નેત્રિને મળવા નીકળેલ જૈમિક બરાબર બાજુમાં નજર કરે છે તો એની સાથે ઘડિયાળ લેવા આવેલી એની સ્ત્રીમિત્ર એનાં સ્કૂટર પર સવાર એની સાથે ચાલતાં ચાલતાં જૈમિકને કહે છે હું જાણું છું તું નેત્રિને મળવા જ જતો હશે. તો તને વાંધો ના હોય તો હું તારી સાથે આવી શકું.....? હું પણ એ બહાને નેત્રિને મળી લઈશ.
જૈમિક સાથે આવવા માટે હા કહેતા કહે છે હા ચોક્કસ તું આવી શકે સાથે ને તું આવીશ તો નેત્રિને પણ ગમશે. બંને વાત કરતાં કરતાં બગીચામાં પહોંચી જાય છે. બગીચામાં અંદર ગયાં પછી આજુબાજુ નજર નાખતા પાંચ-સાત લોકોનું ટોળું નજર પડે છે એમાં જૈમિકને એ ટોળામાં બ્લેક ટોપમાં નેત્રિ નજર આવે છે.
નેત્રિને જોતાં જ એના મુખ પર એક અલગ જ પ્રકારની ખુશી છવાઈ જાય છે ને સાથે આંખ ભીની પણ થઈ જાય છે. એની આંખ ભીની થવી સ્વાભાવિક પણ છે કેમકે નેત્રિના જન્મદિવસમાં પહેલી વખત એ એક બિન બુલાયે બારાતી જેવો પધાર્યો હતો. એની સાથે આવેલ સ્ત્રીમિત્ર જૈમિકના ખભા પર હાથ મૂકીને એને આશ્વાસન આપતા કહે હું સમજુ છું જૈમિક તને કેટલી વેદના થઈ રહી છે. પણ અત્યારે આ સમય તારે તારી જાતને સાચવવી જોઈએ માટે ચાલ હવે મોઢું થોડું હસતું કર તો આપણે નેત્રિ પાસે જઈએ.
નેત્રિ તરફ વધતાં એક એક પગલા જાણે એને એનાથી દુર લઈ જતાં હોય એવો આભાસ થાય છે. એને થતી વેદના કદાચ શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. નેત્રિ પાસે પહોંચતા જ જૈમિક બધી વેદના માળિયા પર મુકી હસતાં મુખે એ હજું કાંઈ સમજે તે પહેલાં એને ગળે ભેટી જાય છે. જૈમિકના ગળે ભેટવાની સાથે જ નેત્રિએ પ્રયાસ કર્યો એને ગળે ભેટવાનો પણ કદાચ એના સાથે આવેલ એના મિત્રોને લીધે એ સંકોચ અનુભવી રહી હતી.
ઘણાં સમય પછી એવું બન્યું કે આ બે પ્રેમી પંખીડા ગળે ભેટી રહ્યાં હોય. જૈમિકને મન તો જાણે સુખનો સાગર આવી ગયો. નેત્રિ પણ મનમાં ને મનમાં ખુશ થઈ ગઈ પણ બગીચામાં રહેલ એના ઘણા મિત્રને જોતાં એને સંકોચ સાથે જુદાં થવાનો પ્રયાસ કર્યો. જૈમિક તો તન મનથી એટલો ભેટી પડેલો કે ભૂલી જ ગયેલો કે એ બગીચામાં છે. નેત્રિના મનની વાત સમજાઈ ને તરત જ એણે નેત્રિને પોતાનાથી વિખૂટી કરી.
નેત્રિથી અલગ થઈ જૈમિક નેત્રિની આંખમાં આંખ નાખી એને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહે છે ઢીંગલી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.......! આજીવન ખુશી તારા મુખ પર છલકાતી રહે ને તું હમેશાં જે ઇચ્છે એ મેળવે એવી પ્રભુને હૃદયથી પ્રાર્થના. નેત્રિ પણ જૈમિકની આંખ સામે જોઈ રહે છે ને કહે છે હમેશાંની જેમ મારી ખુશી માટે કુરબાની આપનારને ખુબ ખુબ આભાર......!
બંને એકબીજાની આંખમાં જોતાં જોતાં જાણે સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જાય છે. બે ઘડી તો બંને ભૂલી જ ગયાં કે ક્યાં છીએ બંને. આજુબાજુ રહેલાં નેત્રિના બધાં મિત્રો જૈમિકને એવી રીતે જોઈ રહ્યાં હતાં જાણે દિવસે ભૂત જોઈ લીધું હોય. એટલામાં જૈમિક સાથે આવેલી સ્ત્રીમિત્ર બોલી ઓહ........! તમે બંને તો ખોવાઈ ગયાં.....! હવે આ દુનિયામાં પાછા આવી જાઓ.....!
આટલું સાંભળી બંનેને ધ્યાન ગયું કે બગીચામાં છીએ. સ્ત્રીમિત્ર પણ નેત્રિને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. એટલામાં નેત્રિ સાથે આવેલ મિત્રોમાં એક છોકરી નેત્રિને કહે આ છોકરો કોણ છે......? જે સીધો આવીને તને ગળે ભેટી ગયો.....!
પ્રશ્ન સાંભળી નેત્રિ સ્તબ્ધ થઈ ગઈ કેમકે એને પણ વિચારવું પડયું કે જવાબ શું આપવો.....? શું સંબંધ છે એનો શું જવાબ આપું.....? નેત્રિ વિચારમાં પડેલી હતી ત્યારે જ જૈમિક બોલી પડ્યો હું એનો કૉલેજનો મિત્ર છું. આટલું સાંભળી નેત્રિને મન જાણે એક મોટી આફત ટળી કારણ કે પ્રશ્નનો જવાબ એની માટે આપવો કદાચ ખુબ ભારે હતો. નેત્રિની બહેનપણી પણ બોલી હા કદાચ માટે જ તમને ક્યારે નેત્રિ સાથે જોયા નથી.
પછી બધાં મળીને નેત્રિના જન્મદિવસની ઉજવણીમાં કૅક કાપે છે. પહેલીવાર એવું બને છે કે જ્યારે નેત્રિના જન્મદિવસ પર ત્યાં ઉભેલા જૈમિકને એવું મહેસૂસ થાય છે જાણે એ કોઈ એવી જગ્યાએ આવી ગયો છે જ્યાં એની મોજૂદગીથી કોઈને કાંઈજ ફરક નથી પડતો. હજુ જૈમિક વિચારમાં જ હતો ને નેત્રિના એક મિત્રે બૅગમાંથી કેમેરો કાઢતા કહ્યું ચાલો તૈયાર થઈ જાઓ બધાં હું બધાના સારા ફોટા પાડી દઉં.
એક પછી એક નેત્રિના દરેક મિત્ર એને કૅક ખવડાવી એની સાથે ફોટો પડાવે છે. આખરે જૈમિકને નેત્રિના મિત્રે કહ્યું ભાઈ તમે પણ આવી જાઓ. આટલું સાંભળતાં જ અચકાતો જૈમિક નેત્રિ સામે જોવે છે ખબર નઈ કેમ પણ જૈમિકને એવો આભાસ થયો કે નેત્રિ નથી ઇચ્છતી કે સાથે ફોટો પાડવો જોઈએ તો જૈમિક મિત્રને કહે છે માફ કરજો ભાઈ પણ મને ફોટા પડાવવા ગમતા નથી. ને થયું પણ એવું જૈમિકના આવું કહ્યાં પછી નેત્રિએ પણ એને કાંઈજ કહ્યું નહીં એનાથી સમજાઈ ગયું કે કદાચ એ પણ નહોતી ઇચ્છતી.
વાત અહીંયા ફક્ત જન્મદિવસ કે ફોટાની નહોતી વાત હતી એ સંબંધની જે સંબંધ કદાચ ક્યાંક દટાઈ ગયો હતો. વર્ષો પહેલાં શરૂ થયેલ જે સંબંધે બંનેને એક કરેલા એજ સંબંધ આજે પ્રશ્નાર્થચિહ્ન રૂપ બની ગયો હતો.
બધાંની ફોટોગ્રાફી પત્યા પછી બધા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા, મસ્તી મજાક કરી રહ્યાં હતા. પરંતુ નેત્રિ અને જૈમિક
હતા જે કદાચ આ પળને ખુશીના પળ સાથે સંબંધિત કરવામાં નિષ્ફળ થઈ રહ્યા હતા. એકબીજાની વેદના એ ભલીભાતી સમજી રહ્યા હતા. એટલામાં જૈમિક એની બૅગમાંથી ઘડિયાળ કાઢીને નેત્રિને આપતાં કહે છે લે આ તારા જન્મદિવસની ભેટ.
અરે......! આની શું જરૂર હતી.....? નેત્રિએ કહ્યું.
જરૂર હતી કે નઈ એ તો નથી ખબર પણ આપવાની ઇચ્છા હતી માટે આપી રહ્યો છું ને રાખી લે કદાચ મારા તરફની છેલ્લી ભેટ પણ હોઈ શકે જૈમિક જણાવ્યું.
નેત્રિ પણ એની બૅગમાંથી જૈમિકને એના જન્મદિવસવાળી હાથથી બનાવેલ ભેટ આપતા કહે છે આ તમારી ભેટ જે હું હમેશા બૅગમાં લઈને ફરતી હતી કે ગમે ત્યાં મળી જાઉં તો આપી દઈશ. આજે મળી ગયા છો તો લો તમારી ભેટ તમે લઈ જાઓ તો હું સાચવવામાંથી છૂટી શકું. અને હા તમે કાંઇક વાત કરવાનાં હતાં એતો કહો.......? એમ નેત્રિએ વ્યક્ત કર્યું.
હા.......! હવે તો લઈશ જ આ ભેટ તારા હાથથી આપે છે તો.....! ને હા વાત તો કરવી છે ઘણી બધી પણ અહીંયા નઈ ક્યાંક દૂર થોડી વાર બેસીને વાત કરીએ તો સારું રહેશે જૈમિકે કહ્યું.
હા ઠીક છે ત્યાં દુર બાંકડો છે ત્યાં બેસીએ નેત્રિએ કહ્યું. એમ કહી બંને બગીચામાં રહેલ બાંકડા તરફ પ્રયાણ કરે છે.