Pishachini - 3 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 3

(3)

મલ્ટીપ્લેક્ષ થિયેટરના ટોઇલેટ-બાથરૂમમાં જિગર તેના બન્ને હાથે તેની કંપનીના મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો.

ધવનનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જિગરે આ રીતના તેનું ગળું ભીંસવા માંડયું હતું એના આંચકામાંથી બહાર આવતાં ધવને જિગરના હાથમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે જિગરના બન્ને હાથ કાંડા પાસેથી પકડીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, એ જિગરના હાથને જરાય હલાવી શકયો નહિ. અને ઉપરથી જિગરે પોતાના હાથની ભીંસ ઓર વધારી. ધવનનો શ્વાસ ઓર વધુ રૂંધાવાની સાથે જ હવે એને એમ લાગ્યું કે, એનો જીવ નીકળી રહ્યો છે.

અને....,

....અને આની થોડીક પળોમાં જ ધવનનો જીવ નીકળી ગયો. એના હાથ-પગ બિલકુલ જ ઢીલા થઈ ગયા.

જિગરે ધવનનું ગળું છોડી દીધું અને એ સાથે જ ધવન જાણે ‘રૂ’નો બનેલો હોય એમ જમીન પર ઢગલો થઈ ગયો.

જિગર ટોઇલેટના મેઈન દરવાજા તરફ વળ્યો અને દરવાજો ખોલીને બહાર નીકળ્યો.

અને આની સાતમી પળે જ જિગરના કાનમાં સાઈરન ગૂંજી ઊઠી. તે કોઈ બીજી જ દુનિયામાંથી એકદમથી જ પાછો આ દુનિયામાં ખેંચાઈ આવ્યો હોય એમ ઝબકયો અને તેની નજર સામે, થિયેટરના મોટા પડદા પર પડી.

પડદા પર પોલીસની એક જીપ સાઈરન વગાડતી, પવનવેગે આગળ દોડી જઈ રહેલી વિલનની કારનો પીછો કરી રહી હતી !

જિગર મૂંઝવણમાં પડયો.

તે મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો છે, એનું ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય તેની નજર સામે કેવી રીતના તરવરી ઊઠયું ? ! તે તો ફિલ્મ..., અરે તે તો આ થિયેટરની

બહારના

હૉલમાં

બેઠો હતો અને તે બાથરૂમમા ગયેલો મેનેજર ધવન બાથરૂમમાંથી બહાર નીકળે એ પહેલાં જ આ થિયેટરમાં દાખલ થઈ જવા માટે સીટ પરથી ઊભો થયો હતો, પણ ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો હતો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ હતી ! ! ! અને બસ, અને બસ પછી તે કયારે હૉલમાંથી આ થિયેટરના દરવાજામાં દાખલ થઈને અહીં આ સીટ પર આવીને બેસી ગયો હતો, એ જ તેને ખબર નહોતી.

તેણે ફરી સામેના પડદા પર જોયું. હજુ પોલીસ અને વિલન વચ્ચે જીપ અને કારમાં ભાગદોડ ચાલી રહી હતી.

તેણે ધવનને જોવા માટે થિયેટરમાં નજર ફેરવી, પણ અંધારું એટલું હતું કે તેને કોઈનોય ચહેરો બરાબર સૂઝતો-વર્તાતો નહોતો.

તેણે સામે પડદા પરની ફિલ્મમાં પોતાનું ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થઈ શકયો નહિ.

ફિલ્મનો ઈન્ટરવલ પડયો, તે ચહેરો નીચો રાખીને બેસી રહ્યો. તે ધવન સાથે તેની નજર મળે અને તેણે ઊભા થઈને એની પાસે જઈને એની સાથે વાત કરવી પડે એવું ઈચ્છતો નહોતો.

થોડીક વારમાં જ ઈન્ટરવલ પછીની ફિલ્મ શરૂ થઈ અને ફિલ્મ કલાઇમેક્‌સ પર પહોંચી, ત્યાં સુધી જિગરની નજર પડદા પર હતી અને મન બીજે જ ભટકતું હતું.

ફિલ્મ પૂરી થઈ, એટલે તે આસપાસમાં જોવા રોકાયા વિના જ, બહાર નીકળી રહેલા પ્રેક્ષકો સાથે બહાર નીકળ્યો. પાર્કિંગમાં આવ્યો. મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને પાર્કિંગની બહાર કાઢીને ઘર તરફ દોડાવી મૂકી.

તે ઘરે પહોંચ્યો તો રાતના સાડા દસ વાગવા આવ્યા હતા.

તે પલંગ પર લેટયો. તેણે આંખો મીંચી, ત્યાં જ તેની નજર સામે, તે મલ્ટીપ્લેક્ષ થિયેટરના બાથરૂમમાં મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો એ દૃશ્ય તાજું થઈ ગયું.

તેને થયું, શું તે મેનેજર ધવનને એટલી હદે નફરત કરતો થઈ ગયો હતો કે, તે ધવનને આ રીતના ખતમ કરી રહ્યો છે, એવા ખતરનાક દિવાસ્પ્વપ્ન જોવા માંડયો હતો ? !

દૃ દૃ દૃ

બીજા દિવસે સવારના જિગરે પોતાની કંપનીની ઑફિસમાં પગ મૂકયો અને દીવાલ ઘડિયાળમાં જોયું તો બરાબર સાડા નવ વાગ્યા હતા.

તે આજે એકદમ ટાઈમસર હાજર થઈ ગયો હતો, એવી મનમાં નિરાંત અનુભવતાં પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ તેના બાજુના ટેબલ પર બેસતા સાથી કર્મચારી અરૂણનો ધીમો અવાજ સંભળાયો : ‘જિગર...!’

જિગરે અરૂણ તરફ જોયું, એટલે અરૂણે કહ્યું : ‘...એક ચોંકાવનારા સમાચાર છે !’

‘...ચોંકાવનારા સમાચાર..?’ એવો વળતો સવાલ જિગર પૂછે એ પહેલાં જ અરૂણે આગળ કહ્યું : ‘...ધવન સાહેબનું ખૂન થઈ ગયું છે ? !’

‘શું ? !’ જિગરના મોઢેથી આંચકા અને આઘાતભર્યો આ શબ્દો સરી પડયા : ‘...કેવી રીતના ? !’

‘...ખબર નથી, પણ હમણાં થોડીક વાર પહેલાં સબ ઈન્સ્પેકટર બાજવાનો ફોન હતો.’ અરૂણે કહ્યું : ‘એમણે આપણાં આખાય સ્ટાફને અહીં રોકી રાખવાનું કહ્યું છે. બસ, તેઓ હમણાં આવવા જ જોઈએ.’

અને અરૂણનું આ વાકય પૂરું થયું, ત્યાં જ જિગરની નજર મેઈન ડૉરમાંથી અંદર આવી રહેલા સબ ઈન્સ્પેકટર બાજવા પર પડી.

જિગરના હૃદયે કંપ અનુભવ્યો.

પડછંદ સબ ઈન્સ્પેકટર બાજવાની સાથે પોલીસ કૉન્સ્ટેબલ શિવન પણ અંદર આવ્યો.

‘...મેં હમણાં ફોન પર વાત કરી એ અરૂણ કોણ છે ?’ સબ ઈન્સ્પેકટર બાજવાએ જિગર અને એની આસપાસના ટેબલ પર બેઠેલા સ્ટાફ પર નજર દોડાવતાં સીધું જ પૂછયું.

‘...હું છું, સાહેબ !’ કહેતાં અરૂણ ઊભો થયો.

‘...બધાંને અહીં જ બોલાવી લો.’ બાજવાએ હુકમ આપ્યો.

અરૂણે આખાય સ્ટાફને બોલાવી લીધો.

આખો સ્ટાફ ચુપચાપ સબ ઈન્સ્પેકટર બાજવા સામે જોતો ઊભો રહ્યો.

બાજવાએ બધાં પર એક નજર ફેરવતાં કહ્યું : ‘મલ્ટીપ્લેક્ષ થિયેટર ‘ગોલ્ડન આઈ’માંથી મિસ્ટર ધવનની લાશ મળી આવી છે. કોઈએ એમનું ગળું ભીંસીને, એમની હત્યા કરી છે.’

સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે હમણાં જ ચકકર ખાઈને જમીન પર ઢળી પડશે.

તે મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં હતો ત્યારે, તેને જાગતી હાલતમાં તે ધવનનું ગળું ભીંસીને ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય દેખાયું હતું અને..., અને લગભગ એવી જ રીતના ધવનનું ખૂન થઈ ગયું હતું ! ! !

‘શું તમારામાંથી કોઈ કહી શકશે કે, ધવનને કોઈની સાથે એવી જાની દુશ્મની હતી કે, એ વ્યક્તિ ધવનનું ખૂન કરવાની હદ સુધી જઈ શકે ? !’ બાજવાનો આ સવાલ સંભળાયો, એટલે મનના વિચારોને રોકી દેતાં, મનના વિચારોની અસર ચહેરા પર ડોકાઈ ન જાય એની તકેદારી રાખતાં જિગરે પોતાનો ચહેરો કોરો-સાવ ભાવ વિનાનો કરી નાંખ્યો.

‘ના, સાહેબ !’ કોઈ કંઈ બોલ્યું નહિ, એટલે જાણે અરૂણે જ બધાં વતી બાજવાના સવાલનો જવાબ આપ્યો : ‘અમે તો અહીં જૉબ કરીએ એટલે અમે સાહેબને ઓળખીએ અને સવારથી સાંજ સુધી એમની સાથે કામ પૂરતી જ વાત થાય. બાકી એમને બહાર કોની સાથે દોસ્તી છે ? અને કોની સાથે દુશ્મની હોઈ શકે ? એ વિશે અમને તો કંઈ ખબર નથી.’

‘હં !’ અને બાજવાએ વારાફરતી બધાંના ચહેરા પર પોતાની નજરને પળ-બે પળ માટે ઠેરવીને પછી આગળ વધારવા માંડી.

બાજવાની નજર ફરતી-ફરતી જિગરના ચહેરા પર પહોંચી.

જિગરે પ્રયત્નપૂર્વક પોતાનો કોરો ચહેરો જાળવી રાખ્યો.

જિગરના ચહેરા પરથી બાજવાની નજર ઊઠીને પાછી અરૂણના ચહેરા પર પહોંચી. એેણે અરૂણને ધવનને લગતા કેટલાંક સવાલો પૂછયા. અરૂણ જે અને જેટલું જાણતો હતો, એ પ્રમાણે તેણે જવાબો આપ્યા.

બાજવાને જાણે પોતાની પૂછપરછથી સંતોષ થયો હોય એમ એ પોતાના સાથી કૉન્સ્ટેબલ શિવનને લઈને મેઈન ડૉરની બહાર નીકળી ગયો.

આખો સ્ટાફ જેમનો તેમ ઊભો રહ્યો.

ગઈકાલ સાંજ સુધી મેનેજર ધવન તેમની સાથે જીવતા-જાગતા કામ કરતા હતા, અને આજે તેઓ હંમેશ-હંમેશ માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

અરૂણે પરદેશ ગયેલા કંપનીના માલિક સાથે ફોન પર વાત કરી. મેનેજર ધવનના દુઃખદ સમાચાર આપ્યા અને પછી અમુક સૂચનાઓ મેળવીને તેણે ફોન કટ્‌ કર્યો.

‘બૉસ સાથે વાત થઈ. એમણે દિલગીરી વ્યકત કરી છે, અને આજે રજા રાખવાની સૂચના આપી છે.’ અરૂણે નિશ્વાસ નાંખતાં આખાય સ્ટાફને કહ્યું : ‘ધવન સાહેબનું શબ પોસ્ટમોર્ટમમાંથી આવશે એટલે અંતિમસંસ્કાર માટે હું તમને બધાંને ફોન કરીશ. આપણે બધાં સ્મશાને જ મળીશું.’

કોઈ ‘હા !’ના એક શબ્દ સાથે તો કોઈ હકારમાં ફકત ગરદન હલાવીને છૂટું પડયું.

જિગર પણ ચુપચાપ બહાર નીકળ્યો.

ધવનના આ રીતના મોતથી જિગરને જ સહુથી વધારે આઘાત અને આંચકો લાગ્યો હતો. અને એનું કારણ પણ હતું.

ધવન મોતને ભેટયો, એની થોડીક વાર પહેલાં એને જોનાર તેે જ છેલ્લો માણસ હતો....

અને ધવનનું ખૂન લગભગ કેવી રીતના થયું ? ! એ દીવાસ્વપ્નની જેમ જોનાર પણ એકમાત્ર માણસ તે જ હતો ! ! !

દૃ દૃ દૃ

સાંજના સાડા છ વાગ્યે જિગર સ્મશાને પહોંચ્યો, ત્યારે કંપનીનો લગભગ સ્ટાફ આવી ચૂકયો હતો અને ધવનના શબને અંતિમસંસ્કાર માટે ચિતા પર મૂકી દેવામાં આવ્યું હતું.

જિગર અરૂણની બાજુમાં જઈને ઊભો રહ્યો.

મેનેજર ધવને લગ્ન કર્યા નહોતા. એનું નજીકનું કોઈ સગું હતું નહિ. એના દૂરના ભત્રીજાએ એની ચિતાને અગ્નિદાહ આપ્યો.

થોડીક વાર પછી જિગર બધાં સાથે બહાર નીકળ્યો.

તેની મોટરસાઈકલ પાસે જ પોલીસની જીપ ઊભી હતી અને નજીકમાં બે પોલીસ કૉન્સ્ટેબલ ઊભા હતા. એમાંથી એક પોલીસ કૉન્સ્ટેબલ એ જ હતો, જે સવારના સબ ઈન્સ્પેકટર બાજવા સાથે ધવનના ખૂનને લગતી પૂછપરછ માટે તેની કંપનીમાં આવ્યો હતો.

‘મેનેજર ધવનના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી આ કેસ વધુ ગૂંચવાયો છે.’ સવારવાળા પોલીસ કૉન્સ્ટેબલ શિવને પોતાના સાથી કૉન્સ્ટેબલને કહ્યું : ‘ધવનનું ગળું ભીંસાવાથી એનું મોત થયું છે, પણ સમજમાં ન આવે એવી વાત એ છે કે, એના શરીરમાં જરાય લોહી નહોતું. એના ગળા પર કોઈએ જાણે પોતાના અણીદાર દાંત ખૂંપાવ્યા હોય એમ બે હોલ પડેલા છે. અને એટલે પહેલી નજરે એવું લાગે છે કે, જાણે ગળાના એ બે હોલમાંથી એના શરીરમાંનું બધું લોહી બહાર નીકળી ગયું હશે. પણ વળી પાછો કેસ અહીં વધુ ગૂંચવાય છે. જો ધવનના ગળાના એ બે હોલમાંથી લોહી બહાર વહી ગયું હોય તો એ લોહી ગયું કયાં ? ! ધવનની લાશ પાસેથી લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું નથી.’

જિગર માટે આ માહીતી ઓછી ચોંકાવનારી નહોતી.

તે પોતાની મોટરસાઈકલ પર બેઠો.

‘ગમે તેમ પણ એક વાત તો નકકી છે.’ કૉન્સ્ટેબલ શિવન બોલ્યો : ‘ખૂનીએ ભલે સાહેબને મૂંઝવવા માટે આ બધો ખેલ કર્યો હોય, પણ એ સાહેબના હાથમાંથી વધુ સમય સુધી બચી શકશે નહિ.’

જિગરે મોટરસાઈકલની કીક મારી અને ઘર તરફ મોટરસાઈકલ દોડાવી મૂકી.

દૃ દૃ દૃ

રાતના નવ વાગ્યા હતા. જિગરનો જમવાનો મૂડ નહોતો. તેણે ટી. વી. ચાલુ કર્યું, પણ ટી. વી.ના પ્રોગ્રામમાં પણ તેનું મન પરોવાયું નહિ. તેણે ટી. વી. બંધ કર્યું.

તેણે સોફાની પીઠ પર માથું ટેકવતાં આંખો મીંચી, ત્યાં જ તેના માથેથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથા પર જાણે એ પંખીએ પોતાની અણીદાર ચાંચ મારી હોય એમ લાગ્યું. અને..., અને ત્રીજી જ પળે જાણે કોઈ તેના માથા પર સવાર થઈ ગયું હોય એમ તેના માથા પર વજન-વજન લાગવા માંડયું.

જિગરે આંખો ખોલીને સીધા બેસી જતાં માથા પર હાથ ફેરવ્યો.

-માથા પર કંઈ નહોતું.

‘જિગર...!’ તેના માથા પરથી પેલી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘...હું આવી ગઈ ! !’

જિગરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને પછી બમણી ઝડપે ધડકવા માંડયું. તો...તો એ અદૃશ્ય યુવતી., એ બલા તેના માથા પર ફરી પાછી આવી ગઈ ! ! !

‘જિગર !’ તેના માથા પરથી એ અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘તું મેનેજર ધવનના મોતથી આટલો બધો દુઃખી-દુઃખી કેમ થઈ ગયો છે ? ! તારે તો ખુશ થવું જોઈએ, ઊછળી-ઊછળીને નાચવું-ગાવું જોઈએ કે એ તારી જિંદગીમાંથી હંમેશ-હંમેશ માટે ચાલ્યો ગયો. એ તને કેટલો બધો હેરાન....’

‘...એ...એ મને હેરાન કરતો હતો એનો મતલબ એવો થોડો છે કે, હું એના આવા કમોતથી ખુશ થાઉં !’ જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો.

‘તું ભલે ખુશ નથી થતો, પણ સાચું બોલ...,’ તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો સવાલ સંભળાયો : ‘....તારા મનમાં ધવનના મોતથી રાહત થઈ રહી છે ને !’

જિગરનું માથું જાણે ફાટવા માંડયું : ‘પ્લીઝ !’ તે કરગરતા અવાજે બોલ્યો : ‘તું મને નાહકના પરેશાન ન કર. ચાલી જા, અહીંથી !’

‘હું તને પરેશાન કરવા નહિ, પણ તને મદદ કરવા આવી છું, જિગર !’ તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘હું તારી દરેક ઈચ્છા, તારું દરેકે દરેક સપનું પૂરું કરી શકું છું.’

‘..એટલે...!’ જિગરે એ અદૃશ્ય યુવતીની અસલિયત પામવા માટે કહ્યું : ‘એટલે શું તું કોઈ મોટી જાદુગરની છે ? !’

‘હું અસલમાં કોણ છું, એ વાત જવા દે. એનાથી તને કોઈ ફાયદો નથી. અત્યારે આપણે તારા ફાયદાની વાત કરીએ.’ જિગરના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘મેં કહ્યું એમ, હું તારી દરેક ઈચ્છા પૂરી કરી શકું એમ છું. તું કહે તો હું ‘માહી’ને લાવીને તારા ઘરમાં બેસાડી શકું છું ? ! ’

‘શું ? !’ જિગરે આશ્ચર્ય અનુભવ્યું. આને...., આ અદૃશ્ય યુવતીને માહી વિશે કેવી રીતના ખબર ? ! અને એ તે વળી કેવી રીતના માહીને લાવીને મારા ઘરમાં બેસાડી શકે ? !

‘હું માહીને તારી દુલ્હન બનાવીને, એને વાજતે ગાજતે તારા ઘરમાં લાવી શકું છું.’ અદૃશ્ય શક્તિ બોલી : ‘એને તારી પત્ની, તારી જીવનસાથી બનાવી શકું છું !’

‘ના...!’ જિગરે નકારમાં ગરદન હલાવતાં કહ્યું : ‘...એ શકય જ નથી.’

‘...એ જોવાની કે એ વિશે ચિંતા કરવાની તારે જરૂર નથી.’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘હું માહીને તારી પત્ની બનાવી દઈશ.’

‘ખ...ખરેખર ? ! ?’ જિગરને વિશ્વાસ બેસતો નહોતો. અને વિશ્વાસ ન બેસે એવું કારણ પણ હતું !

‘હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ.’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો : ‘હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારું કામ કરી આપવું પડશે !’

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED