પિશાચિની - 27 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિશાચિની - 27

(27)

‘‘દેવરાજ શેઠની લાશ જિગરની

કારની ડીકીમાં પડી છે !’’ એવો અદૃશ્ય શક્તિ શીનાનો મોબાઈલ ફોન આવ્યો અને જિગરે કારની ડીકી ખોલી અને એમાં પડેલી દેવરાજશેઠની લાશ જોઈ તો એ થીજી ગયો હતો. ત્યાં જ શીનાએ કહ્યું હતું કે, ‘‘એ તેની પત્ની માહીના મોબાઈલ ફોન પરથી વાત કરી રહી છે.’’ એટલે જિગર શીનાથી માહીને બચાવવા કારમાં ઘર તરફ હંકારી જવા જતો હતો, ત્યાં જ તેના કાને જીપની બ્રેકની ચિચિયારીનો અવાજ પડયો હતો. તેણે એ જીપ તરફ જોયું હતું અને તેનું હૃદય જાણે ધબકવાનું બંધ થઈ ગયું હતું.

-એ જીપ હાઈવે પોલીસની હતી, અને એ જીપ રિવર્સમાં તેની તરફ પાછી આવી રહી હતી.

‘શું પોલીસ તેની કારની ડીકીમાં પડેલી દેવરાજશેઠની લાશ જોઈ ગઈ હશે અને એટલે જ તેની પાસે પાછી આવી રહી હશે ? ! જો એવું જ હશે તો તે પોલીસને દેવરાજશેઠની લાશ વિશે કહેશે શું ? ! અને...અને તે જે કહેશે, એ શું પોલીસ માનશે ખરી ? !’ તેના મગજમાંથી આ ગભરાટભર્યો વિચાર દોડી ગયો હતો. અને આના જવાબમાં તેનાથી તુરત જ ડીકી બંધ થઈ ગઈ હતી.

ધમ્‌....!

અને આની બીજી જ પળે..., અત્યારે પોલીસની એ જીપ તેની બાજુમાં આવીને ઊભી રહી.

જીપની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેઠેલો સબ ઈન્સ્પેકટર નીચે ઊતર્યો.

ડ્રાઈવિંગ સીટ પરથી કૉન્સ્ટેબલ પણ ઊતરી આવ્યો.

‘હું સબ ઈન્સ્પેકટર ડોગરા અને આ કૉન્સ્ટેબલ ભાનુપ્રતાપ !’ સબ ઈન્સ્પેકટર ડોગરાએ ફિલ્મી સ્ટાઇલમાં કહીને પછી રોફભર્યા અવાજમાં જિગરને પૂછયું : ‘..શું થયું ? !’

‘ક...ક...કંઈ નહિ.’ જિગરે જવાબ આપ્યો.

‘કંઈ નહિ તો અહીં કાર ઊભી રાખીને કેમ ઊભો છે ?’ ડોગરાએ

પૂછયું.

‘જી, એ તો...’ અને જિગરને જવાબ જડી ગયો : ‘....બાથરૂમ માટે રોકાયો હતો.’

ડોગરા હસી પડયો. હેડ કૉન્સ્ટેબલ ભાનુ પણ હસી પડયો.

‘બાથરૂમ માટે રોકાયો હતો, પણ...,’ ડોગરા બોલ્યો : ‘...કારની ડીકી ખોલીને...? !’

જિગરનું મન કંપ્યું-શરીર ધ્રૂજ્યું.

‘ચાલ...,’ ડોગરા બોલ્યો : ‘...ડીકી ખોલ !’

જિગર પોતાની જગ્યા પરથી જરાય હલી શકયો નહિ.

ડોગરાએ ભાનુ સામે જોયું.

ભાનુ ડોગરાનો ઈશારો સમજીને આગળ વધ્યો અને ડીકી ખોલી નાંખી.

-ડીકીમાં દેવરાજશેઠની લાશ પડી હતી.

ડોગરા અને ભાનુ બન્ને ડીકીમાં જોઈ રહ્યા.

જિગરને થયું કે, હમણાં તે ઢળી પડશે. ‘હવે ખલાસ. તે આ પોલીસવાળાઓને ગમે તેટલું સમજાવશે કે, તેણે દેવરાજશેઠનું ખૂન નથી કર્યું, પણ શીના નામની એક અદૃશ્ય શક્તિએ-એક બલાએ ખૂન કર્યું છે, તો તેઓ માનશે નહિ. અને તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.’ જિગરના મગજમાંથી આ વિચાર દોડી ગયો અને તેણે જોયું તો કૉન્સ્ટેબલ ભાનુ તે ભાગી છૂટવાનો પ્રયત્ન ન કરે એ માટે તેની પાછળ ગોઠવાઈ ચૂકયો હતો. જ્યારે ડોગરા દેવરાજશેઠની લાશને ઝીણવટથી નીરખી રહ્યો હતો.

દેવરાજશેઠની હાલત પરથી ખબર પડી જ જતી હતી કે, તેઓ મરી ચૂકયા છે, પણ છતાંય ડોગરાએ તેમની નાડ તપાસી-તેમનો શ્વાસ બંધ થઈ ચૂકયો છે એ જોયું અને પછી જિગર તરફ વળ્યો અને એક ઝન્નાટેદાર ઝાપટ જિગરના ગાલે ઝીંકી દીધી.

જિગરને ઘડીવાર માટે તમ્મર આવી ગયાં.

‘...બાથરુમ માટે રોકાયો હતો ? !’ ડોગરા બોલ્યો : ‘...તો આ શું છે ? !’

‘સ..સ..સાહેબ !’ જિગર માંડ-માંડ બોલી શકયો : ‘આ મારા સસરા છે !’

‘...સસરા છે ? !’ ડોગરાની મોટી આંખો ઝીણી થઈ : ‘તારા સસરા

મરેલી હાલતમાં તારી કારની ડીકીમાં શું કરી રહ્યા છે ? !’ અને ડોગરાએ ફરી જિગરના ગાલે જોરદાર તમાચો ઝીંકી દીધો : ‘બોલ...!’

જિગરની આંખોમાં પાણી આવી ગયાં : ‘સાહેબ !’ રડવાનું પરાણે ખાળતાં મહાપરાણે તે બોલી શકયો : ‘તમને મારી વાત માનવામાં નહિ આવેે, પણ...,’

‘...બાર વરસની મારી પોલીસની જિંદગીમાં મેં ઘણાં અપરાધીઓને જોયા છે. કોઈ એમ નથી કહેતું કે, મેં ગુનો કર્યો છે. બધાં પોતે નિર્દોષ હોવાની સરસ મજાની એક વાર્તા બનાવીને અમને કહે છે.’

‘સાહેબ ! હું ખરેખર નિર્દોષ છું.’ જિગર સચ્ચાઈના રણકા સાથે બોલ્યો : ‘મારા સસરાનું ખૂન મેં નહિ, પણ એક ભયાનક ચુડેલે-બલાએ કર્યું છે.’

‘બલાએ..? !’ ડોગરા બોલ્યો : ‘...કેવી બલાએ ?’

‘ભૂત-પ્રેતવાળી બલાએ...!’

ડોગરા હો-હો-હો કરતાં હસી પડયો અને પછી એક ઝાપટ જિગરના ગાલ પર ઝીંકી દીધી : ‘શું તું અમને મૂરખ સમજે છે, શું ? !’

‘સાહેબ !’ જિગરે ગાલ પર હાથ ફેરવતાં કહ્યું : ‘તમે બલા વિશે કયાંક વાંચ્યું-સાંભળ્યું જ હશે ! બલા પોતાના શિકારની ગરદનમાં પોતાના અણીદાર દાંત ખૂંપાડીને પછી શિકારનું લોહી પી જાય છે. જુઓ, મારા સસરાની ગરદન પર પણ એવું જ નિશાન છે.’

ડોગરા અને ભાનુએ એ તરફ જોયું.

દેવરાજશેઠની ગરદન પરની નસ પર હૉલ-કાણું દેખાતું હતું.

‘હું આવી વાતોમાં નથી માનતો !’ કહેતાં ડોગરા જિગર તરફ ફર્યો.

જિગર પોતાના બચાવ માટે આગળ કોઈ દાખલા દલીલ કરવા જાય, ત્યાં જ કૉન્સ્ટેબલ ભાનુ બોલ્યો : ‘સાહેબ ! આ માણસ સાચું બોલે છે કે, ખોટું એ વાત જવા દો, પણ આવી બલા-ચુડેલોની વાતોમાં હું માનું છું, જે માણસોના લોહી પી જાય છે.’

‘ભાનુ !’ ડોગરા ગિન્નાઈ ગયો : ‘આ બધી બકવાસ બંધ કર અને આપણું કામ પતાવ. આને હાથકડી પહેરાવ.’

ભાનુએ હાથકડી કાઢી.

‘સાહેબ !’ જિગર રડી ઊઠયો-કરગરી ઊઠયો : ‘તમે મારી વાત માનો, સાહેબ ! આ કામ શીના નામની એક બલાનું છે. અને એ બલા...’

‘ચૂપ મર. મારું માથું ન ખા.’ ડોગરાએ ત્રાડ પાડતાં જિગરના મોઢે વળી એક તમાચો ઝીંકી દીધો.

ભાનુએ જિગરના હાથોમાં હાથકડી પહેરાવી દીધી.

‘હવે પોલીસ ફોટોગ્રાફર અને ફૉરેન્સિક એકસપર્ટને ફોન લગાવ...!’

‘સાહેબ ! મને જવા દો.’ જિગર બોલ્યો : ‘...મને જવા દેવા માટે તમે કહેશો એ આપવા હું તૈયાર છું.’

‘એમ...? !’ ડોગરાની આંખોમાં જાણે એ જિગર પાસેથી આવા સવાલની જ વાટ જોતો હોય એવી ચમક આવી.

‘તું આ લાશનું શું આ...?’ બોલતાં ડોગરા કારની ડીકી તરફ ફર્યો અને ડીકીમાં નજર પડતાં જ એેનું વાકય અધૂરું રહી ગયું અને એ એકદમથી જ બોલી ઊઠયો : ‘ભાનુ ! આ લાશ કયાં ગઈ ? !’

‘હેં ! શું ? !’ બોલતાં ભાનુએ ડીકી તરફ જોયું અને એની આંખોમાં પણ આશ્ચર્ય આવી ગયું : ‘અરે ! લાશ કયાં ગઈ ? !’

જિગર પણ ડીકી તરફ જોઈ રહ્યો.

તેના સસરા દેવરાજશેઠની લાશ ડીકીમાં નહોતી. દેવરાજશેઠની લાશ ગાયબ થઈ ચૂકી હતી.

અને આ કામ કોનું હતું ? એ જિગરે વિચારવાની જરૂર નહોતી.

આ બધાં ખેલ અદૃશ્ય શક્તિ શીના જ ખેલી રહી હતી.

‘ભાનુ ! આની સાથે આનો કોઈ બીજો પણ સાથી છે.’ ડોગરા ગર્જયોઃ ‘એ જ લાશને અહીંથી લઈ ગયો છે.’

‘સાહેબ !’ જિગરે પોતાના બન્ને હાથ જોડયા : ‘એ શકય જ નથી. તમે એટલા નજીક ઊભા છો કે, જો મારો કોઈ સાથી લાશ લઈ જવા ચાહે તો તમને ખબર પડયા વિના ન રહે.’ અને જિગરે ઉતાવળે આગળ કહ્યું : ‘આ કામ શીના નામની એ બલાનું જ છે.’

ડોગરાએ માથું કૂટયું. દાંત ભીંસ્યા. તેની જિંદગીમાં આવી ઘટના કદી બની નહોતી. તેને આવો વિચિત્ર માણસ કદી ભટકાયો નહોતો.

‘ભાનુ !’ ડોગરા બોલ્યો : ‘તું આસપાસમાં જો, આનો સાથી એ લાશ લઈને હજુ દૂર ગયો નહિ હોય. હું આ સાલ્લાને પકડીને અહીં ઊભો છું.’

‘જી, સાહેબ !’ અને ભાનુ કારની આગળના ભાગ તરફ આગળ વધવા ગયો, ત્યાં જ ડોગરા ચિલ્લાયો : ‘આગળ તો કોઈ નથી એ દેખાય જ છે. તું ઝાડીઓની અંદરના ભાગમાં જઈને જો.’

‘જી સાહેબ !’ ભાનુ જાણે કમને જતો હોય એમ ઝાડીઓ તરફ આગળ વધ્યો.

ભાનુ બંદૂક સાથે ઝાડીઓમાં દાખલ થયો અને દેખાતો બંધ થયો.

‘તેં આ જે નાટક માંડયું છે ને, એની સજા હું તને જરૂર આપીશ.’

‘સાહેબ !’ જિગર બોલ્યો : ‘તમે કહો એના સોગંધ ખાઈને હું કહું છું. હું કોઈ નાટક નથી...’ અને હજુ તો જિગર પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ વાતાવરણમાં ભાનુની ચીસ ગુંજી ઊઠી.

‘શું થયું, ભાનુ ?’ એવું પૂછતાં ડોગરા ઝાડીઓ તરફ દોડી જવા ગયો, ત્યાં જ ભાનુ દોડતો ઝાડીઓમાંથી બહાર નીકળી આવ્યો. ભાનુના ચહેરા પર ભય લિંંપાયેલો હતો. ભાનુએ ડોગરાની નજીક આવીને ડોગરાનો હાથ પકડી લીધો અને કાંપતા અવાજે બોલ્યો : ‘...એ...એ અંદર છે !’

‘કોણ...?’ ડોગરાએ પૂછયું : ‘....કોણ અંદર છે ?’

‘...ડીકીમાં હતી એ લાશ !’

‘..તો આમ બહાર ભાગી કેમ આવ્યો ? ! એને બહાર લઈ આવવી જોઈએ...,’

‘...એ લાશ..., એ લાશ બોલે છે,’ ભાનુ ઝાડીઓ તરફ તાકી રહેતાં કંપતા અવાજે બોલ્યો : ‘....એ લાશ ચાલે છે...!’

‘....શું બકે છે તું...? !’ ડોગરા ગર્જી ઊઠયો : ‘...તું પણ આ માણસની જેમ પાગલ થઈ ગયો છે કે, શું ? !’

‘સાહેબ !’ ભાનુના અવાજમાં કંપ હતો. ‘ચાલો...!’ એણે ડોગરાના કાનમાં ફૂંક મારતો હોય એમ કહ્યું : ‘આપણે અહીંથી ભાગી છૂટીએ. મને તો આ માણસ જ કોઈ ભયાનક ભૂત-પ્રેત લાગે છે.’

ડોગરાને ઘડીભર શું કહેવું ? એ સમજાયું નહિ. તે ભાનુ સામે જોઈ રહ્યો. ભાનુ ખરેખર ડરેલો લાગતો હતો. અને ભાનુ નાની-સૂની વાતથી ડરી જાય એવો ડરપોક નહોતો.

ડોગરાએ જિગર સામે જોયું.

‘સાહેબ !’ જિગર બોલ્યો : ‘આ બધો ખેલ એ બલાનો જ છે.’

‘હમણાં ખબર પડશે !’ કહેતાં ડોગરા ઝાડી તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ જીપનો હોર્ન વાગી ઊઠ્યો.

ડોગરા અને ભાનુએ જીપ તરફ જોયું.

જીપની ડ્રાઈવિંગ સીટ પર કોઈ બેઠું હતું અને એ હોર્ન વગાડી રહ્યું હતું.

‘કોણ છે ? !’ લાંબી ફર્લાંગ ભરીને જીપની નજીક પહોંચતાં ડોગરાએ ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા માણસને કડકાઈભર્યા અવાજે પૂછયું.

અને ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા માણસે ચહેરો ફેરવીને ડોગરા સામે જોયું, અને એ સાથે જ ડોગરા ચોંકી ઊઠયો.

ડોગરાને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ.

થોડીક વાર પહેલાં જે માણસની લાશ કારની ડીકીમાં પડી હતી, એ જ માણસ અત્યારે તેની જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો !

‘આ અજબનાક-ગજબનાક હતું. તેણે લાશની નાડ તપાસી હતી ! બંધ શ્વાસ જોયો હતો. એનામાં જીવ નહોતો જ ! પછી આ...’ અને હજુ તો ડોગરાના મગજમાંની આ મૂંઝવણ પૂરી થાય ન થાય ત્યાં તો દેવરાજશેઠ..., દેવરાજશેઠની લાશ જીપમાંથી બહાર નીકળી અને ડોગરા નજીક આવીને ઊભી રહી.

ભાનુને થયું, હમણાં એ બેહોશ થઈ જશે.

તો દેવરાજશેઠને આમ પાછા ઊભા થયેલા જોઈને જિગરને આશ્ચર્ય તો થયું હતું, પણ આંચકો લાગ્યો નહિ.

તેને ખબર જ હતી. આ શીનાની હરકત હતી.

‘તને કોઈ ન મળ્યું ને મારો જમાઈરાજ જ મળ્યો, લૂંટવા માટે !’ દેવરાજશેઠના મોઢામાંથી ઘોઘરો અને જાણે કોઈ ઊંડી ખાઈમાંથી નીકળતો હોય એવો અવાજ સંભળાયો.

‘..લૂટવા માટે...? !’ ડોગરાની જીભ લોચવાઈ : ‘અમે તો તમારી લાશ જોઈ, એટલે...’

‘...મારા જમાઈરાજને ખંખેરવા માટે રોકાયા, એમ જ ને...,’ દેવરાજશેઠના મોઢામાંથી એ જ રીતનો ઘોઘરો અવાજ નીકળ્યો : ‘...મને ખબર છે. તમે અસલી પોલીસ નથી. તમે ગુંડા-બદમાશ છો. પોલીસની વર્દી પહેરીને તમે રાતના હાઈવે પર આવા લોકોને હેરાન કરો છો, એમને દમ-દાટી આપીને એમની પાસેથી રૂપિયા ખંખેરો છો.’

‘અમને માફ કરી દો.’ ડોગરા બોલી ઊઠયો : ‘આજ પછી અમે આવું કદી નહિ કરીએ.’

‘જાવ, માફ કરી દીધા.’ દેવરાજશેઠના મોઢેથી હસવાનો અવાજ નીકળ્યો અને પછી હુકમ સંભળાયો : ‘જાવ, ભાગો અહીંથી..!’.

ડોગરા જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. ભાનુ એ જ રીતના ઊભો રહ્યો.

‘ભાનુના બચ્ચા ચાલ, નહિતર અહીં જ આપણી અંતિમક્રિયા થઈ જશે.’ ડોગરા ચિલ્લાયો અને ભાનુ જાણે હોશમાં આવ્યો. તે દેવરાજશેઠને જરાય અડકી ન જવાય એની સાવચેતી સાથે-કંપતા શરીરે જીપમાં બેઠો અને એ સાથે જ ડોગરાએ જીપ દોડાવી મૂકી.

હવે દેવરાજશેઠે જિગર સામે જોયું.

દેવરાજશેઠની આંખોમાંની ચમક જોઈને જિગર સમજી ગયો. એ શીના હતી-એ શીનાની આંખોની ચમક હતી.

‘ચાલ, ત્યારે...!’ આ વખતે દેવરાજશેઠના મોઢામાંથી શીનાનો અવાજ સંભળાયો : ‘હું નીકળું છું.’

‘શીના તું...તું...’

‘એ ગુંડા-બદમાશ તને પરેશાન કરતા હતા, એટલે હું અહીં આવી ગઈ !’ દેવરાજશેઠના મોઢામાંથી શીનાનો અવાજ સંભળાયો : ‘હવે હું પાછી માહી પાસે જાઉં છું.’

‘શીના પ્લીઝ.., મારી વાત....’ અને હજુ તો જિગર પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ દેવરાજશેઠના શરીરમાંથી જાણે શીના નીકળી ગઈ હોય એમ દેવરાજશેઠનું શરીર એકદમથી ઢીલું થઈને જમીન પર પડી ગયું.

જિગર સમજી ગયો. શીના દેવરાજશેઠને છોડીને ચાલી ગઈ હતી. હવે ફરી પાછી તેની સામે દેવરાજશેઠની લાશ પડી હતી.

જિગરનું મગજ કામ કરવાની હાલતમાં રહ્યું નહોતું. ‘તેનું મગજ હવે આ દેવરાજશેઠની લાશનું શું કરવું ?’ એ વિચારવાને લાયક પણ રહ્યું નહોતું. હવે તેના મગજમાં બસ એક જ વાત ફરતી હતી. ‘ઘરે માહી પાસે પહોંચી જાઉં, બસ !’ અને તે દેવરાજશેઠની લાશને ત્યાં જ પડી રહેવા દઈને કારની ડ્રા્‌ઈવિંગ સીટ પર બેઠો. તેણે કાર ચાલુ કરી, વાળી અને ઘર તરફ દોડાવી મૂકી.

‘અત્યાર સુધીમાં અદૃશ્ય શક્તિ શીના તેના ઘરે..., માહી પાસે પહોંચી જ ગઈ હશે. શીના માહીને શું કરશે ? ! શું તે ઘરે પહોંચશે ત્યાં સુધીમાં શીના માહીને ખતમ કરી નાંખશે ? ! શું શીના માહીનું લોહી પી જશે ? ! શું હવે તેને તેની માહીનું મરેલું મોઢું જ જોવા મળશે ? !’ આવા બધાં સવાલો જિગરના મનમાં ગૂંજવા લાગ્યા, પણ આ વિશે કંઈ વિચારવા-કરવા જેવી હાલત તેના મગજની રહી નહોતી ! ! !

( વધુ આવતા અંકે )