Pishachini - 4 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 4

(4)

‘હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ. હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારું કામ કરી આપવું પડશે !’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો, એટલે પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે જિગરે અદૃશ્ય યુવતીને પૂછયું : ‘મારે., મારે તારું કયું કામ કરી આપવું પડશે ?’

‘સમય આવશે ત્યારે હું તને કહીશ.’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘પણ અત્યારે તારે મને વાયદો કરવો પડશે. હું તારું કામ કરી આપીશ અને બદલામાં તારે મારું કામ કરવું પડશે. બોલ, તૈયાર છે ? !’

જિગર વિચારમાં પડયો. માહી જો મળતી હોય તો એના બદલામાં આ અદૃશ્ય યુવતીનું કામ કરવા માટે રાજી થવું ? ! પણ એ કામ શું હશે ? ! અરે ! આ સવાલ પહેલાં એક મોટો પ્રશ્ન તો એ હતો કે, માહીના અબજોપતિ પિતા દેવરાજશેઠ પોતાની એકની એક દીકરી માહીના લગ્ન તેના જેવા મુફલિસ સાથે કરી આપવા માટે કોઈ હાલતે તૈયાર થાય એમ નહોતા.

તેની માહી સાથે મુલાકાત કૉલેજમાં થઈ હતી અને તે માહીના પ્રેમમાં પડયો હતો. માહી પણ તેને પ્રેમ કરવા લાગી હતી.

તે કૉલેજ પૂરી થયા પછી પણ માહીને હળતો-મળતો રહેતો હતો અને માહી સાથે લગ્ન કરવાના સોનેરી સપના સેવતો હતો. પણ ચાર મહિના પહેલાં માહીના પિતા દેવરાજશેઠને તેના અને માહીના પ્રેમ પ્રકરણની ખબર પડી ગઈ હતી. અને ત્યારે એમણે કોઈ ફિલ્મી બાપની જેમ જ એક ખતરનાક ગુંડાને એના ચાર હટ્ટા-કટ્ટા ફોલ્ડર સાથે તેની પાસે મોકલ્યો હતો.

ખતરનાક ગુંડાએ તેની ગરદન પર ચપ્પુની અણી મૂકતાં તેને ધારદાર ધમકી આપી હતી : ‘‘છોકરા ! આજ પછી હવે દેવરાજશેઠની દીકરી માહીને મળવાની વાત તો દૂર રહી, પણ સપનામાંય જો તેં એનું નામ લીધું છે, તો તું કયારે મરી જઈશ એનીય તને ખબર નહિ પડે.’’ અને એ ગુંડાએ પોતાની આ ધમકી કેટલી હદે સાચી સાબિત થઈ શકે એમ છે ? એનો પરચો બતાવવા માટે તેની ગરદન પર ચપ્પુની અણીથી ઘસરકો કરી દીધો હતો. તેનો જીવ ગળે આવી ગયો હતો.

‘‘છોકરા ! તું હજુ નવો-નવો જુવાન થયો છે, એટલે તારું લોહી ઊછાળા મારતું હશે. પણ મેં દુનિયા જોઈ છે અને એટલે જતાં-જતાં તને એક સલાહ આપતો જાઉં છું.’’ એ ગુંડાએ કહ્યું હતું : ‘‘મજનુ-મહિવાલ કે રાંઝા જેવા ‘લવ’પણામાં ન પડતો. માહી સાથે તારો કોઈ મેળ મળે એમ નથી. એને ભૂલીને તારા લેવલની કોઈ છોકરી સાથે પરણી જજે. માહી માટે મોતને ગળે લગાડવાને બદલે કોઈ ગરીબ છોકરીને ગળે વરમાળા પહેરાવીને સુખેથી જિંદગી જીવી નાંખજે.’ અને એ ગુંડો આવ્યો હતો એટલા જ રૂઆબ સાથે પોતાના ચાર ચમચા સાથે બહાર નીકળી ગયો હતો.

તે કેટલીય વાર સુધી બાઘાની જેમ બેસી રહ્યો હતો.

તેને માહી પસંદ હતી, પણ તે જિંદગીને પણ નફરત નહોતો જ કરતો. માહીને તે ભૂલી શકે એમ નહોતો, પણ જો તેણે જીવવું હોય તો માહીને ભૂલ્યા વિનાય છૂટકો નહોતો.

અને તેણે એ જ દિવસથી માહીને મળવાનું, માહી સાથે મોબાઈલ ફોન પર વાત કરવાનું બિલકુલ જ બંધ કરી દીધું હતું.

પણ વચ્ચે તેને ઝડપથી માલદાર બનીને પછી માહીને પરણવાનો વિચાર આવ્યો હતો અને એટલે તે જુગારની કલબમાં પહોંચી ગયો હતો. પણ તે પોતાની પાસેની મૂડી પણ હારી ગયો હતો.

એવામાં અત્યારે હવે તેના માથા પર સવાર થયેલી કોઈ બલા-કોઈ અદૃશ્ય શક્તિ તેને કહી રહી હતી કે, એ માહીને તેની પત્ની, તેની જિવનસાથી બનાવી શકે એમ છે.

‘...વિચારે છે, શું જિગર ? ! !’ જિગરના કાને અદૃશ્ય યુવતીનો અવાજ પડયો, એટલે તે વિચારોમાંથી બહાર આવ્યો.

‘માહી જો તને મળતી હોય તો એની સામે તારા માટે કોઈ કામ અઘરું નથી.’

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

‘જિગર ! તારી આ ચુપકીદીને હું તારી ‘હા’ માની લઉં છું.’ અદૃશ્ય યુવતીનો હસવાનો અવાજ આવ્યો : ‘અને અત્યારથી જ આપણે આ માટેની કામગીરી શરૂ કરી દઈએ છીએ. ચાલ તૈયાર થઈ જા.’

‘કેમ ? કયાં જવાનું છે ? !’

‘તું તૈયાર તો થઈ જા.’ અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો.

જિગરને થયું, અદૃશ્ય યુવતીની વાત માનવામાં કોઈ નુકશાન નથી લાગતું. એ કહે છે એમ જો ખરેખર તેને માહી મળી જાય તો તેને બીજું જોઈએ શું ? ! !

તે ઊભો થયો. તેણે શર્ટ બદલ્યું.

‘તારા પગારના સાત હજાર રૂપિયા સાથે લઈ લે.’ તેના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો.

‘તો એ અદૃશ્ય યુવતીને તેના પગારની પણ ખબર હતી !’ વિચારતાં જિગરે કબાટમાંથી પગારનું સાત હજાર રૂપિયાનું કવર લીધું અને ખિસ્સામાં મૂકયું. તેણે શૂઝ પહેર્યા અને મેઈન દરવાજે લૉક લગાવીને બહાર નીકળ્યો.

‘મોટરસાઈકલ ‘વીનર કલબ’માં લઈ લે !’ માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગર બોલી ઊઠયો : ‘...એ તો જુગારની કલબ...’

‘મને ખબર છે !’ અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયોે : ‘તારે ત્યાં તારી પાસેના આ રૂપિયાથી દાવ ખેલવાના છે.’

‘ના !’ જિગર બોલી ઊઠયો : ‘અગાઉ હું જલદી માલદાર થઈને માહીને પરણવા માટે એ કલબમાં જુગાર રમવા જઈ ચૂકયો છું અને એમાં મારી બધી મૂડી હારી...’

‘...આજે તું નહિ હારે !’ અદૃશ્ય યુવતીનો વિશ્વાસભર્યો અવાજ સંભળાયો : ‘હું તારી સાથે છું. મારી પર ભરોસો રાખ. તારી જીત જ થશે.’

‘ઠીક છે.’ કહેતાં જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલ ‘વીનર કલબ’ તરફ દોડાવી મૂકી.

તે કલબમાં દાખલ થયો, ત્યારે રાતના દસ વાગવા આવ્યા હતા.

ચાર કલાક પછી, રાતના બે વાગ્યે તે કલબની બહાર નીકળ્યો, ત્યારે તે હવામાં ઊડી રહ્યો હતો. તેને સપના જેવું લાગતું હતું. તે સાત હજાર રૂપિયા લઈને કલબમાં દાખલ થયો હતો અને અદૃશ્ય યુવતીના કહેવા પ્રમાણે તે દાવ લગાવતો ગયો હતો અને જીતતો ગયો હતો. તે પૂરા પાંચ લાખ રૂપિયા જીતીને બહાર નીકળ્યો હતો.

તે મોટરસાઈકલ પર સવાર થયો અને મોટર-સાઈકલને ઘર તરફ દોડાવી.

તેના માથે સવાર થયેલી અદૃશ્ય યુવતી જે કોઈ પણ હતી, પણ એણે માનવામાં ન આવે એવી રીતના તેને પાંચ લાખ રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો હતો. તેને મહેનત કરીને પગારના આટલા રૂપિયા મેળવવામાં સાત વરસ જેટલો સમય નીકળી જાય એમ હતો અને આ અદૃશ્ય યુવતીએ પોતાની અજબ શક્તિથી તેને ચાર જ કલાકમાં આટલા રૂપિયા મેળવી આપ્યા હતા !

જિગરે ઘરે પહોંચીને કબાટમાં પાંચ લાખ રૂપિયા મુકયા અને કબાટને તાળું માર્યું ત્યાં જ તેના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ આવ્યો : ‘જિગર ! તું ખુશ થયો ને !’

‘હા ! સવાલ જ નથી ને !’ જિગર આનંદભર્યા અવાજે બોલ્યો : ‘હવે તું મને એ કહે, તું કોણ...’

‘...એ વાત જવા દે. પણ હા..,’ અદૃશ્ય યુવતીનો અવાજ આવ્યો : ‘હું તને મારું નામ જરૂર જણાવી દઉં છું. મારું નામ શીના છે.’

‘શીના !’ જિગર બોલ્યો : ‘તેં ખરેખર કમાલ કરી.’

‘આ તો હજુ શરૂઆત છે.’ અદૃશ્ય યુવતી-શીના હસી : ‘બસ, આજની જેમ જ હું જેમ કહેતી જાઉં એમ તું કરતો જા. એક મહિનામાં જો હું તને કયાંનો કયાં પહોંચાડી દઉં છું !’

‘હા, પણ માહી સાથેના મારા લગ્ન....’

‘પહેલાં તું થોડાંક રૂપિયા ભેગા કરી લે, પછી એનો વારો.’ અદૃશ્ય યુવતી શીનાનો અવાજ સંભળાયો.

‘ઠીક છે.’ કહેતાં જિગર પલંગ પર લેટયો.

તે ગણતરીના કલાકોમાં એકસાથે આટલા બધાં રૂપિયા મેળવ્યાની ખુશી અને માહી સાથે લગ્ન થવાની આશામાં બરાબર ઊંઘી શકયો નહિ.

દૃ દૃ દૃ

જિગરના માથા પર અદૃશ્ય યુવતી શીના સવાર થઈ હતી એ વાતને આજે એક મહિનો વિતી ચૂકયો હતો.

એ અદૃશ્ય શક્તિ શીના આખરે કોણ હતી ? ! એનું રહસ્ય જિગર પામી શકયો નહોતો. જોકે, આ એક મહિનામાં તે એટલું તો જરૂર જાણી ચૂકયો હતો કે એ અદૃશ્ય યુવતી શીનાની શક્તિ અપાર હતી. મહિનાના ટૂંકા ગાળામાં શીનાએ તેને કયાંનો કયાં પહોંચાડી દીધો હતો. માનવામાં આવે એવી વાત નહોતી પણ એ એક હકીકત હતી કે, શીનાએ તેને લખપતિ બનાવી દીધો હતો.

મહિના પહેલાં જિગર સાત હજાર રૂપિયાના પગારે કૉમ્પ્યુટર કંપનીમાં કામ કરતો હતો, પણ આજે તે લાખોનો માલિક બની ચૂકયો હતો. શીનાએ તેને આ બધી દોલત જુગારમાંથી અપાવી હતી. તે શીનાના કહેવા પ્રમાણે દાવ લગાવતો રહ્યો હતો અને જીતતો રહ્યો હતો અને કયાંનો કયાં પહોંચી ગયો હતો. આજે તે પોતાના એક રૂમ-રસોડાના મકાનમાંથી, બે બેડરૂમ, હૉલ-કીચનના લકઝુરિયસ બંગલામાં પહોંચી ગયો હતો. તેણે એક કાર પણ ખરીદી લીધી હતી.

હવે જિગરે હરવા-ફરવાની જૂની સસ્તી જગ્યાઓ અને ખાણીપીણીની સસ્તી હોટલો છોડી દીધી હતી અને રોજ સાંજે સૂટ-બૂટ પહેરીને કલબમાં જતો હતો. તે મોંઘી હોટલોમાં જ ખાણું ખાતો હતો.

કોઈના તો ઠીક, પણ ખુદ જિગરના પણ માનવામાં ન આવે એવું તેની સાથે બન્યું હતું. તેના માથે અદૃશ્ય શક્તિ ધરાવતી યુવતી શીના સવાર થઈ એ પછી તે જાણે સુખના સાગરમાં તરવા લાગ્યો હતો.

શીના તેની દરેક ઈચ્છા પૂરી કરતી હતી. તે જે માંગતો હતો એની એ વ્યવસ્થા કરાવી આપતી હતી. તે જે વિચારતો હતો એ શીના કરી આપતી હતી.

એ અદૃશ્ય શક્તિ શીના જ્યારે પણ તેના માથા પર સવાર થતી, ત્યારે તેના માથા પર વજન-વજન લાગતું. તેનું માથું ભારે રહેતું. અદૃશ્ય યુવતી જતી ત્યારે તુરત જ તેનું માથું એકદમ જ હલકું થઈ જતું. એ પાછી ફરતી ત્યારે તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાતો અને સાથે જ માથા પર પંખીની અણીદાર ચાંચ વાગ્યા જેવું લાગતું. અને પછી તેનું માથું ભારે થઈ જતું. તે સમજી જતો, એ અદૃશ્ય યુવતી શીના તેના માથા પર આવી ચૂકી છે.

આજ સવારે તેના માથા પરથી ચાલી ગયેલી શીના અત્યારે સાંજના સવા છ વાગવા આવ્યા હતા, પણ પાછી ફરી નહોતી.

તે ફિલ્મ જોવાના મૂડ સાથે બહાર નીકળ્યો અને મોટરસાઈકલ પર સવાર થયો, ત્યાં જ તેના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને માથે પંખીની ચાંચ વાગી હોય અવું લાગ્યું અને પછી તુરત તેના માથે વજન-વજન લાગવા માંડયું. તે સમજી ગયો. એ અદૃશ્ય યુવતી શીના તેના માથા પર સવાર થઈ ચૂકી હતી.

‘જિગર !’ જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘મોટરસાઈકલ નેચર ગાર્ડન પર લઈ લે.’

‘કેમ ? !’ જિગરે પૂછયું.

‘તું ચાલ તો ખરો !’

‘ઠીક છે.’ કહેતાં જિગરે મોટરસાઈકલને નેચર ગાર્ડન તરફ દોડાવી. જિગરને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે, અદૃશ્ય યુવતી શીના જે કંઈ કરતી હતી એ તેના ફાયદા માટે જ કરતી હતી એટલે તે વધુ પૂછપરછ કરતો નહોતો. શીનાનો હુકમ તે ચુપચાપ માથે ચઢાવતો હતો.

તેણે નેચર ગાર્ડનના પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી, ત્યારે સાંજના સાડા છ વાગવા આવ્યા હતા.

તે નેચર ગાર્ડનમાં દાખલ થયો. અઠવાડિયાના આજના ચાલુ દિવસે, સાંજના આ સમયે ગાર્ડનમાં પબ્લિક નહિ જેવી હતી.

‘જિગર ! જમણી બાજુના કૉર્નરની મહેંદીની વાડ પાછળના ભાગ પાસે ચાલ.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર એ તરફ આગળ વધ્યો.

તે એ ખૂણા પર આવેલી મહેંદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેની નજર વાડની પેલી તરફ પડી અને તેનું હૃદય આનંદના આવેગથી ઊછળી ઊઠયું.

ત્યાં બાંકડા પર માહી બેઠી હતી ! તે જેને દિલોજાનથી પ્રેમ કરતો હતો એ માહી ! તે જેને પરણીને સુખી લગ્નજીવન જીવવાના સપના સેવતો હતો એ માહી !

તે માહીને આજે ચાર મહિના પછી જોઈ રહ્યો હતો ! પણ...પણ તેની માહી ગૂમસૂમ કેમ લાગતી હતી ? ! એના ચહેરા પર વિશાદના વાદળાં છવાયેલા હોય એમ કેમ લાગતું હતું ? !

જિગર માહી તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘ના, જિગર ! હમણાં માહી પાસે ન જા. એનો મંગેતર વિશાલ આવી રહ્યો છે.’

‘માહીનો ફિયાન્સ વિશાલ ? !’ અને જિગર ચોંકી ઊઠયો. ‘તો...તો તેની માહીએ તેને હંમેશ માટે દિલમાંથી કાઢીને કોઈક બીજા સાથે સગાઈ કરી લીધી ? !’ ત્યાં જ જિગરની નજર માહી પાસે આવેલા એક યુવાન પર પડી. એ યુવાને કપડાં તો સારા પહેર્યા હતા, પણ શરીરે કાળો અને પડછંદ હતો.

‘આ...? !’ જિગરે આ સવાલ અધૂરો જ છોડી દીધો અને તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય યુવતી શીના તેના મનના સવાલને પામી ગઈ હોય એમ એનો જવાબ સભળાયો : ‘હા, જિગર ! આ માહીનો ફિયાન્સ વિશાલ છે.’

જિગરથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તે વિશાલ અને માહી તરફ જોઈ રહ્યો. વિશાલ માહીની લગોલગ બેઠો હતો અને માહી સાથે ગુસપુસભર્યા અંદાજમાં વાત કરતો એને પોતાના હાથે આઈસ્ક્રીમ કૉન ખવડાવી રહ્યો હતો.

જિગરનું દિલ બળી ઊઠયું.

‘સાચું કહે, જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘માહી સાથે તારી જગ્યાએ વિશાલને બેઠેલો જોઈને તારું દિલ બળી રહ્યું છે ને ?’

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

‘તું એક કામ કર.’ શીનાનો અવાજ આવ્યો : ‘થોડીક વાર પછી વિશાલ માહીથી છૂટો પડે એટલે તું એને મારી નાંખ !’

‘હેં...! ? !’ જિગર ખળભળી ઊઠયો : ‘...શું કહ્યું તેં ? !’

‘મેં તને વિશાલને મારી નાંખવાનું કહ્યું !’ શીનાનો અવાજ સંભળાયો : ‘વિશાલ મરી જશે એટલે તારો રસ્તો સાફ થઈ જશે અને મારું પણ કામ બની જશે !’

‘તારું..., તારું શું કામ બની જશે ? !’

‘..મને એનું લોહી પીવા મળી જશે !’

‘શું ? !’ જિગર પગથી માથા સુધી થરથરી ઊઠયો.

‘તારે આમ ચોંકી ઊઠવાની જરૂર નથી.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘માણસનું લોહી એ મારો ખોરાક છે. મને મહિનામાં ઓછામાં ઓછી એકવાર માણસના લોહીની જરૂર પડે છે. મારી જિંદગી માટે આ ખૂબ જ જરૂરી છે.’

‘એ....એ ગમે તે હોય !’ જિગર ધ્રુજતો હતો- તેનો અવાજ કંપતો હતો : ‘હું..., હું વિશાલને નહિ મારું.’

‘મેં તને આ રીતના માલામાલ કરતાં પહેલાં તારી પાસે વાયદો લીધો જ છે કે, હું તને પૈસાદાર બનાવીશ, માહીને તારી દુલ્હન-તારી પત્ની બનાવીશ અને બદલામાં તારી પાસે મહિને એક કામ કરાવીશ. અને એ કામ આ જ છે. તારે દર મહિને મારા માટે એક માણસના લોહીની વ્યવસ્થા કરવાની છે. અને....’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘...અને આ વિશાલનું ખૂન તો તારા ફાયદા માટે જ છે. તું એને મારી નાંખીશ એટલે તારો રસ્તો સાફ થઈ જશે અને પછી તું સહેલાઈથી માહીને પરણી શકીશ.’

‘હા, પણ....’ જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભરતાં કહ્યું : ‘...જો હું આ કામ ન કરું તો ? !’

‘તું મને ના નહિ પાડી શકે !’ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારું મન હોય કે ન હોય, પણ તારે મારું કહ્યું માને જ છૂટકો છે ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! !’

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED