Pishachini - 7 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 7

(7)

જિગર જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો. તેની ચારે બાજુ હાથથી હાથ ન સૂઝે એવું ઘોર અંધારું જ અંધારું હતું. તે આ અંધારામાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો. તેને કંઈ દેખાતું નહોતું. તેે શેમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો એ પણ તેને કંઈ સમજાતું નહોતું. તેનો જીવ જાણે ગુંગળાતો હતો.

આવું બીજી થોડીક વાર સુધી ચાલુ રહ્યું અને તેનું ડુબકીઓ ખાવાનું બંધ થયું. તેનો જીવ ગુંગળાવાનો ઓછો થયો. તે બરાબર શ્વાસ લેતો થયો. તેની આંખો સામેથી અંધારું તો દૂર થયું નહિ પણ તેના જીવને થોડુંક સારું લાગવા માંડયું. તે બેહોશીની દુનિયામાંથી હોશમાં આવ્યો. તેણે ધીરેથી આંખો પરથી પાંપણનો પડદો ઊઠાવ્યો અને જોયું તો તે પથરાળ જમીન પર પડયો હતો. ચંદ્રના ઝાંખા અજવાળામાં થોડેક દૂર ઝાડી-ઝાંખરા દેખાતા હતા.

‘તે અત્યારે કયાં પડયો હતો ? ! !’

તેણે આસપાસમાં જોયું. નજીકમાં જ રેલવે ટ્રેક-પાટા દેખાયા, અને એ સાથે જ તેને યાદ આવી ગયું. તે ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યો હતો, ત્યારે તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાએ, તેને એક યુવાનને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાનું કહ્યું હતું, પણ તેણે શીનાની વાત માની નહોતી. તેણે ઘસીને ના પાડી દીધી હતી, ત્યાં જ બે અદૃશ્ય હાથોએ તેને પકડીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. બીજી જ પળે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું અને એ પછી અત્યારે તેની આંખો સામેથી અંધારું દૂર થયું હતું અને તેની આંખો ખૂલી હતી.

તે ધીમેથી બેઠો થયો. તેની નવાઈ વચ્ચે તે ખૂબ જ સહેલાઈથી બેઠો થઈ શકયો. ‘તે ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાયો હતો છતાંય તે મર્યો કેમ નહોતો ? ! તેને નાની સરખીય ઈજા પણ કેમ થઈ નહોતી ?’ એવા સવાલો સાથે તે ઊભો થયો, ત્યાં જ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર, તેં મારી વાત માની નહિ એટલે તને સબક શીખવાડવા માટે મેં તને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો, પણ પાછો તને બચાવી લીધો. તું મને ગમે છે, એટલે હું તારી આવી હરકત ચલાવી લઉં છું, બાકી હું ધારું તો તને આંખના પલકારામાં મોતને ઘાટ ઉતારીને તારું લોહી પી શકું એમ છું.’

જિગર જેમનો તેમ ઊભો રહ્યો. તે મરતાં-મરતાં બચ્યો હતો, એ વાતનો ગભરાટ હજુ પણ તેના મનમાંથી બિલકુલ ઓછો થયો નહોતો.

‘જિગર !’ જિગરના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘મેં તને પહેલાં જ કહ્યું હતું કે, તું મારા વશમાં છે. તારે જીવવું હશે તો મારું કહ્યું માનવું જ પડશે !’

જિગર એમ જ ઊભો રહ્યો.

‘તું મને ગમે છે, એટલે મેં તને મારી વાત માનવા માટેનો એક વધુ મોકો આપ્યો છે. પણ જો તું હજુ પણ મારી વાત માનવાનો ઈન્કાર કરીશ, તો પછી મારા હાથે તારું મોત નકકી છે. હું એક એવી શક્તિ છું, જેને હું ચાહું તો સહેલાઈથી અનેક મુશ્કેલી-મુસીબતમાંથી ઊગારી શકું, અને જેને હું નફરત કરું તો એને ગણતરીની પળોમાં જ મારી શકું.’

જિગરે ચૂપકીદી જાળવી રાખી.

‘જિગર ! મૂરખામી ન કર. મારી વાત માની લે. તું મારી વાત માનીશ તો તને જિંદગી મળશે, લાખ્ખો રૂપિયા મળશે અને તારી પ્રાણપ્યારી માહી મળશે. અને મારી વાત નહિ માને તો તને આમાંનું કંઈ નહિ મળે, ફકત અને ફકત મોત મળશે ! ક્રૂર મોત ! !’

જિગરે વિચાર્યું. ‘ના ! તેે મરવા માંગતો નહોતો. તે જીવવા માંગતો હતો. તે માલદાર બનવા માંગતો હતો. માહીને પરણવા માંગતો હતો. માહી સાથે મોજ-મજાભરી જિંદગી વિતાવવા માંગતો હતો. અને...અને આ માટે તે શીનાની વાત માનશે. શીના કહેશે એ તે કરશે, મન મકકમ કરીને-કાળજું કઠણ રાખીને કરશે !’

‘તો...!’ શીના જાણે જિગરના મનના વિચારોને પામી ગઈ હોય એમ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘..તૈયાર છે ને, હવે મારી વાત માનવા માટે !’

‘હા !’ જિગરે કહ્યું.

‘સરસ, આ કરી તેં એક સમજદાર માણસ જેવી વાત.’ શીનાનો આનંદભર્યો અવાજ સંભળાયો : ‘હવે ઝડપ કર. મેં થોડેક આગળ તારી ટ્રેન ઊભી રખાવડાવી છે. તું જલદીથી ટ્રેનમાં ચઢી જા.’

અને જિગરે જોયું, તો જમણી બાજુ, થોડેક દૂર ટ્રેન ઊભેલી દેખાતી હતી.

તે હવે ચુપચાપ ઝડપી પગલે ટ્રેન તરફ આગળ વધી ગયો.

તે પોતાના ડબા પાસે પહોંચ્યો, ત્યારે દરવાજા પાસે જ પેલો યુવાન, જેને શીનાએ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવા માટે કહ્યું હતું, એ ઊભો હતો.

જિગર ડબામાં ચઢયો, એટલે એ યુવાને પૂછયું : ‘શું થયું ? ! ટ્રેન કેમ ઊભી રહી ગઈ ? !’

‘મેં બે-ત્રણ જણાંને પૂછયું, પણ કંઈ ખબર પડી નથી.’ કહેતાં જિગર ત્યાં, દરવાજા પાસે જ ઊભો રહ્યો.

અને આની થોડીક પળોમાં જ ટ્રેન ઊપડી અને થોડીક પળોમાં જ ગજબનાક ઝડપે દોડવા માંડી.

‘બસ, જિગર ! આ યુવાન પાછો પોતાની સીટ પર જાય એ પહેલાં જ એને ધકકો મારી દે !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો.

જિગરે યુવાન તરફ જોયું.

યુવાન તેની તરફ મુસકુરાતાં પોતાની સીટ તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ જિગરે મન-મગજને મકકમ કરીને એ યુવાનને પૂરા જોર સાથે ધકકો મારી દીધો ! યુવાન ચાલુ ટ્રેનની બહાર ફેંકાઈ ગયો ! !

જિગર થરથર ધ્રુજવા માંડયો. તેણે બહાર ચહેરો કાઢીને પાછળ જોયું. ટ્રેન સ્પીડમાં હતી અને વળી અંધારું હતું એટલે એ યુવાનના શું હાલ થયા હશે ? એ જિગરને દેખાયું-કર્યું નહિ. વળી મોતના મોઢામાં જતી વખતે એ યુવાને ચીસ પાડી હતી કે નહિ ? ! કે પછી એ યુવાને ચીસ પાડી હતી અને એ ચીસ દોડતી ટ્રેનના અવાજમાં ભળી ગઈ હતી ? એનો પણ જિગરને કોઈ અંદાજ આવ્યો નહિ.

જોકે, જિગરેે જે કરી નાંખ્યું હતું એનાથી તેનું આખુંય શરીર કાંપતું હતું. તેના ચહેરા પરથી પરસેવો પણ નીતરવા લાગ્યો હતો, ત્યાં જ અત્યારે તેને લાગ્યું કે, તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો છે.

તે સમજી ગયો. ‘તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીના તેના માથા પરથી ઊતરીને ગઈ હતી.., હમણાં થોડીક પળો પહેલાં જ તેણે ધકકો મારીને બહાર ફેંકી દીધો હતો એ યુવાનનું લોહી પીવા માટે...!’ તેનું મન બેચેન થઈ ઊઠયું. તેને લાગ્યું કે તે હમણાં જ ઢગલો થઈને પડી જશે. તે જેમ-તેમ પોતાની સીટ પર પહોંચ્યો અને સીટ પર બેસી પડયો.

તેણે જે કરી નાંખ્યું હતું એનાથી તે ડરી ગયો હતો-ગભરાઈ ઊઠયો હતો ! ‘તેણે એક નિર્દોષ યુવાનની હત્યા કરી હતી ! ! તેણે...તેણે એક મોટો ગુનો કર્યો હતો ! ! !’ તેનું મન પસ્તાવાથી ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડયો. ‘પણ...પણ તે જો એ યુવાનને ધકકો ન મારત તો પેલી અદૃશ્ય શક્તિ શીના તેને મારી નાંખત ! તેણે તો..., તેણે તો પોતાનો જીવ બચાવવા માટે એ યુવાનને ધકકો માર્યો હતો ! શું તેણે ખોટું કર્યું હતું ? ! તેની જગ્યાએ જો કોઈ બીજું હોત તો એ પણ તો તેની જેમ જ કરત ને ! પોતાનો જીવ બચાવવા માટે એ યુવાનને ધકકો મારી જ દેત ને !’ અને જિગરના મનમાં આ વિચારો ચાલી રહ્યા હતા, ત્યાં જ એક આંચકા સાથે ટ્રેન ઊભી રહી ગઈ.

જિગરે પોતાની આંખના આંસુ લૂંછતાં ઝડપભેર બારી બહાર નજર નાંખી.

બહાર સ્ટેશન આવ્યું નહોતું. ટ્રેન કોઈ જંગલમાં ઊભી રહી ગઈ હતી.

જિગરના મનમાંનો ગભરાટ બેવડાયો. ‘આ ટ્રેન કેમ ઊભી રહી ગઈ ? ! શું તેણે એ યુવાનને ધકકો મારીને બહાર ફેંકયો એટલે ટ્રેન ઊભી રહી ગઈ હશે ? ! એ યુવાન ચાલુ ટ્રેને ફેંકાયો એની તપાસ કરતી પોલીસ તો નહિ આવે ને ? !’ અને તેના મન-મગજના આ વિચારો પૂરા થાય, ત્યાં જ ફરી એક આંચકા સાથે ટ્રેન ઊપડી.

જિગરના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથા પર કોઈ પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. જિગરના મોઢેથી એક નિશ્વાસ નીકળી ગયો, ‘તો શીના એ નિર્દોષ યુવાનનું લોહી પીને પાછી આવી ગઈ લાગે છે.’ વિચારતાં તેણે આંખો મીંચી અને કલ્પનાની આંખે જોયું.

તેના માથા પર શીના બેઠી હતી. શીનાના ચહેરા પર જીતભરી મુસકુરાહટ હતી. જાણે શીનાના ચહેરા પર એ યુવાનનું લોહી પીધાંની અનેરી તાજગી વર્તાતી હતી.

જિગરનું મન ફરી રડી પડયું. તેણે શીનાના ગુસ્સાથી બચવા માટે-જીવવા માટે એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધકકો મારીને બહાર ફેંકી દીધો હતો.

તેની પાસે આવું કામ કરાવનાર શીના પાછલા એક મહિનાથી તેના માથા પર સવાર હતી અને હજુ સુધી તેને શીનાની અસલિયત સમજાઈ નહોતી. જોકે, તેને એટલું તો ચોકકસ ભાન થઈ ગયું હતું કે, તે અદૃશ્ય શક્તિ શીનાના વશમાં હતો. તેણે શીનાના હુકમો માન્યા વિના છુટકો નહોતો અને શીનાથી જીવતેજીવ છુટકારો મેળવવો એ તેના માટે મુશ્કેલ જ નહિ પણ અશકય હતું ! !

દૃ દૃ દૃ

અદૃશ્ય શક્તિ શીનાએ જિગર પાસે એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાવ્યો હતો, એ ખતરનાક ઘટનાનો ડંખ.., એનો પસ્તાવો જિગરના મન-મગજમાં સાવ ઝાંખો પડી ગયો. અને આની પાછળ શીનાની કમાલ હતી.

જિગર યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધકકો માર્યાના રંજ સાથે મુંબઈ સ્ટેશન પર ઊતર્યો એ પછી શીનાએ જિગરની બધી જ ચિંતાઓ પોતાના માથા પર લઈ લીધી હતી.

‘મુંબઈ જેવા શહેરમાં કયાં જઈને રહેવું ?’ના પહેલા સવાલથી જ શીનાએ જિગરને સૂચનાઓ આપવા માંડી હતી.

શીનાએ તેને જે હોટલમાં રોકાવાનું કહ્યું હતું એ હોટલમાં જિગર પોતાના સર-સામાન સાથે પહોંચી ગયો હતો.

બીજા દિવસની સવારથી જ શીનાએ જેમ કહેવા માંડયું હતું એમ જિગરે કરવા માંડયું હતું.

શીનાએ તેને પૂના જઈને રેસ રમવાનું કહ્યું. જિગરે શીનાની વાતનો અમલ કર્યો. તે પૂના રેસકોર્સ પર પહોંચ્યો અને શીનાના કહ્યા પ્રમાણેના ઘોડા પર તેણે દાવ લગાવ્યો અને તે જીત્યો.

આ જીતની તેને નવાઈ લાગી નહિ. તે શીનાની શક્તિથી પરિચિત હતો. શીના તેના માથા પર સવાર થઈ એ વખતે પહેલીવાર તે એને ‘વીનર કલબ’માં સાત હજાર રૂપિયા સાથે લઈ ગઈ હતી અને ચાર કલાકમાં જ પૂરા પાંચ લાખ રૂપિયા જીતાડી દીધા હતા.

જોકે, અહીં મુંબઈ આવ્યો એ પછીના દિવસોમાં શીનાએ તેને જે રીતના આગળ વધાર્યો હતો એ જિગરને પણ જાણે એક સપના જેવું લાગવા માંડયું હતું. તેના મુંબઈ આવ્યાના પચીસ દિવસમાં તો શીનાએ તેને એક પછી એક રેસ જીતાડીને લખપતિ બનાવી દીધો હતો. એટલું જ નહિ પણ તેને એક ફલેટ અને એક કાર ખરીદાવી આપી હતી અને એક ફેકટરીનો માલિક પણ બનાવી દીધો હતો.

પચીસ દિવસમાં તો જિગર દિલ્હીને ભૂલી ગયો અને મુંબઈની શાનમાં લપેટાઈ ગયા હતો.

જોકે, આમાં તે માહીને ભૂલી શકયો નહોતો.

તેણે આ પચીસ દિવસમાં માહીને અસંખ્ય વાર યાદ કરી હતી. તેને કેટલીય વાર એવું થયું હતું કે, તે માહીને મોબાઈલ ફોન લગાવે અને માહી સાથે વાત કરે.

પણ પોલીસને માહીના ફિયાન્સ વિશાલની લાશ ‘નેચર ગાર્ડન’માંથી મળી આવ્યા પછી માહીએ તેને દિલ્હી છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું, ત્યારે ખાસ તાકિદ કરી હતી કે, ‘‘તે માહીને મોબાઈલ ફોન ન કરે. માહી જ વિશાલનો ખૂન કેસ ઠંડો પડશે અને ત્યાં બધું થાળે પડશે એટલે સામેથી ફોન કરશે.’’ અને એટલે તે આજ દિવસ સુધી માહીને મોબાઈલ ફોન કરવાનું ટાળતો રહ્યો હતો.

પણ આજે અત્યારે રાતના નવ વાગ્યાના આ સમયે તે પોતાના ફલેટમાં સોફા પર બેઠો હતો, ત્યારે તેના મનમાં માહી જ ઘુમતી હતી અને આંખ સામે માહીનો જ ચહેરો તરવરતો હતો. ‘અત્યારે ત્યાં દિલ્હીમાં માહી શું કરતી હશે ? ! માહીએ તેને કેમ ફોન નહિ કર્યો હોય ? ! શું હજુ પણ ત્યાં વિશાલનો ખૂનકેસ ઠંડો નહિ પડયો હોય ? ! માહીની તબિયત તો સારી હશે ને ? કયાંક એની તબિયત તો બગડી-કરી નહિ હોય ને ? !’ અને આ સવાલોએ તેની બેચેની વધારી દીધી.

તે ઊભો થયો અને આમથી તેમ આંટા મારવા માંડયો.

‘માહી વિશે તેને માહી પાસેથી જ ખબર પડી શકે એમ હતી. એવું બીજું કોઈ નહોતું જે તેને માહી વિશેના સમાચાર આપી શકે !

‘તે માહીને ફોન કરીને જુએ તો ? !

‘ના, માહીએ તેને સામેથી મોબાઈલ કરવાની ના પડી હતી ને !’ અને આમ ‘હા-ના’ની થોડીક પળોની લડાઈ પછી તેણે છેવટે નકકી કર્યું, ‘તેણે માહીને મોબાઈલ કરી જોવો જોઈએ.’ અને તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો. એમાં સેવ થયેલો માહીનો મોબાઈલ ફોન નંબર લગાવીને તેણે મોબાઈલ કાને ધર્યો.

સામેથી રિંગ વાગવા માંડી.

‘હમણાં સામેથી માહીનો અવાજ સંભળાશે !’ એવી આશા સાથે જિગરે રિંગ વાગવા દીધી, પણ થોડીક વાર થઈ પણ સામેથી માહીએ મોબાઈલ લીધો નહિ એટલે જિગરે મોબાઈલ કટ કર્યો.

‘અત્યારે હજુ રાતના સવા નવ જ વાગ્યા છે. માહી સૂઈ તો ન જ ગઈ હોય. પણ તો એ ફોન કેમ નથી ઉઠાવતી ? !’

માહી માટેની જિગરની ચિંતા વધી.

તેણે ફરી માહીનો મોબાઈલ નંબર લગાવ્યો અને આ વખતે સામેથી બે રિંગ પછી તુરત જ માહીનો ઉતાવળિયો અવાજ સંભળાયો : ‘હા, બોલ જિગર.’

‘તારો ફોન નહોતો, એટલે મને ચિંતા...!’

‘મારી ચિંતા ન કર. મેં તને કહેલું કે, હું સામેથી તારો સંપર્ક કરીશ.’ જિગર પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ સામેથી માહીનો ઉતાવળિયો અવાજ આવ્યો : ‘પણ તેં ફોન કર્યો જ છે, તો જલદી મને એ કહી દે કે, અત્યારે તું કયાં રહે છે ? !’

જિગરે પોતાનું એડ્રેસ જણાવ્યું.

‘તું મારી ચિંતા ન કરીશ, તારું પોતાનું ધ્યાન રાખજે.’ અને આ સાથે જ સામેથી માહીએ વાત પૂરી કરી દીધી.

જિગરે મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકયો.

‘માહીએ જે રીતના ઉતાવળે વાત કરી હતી એ પરથી લાગે છે કે, હજુ ત્યાં વિશાલનો ખૂનકેસ ઠંડો પડયો નથી.’ જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! તું માહી અને વિશાલના ખૂનકેસની ચિંતા છોડીને જલસા કર. વિશાલનો ખૂનકેસ પણ ઠંડો પડી જશે અને માહી સાથે તારા લગ્ન પણ થઈ જશે. બસ, તારે થોડીક ધીરજ રાખવાની જરૂર છે.’

‘હં !’ જિગરે ફકત એક શબ્દનો હોંકારો આપ્યો અને પરાણે માહી તેમજ વિશાલના ખૂનકેસના વિચારોને દૂર કરતાં પલંગ પર લેટયો.

દૃ દૃ દૃ

જિગરને મુંબઈ આવ્યાને આજે બરાબર એક મહિનો પૂરો થયો હતો.

અત્યારે સવારના નવ વાગ્યા હતા. જિગર ફેકટરી પર જવા માટે તૈયાર થઈ ચૂકયો હતો અને બૂટની લેસ બાંધી રહ્યો હતો, ત્યાં જ ડૉરબેલ વાગી ઊઠી.

‘...અત્યારે તે વળી કોણ આવ્યું હશે ? !’ એવા સવાલ સાથે જિગરે દરવાજાની સ્ટોપર ખોલીને દરવાજો ખોલ્યો, અને...

...અને સામે ઊભેલી વ્યક્તિને જોતાં જ જિગર ચોંકી ઊઠયો-

-તે..., તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી ? ! ?

-શું..., શું આ શકય હતું ? ! ? !

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED