Pishachini - 1 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 1

પિશાચિની

એચ. એન. ગોલીબાર

(1)

ફૂલ સ્પીડમાં દોડી રહેલી જિગરની મોટરસાઈકલનું એન્જિન એકદમથી જ બંધ થઈ ગયું અને એક આંચકા સાથે મોટરસાઈકલ ઊભી રહી ગઈ. જિગરે મનોમન કંપનીના મેનેજર ધવનને એક ગાળ બકી અને ઝડપભેર મોટરસાઈકલને કીક મારી. મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. તેણે આસપાસમાં જોયું અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જમણી બાજુ ચાર પગલાં દૂર જ સ્મશાન..., સ્મશાનનો ઝાંપો હતો.

તેણે અફસોસ કર્યો. તેણે રાતના બાર વાગ્યાના આ સમયે, આસપાસમાં બિલકુલ વસ્તી વિનાના સ્મશાનવાળા આ રસ્તેથી નીકળવાની જરૂર નહોતી. પણ તેની કંપનીના મેનેજર ધવને આજે તેની પાસે એટલી કમરતોડ મહેનત કરાવી હતી અને તે એટલો બધો થાકયો હતો કે કયારેય નહિ અને આજે વહેલા ઘરભેગા થઈ જવા માટે તેણે સ્મશાનવાળા શોર્ટકટ પર મોટરસાઈકલ વાળી દીધી હતી.

હાઉંઉંઉંઉંઉંઉં...! સ્મશાનની અંદરથી ગૂંજેલા કૂતરાના રડવાના અવાજે તેના હૃદયનો એક ધબકારો ચૂકવી દીધો અને પછી હૃદય બમણી ઝડપે ધબકવા માંડયું. જિગરે આગળ-પાછળ નજર દોડાવી. રાતના, સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બન્ને બાજુ દૂર-દૂર સુધી પથરાયેલી સડક ભયાનક ભાસતી હતી.

જિગરે ફરી બે કીક મારી પણ મોટરસાઈકલે ચાલુ થવાનું નામ લીધું નહિ, એટલે તે મોટરસાઈકલ પરથી ઊતર્યો ને મોટરસાઈકલને હાથથી ધકેલીને ચાલતો આગળ વધ્યો. તે જમણી બાજુ આવેલા સ્મશાન તરફ જોવાનું ટાળી રહ્યો હતો. રાતના સ્મશાનમાં ભૂત-ભૂતાવળ જાગતી હતી, એવું તેણે કયાંક વાંચ્યું-સાંભળ્યું

હતું.

ફડ્‌-

ફડ્‌-

ફડ્‌-ફડ્‌..!

અચાનક

જ તેના માથેથી કંઈક પસાર થયું ગયું હોય એવું લાગતાં જ જિગરના મોઢેથી હળવી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ચહેરો અદ્ધર કરીને માથાની ઉપરના ભાગમાં જોયું.

ઉપર કંઈ દેખાયું નહિ. ઉપર આકાશમાં ખીલેલો પૂનમનો ચંદ્રમા તેના આ ગભરાટ પર મરક-મરક હસતો હોય એવું લાગ્યું. જિગરે આકાશ પરથી નજર પાછી વાળી અને જમણી બાજુના સ્મશાન તરફ નજર નાખવાનું ટાળતાં મોટરસાઈકલને આગળની તરફ ધકેલી. ‘કદાચ તેને માથા પરથી ચામાચીડિયા જેવું કોઈ પંખી-પ્રાણી પસાર થઈ ગયાનો ભ્રમ થયો હશે.’ જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા ઉપરથી ફડ્‌..ફડ્‌..ફડ્‌નો અવાજ સંભળાવાની સાથે જ તેના માથા પર ભાલા જેવી કોઈ અણીદાર વસ્તુ ભોંકાઈ હોય એવું લાગ્યું અને તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ફરી પોતાનું માથું ઊંચું કરીને ઉપર આકાશમાં નજર દોડાવી, પણ કંઈ દેખાયું નહિ.

આ વખતે તેને કોઈ ભ્રમ થયો નહોતો. તેના માથા ઉપરથી કોઈ મોટા પંખીનો પાંખો ફફડાવવાનો અવાજ તેને સંભળાયો હતો અને એ પંખીએ તેના માથા પર ચોકકસ પોતાની ચાંચ મારી હતી, પણ તો એ પંખી...કે એ જે કંઈ પણ હતું એ દેખાયું કેમ નહિ ? કે પછી પલક ઝપકતાં જ એ અદૃશ્ય થઈ ગયું હતું ? !

જિગરના ચહેરા પર ભયથી પરસેવો નીતરી આવ્યો. તેણે વધુ ઝડપે મોટરસાઈકલ આગળ ધકેલવા માંડી, ત્યાં જ તેને લાગ્યું કે, તેના માથે કોઈ આવીને બેસી ગયું છે. મોટરસાઈકલને શરીરને ટેકે જ ઊભી રાખી દેતાં તેણે માથા પર હાથ ફેરવ્યો. કંઈ નહોતું. પણ તો તેને માથે વજન શાનું વર્તાઈ રહ્યું હતું ? !

તેણે જોયું તો સ્મશાન પાછળ છૂટી ગયું હતું અને તે ચાર રસ્તા પર પહોંચી ચૂકયો હતો.

તેણે ડાબી તરફ મોટરસાઈકલ વળાવીને આગળ ધકેલી. અહીંથી તેનું ઘર દોઢેક કિલોમીટર જેટલું દૂર હતું, પણ હવે તેના મનમાંનો ભય ઓછો થયો હતો. આ મેઈન રસ્તા પર હવે વાહનોની થોડી-ઘણી અવર-જવર ચાલુ હતી.

તેની પાસે પાછળથી એક મોટરસાઈકલ આવીને ઊભી રહી. એની પર બે લવરમૂછિયા છોકરા સવાર હતા.

‘શું થયું, સાહેબ ? !’ આગળ બેઠેલા છોકરાએ મોટરસાઈકલ પરથી ઉતરતાં જિગરને પૂછયું.

‘ખબર નથી,’ જિગરે કહ્યું : ‘એકદમથી જ બંધ થઈ ગઈ !’

‘લાવો, હું બાઈકનો મિકેનિક છું.’ એ છોકરો બોલ્યો : ‘હું જોઈ આપું.’ અને એેણે જિગરના હાથમાંથી મોટરસાઈકલ લીધી ને એક કીક મારી. અને જિગરની નવાઈ વચ્ચે મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.

‘....ચાલુ તો છે !’ મિકેનિક બોલ્યો.

‘મેં તો ઘણી કીકો મારેલી પણ...’

‘...પેટ્રોલમાં કચરો આવી જાય તો આવું બને છે.’ અને મિકેનિકે જિગરને મોટરસાઈકલ પકડાવી અને પાછો પોતાની મોટરસાઈકલ પર સવાર થયો.

‘..કંઈ પૈસા..? !’ જિગરે સવાલ અધૂરો છોડયો.

‘આમાં શું પૈસા લેવાના, સાહેબ ?’ કહીને મિકેનિકે મોટરસાઈકલ દોડાવી મૂકી.

જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને તેણે ઘર તરફ આગળ વધારી, ત્યારે તેના મગજમાં સવાલો દોડવા માંડયા. ‘સ્મશાન પાસે મોટરસાઈકલ અચાનક બંધ થઈ ગઈ હતી, મેં ઘણી કીકો મારી પણ મોટરસાઈકલ ચાલુ થઈ નહિ અને હું સ્મશાનથી દૂર પહોંચ્યો ને પેલા મિકેનિકથી એક જ કીકમાં મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.

‘શું આ જોગાનુજોગ હતો !

‘શું એ મિકેનિકના કહેવા મુજબ જ પેટ્રોલમાં કચરો આવી ગયો હતો ને આવું બન્યું હતું ?

‘કે આની પાછળ કંઈક બીજું જ કારણ હતું ? !

‘પણ એ બીજું કારણ તો વળી શું હોઈ શકે ? !’ આવા સવાલોમાં અટવાતો જિગર ઘરે પહોંચ્યો, ત્યારે પણ તેના માથા પર વજન-વજન વર્તાતું હતું.

તેણે પોતાના ઘરનું તાળું ખોલ્યું. તે એક રૂમ અને રસોડાના મકાનમાં રહેતો હતો. આ મકાન તેના પિતાએ જ ખરીદેલું. મિલમાં કામ કરતા તેના પિતાનું ટી. બી.માં મોત થયું હતું એ પછી તેની ‘મા’એ તેને ઉછેર્યો હતો. પણ તે અઢાર વરસનો થયો ત્યારે તેની મા મરણ પામી હતી. એ પછી, પાછલા સાત વરસથી તે આ મકાનમાં એકલો રહેતો હતો.

તેનું નજીકનું કે દૂરનું કોઈ સગું-વહાલું નહોતું. તે હજુ કુંવારો હતો ને એક કૉમ્પ્યુટરની કંપનીમાં જૉબ કરતો હતો. તેને મહિનાનો સાત હજાર પગાર મળતો હતો, એનાથી તેનો ગુજારો ચાલી જતો હતો, પણ તે એનાથી ખુશ નહોતો. તે એક મોટો માણસ, ખૂબ જ માલદાર માણસ બનવા માગતો હતો. તે બંગલામાં રહેવા ઈચ્છતો હતો, મોંઘી-લકઝરી કારમાં ફરવા માગતો હતો. દુનિયાભરના દેશોમાં ઘુમવા માગતો હતો. દુનિયાના દરેકે-દરેક મોજ-શોખ કરવા માગતો હતો.

પણ તેની આ ઈચ્છા પૂરી થવાના કોઈ અણસાર દેખાતા નહોતા. ચાર વરસની નોકરીમાં માંડ એક હજારનો પગાર વધારો થયો હતો અને એમાંય મેનેજર ધવનને તેની સાથે શી ખબર કયા જન્મની દુશ્મની હતી કે વાતે-વાતે તેની ભૂલો કાઢીને તેને ખખડાવતો રહેતો હતો. મેનેજર ધવન તેને હેરાન-પરેશાન કરવાની કોઈ તક ચૂકતો નહોતો. આજે પણ ધવને સાંજના નીકળવાના સમયે તેની પર વધારાનું કામ થોપી દીધું હતું અને એટલે જ તેને ઑફિસેથી નીકળવામાં રાતના બાર વાગી ગયા હતા અને એના કારણે એ કેટલો બધો હેરાન થઈ ગયો હતો ? જો એ મોટરસાઈકલનો મિકેનિક મળી ગયો ન હોત તો હજુ તે મોટરસાઈકલને ધકેલતો રસ્તા પર જ હોત.

એક નિસાસો નાંખતા તે રૂમના ખૂણામાં પડેલા પલંગ પર લેટયો. હજુ પણ તેનું માથું ભારે-ભારે લાગતું હતું. તેણે આંખો મીંચી અને થોડી વારમાં જ ઊંઘમાં સરી ગયો.

દૃ દૃ દૃ

સવારના તેની આંખ ખૂલી અને સામેની દીવાલ ઘડિયાળ પર તેની નજર ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો. ‘ઓહ ! નવ વાગી ગયા ? ! એવો તો તે કેવો ઊંઘમાં હતો કે તેને એલાર્મ પણ સંભળાયું નહિ ?’ અને તેણે બાજુમાં પડેલા પોતાના પિતાના જમાનાના એલાર્મ ઘડિયાળ તરફ જોયું તો એમાં બરાબર સાત વાગ્યા હતા અને સાત વાગ્યા પર જ ઘડિયાળ બંધ પડેલું હતું.

તે ઊભો થયો અને દોડીને બાથરૂમમાં ઘૂસ્યો. તેનો ઑફિસનો ટાઈમ સાડા નવનો હતો અને ઑફિસનો રસ્તો જ પચીસ મિનિટનો હતો. નાહ્યા વિના જ કપડાં બદલીને તે બહાર નીકળ્યો. તેણે મોટરસાઈકલ ઑફિસ તરફ હંકારી અને ત્યારે....

....અને ત્યારે ફરી તેને એવું લાગ્યું કે, કોઈ વસ્તુ તેના માથા પર સવાર થયેલી છે !

દૃ દૃ દૃ

જિગરે પાર્કિંગમાં પોતાની મોટરસાઈકલ પાર્ક કરી અને ઝડપી ચાલે કંપનીના મેઈન દરવાજામાં દાખલ થઈને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો. તે પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ બાજુના ટેબલ પર બેઠેલા તેના સાથી કર્મચારી અરૂણે કહ્યું : ‘ધવન સાહેબે તું આવે કે તુરત તને અંદર બોલાવ્યો છે.’

‘હં !’ કહેતાં જિગર મેનેજર ધવનની કૅબિન તરફ આગળ વધી ગયો.

‘આવું, સર ?’ પૂછતાં જિગર ધવનની કૅબિનમાં દાખલ થયો.

‘હા.’ મેનેજર ધવને મોટી-મોટી આંખે જિગર સામે જોતાં કહ્યું : ‘પધારોને, સાહેબ !’

જિગર ચુપચાપ ઊભો રહ્યો.

‘...શું આ તમારો આવવાનો ટાઈમ છે ? !’

‘સૉરી, હું થોડોક મોડો...’

‘થોડોક મોડો...? !’ મેનેજર ધવન ચિલ્લાયો : ‘તમે પૂરા બે કલાક મોડા છો !’

‘બે કલાક મોડો...? !’ બોલતાં જિગરે સામેની દીવાલ ઘડિયાળમાં જોયું અને તેને જબરજસ્ત આંચકો લાગ્યો.

ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા હતા !

તેણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા અગિયાર વાગ્યા હતા.

પણ આવું કેવી રીતે બની શકે ?! તે ઊઠયો ત્યારે ઘડિયાળમાં નવ વાગ્યા હતા. તેણે ઘરેથી નીકળતાં પહેલાં એ ઘડિયાળમાં જોયું હતું તો એમાં નવ વાગ્યાને દસ મિનિટ થઈ હતી. ત્યાંથી નીકળીને તે મોટરસાઈકલ પર સીધો જ અહીં ઑફિસે આવ્યો હતો. રસ્તો પચીસ મિનિટનો હતો એ પ્રમાણે તે પાંચ મિનિટ મોડો પડે એમ હતો. બહુ બહુ તો દસ મિનિટ. પણ આ તો તે પૂરા બે કલાક મોડો હતો ! !

ઘરેથી અહીં પહોંચતાં સુધીની પસીસ મિનિટ ઉપરાંત વધારાના બે કલાક થવાનો સવાલ જ નહોતો ને ? પણ તો તે બે કલાક મોડો કેવી રીતના પડયો હતો ? !

‘જાવ, હવે....,’ મેનેજર ધવનનો અવાજ તેના કાને પડયો અને તે વિચારોમાંથી બહાર આવ્યો : ‘કાલે તમે મોડે સુધી રોકાયા છો તો આજે માફ કરી દઉં છું, પણ કાલથી ટાઈમસર આવી જજો.’

જિગર કંઈપણ બોલ્યા વિના કૅબિનની બહાર નીકળીને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો.

‘તે બે કલાક મોડો કેમ પડયો હતો ? !’ ફરી તેના મગજમાં હથોડાની જેમ સવાલ ઝીંકાયો અને આ વખતે તેના મગજમાં જવાબ જાગી ગયો. ‘નકકી તેના ઘરની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી પડી ગઈ હતી. અને એ કારણે જ એ ઘડિયાળમાં એ વખતે અગિયાર વાગવાને બદલે નવ જ વાગ્યા હતા. તે નિસાસો નાંખતા ખુરશી પર બેઠો અને કામે વળગ્યો.

દૃ દૃ દૃ

જિગરના માથે વજન-વજન લાગતું હતું. જેમ-તેમ તેણે સાંજના છ વગાડયા અને ઑફિસમાંથી નીકળીને મોટરસાઈકલ પર સીધો ઘરે પહોંચ્યો. તે પલંગ પર લેટયો, ત્યાં જ તેની નજર સામેની દીવાલ ઘડિયાળ પર પડી.

એમાં સાડા છ વાગ્યા હતા.

તે ઘડિયાળ પરથી નજર હટાવવા ગયો, ત્યાં જ તેને સવારની-ઑફિસે મોડા પહોંચ્યાની ઘટના યાદ આવી ગઈ અને તે એકદમથી બેઠો થઈ ગયો.

દીવાલ ઘડિયાળ પરથી નજર હટાવીને તેણે કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા છ વાગ્યા હતા.

‘મતલબ કે, સામેની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી નહિ, પણ સમયસર હતી !

‘સવારના તે આ દીવાલ ઘડિયાળ પર નવ ને ઉપર દસ મિનિટ થતી જોઈને જ ઑફિસે જવા નીકળ્યો હતો અને ઑફિસે બે કલાક મોડો પડયો હતો !

‘તે ઘરેથી સીધો જ ઑફિસે પહોંચ્યો હતો, રસ્તામાં કયાંય રોકાયો નહોતો પછી વચ્ચેનો બે કલાકનો સમય ગયો કયાં ? !

‘તેણે દુનિયામાં ઘણી-બધી વસ્તુઓ ગૂમ થયાની વાતો વાંચી-સાંભળી હતી. પણ આ તો ઘરેથી ઑફિસે પહોંચવાની વચ્ચેનો તેનો બે કલાકનો સમય જ ગાયબ થઈ ગયો હતો !

‘આવું તે કેવી રીતના બની શકે ?’ તેણે જોરથી માથું ઝટકયું અને એ સાથે જ તેના કાને કોઈ યુવતીનો ખિલ-ખિલ હસવાનો અવાજ પડયો ને તે સફાળો ઊભો થઈ ગયો. ‘ક..ક...કોણ છે ?’ પૂછતાં તેણે રૂમમાં નજર ફેરવી.

-રૂમમાં કોઈ નહોતું !

તે રસોડામાં દોડી ગયો.

-રસોડામાંય કોઈ નહોતું !

તેણે બાથરૂમમાં જોયું. બાથરૂમ પણ ખાલી હતું.

‘શું તેને કોઈ યુવતી હસી હોવાનો ભ્રમ થયો હતો ?’ વિચારતાં તે સોફા પાસે પહોંચ્યો, ત્યાં જ તેના કાને યુવતીનો ધીરો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો : ‘હું તારા માથે બેઠી છું, જિગર !’

અને જિગરે ચોંકીને પોતાના માથે હાથ ફેરવ્યો.

-માથા પર કંઈ નહોતું.

ફરી એ યુવતીનો હસવાનો અવાજ સંભળાયો.

જિગર અરીસા સામેે દોડી ગયો અને અરીસામાં જોઈ રહ્યો.

-અરીસામાં દેખાતા તેના માથા પર કંઈ નહોતું.

‘લે, હું તને આમ થોડી દેખાઈશ ? !’ જિગરના કાને એ યુવતીનો અવાજ પડયો અને આ વખતે અચાનક જ જિગરની નજર સામે બાબા ઓમકારનાથનો ચહેરો તરવરી ઊઠયો, અને એ સાથે જ તે કાંપી ઊઠયો-ખળભળી ઊઠયો. એ વખતે બાબા ઓમકારનાથે તેને આપેલી ચેતવણી અત્યારે તેના કાનમાં ફરી અક્ષરશઃ ગૂંજી ઊઠી : ‘‘તું માને છે, એવો હું ઢોંગી નથી અને જુઠ્ઠો પણ નથી. હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !’’

અને જિગરના ચહેરા પર પરસેવો આવી ગયો. ‘તો....તો શું એ વખતે તેનાથી રૂઠીને-તેના પર કોપીને ગયેલા બાબા ઓમકારનાથની ચેતવણી સાચી પડી હતી...? !

‘....શું બાબા ઓમકારનાથ કહીને ગયા હતા એ ભયાનક બલા અત્યારે ખરેખર જ તેના માથા પર સવાર થઈ ચૂકી હતી ? ! ? !’

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED