shivpuja - dskshinna mandirma books and stories free download online pdf in Gujarati

શિવપૂજા- દક્ષિણનાં મંદિરમાં

બેંગલોરમાં મંદિરમાં પૂજાનો એક અલગ અનુભવ મળ્યો.

ગુરુવારે સાંજે અમે અહીં ગાયત્રી અને શિવમંદિરે ગયેલાં. શ્રાદ્ધ પૂરાં થતાં હોઈ શ્રીમતીએ સારી રકમ ત્યાં સીધાં પેટે આપીએ એમ પૂજા પેટે લખાવી કેમ કે અહીં લોટ, ઘી વગેરે સ્વીકારાતું નથી. રિસીટ આપવા સાથે મંદિરના કર્મચારીએ કહ્યું કે કાલે સવારે 8.30 વાગે તમારે નામે અભિષેક થશે તો અમે હાજર રહી શકીએ છીએ. પૂજા, અભિષેક માટે મારૂં નામ, ગોત્ર, રાશિ અને નક્ષત્ર પણ પુછાયું. મેં કુંભ રાશિ અને ઘનિષ્ઠા નક્ષત્ર કહ્યાં જે રિસીટમાં લખાયાં.

બીજે દિવસે સવારે સાડાઆઠે મંદિર પહોંચ્યો. ગુજરાતમાં પૂજા એટલે શિવલિંગ પાસે બેસાડી આપણી પાસે અભિષેક કરાવે અને આરતી ઉતારાવે, લાલ નાડાછડી બાંધે. અહીં સાવ જુદો અનુભવ હતો.

ત્યાં ત્રણ ભગવાનો છે. ગણેશજી, ગાયત્રી માતા અને શિવજી. ત્રણે માટે અલગ અલગ લોકોએ લખાવેલું. પહેલાં ગણેશજી અને પછી ગાયત્રી માટે પૂજાની લાઈન કરાવી. એ પછી કહેવાયું કે જેમના નામે પૂજા હતી તે શિવજીના રુદ્રાભિષેક વાળા લાઈનમાં ઉભી જાય. સાતેક કુટુંબો ઊભાં. ગુજરાતી હું એકલો, પત્ની વગર પણ હું જ. સવારે શ્રીમતીની ઘરમાં કામ હોય.

પૂજારીઓ દક્ષિણી સ્ત્રીઓ પહેરે તેવી સિલ્કની સાડી જેવું , સોનેરી બોર્ડર વાળું વસ્ત્ર વીંટી ઉભા રહ્યા. મુખ્ય પુજારીએ લાલ , એકે લીલું અને એકે ગુલાબી વસ્ત્ર વીંટેલું. બધાને બેય બાવડે અને કપાળે ત્રણ આડી લીટીની સફેદ અર્ચા કરેલી હતી.

આરતી શરૂ થઈ. મીણબત્તીની સાઈઝની જાડી 21 વાટ એક કાંસા કે ચાંદીની થાળીમાં પ્રગટાવી પૂજારીએ શિવલિંગ સમક્ષ ફેરવવી શરૂ કરી. અહીં તેમ જ અગાઉ બીજા બે ભગવાનની આરતીમાં પ્રથમ મુખ સામે, પછી ડાબે, જમણે, વચ્ચે એમ ફેરવતા જઈ ચરણો સમક્ષ અને પછી લંબગોળ આકારે ઉપરથી નીચે ફેરવી. 21 વાટની થાળી પકડવા કોઈ હેન્ડલ ન હતું. આંગળી ઉપર કોઈ મોટાં બીલીપત્ર જેવું પાન રાખી આંગળીઓથી જ થાળી પકડેલી તેથી ગરમ થવા સાથે હાથ દાઝે નહીં.

એ સાથે બે વ્યક્તિઓએ, એક ઉભો ઢોલ અને બીજા નગારૂં વગાડવા લાગ્યા જે બન્ને, ઢોલ અને નગારાંની ઊંચાઈ આપણા પગ જેટલી, અઢી ફૂટ જેવી હતી. વગાડવાની લાકડી આગળથી હુક જેવી વળેલી અને કાળી, પાછળથી વારનીશકરેલી દાંડીઓ હતી. કાળી કદાચ રબર ચડાવ્યું હોઈ હતી. એ ઉપરથી શીંગડાં જેવી દેખાતી હતી. લાકડીનો વગાડવાનો ભાગ અંદરથી પોલો હતો જે પાછળથી મેં પૂછ્યું એટલે કહેવાયું.

એક પૂજારી તાંબા કે કાંસાની થાળી પર એવી જ સહેજ નાની હથોડીથી ઘંટારવ કરતા હતા.

ઢોલ અને નગારાંનો અવાજ ઘણો મોટો અને ગુજરાતમાં હોય એથી અલગ હતો.

એ પછી મોટી થાળીમાં કાચની ઊંધા ફાનસ જેવી દીવીમાં ભડકા જેવો અગ્નિ લઈ લખાવ્યું હોય કે નહીં, આખી લાઈનમાં ફર્યા. લોકોએ પૈસા મુકયા.

હવે પુજારીએ મોટો જાડો,આપણા બાવડાં જેટલો જાડો અને પાંચેક ફૂટનો સફેદ, ગુલાબી, પીળાં અને ભુરાં જાંબલી ફુલોનો હાર ભગવાનને ચડાવી ફેલાવ્યો. બીજા બે હાર, એક ગુલાબનો અને બીજો ગલગોટાનો ચડાવ્યો. આખી ફૂલ ભરેલી થાળી સાથે અભિષેક કરાવવાનો હોય તેમની રિસીટ લેવા આવ્યા. હવે પહેલી રિસીટ લઈ તેમનું નામ, ગોત્ર, નક્ષત્ર વ. બોલી ફૂલો એક ખોબામાં ભરી એક પછી એક ચડાવ્યાં. પંચામૃત કે દહીંનો અને પછી પાણીનો અભિષેક કર્યો. બીજા નંબરે 'અથ સુનીલ અંજારીયા, ગાંગ્યાનસ ગોત્ર, ઘનિષ્ઠા નક્ષત્રે … સર્વ આધિ વ્યાધિ.. શમનાર્થે, કુટુંબ કલ્યાણાર્થ.. કરીશ્યામિ..' કહી પૂજા કરી. મારે બહાર જ ઉભવાનું હતું.

આજુબાજુના કન્નડ લોકોનાં ગોત્રનાં નામ પણ ગુજરાતમાં ન સાંભળ્યાં હોય તેવાં હતાં. મારી પાછળનાં યુગલનું શિવ ગોત્ર હતું. મારા સિવાયના બધા પુરુષો સોનેરી બોર્ડરવાળી સફેદ લૂંગી જેને કદાચ વેષ્ટી કહે છે તેમાં હતા. હું ખાખી પેન્ટમાં!

અભિષેક પછી એ જ શિવાષ્ટકમ બોલાયું. ટકોરી વગાડી આરતી હવે શરૂ થઈ. એ સાથે પૂજારી મૂર્તિ ફરતે અને જગ્યાએ ગોળ ફરવા લાગ્યા એ સાથે અમારે અમારી જગ્યાએ ઊભાંઊભાં સાત વખત ગોળ ફરવાનું હતું. એ પછી ટોકરી બંધ થઈ એટલે સહુએ સહેજ ત્રાંસા સુઈને શિવલિંગ તરફ માથું આવે તેમ સાષ્ટાંગ પ્રણામ કરવાનાં હતાં. તે પછી અમે ઉભા થઇ પૂજારી પાસે ગયા. અમારે માથે ચાંદીનો ઊંધો મુગટ મૂકી સંસ્કૃતમાં જ આશીર્વાદ આપ્યા અને એક થેલીમાં શ્રીફળની બે ફાડ, થોડાં ફૂલ, આઈસ્ક્રીમ કપ જેવી એક એક પ્લાસ્ટિકની વાટકીમાં જળ અને કેળું નાખેલી ખીર જેવો પ્રસાદ અપાયો.

અહીં નાડાછડી જેવું કોઈ બાંધતુ નથી. ભસ્મનું તિલક જ કરે છે.

રિસીટ લખનારા ભાઈ સાથે અંગ્રેજીમાં વાત કરી જાણ્યું કે કોરોના વગર પણ આ જ રીતે પૂજા કરાવાય છે. નાડાછડી વિશે તેમણે પણ મારી પાસેથી જાણ્યું.

સાવ અલગ રીતની પૂજા હોઈ સહુ સાથે શેર કરું છું.

ઓમ નમઃ શિવાય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED