પિશાચિની - 10 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિશાચિની - 10

(10)

‘‘..મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર ? ! તું ન કહે તો તને મારા સોગંધ !’’ જિગરને તેની દુલ્હન માહીએ કહ્યું, એટલે તે શું કહેવું એની ગડમથલમાં પડયો. ‘તે જો માહીને કહે કે, તે એક બલા સાથે-એક અદૃશ્ય શક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને શીના નામની એ બલા પાછલા ત્રણ-ચાર મહિનાથી તેના માથા પર સવાર છે, તો ચોકકસ માહી ડરી જાય અને આ સુહાગરાતે જ તેને અહીં પડતો મૂકીને ભાગી છૂટે. તેમના છેડાછેડીનો આ દિવસ તેમના છૂટાછેડાનો દિવસ બની જાય.’

‘જિગર ! તેં મારા સવાલનો જવાબ આપ્યો નહિ ?’ માહીનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો, ત્યાં જ તેના માથેથી બલાનો-અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! તું મારા વિશે માહીથી છુપાવવાનું રહેવા દે. હું તારી સાથે રહું છું, એમ માહી પણ હવે તારી સાથે જ રહેશે. આજે નહિ તો કાલે એને મારા વિશે કહ્યા વિના છૂટકો નહિ રહે, તો પછી આજે જ તું એને મારા વિશે જણાવી દે.’

જિગરને શીનાની વાત બરાબર લાગી.

‘હું જાઉં છું. તું માહી સાથે વાત કરી લે.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરના માથા પરનું વજન હળવું થઈ ગયું. જિગરે ઊંડો શ્વાસ લીધો : ‘માહી !’ તેણે માહીના ખભે હાથ મૂકયો : ‘હું..,’ અને તેણે ગળું ખંખેર્યું : ‘...હું એક બલા સાથે વાત કરી રહ્યો હતો !’

‘તું...તું બલા સાથે વાત કરી રહ્યો હતો ? !’ ભય ને આશ્ચર્યના ભેળસેળિયા ભાવ સાથે માહીની આંખો ફાટી.

‘હા..,’ જિગર બોલ્યો : ‘...અને એ બલા મારા માથા ઊપર સવાર રહે છે !’

‘હેં...!’ માહીની નજર જિગરના માથા તરફ ઊંચકાઈ ગઈ.

‘એ બલા.., એ અદૃશ્ય શક્તિ તને નહિ દેખાય !’ જિગર બોલ્યો : ‘એ અદૃશ્ય શક્તિ ફકત મને જ દેખાય છે અને એનો અવાજ હું જ સાંભળી શકું છું.’

અને આ સાંભળતાં જ માહી પલંગ પર બેસી પડી. તેના..., તેના પતિના માથે કોઈ બલા સવાર હતી, અને...અને આ ભયાનક હકીકતની ખબર તેને અત્યારે સુહાગરાતે પડી રહી હતી ? ! ?

‘માહી !’ જિગર માહીની બાજુમાં બેસી ગયો : ‘તું ગભરા નહિ. શીના નામની આ બલા ભયાનક નથી અને બૂરી પણ નથી. એ મને હેરાન-પરેશાન નથી કરતી. મને કોઈ રીતના દુઃખી નથી કરતી અને મને કોઈ નુકસાન નથી પહોંચાડતી. આ બલા તો મને મદદ કરે છે. આ બલાને કારણે જ તો આપણાં લગ્ન થઈ શકયા છે. આ બલાએ મને મદદ કરી એટલે હું આટલો માલદાર થયો.’ અને જિગરે અદૃશ્ય શક્તિ શીનાએ તેને જુગાર જેવા કામો કરાવીને ટૂંક સમયમાં આટલો માલદાર બનવામાં મદદ કરી છે, તેમ જ આના બદલામાં આ બલા તેની પાસે મહિને એક માણસને ખતમ કરાવે છે અને બલા માણસનું લોહી પીએ છે, એ વાત માહીને કહેવાનું ટાળીને કહ્યું : ‘હું માલદાર બન્યો એટલે તારા પિતા દેવરાજશેઠ મારી સાથે તારા લગ્ન કરવા માટે તૈયાર થયા.’

માહી જિગર સામે જોઈ રહી. જિગરની વાત સાવ ખોટી તો નહોતી જ. એેના પપ્પા જિગર સાથે લગ્ન કરવા માટે સામેથી રાજી થયા હતા એની પાછળનું કારણ જિગર પૈસાદાર બન્યો હતો એ પણ હતું.

‘જિગર !’ માહી જિગરના માથા પર જોઈ રહેતાં ફફડતાં અવાજે બોલી : ‘તારા માથા પરની બલા તને કોઈ નુકસાન નહિ પહોંચાડે ને ? !’

‘ના.’ જિગર બોલ્યો : ‘એ પાછલા ત્રણેક મહિનાથી મારા માથા પર સવાર છે, પણ એણે અત્યાર સુધી મને કોઈ નુકસાન પહોંચાડયું નથી. એણે મને ફાયદો જ કરાવ્યો છે. આગળ પણ એ મને ફાયદો કરાવતી રહેશે. હવે આપણે બન્ને ખૂબ જ ખુશી-મજામાં જિંદગી વિતાવી શકીશું.’ અને જિગરે માહીને પોતાના બાહુપાશમાં લીધી.

પણ માહીના મનમાં હજુ પણ ભય ભમતો હતો, ‘જિગરના માથા પર જે બલા સવાર હતી એ જિગરને મદદ કરતી હતી એ વાત સાચી, પણ બલાનો શું ભરોસો ? ! શી ખબર એ કયારે જિગરને ભરખી જાય ? !’

દૃ દૃ દૃ

આજે જિગરના લગ્ન થયાને દસ દિવસ થયા હતા. જિગર ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠો-બેઠો છાપું વાંચી રહ્યો હતો, જ્યારે માહી રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી.

સુહાગરાતે ‘‘તેના પતિ જિગરના માથે શીના નામની બલા સવાર છે !’’ એ સાંભળીને ગભરાઈ ઊઠેલી માહીને શીના તરફથી કોઈ જાતની તકલીફ-પરેશાની દેખાઈ નહોતી એટલે આ દસ દિવસમાં માહીના મનનો શીના પ્રત્યેનો ભય બિલકુલ ઓછો થઈ ગયો હતો.

‘લે ચાલ, નાસ્તો કરી લે.’ કહેતાં માહીએ ચા-નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકી એટલે જિગરે છાપું બાજુ પર મૂકયું.

માહી જિગરની સામેની ખુરશી પર બેઠી, ત્યાં જ બાજુમાં પડેલા માહીના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. માહીએ સ્ક્રીન પરનો નંબર જોયો. ‘પપ્પાનો ફોન છે !’ કહેતાં માહીએ મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને ધર્યો : ‘હેલ્લો પપ્પા ! કેમ છો, પપ્પા...!’

જિગર બટર સેન્ડવીચ ખાતાં માહી તરફ જોઈ રહ્યો.

પોતાના પિતા દેવરાજશેઠ સાથે વાત કરી રહેલી માહીના ચહેરા પરની હળવાશ એકદમથી દૂર થઈ ગઈ અને ટેન્શનના વાદળાં ધસી આવ્યાં. ‘હં ! હા ! એમ ? ઓહ...!’ જેવા શબ્દો પછી માહીએ છેલ્લે ‘તમે ચિંતા ન કરો, પપ્પા...! ભગવાન બધું જ સારું કરશે.’ કહેતાં મોબાઈલ કટ કર્યો.

‘શું થયું ? !’ જિગરે પૂછયું :

‘પપ્પાના માથે એક બીજી મુસીબત આવી પડી છે.’ માહી રડમસ અવાજે બોલી : ‘બન્યું એમ છે કે, પપ્પાએ અહીં મુંબઈમાં એક મોટું ટેન્ડર ભર્યું હતું. એ ટેન્ડરને પાસ કરાવવા માટે પપ્પાએ સત્યજીત નામના વચેટિયા માણસને ખાસ્સા એવા રૂપિયા આપ્યા હતા. પણ સત્યજીતે પપ્પા સાથે ગદ્દારી કરી છે. સત્યજીત પપ્પાના દુશ્મન વૈભવશેઠ સાથે મળી ગયો છે, એટલે હવે જો પપ્પાનું ટેન્ડર પાસ ન થાય તો પપ્પાને લાખ્ખો રૂપિયાનું નુકસાન જાય એમ છે.’

‘આ તો ખરેખર ખોટું થયું.’ જિગર બોલ્યો, ત્યાં જ તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિનો અવાજ તેને સંભળાયો : ‘જિગર ! માહીને કહે કે, એ ચિંતા ન કરે. એના પિતાનું ટેન્ડર પાસ થઈ જશે.’

‘ઠીક છે !’ શીનાને જવાબ આપીને જિગરે તેની તરફ ચિંતાભર્યા ચહેરે જોઈ રહેલી માહીને કહ્યું : ‘માહી ! શીનાનું કહેવું છે કે, પિતાજીનું ટેન્ડર પાસ જઈ જશે. તું ચિંતા ન કર.’

‘એટલે...એટલે તારા માથા પર સવાર થયેલી બલાનું કહેવું....’

‘હા..,’ જિગર માહીની વાત કાપતાં બોલ્યો : ‘...શીનાનું આવું કહેવું છે અને મેં જોયું છે, શીના જે કહે છે, એવું થાય જ છે.’

માહી જિગર સામે તાકી રહી. એ મનોમન વિચારી રહી. ‘જિગરના માથા પર સવાર બલા તે વળી તેના પપ્પાનું લાખ્ખો રૂપિયાનું ટેન્ડર પાસ કરાવવામાં કેવી રીતે મદદ કરી શકશે ? !’

દૃ દૃ દૃ

રાતના બે વાગ્યા હતા. અત્યારે જિગર તેના સસરા દેવરાજશેઠ સાથે ગદ્દારી કરનાર સત્યજીતના ઘરની બહાર ઊભો હતો. તે તેના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાના કહેવા પ્રમાણે ઘરેથી નીકળીને અહીં સુધી પહોંચ્યો હતો.

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘દરવાજો ખટખટાવ અને સત્યજીત દરવાજો ખોલે કે તુરત એની પર ત્રાટકીને એનું ગળું ભીંસી દેજે.’

જિગરે શીનાની વાતનો અમલ કર્યો. તેણે દરવાજા પર ટકોરા માર્યા. દસમી પળે અંદરથી પગલાંનો અવાજ સંભળાયો. જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભર્યો, ત્યાં જ દરવાજો ખુલ્યો. અંદર ઊભેલા સત્યજીતની આંખોમાં જિગરને જોઈને સવાલ આવ્યો અને એ કંઈ પૂછે એ પહેલાં જ જિગર એની પર ત્રાટકયો. તેણે સત્યજીતની ગરદન દબોચીને ભીંસવા માંડી. સત્યજીત જિગરના હાથમાંથી ગરદન છોડાવવાનો પ્રયત્ન કરતાં પાછળ હટયો એમાં એના પગ અટવાયા અને એ જમીન પર પટકાયો. જિગર પણ એની સાથે જમીન પર પડયો અને પળવાર માટે જિગરના હાથની સત્યજીતની ગરદન પરની પકડ છૂટી ગઈ, પણ પછી તુરત જિગરે પાછી સત્યજીતની ગરદન પકડી અને જોશભેર ભીંસવા માંડી.

સત્યજીતે જિગરના હાથમાંથી પોતાની ગરદન છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો એ પ્રયત્ન વધુ ચાલ્યો નહિ. થોડીક વારમાં જ એનો શ્વાસ રૂંધાઈ ગયો.

જિગરે સત્યજીતની ગરદન પરથી હાથ હટાવી લીધા. તે ઊભો થયો, ત્યાં જ તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! સામે ટિપૉય પર પડેલો સત્યજીતનો મોબાઈલ લે, એમાં સેવ થયેલો વૈભવશેઠનો નંબર લગાવ અને તું સત્યજીત હોય એમ વાત કરીને વૈભવશેઠને તાત્કાલિક અહીં આવી પહોંવાનું કહે.’

જિગરે ટિપૉય પરથી મોબાઈલ ઊઠાવ્યો. એમાં રહેલો વૈભવશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો. થોડીક પળોમાં સામેથી વૈભવશેઠનો અવાજ આવ્યો : ‘હા, બોલ સત્યજીત ! અડધી રાતના કેમ ફોન કર્યો ? !’

‘તમારું એક ખાસ કામ પડયું છે !’ જિગર ધીમા અવાજે બોલ્યો : ‘તમે તાત્કાલિક મારા ઘરે આવી જાવ.’ અને આ સાથે જ તેણે મોબાઈલ કટ કરી દીધો.

‘તારું કામ પતી ગયું.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘હવે તું ઘરે પહોંચીને નિરાંતે સૂઈ જા. હું પછી આવું છું.’ અને આ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગર સમજી ગયો. શીના તેના માથા પરથી ઊતરી ગઈ હતી. જિગર ઝડપભેર સત્યજીતના મકાનની બહાર નીકળ્યો. થોડેક દૂર ઊભી રાખેલી પોતાની કારમાં બેઠો અને કાર ઘર તરફ દોડાવી મૂકી.

દૃ દૃ દૃ

બીજા દિવસે સવારના સાડા સાત વાગ્યે જિગર તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને ડાઈનિંગ ટેબલ પાસે પહોંચ્યો, ત્યારે માહી છાપું વાંચતી બેઠી હતી.

જિગરને જોતાં જ માહી બોલી ઊઠી : ‘જિગર ! પપ્પાનો ફોન હતો. જો, જેણે મારા પપ્પાના રૂપિયા પચાવી પાડયા અને મારા પપ્પાના દુશ્મન વૈભવશેઠ સાથે મળી ગયો, એ વચેટિયા માણસ સત્યજીતનું ખૂન થયાના સમાચાર આમાં છપાયા છે.’

‘લાવ,’ જિગર ખુરશી પર બેઠો : ‘મને બતાવ !’

માહીએ છાપું જિગરને આપ્યું અને કંઈક વિચારતી રસોડા તરફ આગળ વધી ગઈ.

જિગરે છાપામાં નજર ફેરવી. તે ગઈકાલ રાતના જે વચેટિયા માણસ સત્યજીતને ખતમ કરી આવ્યો હતો એના ખૂનના સમાચાર ફોટા સાથે છપાયેલા હતા. સત્યજીતના ખૂની તરીકે, દેવરાજશેઠના દુશ્મન વૈભવશેઠને પકડી લેવામાં આવ્યા હતા.

વૈભવશેઠેે પોલીસ સામે એવી કબૂલાત કરી હતી કે, ‘તેમની અને સત્યજીત વચ્ચે રૂપિયાને લઈને ઝઘડો થયો હતો અને એમાં એેમનો પિત્તો ગયો હતો અને એેમણે સત્યજીતનું ખૂન કરી નાખ્યું હતું.’

જિગરે રાહત અનુભવી. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીના મીઠું મલકી રહી હતી. ‘શીના, કહેવું પડે તારું ! તેં એક તીરથી બે નિશાન માર્યા. તેં દેવરાજશેઠ સાથે ગદ્દારી કરનાર સત્યજીતને તો મોતને ઘાટ ઉતરાવ્યો જ, પણ સાથોસાથ દેવરાજશેઠના દુશ્મન વૈભવશેઠને સત્યજીતના ખૂની બનાવીને હંમેશ માટે એમને દેવરાજશેઠના રસ્તામાંથી હટાવી દીધા.’

‘આ જ તો મારી કમાલ છે.’ શીના ગર્વભેર બોલી, ત્યાં જ રસોડા પાસેથી માહીના પગલાંનો અવાજ સંભળાયો, એટલે જિગરે ચહેરો અદ્ધર કરીને જોયું. રસોડામાંથી ચા-નાસ્તાની ટ્રે સાથે આવેલી માહીએે ટ્રે ટેબલ પર મૂકી. ‘જિગર !’ માહી સામેની ખુરશી પર બેસતાં બોલી : ‘શું તારા માથા પર સવાર થયેલી બલાએ તો એ સત્યજીતને મારી....’

‘ના-ના !’ જિગર બોલી ઊઠયો : ‘એ કોઈને કોઈ તકલીફ-કોઈ જાતનું નુકસાન નથી પહોંચાડતી તો એ વળી કોઈને મારી કેવી રીતના શકે ? !’ અને જિગરે ટ્રેમાંથી ચાનો કપ લીધો : ‘તારા પપ્પા સાથે ગદ્દારી કરનાર સત્યજીતે શી ખબર બીજા પણ આવા કેટલા ખોટા કામો કર્યા હશે જેનો એને બદલો મળી ગયો. પણ છોડ, એની વાતને તું ભૂલી જા.’ અને જિગરે માહીને કૉલેજના જમાનાની વાતોએ ચઢાવી દીધી.

દૃ દૃ દૃ

અદૃશ્ય શક્તિ શીનાની મદદથી જિગરે સત્યજીતને ખતમ કર્યાની વાતને આજે બે મહિના વીતી ચૂકયા હતા.

રાતના દસ વાગ્યા હતા. માહી રસોડામાંથી પાછી ફરે એની વાટ જોઈને જિગર બેડરૂમમાં બેઠો હતો, ત્યાં જ તેના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘...ચાલ જિગર ! હું જાઉં છું.’

‘ઠીક છે.’ જવાબ આપતાં જિગરે કલ્પનાની આંખે જોયું તો તેને શીનાનો ચહેરો ફિક્કો લાગ્યો અને એની આંખોમાં પણ જાણે ટેન્શન વર્તાયું : ‘શીના !’ તેણે કહ્યું : ‘તું આજે ફીક્કી-ફીક્કી અને કમજોર કેમ લાગે છે ? ! તું કોઈ ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે ? !’

‘તારી વાત સાચી છે.’ માહી બોલી : ‘હું એક મોટા ટેન્શનમાં છું.’

‘...એ ટેન્શન શું છે, એ તું મને કહી શકીશ ? !’

‘હા, સાંભળ !’ માહી બોલી : ‘દુનિયાભરની શયતાની શક્તિઓ ભેગી મળીને પણ મારું કંઈ જ બગાડી શકે એમ નથી. પણ એક શક્તિ એવી છે, જેની સામે હું એકદમ જ વિવશ-લાચાર અને કમજોર બની જાઉં છું.’

‘...એ વળી શું છે ?’ જિગરે અધીરા અવાજે પૂછયું.

‘...એ એક મંત્ર છે, જેનો જાપ કરીને મને વશમાં કરી શકાય છે.’

‘હં...!’ જિગર શીનાની વાત સાંભળી રહ્યો.

‘આપણે પેલા સત્યજીતને ખતમ કરવા ગયા ત્યારે ભવાનીશંકર નામના એક પંડિતે મને વશમાં કરવા માટે એ મંત્રનો જાપ શરૂ કરી દીધો. હું ચૂકી ગઈ. જો મને સમયસર ખબર પડી ગઈ હોત તો હું પંડિત ભવાનીશંકર જાપ કરવા બેસે એ પહેલાં જ એને ઠેકાણે પાડી દેત.’

‘તો હવે ? !’ જિગરના અવાજમાં ચિંતા આવી ગઈ.

‘હવે પંડિત ભવાનીશંકર મંડળની અંદર છે અને મંડળની અંદર મારી શક્તિ પંડિત ભવાનીશંકરનું કંઈ જ બગાડી શકે એમ નથી.’ શીનાએ કહ્યું : ‘પણ હા, પંડિત ભવાનીશંકર જો કોઈ ભૂલ કરે, એનું ધ્યાન ચૂક થાય તો એનું મંડળ તૂટી શકે.’

‘...તો આટલા દિવસમાં ભવાનીશંકરે કોઈ ભૂલ નથી કરી ?’ જિગરે પૂછયું.

‘હા, ભવાનીશંકરે કોઈ ભૂલ નથી કરી.’ શીનાએ એક નિસાસો નાખતાં કહ્યું : ‘આ જાપ એકસો એક દિવસનો હોય છે. ભવાનીશંકરે આ જાપ શરૂ કર્યાને સિત્તેર દિવસ થયા.’

‘એટલે એકત્રીસ દિવસ બાકી રહ્યા, એમને !’ જિગરે કહીને પૂછયું : ‘જો ભવાનીશંકર એકસો એક દિવસ પૂરા કરવામાં સફળ થઈ જાય તો...? !’

‘...તો હું ભવાનીશંકરની દાસી બની જઈશ.’ શીનાએ દુઃખી અવાજે કહ્યું : ‘ભવાનીશંકર જે કહેશે, એ મારે કરવું પડશે. હું...હું તારી પાસેથી પણ હંમેશ માટે ચાલી જઈશ !’

‘શું ? !’ જિગરના મોઢેથી શબ્દ સરી પડયો. શીના તેના માથા પર સવાર થઈ, ત્યારે શરૂઆતમાં તે દુઃખી થઈ ઊઠયો હતો. શીનાએ લોહી પીવા માટે તેની પાસે માણસોને ખતમ કરાવવાનું શરૂ કર્યું ત્યારે તેે બેચેન થઈ ઊઠયો હતો. ત્યારે તેને એમ થતું હતું કે, શીના તેને હંમેશ માટે છોડીને ચાલી જાય. પણ હવે વાત જુદી હતી. હવે શીના તેને છોડીને ચાલી જશે એ વાતથી જ તે પરેશાન થઈ ઊઠયો હતો. હવે તેને શીનાની આદત પડી ગઈ હતી. હવે તે શીના વિના જીવવાની કલ્પના પણ કરી શકે એમ નહોતો. જો શીના તેને છોડીને ચાલી જાય તો શીનાએ તેને અપાવેેલી આ માલ-મિલકત, એશો-આરામ બધું જ ચાલ્યું જાય.

ના...! તેણે આવું ન થવા દેવું જોઈએ. તેણે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી રોકવા માટે બધું જ....બધું જ કરી છૂટવું જોઈએ.

‘જિગર !’ શીનાનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો : ‘જો તું મને મદદ કરે તો હું પંડિત ભવાનીશંકરથી બચી શકું.’

‘હું મદદ કરવા તૈયાર છું.’ જિગર બોલ્યો.

‘હા, પણ એમાં તારા જીવનું જોખમ છે ! તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે.’ અને શીનાનો સવાલ સંભળાયો : ‘બોલ, જિગર ! હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે ? !’

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 5 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Jigisha Kachhiya

Jigisha Kachhiya 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Viral

Viral 2 વર્ષ પહેલા