પિશાચિની - 26 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિશાચિની - 26

(26)

‘હાલ પૂરતું મેં તારી પત્ની માહીનું લોહી પીવાનું માંડી વાળ્યું છે. આજે હું તારા સસરા દેવરાજશેઠનું લોહી પીશ.’ એવું અદૃશ્ય શક્તિ શીના જિગરને કહીને ગઈ એટલે જિગર માહીના ગળામાં બનારસીદાસે આપેલું માદળિયું પહેરાવીને કારમાં એરપોર્ટ તરફ હંકારી ગયો હતો. અને ત્યારે ‘તે પોતાના સસરા દેવરાજશેઠને શીનાથી બચાવી શકશે ?’ એ વાતમાં તેને જ શંકા હતી.

અત્યારે તે પૂરપાટ ઝડપે કારને એરપોર્ટ તરફ દોડાવી જઈ રહ્યો હતો, પણ છતાંય તેણે ઝડપ વધારી. આગળ રસ્તો જમણી તરફ વળતો હતો. તેણે સ્પીડ ઓછી કર્યા વિના જ કારને જમણી બાજુ વળાવી અને તેને સામેથી એક ટ્રક ધસી આવતી દેખાઈ. તેનો જીવ ગળે આવી ગયો અને તેણે છેલ્લી પળે કારને એકદમથી જ ડાબી બાજુ વળાવી દીધી. સુઉઉઉ કરતાં સૂસવાટાભેર એ ટ્રક તેની કારની એકદમ નજીકથી પસાર થઈ ગઈ ને તેની કાર રસ્તાની બાજુમાં કાચા રસ્તા પર ઊતરી ગઈ. કાર ઝડપમાં હતી એટલે તેણે બ્રેક મારી, છતાંય કાર એ કાચા રસ્તા પર ઉપર-નીચે ઊછળતાં-કૂદતાં રસ્તાની બાજુમાં આવેલા ઝાડની બિલકુલ અડોઅડ પહોંચીને ઊભી રહી.

જિગર થોડીક પળો સુધી એમ જ બેસી રહ્યો. તે ટ્રક સાથે સહેજમાં અથડાતાં બચ્યોે હતો અને એ પછી આ સામેના ઝાડ સાથે પણ તેની કાર ટકરાતાં ટકરાતાં બચી હતી.

તે દેવરાજશેઠને બચાવવા જતાં જાતે જ મરાયો હોત ! જોકે, દેવરાજશેઠનો જીવ પણ તેના કારણે જ જોખમમાં મુકાયો હતો ને ? પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગયેલી શીનાને જો તેણે ફરી સામે ચાલીને પોતાના માથે સવાર કરી ન હોત તો આજે તેણે આ દિવસ થોડો જોવો પડયો હોત ? જોકે, અત્યારે આ બધું વિચારવાનો સમય નહોતો.

અત્યારે તો તેણે પોતાના જીવ પર ખેલીને દેવરાજ-શેઠને બચાવવાના હતા.

તેણે કાર રિવર્સમાં લઈને આગળ વધારી ત્યાં જ તેને થયું કે, તેણે ફરી દેવરાજશેઠનો મોબાઈલ

ટ્રાય કરવો જોઈએ.

અને તેણે મોબાઈલ ફોનમાંથી દેવરાજશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો.

આ વખતે સામેથી રિંગ વાગી અને બીજી જ પળે સામેથી દેવરાજશેઠનો અવાજ સંભળાયો : ‘હા, બોલો જમાઈરાજ, શું હતું ? !’

‘તમે કયાં છો, પપ્પાજી ? !’ જિગરે ઉતાવળે પૂછયું.

‘ટૅકસીમાં, એરપોર્ટ જતાં રસ્તામાં છું !’ દેવરાજશેઠે જવાબ આપીને ચિંતાભેર પૂછયું : ‘કેમ ? શું હતું...? બધું કુશળ-મંગળ તો છે ને ? !’

‘હું તમને કહું છું...,’ દેવરાજશેઠને શું કહેવું એ કંઈ મગજમાં ન આવતાં, તેણે કહ્યું : ‘...પહેલાં તમે એ કહો કે, તમે કેટલે પહોંચ્યા છો ? !’

‘એક મિનિટ...!’ મોબાઈલમાં સામેથી દેવરાજશેઠનો અવાજ સંભળાયો અને પળવારની ચુપકીદી છવાઈ.

જિગરે બાજુમાંથી પસાર થઈ રહેલા માઈલસ્ટોન પર નજર નાખી. માઈલસ્ટોન એરપોર્ટ આઠ કિલોમીટર દૂર હોવાનું બતાવી રહ્યો હતો.

‘...એરપોર્ટથી હું પાંચ કિલોમીટર દૂર છું.’ જિગરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી દેવરાજશેઠનો અવાજ સંભળાયો.

‘તમે ટૅકસી ત્યાં જ ઊભી રાખી દો.’ જિગરે કહ્યું : ‘હું તમારાથી ત્રણ કિલોમીટર પાછળ જ છું. હું હમણાં પાંચ મિનિટમાં જ તમારી પાસે પહોંચ્યો.’

‘પણ તમે આટલી ભાગદોડ કરી રહ્યા છો તો થયું છે શું, એ તો કહો ?’ સામેથી હવે દેવરાજશેઠના અવાજમાં ધૂંધવાટ આવી ગયો.

‘ચિંતા કરવા જેવું નથી, પણ આવું છું તો કહું છું.’ જિગરે કહ્યું ને પૂછયું : ‘તમારી ટૅકસીનો નંબર શું છે ?’

જિગરને પહેલાં દેવરાજશેઠનો ટૅકસી ડ્રાઈવરને નંબર પૂછતો અને પછી ટૅકસીનો નંબર કહેતો અવાજ સંભળાયો. જિગરે એ નંબર નોંધી લઈને કહ્યું : ‘બસ, તમે ત્યાં જ ઊભા રહો. હું હમણાં પહોંચ્યો.’ અને જિગરે મોબાઈલ કટ કર્યો, અને કારની ઝડપ ઓર વધારી. હવે એરપોર્ટ સાત કિલોમીટર દૂર રહી ગયું હતું. દેવરાજશેઠ એરપોર્ટથી પાંચ કિલોમીટર દૂર ઊભા રહી ગયા હતા એટલે હવે તેના અને દેવરાજશેઠ વચ્ચે ફકત બે કિલોમીટરનું અંતર રહી ગયું હતું.

તે થોડીક-વારમાં જ દેવરાજશેઠ પાસે પહોંચી જશે. પણ.., પણ તે દેવરાજશેઠ પાસે પહોંચીનેય કરી શું શકશે ? ! અદૃશ્ય શક્તિ શીનાથી દેવરાજશેઠને બચાવવા માટેની શક્તિ-કોઈ રસ્તો તેની પાસે કયાં હતો ? ! ?

તેના મનની બેચેની બેવડાઈ.

તેને એરપોર્ટ છ કિલોમીટર દૂર હોવાનું બતાવતો માઈલસ્ટોન દેખાયો ને પછી થોડીવાર પછી થોડેક આગળ સાઈડમાં ઊભેલા વાહનની બેકલાઈટ ઝબકતી દેખાઈ.

‘...એ દેવરાજશેઠની ટૅકસી જ લાગે છે.’ જિગરે વિચાર્યું અને તેની કાર એ ટૅકસીની નજીક પહોંચી. તેણે કારની હેડલાઈટના અજવાળામાં ટૅકસીનો નંબર જોયો તો એ દેવરાજશેઠવાળી જ ટૅકસી હતી. તેણે એ ટૅકસીની પાછળ કાર ઊભી રાખી અને કારની બહાર નીકળ્યો. તે ટૅકસીની નજીક પહોંચ્યો અને તેણે બારીમાંથી પાછલી સીટ પર નજર નાંખી.

પાછલી સીટ પર....,

.....પાછલી સીટ પર દેવરાજશેઠ બેઠા નહોતા.

તેણે આગળની ડ્રાઈવિંગ સીટ તરફ જોયું. ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ડ્રાઈવરે તેની તરફ તાકી રહેતાં પૂછયું : ‘બોલો, શું હતું ? !’

‘...ટૅકસીમાં શેઠ હતા એ કયાં ગયા...?’

‘આ ઝાડીઓ પાછળ બાથરૂમ માટે ગયા છે.’ ટૅકસીવાળાએ જિગરની પીઠ પાછળની ઝાડીઓ તરફ આંગળી ચીંધતાં કહ્યું.

‘હં....!’ કહેતાં જિગર સીધો થયો અને તેણે પાછળ ફરીને ઝાડીઓ તરફ જોયું. સામેની ઝાડીઓ ગીચ હતી.

જિગર દેવરાજશેઠ પાછા ફરે એની વાટ જોઈને ઊભો રહ્યો.

એક મિનિટ વીતી.

જિગર ઊંચો-નીચો થવા લાગ્યો.

દોઢ મિનિટ વીતી.

‘આ તો દેવરાજશેઠને ઘણીવાર થઈ કહેવાય.’ વિચારતાં જિગરે ઝાડીઓ તરફ જોતાં બૂમ પાડી : ‘પપ્પાજી !’

‘સાહેબ...!’ ટૅકસીવાળાએ પોતાની સીટ પર જ બેઠા-બેઠા, હસતાં-હસતાં કહ્યું : ‘તમેય શું કરો છો ? ! સાહેબને નિરાંતે કુદરતી હાજત તો પતાવી લેવા દો.’

જિગરે ખાઈ જવાની નજરે ટૅકસી ડ્રાઈવર તરફ જોયું. ટૅકસી ડ્રાઈવર આડું જોઈ ગયો.

બીજી અડધી-પોણી મિનિટ વીતી. જિગરને થયું, તેણે ઝાડીઓમાં દેવરાજશેઠને જોઈ આવવા જોઈએ. ત્યાં જ ટૅકસી ડ્રાઈવરનો અવાજ તેના કાને પડયો : ‘સાહેબ ! શેઠને કંઈક વધારે જ વાર લાગી...’

‘હું જોઈ આવું છું. તું અહીં જ રહે.’ ટૅકસીવાળાને કહેતાં જિગર એ ઝાડીઓ તરફ આગળ વધ્યો.

જિગર ઝાડીઓની અંદર દાખલ થઈ ગયો.

ઝાડીઓમાં અંધારું હતું. તેણે મોબાઈલ કાઢયો અને એની લાઈટના ઝાંખા અજવાળામાં આસપાસમાં જોતાં બૂમ પાડી : ‘પપ્પાજી ! કયાં છો તમે ? !’

તેને કોઈ અવાજ સંભળાયો નહિ. તેને કોઈ સળવળાટ સંભળાયો નહિ.

‘પપ્પાજી !’ બૂમ પાડતાં જિગર એ ઝાડીઓમાં વધુ આગળ વધ્યો, ત્યાં જ જમણી બાજુની ઝાડીઓ પાછળથી સળવળાટ સંભળાયો.

‘પપ્પાજી ! તમે છો, ઝાડી પાછળ ? !’ જિગરે ઊભા રહી જતાં પૂછયું, પણ એ ઝાડી પાછળથી જવાબ સંભળાયો નહિ અને જાણે એની બૂમથી ઝાડીઓ પાછળનો સળવળાટ પણ બંધ થઈ ગઈ.

‘પપ્પાજી...!’ એ ઝાડીઓ તરફ જોઈ રહેતાં જિગરે ફરી બૂમ પાડી, પણ જવાબ સંભળાયો નહિ. જિગર હિંમત ભેગી કરતાં એ ઝાડીઓ પાસે પહોંચ્યો. તેણે ઝાડીઓ પકડીને હટાવી. અને એક નોળિયો અંદરની ઝાડીઓ તરફ દોડી જતો દેખાયો. જિગરનું હૃદય ફફડી ગયું. તે બે પગલાં પાછળ હટી ગયો.

હવે તેની બેચેની વધી. ‘દેવરાજશેઠ ગયા કયાં ? ! કયાંક શીનાએ એમને ઝાડીઓમાં જ...’ અને તેણે આગળનો અણગમતો વિચાર અધૂરો મૂકી દીધો. ‘ટૅકસીવાળાને સાથે લઈને પછી ઝાડીઓમાં અંદર સુધી જોઈ આવું.’ વિચારતાં જિગર સડક તરફ આગળ વધ્યો. ઝાડીઓ હટાવીને તે કાચા રસ્તા પર ચાલીને સડક પર પહોંચ્યો તો તે ચોંકયો.

તેની કાર તો પડી હતી, પણ ટૅકસી નહોતી.

જિગરે આગળ-પાછળ બન્ને બાજુ દૂર...દૂર સુધી નજર દોડાવી. ટૅકસી ઊભેલી દેખાઈ નહિ.

ટૅકસીવાળો ટૅકસી લઈને ચાલ્યો ગયો હતો.

‘શું દેવરાજશેઠ પાછા આવી ગયા હશે અને એટલે ટૅકસીવાળો એમને લઈને ચાલ્યો ગયો હશે ? !

‘પણ ના, ટૅકસીવાળો એવું કરે જ નહિ ને...? ! ટૅકસીવાળાને ખબર તો હતી કે, તે દેવરાજશેઠને ઝાડીઓની અંદરથી બોલાવી લાવવા માટે ગયો છે, એટલે દેવરાજશેઠ પાછા આવી ગયા હોય તો પણ ટૅકસીવાળો તેના પાછા ફરવાની તો વાટ જુએ જ ને...? !’

‘હવે શું કરવું ? !’ જિગર મૂંઝાયો. પણ પછી તેને થયું કે, ‘તેણે દેવરાજશેઠને મોબાઈલ લગાવવો જોઈએ. છેલ્લે તેમણે મોબાઈલ ઉઠાવ્યો જ હતો ને...?’ અને તેણે દેવરાજશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો.

સામેથી રિંગ વાગવા માંડી.

‘હમણાં દેવરાજશેઠ સામેથી મોબાઈલ ઉઠાવશે.’ એવી આશા સાથે જિગરે મોબાઈલની રિંગ વાગવા દીધી, પણ સામેથી દેવરાજશેઠે મોબાઈલ લીધો નહિ.

તેણે મોબાઈલ કટ કર્યો અને ફરી લગાવ્યો. આ વખતેય સામેથી રિંગ વાગવા માંડી, પણ દેવરાજશેઠે મોબાઈલ લીધો નહિ.

‘હવે શું કરવું ? !’ તે પોતાની કાર પાસે આવ્યો, તેણે મોબાઈલ પોતાના કાન પરથી હટાવ્યો અને તે દેવરાજશેઠને લગાવેલો મોબાઈલ કટ્‌ કરવા ગયો, ત્યાં જ તેને લાગ્યું કે, નજીકમાં જ મોબાઈલની રીંગ વાગી રહી છે. તેણે પોતાના હાથમાંના મોબાઈલનું બટન દબાવ્યું અને દેવરાજશેઠને લગાવેલો મોબાઈલ કટ કર્યો એ સાથે જ મોબાઈલની રીંગ સંભળાવવાની બંધ થઈ.

‘આનો મતલબ એ..., આનો મતલબ એ કે, દેવરાજશેઠનો મોબાઈલ નજીકમાં જ છે..., અને એટલે દેવરાજશેઠ આટલામાં જ છે.’ અને આ વિચાર સાથે જ જિગરે દેવરાજશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો અને પોતાના હાથમાંનો મોબાઈલ પોતાના કાનથી દૂર રાખીને મોબાઈલની રિંગ સાંભળવાનો પ્રયત્ન કર્યો.

આસપાસમાંથી મોબાઈલની રીંગ સંભળાતી હતી.

તેણે કાન વધુ સરવા કર્યા અને એ રીંગ સાંભળતો એક-બે પગલાં આગળ-પાછળ થયો, ત્યાં જ તેને ખ્યાલ આવ્યો કે, મોબાઈલની રીંગ તેની કારની અંદરથી સંભળાઈ રહી છે.

તેણેે કારની નજીક પહોંચીને કારની અંદર નજર નાંખી. તે ચોંકયો. આગળની સીટ પર મોબાઈલ પડયો હતો અને એની રીંગ વાગી રહી હતી !

તેણે પોતાના હાથમાંના મોબાઈલનું બટન દબાવ્યું એ સાથે જ અંદર કારમાં પડેલા મોબાઈલની રીંગ બંધ થઈ. તેણે હાથ લંબાવીને સીટ પરથી મોબાઈલ લીધો અને જોયો.

એ દેવરાજશેઠનો જ મોબાઈલ હતો ! ! !

દેવરાજશેઠનો મોબાઈલ તેની કારમાં કયાંથી આવ્યો અને આમ એમનો મોબાઈલ તેની કારમાં મૂકીને દેવરાજશેઠ ગયા કયાં ? !

નક્કી આ શીનાનું જ કામ છે ! શીના જ તેની સાથે આ ખેલ ખેલી રહી છે.

‘શીના !’ તેણે આસપાસ જોતાં જોરથી બૂમ પાડી : ‘તારો આ ખેલ બંધ કર. મારી સામે આવ...’

પણ શીના સામે આવી નહિ.

તે ધૂંધવાટભેર આસપાસમાં જોઈ રહ્યો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું. સ્ક્રીન પર તેની પત્ની માહીનો મોબાઈલ નંબર ઝળકતો હતો.

‘માહી જાગી હશે અને તે ઘરમાં ન દેખાતાં માહીએ તેને મોબાઈલ કર્યો હશે.’ જિગરે વિચાર્યું અને માહીને શું જવાબ આપવો ? એ મનમાં ગોઠવતાં તેણેં બટન દબાવીને મોબાઈલ કાને મૂકયો. ‘હેલ્લો !’ તે બોલ્યો, ત્યાં જ તેના કાને સામેથી હસવાનો અવાજ સંભળાયો.

-અને એ અવાજ સાંભળતાં જ જાણે જિગરના હૃદયના ધબકારા બંધ થઈ ગયા.

-એ હસવાનો અવાજ અદૃશ્ય શક્તિ શીનાનો હતો.

‘શ...શ..શીના...!’ જિગરની જીભેથી કંપતો અવાજ સંભળાયો.

‘મારા હસવાના અવાજ પરથી જ મને ઓળખી ગયો, મારા રાજ્જા..!’

‘તું...તું...!’ જિગરની જીભ લોચવાઈ.

‘તું મૂંઝવણમાં છે ને ? !’ સામેથી શીનાનો અવાજ સંભળાયો : ‘તારા સસરા દેવરાજશેઠ કયાં ગયા અને પેલો ટૅકસીવાળો પણ અચાનક કયાં ચાલ્યો ગયો એની મૂંઝવણ થાય છે ને તને ? !’

જિગર કંપવા લાગ્યો.

‘એ ટૅકસીવાળો મારો માણસ હતો.’ સામેથી શીનાનો અવાજ સંભળાયો : ‘તારા જેવો જ મારો એક માણસ..!’ અને શીનાનો હસવાનો અવાજ સંભળાયો : ‘...મેં એને સોંપેલું કામ પતાવીને એ માણસ ત્યાંથી ચાલ્યો ગયો.’

‘તેં...તેં એને શું સોંપ્યું હતું ? !’ જિગરના મનમાં આ સવાલ ગૂંજ્યો, પણ એની જીભ જાણે આ સવાલ પૂછવાના હોશમાં નહોતી.

‘હવે પૂછતો નહિ કે, મેં એને શું કામ સોંપેલું ? !’ સામેથી શીનાનો અવાજ સંભળાયો : ‘જોકે, તુું સમજી જ ગયો હોઈશ, કે મેં એને તારા સસરા દેવરાજશેઠનું ગળું ભીંસી નાંખવાનું કામ સોંપ્યું હતું.’

‘શીના...તું...તું...!’ જિગર થર-થર કાંપવા લાગ્યો.

‘તું...તું ને હુ...હું પછી કર.’ મોબાઈલમાં સામેથી શીનાનો અવાજ સંભળાયો : ‘તારી કારની ડીકી ખોલ ને એમાં જો.’

જિગર પૂતળાની જેમ ઊભો રહ્યો.

‘...ઊભો ન રહે. જલદી ડીકી ખોલ. કદાચને તારા સસરાના શ્વાસ ચાલતા હોય.’ અને મોબાઈલમાં શીનાની આ વાત સાંભળતાં જ જિગર એક ચીસ પાડતો કારની ડીકી તરફ દોડયો. ધ્રુજતા હાથે તેણે ડીકીમાં ચાવી લગાવીને ડીકી ખોલી.

અંદર દેવરાજશેઠની લાશ પડી હતી. દેવરાજશેઠની ગરદનમાં કાણું પડેલું હતુ. એમની આંખો ફાટેલી હતી.

જિગરને લાગ્યું કે, તેનું માથું ચકરાઈ રહ્યું છે, ત્યાં જ તેના મોબાઈલમાંથી શીનાનો અવાજ સંભળાયો : ‘તારી જાતને સાચવ, જિગર ! ચકકર ખાવાથી કે બેહોશ થવાથી નહિ ચાલે.’ અને સામેથી શીના હસીને બોલી : ‘તેં મોબાઈલમાં જોયું જ હશે. હું માહીના મોબાઈલ ફોનથી વાત કરી રહી છું. મતલબ કે તારા ઘરેથી, માહી પાસેથી જ વાત કરી રહી છું.’

‘શીના ! જો મારી માહીને કંઈ...’ પણ તે પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ સામેથી શીનાએ મોબાઈલ કટ્‌ કરી દીધો.

‘હે ભગવાન ! મારી માહીને શીનાથી બચાવજે.’ જિગરે પ્રાર્થના કરી અને માહી પાસે પહોંચી જવા માટે તે ડ્રાઈવિંગ સીટ તરફ આગળ વધવા ગયો, ત્યાં જ તેનું ધ્યાન ડીકીમાં પડેલી દેવરાજશેઠની લાશ તરફ ખેંચાયું.

‘તેણે દેવરાજશેઠની લાશનું શું કરવું જોઈએ ? !’ તેના મગજમાં આ સવાલ જાગ્યો અને હજુ તો તે આનો કોઈ જવાબ વિચારે એ પહેલાં જ તેના કાને ચીઈંઈંઈંઈંની બ્રેકની ચીચીયારી સંભળાઈ. તેણે જોયું તો તેની બાજુમાંથી પસાર થઈ ગયેલી જીપ થોડેક આગળ જઈને સોલિડ બ્રેક સાથે રોકાઈ ગઈ હતી.

બીજી જ પળે એ જીપ રિવર્સમાં પાછી તેની કારની નજીક આવવા માંડી.

જિગરે ધ્યાનથી જીપ તરફ જોયું અને તેને પોતાના પગ નીચેની જમીન સરકી જતી લાગી.

-એ જીપ હાઈવે પોલીસની હતી.

‘શું પોલીસ તેની કારની ડીકીમાં પડેલી દેવરાજશેઠની લાશ જોઈ ગઈ હશે અને એટલે જ તેની પાસે પાછી આવી રહી હશે ? ! જો એવું જ હશે તો તે પોલીસને દેવરાજશેઠની લાશ વિશે કહેશે શું ? અને...અને તે જે કહેશે, એ શું પોલીસ માનશે ખરી ? !’

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Jayana Tailor

Jayana Tailor 9 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Alpesh Barot

Alpesh Barot માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Nimisha Patel

Nimisha Patel 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા