સમાંતર - ભાગ - ૧ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૧

સમાંતર ભાગ - ૧

પ્રસ્તાવના -

આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને જાણીતા અને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે.

આપણી આજુબાજુ કદાચ ઘણા એવા લોકો હશે જે આવા કોઈ અનુભવ એટલે કે ઓનલાઇન રીલેશનમાંથી પસાર થયા પણ હોય. આવા સંબંધને ફક્ત શંકાના દાયરામાં જ રાખવાની જરૂર નથી, ઘણા સંબંધ સ્વસ્થ સંબંધ પણ હોય છે. પછી એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે.. મિત્ર, માર્ગદર્શક કે પછી ઘણીવાર કોઈ અલગ લાગણીનો સબંધ.. હા.. આવા કોઈ પણ સંબંધમાં બંધાતા વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આમા છેતરાવવાનો ભય સૌથી વધુ રહે છે.

સમાંતરમાં કેવી રીતે અને કયા સંજોગોમાં બે અજાણી વ્યક્તિ મળે છે, એમના જીવનમાં રહેલી ખૂટતી કડી જોડાય છે અને શરૂ થાય છે એક ભાવનાત્મક જોડાણ એની વાત આલેખવામાં આવી છે. થોડી વાર નીતિમત્તાના ધોરણને વિસરીને તમે જો વાર્તાના પાત્ર જોડે એકરૂપ થઈ શકશો તો કદાચ તમે એમને સારો ન્યાય આપી શકશો. આ વાર્તાને લવ સ્ટોરી કહેવી કે ના કહેવી એ હું વાંચક પર છોડવા ઈચ્છું છું..

*****

જીવન ભલે ચાલતું રહ્યું સમાંતર...
તોય સદિયોથી ચાલ્યું આવ્યું મતમતાંતર,
લાગણીઓનો કેવો સંયોગ રચાવા જઈ રહ્યો,
સાથે.. તોય મળી ના શક્યા એવા રહ્યા સમાંતર.

અત્યારે રાતના લગભગ બે વાગ્યા છે... ચારે તરફ એકલ દોકલ વાહનોને છોડતા રસ્તા એકદમ સૂમસામ ભાસે છે. આખા દિવસની દોડાદોડી પછી દિવસ દરમ્યાન દોડતું રહેતું અમદાવાદ શહેર થાકીને ગાઢ નિંદ્રામાં સરી ગયું છે.

પણ, અમદાવાદના જ શીલજ જેવા પોશ એરિયામાં આવેલા શ્યામ વિલા બંગલામાં રહેતો નૈનેશ હજી પથારીમાં પડખા ઘસી રહ્યો છે. બાજુમાં નજર નાખે છે તો એની પત્ની નમ્રતા ઘસઘસાટ ઊંઘતી હોય છે. નમ્રતાના શાંત અને સૌમ્ય ફેસને જોતા એને વહાલ આવી જાય છે ને એ એના કપાળે ચુંબન કરે છે. ભર ઊંઘમાં પણ નમ્રતા એના પતિના પ્રેમાળ સ્પર્શને મહેસૂસ કરતી હોય એમ સહેજ સળવળે છે. એના ફેસ પર થોડું સ્માઈલ આવી જાય છે અને પાછી ગાઢ ઊંઘમાં સરી જાય છે. નૈનેશ માટે પત્ની નમ્રતાનું આ સુખ ખુબ જ મહત્વનું છે.

મધ્યરાત્રિ થઈ ગઈ હોવા છતાં નૈનેશની આંખમાં ઊંઘનું નામનિશાન નથી. એ સખત વ્યગ્રતા અનુભવતો હોય છે. એનું દિલ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય છે.! મનમાં સતત ચાલતા વિરોધાભાસી વિચારોના લીધે એ માનસિક રીતે થાકી ગયો હોય છે. આખરે થાકી, કંટાળીને એ બેડ ઉપરથી ઊભો થાય છે ને રસોડામાં જઈને એક કડક કોફી બનાવવા ગેસ ઉપર મૂકે છે. નિર્વ્યસની નૈનેશને કોફી, હિંચકા અને ગીતો સાંભળવાનું જ વળગણ છે બાકી બધી રીતે એને એક નખશિશ સજ્જન કહી શકાય..

શ્રીનાથજીનો પૂરો ભક્ત નૈનેશ પટેલ જ્યારે પણ સમય મળે ત્યારે પરિવાર સાથે દર્શને ઉપડી જતો અને સાથે સાથે ત્યાં નજીકમાં કોઈ રિસોર્ટમાં રોકાઈને રોજિંદા જીવનમાંથી થોડો પારિવારિક સમય પણ ચોરી લાવતો. કોઈને પણ ઈર્ષા આવે એટલી હદે એક સફળ આર્કિટેક, સફળ પતિ અને 21વર્ષની દીકરી અનન્યાના પિતા, 45 વર્ષે પણ માંડ 35ના લાગે એવા દેખાવડા નૈનેશની બાહ્ય જિંદગી એકધારી ગતિથી પસાર થઈ રહી હતી. કદાચ આજ કારણ હતું કે..

શીલજ રેલ્વે ક્રોસિંગની બરાબર સામે એનો 5 બેડ રૂમનો વિશાળ બંગલો આવેલો હતો, જેમાં જીમ અને હોમ થીએટરની પણ વ્યવસ્થા હતી. નૈનેશ એના માતા પિતાનો એક માત્ર દીકરો હતો, હા બે મોટી બહેનો હતી જે એમના સંસારમાં ખૂબ જ સુખી હતી. માતા પિતા શાંતિથી ભક્તિ ભાવ કરી શકે એ માટે બહાર આવેલા ગાર્ડન એરિયામાં જ એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. નૈનેશ હંમેશા એના માતા પિતાનો એક આદર્શ પુત્ર બનીને રહ્યો છે. એની પત્ની નમ્રતા પણ એના સાસુ સસરાને એટલું જ માન આપતી અને પુત્રી અનન્યા તો જાણે દાદા દાદીની જાન હતી.

એક સામાન્ય કુટુંબમાં જન્મેલો નૈનેશ આપબળે આગળ આવેલો. સતત એની મહેનત અને વિચારોનું આ પરિણામ હતું. એના કુટુંબમાં જ્યારે પણ કોઈને જરૂર હોય ત્યારે એ હંમેશા બધાની પડખે ઉભો રહેતો. એની દીકરી અનન્યા ફેશન ડિઝાઇનનો કોર્સ કરતી હતી. થોડી ફેશનેબલ અનન્યાની પોતાની અલગ ગાડી હતી, જવા આવવા પર કોઈ રોકટોક નહતી છતાં પણ એ પરિવાર અને સંસ્કારનું મૂલ્ય સમજતી હતી. નૈનેશ અને નમ્રતાના જ સંસ્કારનું સિંચન અનન્યાના રૂપમાં નૈનેશની સાથે ધબકી રહ્યું હતું. આ બધું મેળવવામાં નૈનેશે એની યુવાનીનો ઘણો સમય ખર્ચી નાખ્યો હતો અને ઉંમરના આ પડાવ પર એક રીતે કહી શકાય કે એ ભરીપુરી જિંદગી જીવી રહ્યો હતો.

ગેસ પર મૂકેલી કોફીની તપેલીમાં ઊભરો આવ્યો અને એ સાથે જ નૈનેશના મગજમાં આવતા વિચારોમાં પણ.. એણે ગેસ બંધ કર્યો, મોટા મગમાં કોફી કાઢી અને લઈને પહેલા માળે આવેલા એના રૂમની વિશાળ બાલ્કનીમાં હીંચકા ઉપર જઈને બેઠો. નાનપણથી જ નૈનેશને હિંચકાનું અલગ ખેંચાણ રહ્યું છે. ખેંચાણ શું વળગણ જ કહો.! એનો ફ્રી સમય હોય કે એને પોતાની જોડે ખોવાઈ જવું હોય, એ બધું જ એ હિંચકા, કોફી અને જગજીતસિંહના ગીતોના સાનિધ્યમાં કરવાનું પસંદ કરતો. એક રીતે કહી શકાય કે આ હીંચકો એના માટે ગાઢ સાનિધ્યનો પર્યાય બની ગયો છે. એના ઘરમાં પણ બધાને આ વાતની જાણ હતી તો એવા સમયે ખાસ કામ સિવાય બધા એને ડિસ્ટર્બ કરવાનું લગભગ ટાળતાં.

બહાર રોડ ઉપર એક બે કૂતરાં જોર જોરથી ભસી રહ્યા છે. એના અવાજથી બચવા નૈનેશે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવ્યા અને એના પસંદીદા ગાયક જગજીત સિંઘની ફેમસ ગઝલ "તુમકો દેખા તો યે ખયાલ આયા.." ચાલુ કરી. એ સાથે જ એની નજર સમક્ષ એક આકૃતિ આવીને ઊભી રહી.. ઝલક.. ઝલક શાહ..

નૈનેશ વોટ્સઅપ ખોલે છે અને ઝલક શાહના ડીપીને ટચ કરે છે. તરત ઝલકનો સુંદર સ્માઈલ કરતો ચેહરો ઝૂમ થઈ જાય છે.

વ્યગ્રતા કોરી ખાય છે અંતર મહી,
કોને શું કહું જો તું ના હોય અહીં.!


*****

એવી તો કઈ વાત છે કે બધી રીતે સંપન્ન અને સુખી નૈનેશને અડધી રાતે વ્યગ્ર કરી રહી છે ? અને કેમ એને ગઝલ સાંભળતા જ ઝલકની યાદ આવી જાય છે ? આ પ્રશ્નોનો જવાબ મેળવવા વાંચતા રહો.. સમાંતર

©શેફાલી શાહ