સમાંતર - ભાગ - ૭ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સમાંતર - ભાગ - ૭

સમાંતર ભાગ - ૭

આગળના ભાગોમાં આપણે જોયું કે અડધી રાતે ઝલક એકદમ ઊંઘમાંથી ઉઠી જાય છે. એને બેચેની અને ગૂંગળામણ થતી હોય છે એટલે બહાર બાલ્કનીમાં આવીને બેસે છે અને જૂના ફોટા જોતા જોતા ઝલક એના જીવનની મહત્વની ક્ષણોને ફરી જીવે છે. નવોઢા બનીને એનો રાજના જીવનમાં પ્રવેશ થાય છે અને હવે આગળ..

*****

ઝલક એક પછી એક ફોટા ફેરવતી જાય છે અને સાથે યાદો પણ.. એના અને રાજના શિમલા, કુલુ મનાલીના હનીમૂનના ફોટા, શરૂઆતના રોમાંચક દિવસો અને પછી પાર્શ્વના જન્મ સમયના ફોટા ઉપર અટકી જાય છે. એને યાદ આવી જાય છે જ્યારે એણે પહેલી વાર પીરીયડ મીસ કર્યો. આમ તો એની મેન્સિસ સાયકલમાં બે કે ત્રણ દિવસ લેટ થઈ જ જતું પણ આ વખતે ચાર દિવસ થઈ ગયા.

કેટલું ધ્યાન રાખ્યું હતું એણે અને રાજે.. તોય એક વાર બર્થ કંટ્રોલ પિલ્સ ખલાસ થઈ ગઈ હતી અને ઘરના બધા બહાર ગયા હતા. લગન પછી પહેલી વાર એવું થયું હતું કે બંનેને ઘરમાં એકાંત મળ્યું હતું. એણે રાજને ઘણો રોક્યો હતો પણ રાજ આવી ભાગ્યેજ મળતી તક જવા દેવા નહતો માંગતો, એ અલગ જ મૂડમાં હતો.! માંડ માંડ એ દિવસે ઝલકે કામ આટોપ્યું હતું.

કિચન, ડ્રોઈંગ રૂમ કે પછી બેડ રૂમ.. એક પણ જગ્યા એવી નહીં હોય જ્યાં એમણે રોમાન્સ ના કર્યો હોય. કામ કરતી ઝલકને એકદમ જઈને પાછળથી કિસ કરીને ચોંકાવી દેવું રાજને પહેલેથી ગમતું.! અને એ દિવસે તો અચાનક જઈને એના વાળ ખોલી નાખવા, આલિંગનમાં લેવી કે કિસ કરવી.. જાતજાતની શરારત સૂઝી હતી રાજને.! બસ એ દરેક પળને પ્રેમથી ભરી દેવા માંગતો હતો. કેમેરામાં યાદો કેદ કરવાનો શોખીન રાજ આજે હૈયામાં યાદો કેદ કરવા માંગતો હતો. અને બંને જણ વહી ગયા હતા પ્રેમના વહેણમાં.

"ચલને બનાવીએ આજે અણમોલ યાદો જે બની રહે જીવનભરનું ભાથું,
ને કંડારીએ એને હૈયે કાયમ માટે, એજ બની રહે આપણા સુખનું સરનામું.."

અને ખરેખર એ સુંદર ક્ષણો એમના માટે સુખનું સરનામું બની.. દેવના જન્મનું નિમિત્ત બનીને. ઝલકનો ડર, આશંકા બધું દૂર થઈ ગયું જ્યારે ડોકટરે પહેલી વાર દેવને એના હાથમાં મૂક્યો. અને એજ દેવ, એનો દીકરો નિમિત્ત બન્યો એના અને નૈનેશની મુલાકાતનો..

*

રાતના લગભગ અઢી વાગે, શીલજ રોડ ઉપર આવેલા બંગલાના પોતાના રૂમની વિશાળ બાલ્કનીના હિંચકા ઉપર બેઠેલો નૈનેશ ક્યાંય સુધી ઝલકના ઝૂમ થયેલા હસતા ફેસને જોયા કરે છે. એક વાર એને થાય છે કે ઝલકને મેસેજ કરી દઉં. પણ પછી એને એ પ્રોમિસ યાદ આવે છે જે એણે અને ઝલકે એકબીજાને આપ્યું હતું, એક અઠવાડિયા સુધી no message, no call.. અને આજે તો એનો પહેલો જ દિવસ હતો.

ના.. દિવસ નહીં રાત.! ગઈ કાલે સાંજે જ બંનેએ નક્કી કર્યું હતું કે રાતે ગૂડ નાઈટનો મેસેજ કર્યા પછી એક અઠવાડિયા સુધી બંને એકબીજા જોડે વાત નહીં કરે અને આ દિવસોમાં આત્મચિંતન કરીને આગળ એમના સંબંધનું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ એકનો સંબંધને પૂર્ણવિરામ આપવાનો નિર્ણય બીજી વ્યક્તિએ એક પણ પ્રશ્ન પૂછ્યા વિના માન્ય રાખવો પડશે અને પછી કાયમ માટે જિંદગીમાંથી એકબીજાનું અસ્તિત્વ ભૂંસી દેવામાં આવશે.

"શું શક્ય છે શ્વાસે શ્વાસે મહેકતા એક શ્વાસને ભૂલવું.!?
અસ્તિત્વ બની બેઠેલા એકમેકના વિશ્વાસને ભૂલવું.!?"

આખો દિવસ નૈનેશે પોતાને અતિવ્યસ્ત રાખ્યો. અને ખાસ તો એ સમયે જ્યારે એ અને ઝલક થોડી ક્ષણો કે થોડી મિનિટો પૂરતી એક અલગ જિંદગી જીવી લેતા. દિવસ તો જેમતેમ કરીને કાઢ્યો પણ રાતની નિતાંત શાંતિમાં એને ઝલકની યાદો ઘેરી વળી. અને એનાથી અનાયાસે ઝલકનાં આવ્યા પહેલાની અને પછીની જિંદગીની સરખામણી થવા લાગી.

"बात निकलेगी तो फिर दूर तलक जायेगी.."

મોબાઈલમાં જગજીતસિંહનું ગીત ચાલતું હતું અને જોડે નૈનેશના મનમાં એની જિંદગીનું ફ્લેશબેક..

ભણવાનું ચાલુ જ હતું ને નમ્રતા માટે વાત આવી હતી. નમ્રતા એક સુખી કુટુંબની સુંદર અને નામ પ્રમાણે જ નમ્ર સ્વભાવ ધરાવતી છોકરી હતી. થોડી ભીનેવાન પણ નમણી, કાળી મોટી આંખોવાળી નમ્રતાને પહેલી વાર જોતાવેંત જ નૈનેશ પ્રેમમાં પડી ગયો હતો. તો બીજીબાજુ નમ્રતાના પપ્પાએ છોકરાનું હીર પારખી લીધું અને પોતાનાથી આર્થિક રીતે ઘણા પાછળ એવા પરિવારમાં દીકરી આપવાનો નિર્ણય કરી લીધો.

પહેલી વારમાં જ બંને પક્ષની હા આવી ગઈ હતી. નૈનેશ અને નમ્રતાને બહુ વાત કરવાની તક જ નહતી મળી નક્કી કર્યા પહેલા. બંને પરિવાર રૂઢિચુસ્ત હતા એટલે ચાંદલા પછી ફટાફટ લગન લેવાનું નક્કી કર્યું અને એ દરમિયાન મળવાનું લગભગ ઘરે જ થતું અને એ પણ પરિવારની હાજરીમાં. લગભગ એકાદ બે વાર જ બંને બહાર એકલા મળ્યા હશે અને એ પણ એકાદ કલાક જેવા ટૂંકા ગાળા માટે જ. તો પણ એક અલગ આકર્ષણ ઉભુ થઈ ગયું હતું બંને વચ્ચે.. કહોને પ્રેમનું પહેલું પગથિયું ચઢી ગયા હતા બંને.!

લગ્નના દિવસે નવવધૂ અને વરરાજાના પોશાકમાં જોડાજોડ ઉભેલા નૈનેશ અને નમ્રતા જોઇને જ આંખો ઠરે એવા સુંદર લાગતા હતા. દરેક મહેમાનોના મનમાં બંનેને જોઈને એક જ ભાવ આવી જતો.. made for each other.. અને આમ જોવા જઈએ તો એ દિવસ પૂરતું જ નહીં પણ એ દિવસથી લઈને અત્યાર સુધી બંને જણા એકબીજા માટે બન્યા હોય એવી જ જિંદગી જીવ્યા છે.

શરૂઆતથી જ બંનેના સ્વભાવમાં ઘણું અંતર હતું આમ તો. નૈનેશ કલાનો ચાહક, મૂવી કે નાટક જોવું, કવિતા કે ગીતો સાંભળવા, પરોઢની સુંદરતા માણવી કે પછી રાતે ચાંદ તારાની સંગત માણવી, એકદમ એનર્જીથી ભરપુર હતો. પણ હજી તો કારકિર્દી શરૂ પણ નહતી થઈ અને લગનની જવાબદારી આવી ગઈ એટલે પહેલા પૈસાના અભાવે અને પછી એની અતિવ્યસ્ત જિંદગીમાં એને બહુ સમય નહતો મળ્યો આ બધું માણવાનો. તોય જ્યારે પણ નાની મોટી કોઈ તક મળી જાય ત્યારે એ એને ઝડપી લેતો.

જ્યારે નમ્રતા પહેલેથી જ થોડી ઘરરખ્ખુ.. એને નાની નાની વાતમાં નૈનેશની કાળજી રાખવી ખૂબ જ ગમતી, કહો કે આ પણ એનો પ્રેમ દર્શાવવાની એક રીત જ હતી. ઘણીવાર નૈનેશ એને હળવી ટકોર પણ કરતો પણ નમ્રતાની પ્રેમ સભર દલીલ આગળ આખરે એને નમતું જોખવું પડતું. હા.. ઉંમર પ્રમાણે એને હરવા ફરવાના શોખ તો હતા, તોય એના માટે એનો ઘર પરિવાર જ પહેલા. એજ એની દુનિયા અને એને જ વ્યવસ્થિત રાખવું એનો જીવનમંત્ર. જોકે નૈનેશના કહેવા પર એ બનતો સાથ આપવા પ્રયત્ન કરતી પણ તોય અમુક વાર એનું ધ્યાન ઘરની જવાબદારીમાં જ વધુ રહેતું. તો નૈનેશને પણ ક્યારેય આ બાબતે એવી કોઈ મોટી ફરિયાદ નહતી. એકબીજાની ખૂબી અને ખામીને અપનાવીને બંને પૂરક જ બનીને રહ્યા કાયમ.!

"આમ તો સામસામા કિનારા જ કહોને.!"
એ રહી અંતર્મુખ ને હું રહ્યો બહિર્મુખ..
તોય બની રહ્યા એકબીજાના પૂરક કહોને.!
તેથી જ નિયતિએ લાવીને મૂક્યા સન્મુખ.."

અને નૈનેશને એમની સુહાગરાત યાદ આવી ગઈ. શરમથી ઢળેલી નવા શમણાં ભરેલી આંખો, ચેહરા પર ઉપસી આવેલા લજ્જા અને ડર મિશ્રિત ભાવ અને જાણે કઈ કહેવા માંગતા હોય એમ સહેજ ફફડતા હોઠ.. એકદમ અભિસારિકા લાગતી હતી ફૂલોથી સજાવેલા પલંગ ઉપર બેઠેલી નમ્રતા એ વખતે.! જ્યારે નૈનેશે એનો હાથ નમ્રતાના હાથ પર મૂક્યો ત્યારે ભોળા પારેવડાની જેમ ડરી ગઈ હતી એ.! અને નૈનેશે પળવારમાં નિર્ણય લઈ લીધો કે જ્યાં સુધી નમ્રતાનો આ ડર ઓછો નહીં થાય ત્યાં સુધી એ એક મિત્રની જેમ જ એને સાથ આપશે.

એ રાતે બંનેએ મન ભરીને વાત કરી. એકબીજાની પસંદ નાપસંદ, વિચારો ને ઘણું બધું. શરૂઆતમાં ખાલી નૈનેશ જ બોલે જતો હતો પછી ધીમે ધીમે નમ્રતા પણ ખુલી રહી હતી. હવે એ વાત કરતા કરતા વચ્ચે હસી પણ લેતી તો ક્યારેક નૈનેશની આંખોમાં પણ જોઈ લેતી. નૈનેશ અનુભવી રહ્યો હતો કે એના લીધેલા નિર્ણયથી નમ્રતા હળવી થઈ રહી છે. એની આંખોમાં રહેલા ડર અને મનમાં રહેલી ગભરાહટનું સ્થાન ધીમે ધીમે વિશ્વાસ લઈ રહ્યો હતો. એની વાતોમાં એના મનની સુંદરતા અને નિર્દોષતા ઝળકી રહી હતી અને ત્યારે જ નૈનેશે મનમાં એક નિર્ધાર કર્યો હતો કે એ નમ્રતાના આ વિશ્વાસને કાયમ રાખવા પૂરતો પ્રયત્ન કરશે.

"તન પર નહીં, પહેલા એના મન પર અધિકાર જોઈએ,
હૈયાને તરબતર કરે એવો એનો સ્નેહ અનરાધાર જોઈએ.!"

*****

કઈ રીતે ઝલકનો દીકરો દેવ એના અને નૈનેશની મુલાકાત માટે નિમિત્ત બને છે.?
નૈનેશ અને નમ્રતાની જિંદગીમાં આગળ શું થાય છે.?
અને શું નમ્રતા એ મૂકેલા વિશ્વાસને કાયમ રાખી શકશે.? જો હા.. તો પછી ઝલકનું શું સ્થાન છે નૈનેશની જિંદગીમાં.!?
આ બધા પ્રશ્નોના ઉત્તર જાણવા વાંચતા રહો સમાંતર..

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

શેફાલી શાહ

જય જીનેન્દ્ર...