઝવણ એના ચેહરા પર સાફ દેખાઈ આવતી હોય છે. ઝલક સામે બેઠા બેઠા એને મૂંઝવણમાં જોઈને મંદ મંદ સ્મિત કરતી હોય છે ને ત્યાં જ વેઇટર એમના ટેબલ પર પાણીનો ગ્લાસ મૂકી ગયો. તરસ ના હોવા છતાં પણ નૈનેશે ગ્લાસમાંથી થોડું પાણી પીધું, આ જોઈને ઝલકનું માંડ રોકી રાખેલું હસવું છૂટી ગયું. ઝલકને આમ ખડખડાટ હસતાં જોઈને નૈનેશ બાઘાની જેમ એની સામે જોઈ રહ્યો.

 

"તો નૈનેશ ખાલી ચેટ કરવામાં જ એક્સપર્ટ છે એમ ને.!?" માંડ હસવાનું રોકીને ઝલક બોલી...

 

"એવું નથી.! પણ આપણે પહેલી વાર મળી રહ્યા છીએ અને કાલે તને મળવા માટે જે મેં એડવેન્ચર કર્યું એના લીધે... "નજર ઢાળીને બોલી રહેલા નૈનેશે વાક્ય અધુરું છોડ્યું...

 

એવામાં જ વેઈટર ઓર્ડર લેવા આવ્યો એટલે ઝલકની પસંદ બરાબર જાણી ગયેલા નૈનેશે એને પૂછ્યા વિના જ, વન બાર્બેક્યું પિઝા, ટુ ફોકાસિયા એન્ડ ટુ કેપુચિનો નો ઓર્ડર આપ્યો ને ઝલકની સામે પ્રશ્નાર્થ ભાવે જોયું તો ઝલકે પણ એમાં મૂક સંમતિ આપી.

 

વેઇટરના જતા જ વાતનો દોર ફરી હાથમાં લઈને ઝલકની આંખોમાં જોઈને નૈનેશ બોલ્યો, "રિયલી સોરી ઝલક, પણ મારે તને એક વાર મળવું જ હતું. મારે એ વ્યક્તિને મળવું હતું જેમાં હું અમુક અંશે મારુ પ્રતિબિંબ જોવું છું. જેની ઘણી પસંદ મને મળતી આવે છે જે અને એક માત્ર એવી વ્યક્તિ છે જેની જોડે હું મારા શોખની વાત કરીને મારી અંદર રહેલા હું ને મળી શકું છું. જેણે મને અને મારી નમુને ફરી નજીક કર્યા અને એકધારા ચાલી રહેલા અમારા સંબંધમાં નવો પ્રાણ ફૂંક્યો. જેણે અજાણ્યા હોવા છતાં મારી ઉપર હદથી વધુ વિશ્વાસ મૂક્યો અને સૌથી વધુ મહત્વની વાત તો જે ટૂંકા ગાળામાં જ મને સ્પર્શી ગઈ.!"

 

નૈનેશે છેલ્લું વાક્ય બોલતા જે રીતે 'મને સ્પર્શી ગઈ' ઉપર ભાર આપ્યો ઝલક લગભગ રોમાંચિત થઈ ગઈ. એ વિચારી રહી કોઈના માટે આટલું ખાસ હોવું કેવી અદ્ભૂત લાગણી છે. અને એ બોલી, "નૈનેશ તું મારા જીવનમાં એ વખતે આવ્યો જ્યારે મારે કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે મને જજ કર્યા વિના સાથ આપી શકે, જે મને સમજીને મને સમજાવી શકે અને અજાણતા તેં એજ કર્યું. વાતવાતમાં તારી જોડેથી મને મારી દરેક મુશ્કેલીનો હલ મળતો ગયો અને મારી જિંદગી પહેલા જેવી જ ખુશહાલ થઈ ગઈ. રાજ મારો ફરી મિત્ર બની ગયો. આ બધું જ તને આભારી છે નૈનેશ. તારી દોસ્તીએ મને ચાલકબળ પૂરું પાડ્યું. મારા શોખ જોડે મારો ફરી ભેટો કરાવ્યો. વર્ષોથી મારા મનમાં જામી ગેયેલી ધૂળ ખંખેરી અને મને એક એક નવી તાજગી બક્ષી."

 

બંને એક અલગ ભાવનામાં વહી રહ્યાં હતા. શબ્દોની જગ્યાએ હવે ખામોશી બોલી રહી હતી અને એને તોડતા નૈનેશે એક પ્રશ્ન કર્યો. "એક વાત કહું ઝલક..." અને જાણે ઝલકની પરમિશનની જરૂર ના હોય એમ એની સામે જોઇને આગળ બોલ્યો, "મને શરૂઆતથી જ ખ્યાલ આવી ગયો હતો કે તારી પર્સનલ લાઇફમાં તું કોઈ તકલીફમાં છે."

 

ઝલક એકદમ સ્તબ્ધ બની જાય છે આ સાંભળીને. અને ત્યાં જ વેઈટર ઓર્ડર લઈને આવે છે અને બંનેની પ્લેટ સર્વ કરે છે. આગળ શું બોલવું એની સમજ ના પડતાં ક્યાંય સુધી બંને ચૂપચાપ ખાતા રહ્યાં. ઝલકના મનમાં સતત એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો, "કઈ રીતે આ શક્ય બને.? કઈ રીતે નૈનેશ મારા મનના ભાવ જાણી શકે.?"

 

જાણે ઝલકના પ્રશ્નોનો પડઘો નૈનેશના મનમાં પડતો હોય એમ એ બોલ્યો, "ખબર નથી મને કે કેમ આવું થતું, પણ તારા મનની વિહ્વળતા મારા સુધી પહોંચી જતી. મને પહેલેથી જ લાગતું કે કોઈ ઋણાનુબંધ જ હોઈ શકે બાકી આ શક્ય જ નથી."

 

"હમમ... એવું જ હશે નૈનેશ અને એટલે જ અડધી રાતે પણ તું ઘણીવાર મને વગર બોલાવે સાથ આપી ગયો છે." ઝલકે કહ્યું અને એના મનમાં વિચાર આવી ગયો...

 

"મન મળી જતાં હોય છે અહીં માણસોના મેળામાં,

જાણે કોઈ ઋણાનુબંધ હોય ભવ ભવના ફેરામાં."

 

વાતાવરણ થોડું ભારે થઈ રહ્યું હતું એટલે નૈનેશ બોલ્યો, "બસ bff હવે છોડ આ બધી વાતો. એ કહે કે ફૂડ કેવું લાગ્યું અહીંનું.? આમ તો મને ખબર જ હતી તારી પસંદ એટલે તને પૂછ્યા વિના ઑર્ડર આપી દીધો, તને કોઈ વાંધો તો નથીને એ વાતનો. નહીં તો કાલે ફરી સોરી કહેવા મળવું પડશે.!" ખડખડાટ હસતા નૈનેશ બોલ્યો...

 

પછી તો અલકમલકની વાતો અને ખાવાનું બંને સમાંતર ચાલી રહ્યા હતા. પેટ ધરાઈ ગયા હતા પણ મન નહીં. નૈનેશે વેઈટરને કેપુચિનો લાવવા કહ્યુ અને કોફી પીતા પીતા પાછા બંનેથી મનોમન સરખામણી થઈ ગઈ એમની આ પસંદગીની પણ...

 

વાતોના દોરમાં ચાર વાગવા આવ્યા હતા. ઝલક બોલી, "હવે આપણે જવું જોઈએ." હા પાડીને નૈનેશ બિલ પે કરવા લાગ્યો તો ઝલકે જિદ કરીને અડધું બિલ પે કર્યું. એક સુંદર મુલાકાતની ખૂબસૂરત પળો દિલમાં ભરીને બંને કેફેની બહાર નીકળ્યા. બહાર નીકળીને પણ એમની વાતો ચાલુ જ હતી.

 

"થેન્ક્યુ સો મચ ઝલક.! મારી મળવાની ઈચ્છાને માન આપવા માટે." નૈનેશ એકદમ લાગણીવશ થઈને બોલ્યો...

 

"જો હું આજે તને મળી જ ના હોતને નૈનેશ, તો મને ક્યારેય ખ્યાલ ના આવત કે મેં જિંદગીમાં શું ગુમાવ્યું છે.! એટલે, તારો આભાર મને એક સુંદર બપોર આપવા માટે.!! આ પળો કાયમ મારી જિંદગીમાં ખાસ રહેશે." ઝલક પણ લાગણીવશ થઈને બોલી...

 

"હા, આ એ પળો છે જે ફરી ક્યારેય આપણી જિંદગીમાં નહીં આવે." ફરી ક્યારેય એ અને ઝલક નથી મળવાના એ અફસોસ સાથે નૈનેશ બોલ્યો અને એક પળ રોકાઈ ગયો. "અચાનક ફેસબુક પર મળી ગયા એમ ક્યારેક અચાનક ક્યાંક મળી જઈએ તો કેવું સારું નહીં.? ભલે તારી જોડે વાત કરવા ના મળે પણ તું મારી આસપાસ છે એ એહસાસ જ મારા માટે ખાસ થઈ રહેશે." બોલતા બોલતા નૈનેશ ભાવનાઓમાં વહી ગયો અને એકદમ આવેગિત થઈને એણે એનાથી એક ફૂટના અંતરે ઉભેલી ઝલકના કપાળે એક હળવું ચુંબન કરી લીધું.

 

ક્ષુબ્ધ થઈ ગયેલી ઝલક હજી કંઈ સરખું સમજે અને પ્રતિક્રિયા આપે એ પહેલા નૈનેશને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એના ચેહરા પર ક્ષોભ સાફ દેખાઈ આવતો હતો. એ જાણતો હતો કે એની આટલી મોટી ભૂલ પછી એ ખુલાસો આપવાનો અને માફી માંગવાનો હક ગુમાવી બેઠો છે. એણે ત્યાંથી પસાર થતી રીક્ષાને ઉભી રાખી અને ઝલકને એમાં બેસાડીને ઘરે મોકલી દીધી.

 

સાવ જ ભાંગેલા પગે એ પોતાની કાર આગળ ગયો અને દરવાજો ખોલીને અંદર બેઠો. એણે કારનું એસી એકદમ ફુલ કરી દીધું અને માથું સ્ટીયરીંગ પર ઢાળી દીધુ. થોડી વાર સુધી એમ જ અંદર બેસી રહ્યા પછી ઑફિસ જવા નીકળ્યો.

 

જે વાતને એ યાદ કરવા નહતો ઈચ્છતો એ વાત આખરે એના વિચારોમાં આવી ગઈ. પોતાની ભાવનામાં વહી જઈને કરેલી એ ભૂલ યાદ આવતા જ નૈનેશનું ગળું સૂકાવા લાગે છે. એ પાણી પીવા ઊભો થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે વિચારો ને વિચારોમાં સવાર પડી ગઈ છે. એ પાણી પીને થોડી વાર ઊંઘવાનું વિચારે છે અને આંખો બંધ કરી દે છે.

 

***

 

નૈનેશે ઝલકના કપાળે કેમ ચુંબન કર્યું.?

શું એ ઝલકને પ્રેમ કરતો હશે.?

ઝલકના મનમાં નૈનેશ માટે કઈ લાગણી હશે.?

સાત દિવસ એકબીજાથી કોઈ પણ રીતે જોડાયેલા ના રહીને એ લોકો શું નિર્ણય લેવાના હશે.?

આ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર.

 

©શેફાલી શાહ

 

***

 

વાર્તા વાંચીને વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

 

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.

Insta - : shabdone_sarname_

 

જય જીનેન્દ્ર...

શેફાલી શાહ