રાતના શમી ગયેલા જીવનના અંધકારને નવી ઓજસ ભરી સવાર થવાની આશા સાથે હીરલી ફાનસને પ્રગટાવે છે.તે આવતીકાલની સવારની આતુરતાથી રાહ જોઈ રહી હોઈ છે.આવતીકાલ કેવી હશે એની કલ્પના કરવા લાગે છે! કરે જ ને કલ્પના. કેમ કે વર્ષોથી સંઘર્ષોમાં જ જીવન રહ્યું હતું. આવનારો સમય નવો જ અવસર પ્રદાન કરે અને સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય એની જ અભિલાષા હતી.
પરોઢિયું ઊગે એ પેહલા જ હીરલીની આંખ ખુલી જાય છે.ઘરનું કામકાજ ઝટ પૂર્ણ કરી દે છે અને નજરને રાહમાં કંડારી દે છે કે ક્યારે રાધા અને બીજી સ્ત્રીઓ આવે? ભરતનો સર્વ સામાનને ચકાસે છે અને ફરી એકબાજુ મૂકે છે.જેમ જેમ સૂર્ય પોતાની ગતિ કરી રહ્યો હોઈ છે તેમ તેમ હીરલી રઘવાઈ બને છે.
" હજુ હુધી શમ તે લોકો આયા નહીં? હું થ્યું હશે ? " મનના પ્રશ્નોની વચ્ચે જ તે લોકો આવતા નજરે ચડે છે.
હૈયામાં ખુશીનું રક્ત આખા તનમાં ઊર્જા ભરી દે છે, પગ થનગની ઉઠે છે અને હાથમાં નવો જ હામ ઉભરી આવે છે. જે પળની રાહ જોઈ હતી એ પળ સામે આવીને ઊભો હોઈ તો શરીરમાં જોમ વધી જ જાય છે.બસ આવી જ સ્થિતિ હીરલીની થઈ પડી હતી. તે સ્ત્રીઓ ઘર આંગણે આવીને ઉભી રહે છે. હીરલી આદરભર્યું ઘરમાં સ્વાગત કરે છે.એક પણ ક્ષણ રોકાયા વિના હીરલી ભરત કામની સામગ્રી તે સ્ત્રીઓની આગળ ધરી દે છે. પણ તે સ્ત્રીઓ માટે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે! એવી જ સ્થિતિ હતી.
" હીરલી ! અમન શો આવડ સ ભરત ભરતા!" સવલી એ કહ્યું.
" હું જેમ કરું તેમ તમે બધા કરો, એટલ આવડી જહે." હીરલીએ મૂંઝવણ દૂર કરતા બોલી.
હીરલી માટે પણ પડકાર હતો કે ભરત કેવી રીતે શીખવવું? કેમ કે ભરત શીખવા માટે સમય લાગી જાય છે. હીરલીએ તોરણ બનાવવાથી શરૂઆત કરે છે. તે તોરણ બનાવતી જાય છે તેમ તેમ પેલી સ્ત્રીઓ પણ કરતી જતી હતી. હીરલી ધ્યાન સ્ત્રીઓ તરફ ધ્યાન દોરાવી રહી હતી, તે સ્ત્રીઓ તોરણ તો બનાવી રહી હતી પણ પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી.પરાણે, કમને કરી રહી હોઈ એમ લાગી રહ્યું હતું. શાંતિ તો એવી પ્રસરાયેલી હતી કે સમયે જુબાન જ લઈ લીધી હોઇ! એમનો પણ વાંક ન્હોતો. સમાજના રિવાજોમાં ખુદની દૃષ્ટિ જ એવી બની ગઈ હતી. તે સ્ત્રીઓમાં કેટલીક આધેડ વયની હતી પણ રાધા એ તો હમણાં જ જુવાનીમાં પગરવ માંડ્યો છે.તેના સામે આખું આયખું પડ્યું હતું. પણ રંગ કે રસ વિહીન હતું.
સૂરજ ડૂબવાના આરે આવી ગયો હતો એટલે તે સ્ત્રીઓ પોતાનું કામ ત્યાં જ રોકીને પોત પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગઈ. હીરલી માટે એક પ્રશ્ન બની ગયો કે આ સ્ત્રીઓ કાલે આવશે કે કેમ ? કારણ કે આજના એ લોકોના વર્તન પરથી સ્પષ્ટ જણાતું હતું.રાત એ જ વિચારો સાથે વિતી ગઈ.
સવાર પડતાં જ નજર માર્ગ પર મંડરાવા લાગી.ગઇકાલે જે પ્રશ્ન હતો તે સ્ત્રીઓ નજર પડતાં જ ઉકેલ મળી ગયો. હીરલીના હૈયામાં હાશકારો થયો. કાલનું અધૂરું રહેલું કામ પૂર્ણ કરવા લાગી ગયા. શાંત વાતાવરણની ચુપકી તોડવા માટે હીરલી બોલી," રાધા, તોરણ બનાવતો ફાવી જ્યું ક?"
રાધા માત્ર ઈશારા થકી જ હાકારો આપે છે. હીરલી ફરી પ્રયત્ન કરે છે. " બધો શમ ઓમ સૂપસાપ બેહી રહ્યો સો!કોક તો બોલો." તો પણ તે લોકો થોડીવાર ચૂપ રહ્યા. જિંદગીના દ્રષ્ટિગોચરથી પસાર થયેલી આધેડ વયની મહિલા સવલી એ ચૂપકી તોડતા બોલી, " હીરલી, તોરણ અન ભરત તો ભરહ્યું પણ વેસ્યું શો? "
" એ તો શેરમાં જઈ ન વેસવું પડહે."
" શેરમાં વેસવા જહ કુણ?જોયું સ કોઈને શેર?" શમૂડીએ પણ ચૂપકી તોડતા બોલી.
"હા, હું જઇતી વેસવા એટલ મન ખબર સ. અન આપડે બધા હારે જહુ વેસવા."
"હીરલી, શેર શેવું હોઈ?" આશ્ચર્ય સાથે વિજૂડી બોલી.
" શેરમાં તો.... મોટા મોટા ઘર હોઈ સ. રસ્તા પણ પાકા હોઈ સ. ગોમથી તો બહુ મોટું હોઈ સ. ત્યાં જા પસી પાસુ આવવાનું મન જ નો થાય."
" હેં એવું હોઈ સ શેર! તો હું એ આવે શેરમાં" વિજુડી ઉત્સાહથી બોલી.
હીરલી તે લોકો સાથે વાતચીત તો કરી રહી પણ તેની નજર રાધાને જ જોઈ રહી હતી. રાધા ચૂપચાપ પોતાનું કામ કર્યા કરતી હતી.સમયનો માર પણ કેવો હોઈ છે ! સુખના સમયની ગતી તીવ્ર હોઈ છે પણ દુઃખમાં તો ગોકળગાયની જેમ ચાલે છે. રાધા સામે આખું જીવતર પડ્યું હતું પણ વિષથી ઓછું આંકી શકાય તેમ નહોતું.
એમને એમ અઠવાડિયું વિતી ગયું પણ રાધાના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો એટલે ન નીકળ્યો.રાધાને જોઈને લાગી રહ્યું હતું કે તેણે એકલતા પ્રિય થઈ ગઈ હોઈ. સંસાર મંડાય તે પેહલા જ ઉજડી જાય તેનું દુઃખ તો જે ઝીલે તે જ જાણે.તે સમયે માનવી સમાજથી અળગો થઈ જતો હોય છે તેને જીવવું નિરથક લાગી પડતું હોઈ છે.
હવે સમય હતો શહેરમાં જઈને તોરણ અને બાંધણી વેચવાનો.સવાર થતાં જ શહેર તરફ જવા નીકળ્યા. મનમાં શહેર જવાનો ઉત્સાહ અને ઉમંગ હતો એટલે પગ ઝડપથી રસ્તો કાપી રહ્યા હતા. સવલીએ પોતાનો છોકરો રઘુને પણ સાથે લીધો હતો.આખું મંડળ ગાંડુઘેલું બનીને શહેર તરફ આગળ વધી રહ્યું હતું. પણ રાધાના મુખ પર કોઈ ભાવ ઝરકતો ન્હોતો. હીરલી રાધાની સાથે ચાલવા લાગે છે.
" રાધા, તુ શમ કશું બોલતી સાલતી નથી.તારા દુઃખથી હું અજાણ નહિ. મુ પણ તે સમયથી પસાર થયેલી સુ. ઓમ જ રઈશ તો જીવતર નરક લાગશે."
" જીવતર નરક જ સ ક.કોના માટ જીવું?"
" કોઈના માટ નહિ, તારા માટ જીવ તું."
" જ્યારથી આ કારો લુગડો પેર્યો સ ત્યારથી હું જ શો રઈશું. ઉપરથી શેટલાય નરાધમો ખરાબ નજર નાખ સ, શો જીવવા દી સ હક થી એ!"
"જ્યો હુધી તું બધું વેઠે ત્યો હૂધી લોકો તન ન જીવવા દે.સ્ત્રીના જીવતરમાં કાળજું કાઠું કરવું પડ સ."
" એ મનેખોનો પણ શું દોષ, આપને જ એવા અભાગી છીએ ક ધણી ન ગુમાયા સ. "
" રાધા, એમો આપનો હું દોષ સ. ઉપરવાળાના લેખા જોખા આગળ આપનું ન હાલે."
લોકો એ જ એવી નજર ઉભી કરી છે કે કઈ પણ ઘટે એનો દોષી સ્ત્રી હોઈ. વિધવા થવું એમા પણ સ્ત્રીનો દોષ અને દીકરીનો જન્મ થાય તો પણ સ્ત્રીને જ દોષી ઠેરવાય છે. એ જ વાત રાધામાં ઘર કરી ગઈ હતી તેમાં ખુદને દોષી માની રહી હતી.પણ હીરલીના શબ્દોની અસર તેના પર વર્તવા લાગી. તે ખુદને શોધવા લાગી ગઈ.આસપાસની હવાને મેહસૂસ કરવા લાગી. સમયની આડમાં અસ્તિત્વ મિટાવી દીધું હતું તે અસ્તિત્વને પામવા લાગી.
જ્યાં પહોંચવા માટે પગ થનગની રહ્યા હતા તે શહેર આવી ગયું. શહેર અને શહેરની ઇમારતને જોઈને આંખો ખુલી જ રહી ગઈ.જાણે જીવતે જીવ સ્વર્ગના દર્શન થતાં નજરે ચડે છે. એ શહેરનું ભૌતિક દૃશ્ય હતું પણ શહેર ભીતરથી સીમિત હોય છે. હીરલી કારખાનાની પાસે આવતા જ નજર કારખાના તરફ દોડી જાય છે. અંતરને રોકવા છતાં પણ તે તરફ ભણી જ જતું હતું.નિરાશા હાથ લાગે છે, ભાણભાના દર્શન થતાં નથી એટલે તે સાવિત્રીબેનના ઘર આગળ જઈને ઉભા રહે છે. સાવિત્રીબેનની નજર તે લોકો પર પડતાં જ ખુશી વ્યક્ત થાય છે." આજે તો એમને મારી સંસ્થામાં લઈ જ જઈશ" એમ વિચારતા વિચારતા હીરલી પાસે આવે છે.
" તમે લોકો મારી સાથે આવશો."
" શો જવું સ, સાવિત્રીબેન?"
" અમારી મહિલાઓ માટે સંસ્થા ચાલે છે , બસ ત્યાં જ લઈ જવા માગું છું."
" પણ અમે તો વેસવા આયા શીએ. પસ આ વેસશે કુણ?"
" તમે એની ચિંતા ન કરો. એ પણ થઈ જશે."
સાવિત્રીબેનની સાથે તે લોકો સંસ્થામાં પહોંચે છે.સંસ્થામાં સ્ત્રીઓ પોતાના કામમાં વ્યસ્ત હતી. કોઈ સીવણ તો કોઈ વણાટ કામ કરી રહી હતી.તે સર્વ સ્ત્રીઓ નિરાધાર હતી.સંસ્થામાં રહેતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
" આ બધી બાઈઓ તો અમારા જેવી જ સ." એમ મનમાં કહી રહિથી.
સાવિત્રીબેન તે લોકોની બનાવેલી વસ્તુ અને બાંધણી ખરીદી લે છે અને આશ્વાસન આપતા કહે છે કે જે વસ્તુનું નિર્માણ કરશે તેના ઉચિત દામથી ખરીદી લેશે અને જરૂર પડે તે બધી જ મદદ કરશે.આ સાંભળીને હીરલી અને જોડે આવેલી સ્ત્રીઓનો ઉત્સાહ વધે છે.
તે લોકો ઘર તરફ પ્રયાણ કરે છે. રાધા જે દુઃખનો પહાડ લઈને આવી હતી તે હરવો થયો નજર ચડે છે.એ જોઈને હીરલીનું મન હરખમાં આવે છે.
" રાધા, શેર શેવુ લાગ્યું."
" હીરલીભાભી, હારું લાગ્યું. તમે મને બોઝામાંથી ઉગારી લીધી સ." રાધાના આંખમાં આસુ આવી ગયા.
હીરલી તેનો હાથ પકડીને સહાનુભૂતિ આપે છે. રાધા ખુલ્લા આકાશમાં ખુદને માણવા લાગે છે. જાણે મુક્ત ગગનમાં પંખી વિહરતું હોઈ એમ રાધા ઝુમવા લાગી.હીરલી જે સમયથી પસાર થઈ હતી તે રાહમાં રાધાને સાચવી લે છે.
ક્રમશ : .........